નવલકથાપરિચયકોશ/અસ્તી

Revision as of 18:21, 24 December 2023 by Meghdhanu (talk | contribs) (added pic)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૪૯

‘અસ્તિ’ : શ્રીકાન્ત શાહ

– વિજય સોની
Asti Book Cover.jpg

શ્રીકાન્ત શાહ (જન્મ -૨૯/૧૨/૧૯૩૬– મૃત્યુ ૨૦/૧/૨૦૨૦) ‘અસ્તિ’ નવલકથાની પ્રથમ આવૃત્તિ ૧૯૬૬ અને દ્વિતીય આવૃત્તિ ૨૦૦૬માં આદર્શ પ્રકાશન દ્વારા પ્રકાશિત થઈ છે. માનસશાસ્ત્રના પ્રોફેસર શ્રીકાન્ત શાહની નવલકથા ‘અસ્તિ’નું ગુજરાતી સાહિત્યમાં અસ્તિત્વવાદી-પ્રયોગશીલ નવલકથા તરીકેનું મહત્ત્વનું સ્થાન છે. શ્રીકાન્ત શાહે બે નવલકથા, બે કાવ્યસંગ્રહ અને પાંચ નાટ્યસંગ્રહ અને એક ફૂલ લેન્થ પ્લે લખ્યું છે. ‘અસ્તિ’ પરંપરાગત નવલકથાના આદિ, મધ્ય અને અંતવાળા ઢાંચાને અનુસરતી નથી. રસપ્રદ વાત એ છે કે આ નવલકથા દીર્ઘ-ઇ અને હ્રસ્વ-ઉ ની રીતે અને સાર્થ જોડણીકોશની રીતે એમ બંને રીતે લખાઈને પ્રગટ થઈ છે. એક સ્પેનિશ શબ્દ છે ‘આપરાતોદસ’ (apartados) જેનો સહિત્યિક અર્થ થાય છે નાના નાના પેરામાં લખાયેલી ટેક્સ્ટ. ‘અસ્તિ’ નવલકથાની સમગ્ર ટેક્સ્ટ પણ ટૂંકા પેરામાં લખાઈ છે. નાયક-કથક સાથે નવલકથામાં બીજું કોઈ પાત્ર સીધું સંવાદમાં આવતું નથી એટલે આ સોલીલોકવી (soliloquy) છે એવું કહી શકાય. ‘અસ્તિ’ના કન્ટેન્ટ વિશે લખવું હોય તો એની રચનારીતિને, એના ફૉર્મને સમજવું જોઈએ. ઘટનાઓના ક્રમાંકની રીતે જોઈએ તો નવલકથામાં ખાસ કશું બનતું નથી. નાયકની અંતરચેતનામાં વહેતા વિશૃંખલ વિચારો અહીં-તહીં વેરાયા છે. નવલકથામાં આપણે હમેંશાં જેની ડિમાન્ડ કરતા હોઈએ છીએ, એવી સિંગલ ઇફેક્ટ કે ઓર્ગેનિક યુનિટી નિપજી આવતી નથી પણ એ આ કૃતિની વિશેષતા છે એમ ગણવું જોઈએ. નવ્ય વિવેચન કહે છે, એમ કૃતિની બહાર રહીને કૃતિની તપાસ ન થવી જોઈએ. નાયક ‘તે’ ને બહારના વિશ્વ સાથે વિખૂટાપણું, હેતુ શૂન્યતાની તીવ્રતમ અનુભૂતિ થાય છે. વર્ષો પહેલાં એક મુવી આવ્યું છે જુમાન્જી. જેમાં વાર્તાની શરૂઆત કંઈક એવી રીતે થાય છે કે એક બાળક એક બોક્ષ (લાઇક પેંડોરા-બોક્ષ) ખોલીને બેસે છે અને દૃશ્યો ખૂલી જાય છે જેને એ સ્પર્શે એ સજીવન થઈ ઊઠે અને વાર્તા એની ગતિમાં ચાલવા લાગે, અહીં પ્રોટેગ્નિસ્ટ ‘તે’ (સર્વજ્ઞ કથક) કૃતિના આરંભમાં ગલીના વળાંક પાસેથી પસાર થઈને ઊભો રહે છે અને એનામાંથી વહી નીકળે છે એક વૃક્ષ, એક આકાશ, એક આખી સદી અને બચપણના ગૂંજામા સંઘરી રાખેલો એક નાગો પુગો સૂર્ય... આમ આ બધું સજીવન થઈને ચલાયમાન થઈ જાય છે. એક પછી એક દૃશ્યો, સ્મૃતિઓ અને કલ્પન-પ્રતીકોથી છલકતું વિછિન્ન વિશ્વ ઊગી નીકળે છે ‘તે’ના જીવનમાં છૂટૂં છવાયું જે કંઈ બન્યા કરે છે એનો લીનીયર વે (linear way)માં આલેખન કરવાને બદલે લેખકે કેટલાક ઇંગિતો, તો વળી કેટલાક ક્લ્યુઝ (clues) મૂકીને ભાવકની ચેતનાને એક્સરસાઇઝ સોંપી છે. અહીં પ્રોટેગ્નિસ્ટ ‘તે’ને બધું ડીસ્ટીંક્ટ (વિલક્ષણ રીતે) દેખાય છે. એકાદ બે ઉદાહરણ જોઈએ – ‘ખૂણે સંતાઈ ઊભા રહીને ચા પીતા માણસના હોઠ પર એક વેશ્યાનું ડીંટી વગરનું લચી પડેલું સ્તન દેખાયું’ ‘કોચવાને ઉગામેલી ચાબૂકમાં એને મૃત્યુ પામેલી પત્નીની છાતી ઉપરનો દૂઝતો ડાઘ દેