‘દરિયાલાલ’ : ગુણવંરાય આચાર્ય
લેખકનો પરિચય : નામ : ગુણવંતરાય પોપટભાઈ આચાર્ય જન્મ : ૯ સપ્ટેમ્બર ૧૯૦૦ – અવસાન : ૨૫ નવેમ્બર ૧૯૬૫ વતન : જામનગર સાહિત્યિક પ્રદાન : સવાસો જેટલી નવલકથા, વીસ જેટલી વાર્તા ને અન્ય પચાસેક પુસ્તકો. ઇનામ : રણજિતરામ સુવર્ણચંદ્રક ગુણવંરાય આચાર્યકૃત ‘દરિયાલાલ’ નવલકથા. પ્રથમ આવૃત્તિ : ૧૯૩૮, પ્રકાશન વર્ષ : એપ્રિલ, ૨૦૦૪, નકલની સંખ્યા : ૭૫૦, પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય ગુલામી સામેની જેહાદનું અપૂર્વ રોમાંચક નિરૂપણ કરતી નવલકથા ‘દરિયાલાલ’. ‘દરિયાલાલ’ એ વતનથી દૂર આફ્રિકામાં માનવીમાં ભાઈચારાનો ઝંડો ફરકાવતા અને ગુલામી જેવી અમાનુષી પ્રથા સામે બંડ પોકારતા સાહસિકોની અને વિશેષ કરીને ઉચ્ચ આદર્શ માટે જીવસટોસટનાં સાહસો ખેડનાર રામજીની કથા છે. ‘દરિયાલાલ’માં દરિયાઈ અને સાહસોનાં તત્ત્વો છે. ચાંચિયા, પ્રાદેશિક આધિપત્ય માટે ઝૂઝતા અંગ્રેજો અને આરબો, જંગલી ગેંડા અને પાડા, આફ્રિકાના અંતરિયાળમાં વસ્તી માનવભક્ષી જનજાતિઓ અને એમના રક્તપિપાસુ દેવ મંબોજબો, એ અંધારા ખંડનું સંશોધન કરવા ફરતા પાર્ક અને ડંકર્ક જેવા સાગરખેડુઓ વગેરે.. નવલકથાની શરૂઆત ખૂબ રોચક રીતે થાય છે. રામજીભા ગુલામો તથા ચોકિયાતોને સાંકળે બાંધીને જંગલમાંથી પસાર થાય છે, ત્યાં અચાનક જંગલી ગેંડો તેમના પર હુમલો કરે છે અને આ હુમલામાં તેમના ઓગણીસ ગુલામો તેમનો જીવ ગુમાવે છે. માત્ર એક કે જે બધાના નીચે દટાઈ જવાના કારણે બચી જાય છે. પરંતુ જ્યારે તેને હાડકા નીચેથી બહાર કાઢવામાં આવે છે ત્યારે તેની મનોસ્થિતિ સારી રહેતી નથી. તે ગાંડો થઈ જાય છે અને ગેંડા જેવો અવાજ કરીને ત્યાંથી ભાગે છે. પોતાની સામે ગુલામોની આવી દયનીય હાલત જોઈ તેમના મુખી રામજીભાનું હૃદય પરિવર્તન થાય છે. દુઃખી રામજીભા વેરણછેરણ થયેલા માંસના ટુકડા અને હાડકાંના કકડા એકઠાં કરી તેના અગ્નિસંસ્કાર કરે છે. હવે તે ગુલામીની પ્રથા નાબૂદ કરવાની પ્રતિજ્ઞા લે છે. બધા તેની આ પ્રતિજ્ઞા પર હસે છે પરંતુ શિવજીની પેઢીના વહીવટકર્તા લધાજી તેને ઘણે ઠેકાણે મદદ કરે છે. ચૈત્રી પૂનમના દિવસે દરિયાનાં ખારાં પાણીમાં જેની મીઠી રોટી છે તે તમામ કાંઠે જાય છે. હાથમાં એક નારિયેળ લઈને વહાણના મોરા ઉપર નારિયેળ વધેરીને દરિયાલાલના ખોળામાં નાખે, દરિયા ઉપર કંકુ છાંટે, દરિયાની પૂજા કરે અને પાછે પગલે વિદાય લે. સાગરખેડુઓેને માટે નીમ-અગિયારસનું ખૂબ મહત્ત્વ હતું. નીમ અગિયારસ એ તેમના માટે મહાપર્વ હતો. તે દિવસે આખા વર્ષમાં કરવાના શુભ કાર્યના તથા જિંદગીના રસમાં બદલવાના માણસ વ્રત લે, પુણ્ય કાર્ય કરવાનો નિર્ધાર કરે, વેપારીઓ પોતાના માણસોને બોણી આપે, ભોજન કરાવે. રામજીભા આ દિવસે જંગબારમાંથી ગુલામોની જડને નાબૂદ કરવાનો સંકલ્પ કરે છે. મંબોજબોમાં સ્ત્રોત્સવ નિમિત્તે જાતભાતની ચિત્ર-વિચિત્ર ગતિએ જાત્રાળુઓ એ વનવાટ કાપી આવતા. કોઈ પેટ ઘસાતું ઘસાતું આવે. કોઈ વાળ વધારી આવતું, તો કોઈ વાળ ઉતારીને આવતું. કોઈએ નખ વધાર્યા હતા, તો કોઈએ જીવતા નખ ઊતરાવ્યા હતા. પાપીની સજામાં મૃત્યુ બાદ દોજખ થવાના જેટલા પ્રકારની ભયભરી કલ્પના કલ્પી શકે, એટલા પ્રકારની આ જીવતા જગતમાં મુશ્કેલી વેઠીને, દેવાધિદેવની ચરણરજમાંથી અભય મેળવવા શ્રદ્ધાળુલોક આવતું. તત્કાલીન સમાજનો પહેરવેશ પણ વિશિષ્ટ હતો. જેમકે ડાકુર મુલકના હોટનોટ લોકો કડી પહેરતા. એ કાં તો કાનમાં પહેરે અથવા નાકમાં. સ્ત્રીઓ હોઠ વીંધાવીને એમાં મોટી કડીઓ પહેરતી. લોકો માથાની વચમાં વાળને અંબોડે બાંધતા હાથમાં મોટો ભાલો અને ખભે ધનુષની કામઠી લઈને ફરતા. ડાકુર એ આફ્રિકાનું હૃદય હતું. એ વહેમ, અજ્ઞાન, ઝનૂન અને એકાંતિક નશાથી ધબકતું હતું. આફ્રિકાના મૂળ વતનીઓને અસંસ્કારી અને જંગલી તરીકે ઓળખવામાં આવતા હતા, પરંતુ જે એમને જંગલી કહે છે તેઓ જાણતા નથી કે જંગલની પણ અનોખી સંસ્કૃતિ હોય છે. જંગલી વતનીઓના સંસ્કાર મંબોજંબોની સ્ત્રીઓમાં મૂર્ત થયા હતા, જે ‘દેવની દીકરી’ તરીકે ઓળખાતી. જે રામ શિવજીની પેઢીના દરેક વ્યક્તિ, એમાં પણ ખાસ કરીને રામજીભા અને લધાભા દીકરી અને વહુ બંનેને લક્ષ્મી ગણે છે. તેમના દેશની દીકરી રૂખીને ચાંચિયાઓએ કેદ કરી હતી તે બધા મૃત્યુના ભય વિના અને તેમાં પણ રામજીભા આગેવાન બને છે અને રૂખીને બચાવી લે છે. આમ, રામજીભા આફ્રિકાને ગુલામીમાંથી મુક્ત કરવાનું લીધેલું વ્રત સાહસપૂર્ણ રીતે પાર પાડે છે અને આફ્રિકાને ગુલામીમાંથી મુક્ત કરે છે. તે સ્વાર્થી ન હતો. તેણે મહામહેનતે અંગ્રેજી પ્રવાસી ડંકર્કને શોધ્યો હતો અને તેના બદલાવમાં લધભા પાસે જેરામ શિવજીની પેઢીમાં આઠ હજાર જેટલા ગુલામોને મુક્ત કરાવે છે. તો નવલકથાના અંતમાં પણ તેણે સુલતાન પાસે પોતાના માટે કંઈ ન માંગ્યું અને પોતાના વ્રતને સફળ બનાવવા જંગબારના બધા ગુલામોને મુક્ત કરવા તથા હવે ગુલામીનો વેપાર ન કરવાનું કહે છે. ટૂંકમાં કહીએ તો ગુજરાતને ગૌરવ બક્ષે અને નવી પેઢીને પ્રેમ-શૌર્યના રંગથી રંગી દે તથા તત્કાલીન સમાજ અને સંસ્કૃતિનો સઘન પરિચય કરાવે તેવી કૃતિ છે ‘દરિયાલાલ’. ‘દરિયાલાલ’માં લેખકે ગુલામીની પ્રથાની નાબૂદીનું પ્રયોજન તાક્યું છે, અને રામજીને એ પ્રયોજન સિદ્ધ કરવા માટે જ લેખકે સર્જ્યો હોય તેવી છાપ પડે છે. એના પ્રયત્નોમાં અવરોધ આવે તો પણ એ સફળ થશે જ એની વાચકને ખાતરી હોય છે. આફ્રિકાનાં જંગલમાં ત્યાંની પ્રથાના મંબોજંબો દેવ સમક્ષ રામજીનો બલિ ધરવાની ઘટના બને છે અને એને ડરાવવા ત્યાંના વતનીઓ ભયંકર રમતો-પ્રયોગો કરે છે ત્યારે પણ રામજી અવિચલ રહે છે. એને આ આફતમાંથી મુક્તિ મળવાની ગળાલગ ખાતરી હોય તેવો તેનો વર્તાવ જણાય છે. (ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, ગ્રંથ ૪માંથી) ‘દરિયાલાલ’માં આપણને દરિયાઈ જીવન વિશે અપેક્ષા હોય છે, પણ ઘટનાનાં સ્થળ મુખ્યત્વે આફ્રિકાનાં જંગલો બને છે. એ જંગલોનાં વર્ણન ચિત્રા-લેખનમાં તેમની શક્તિ સારી એવી ખીલી ઊઠી છે. નવલકથા જનસમૂહને આકર્ષી રાખનાર કોઈ તત્ત્વ હોય તો તે કથારસ છે.
ચાર્મી અક્ષયકુમાર જોષી
B.A., M.A., Ph.D. (Running)
મો. ૯૮૭૯૮૨૪૦૮૬
Email: joshicharmi૨૨@gmail.com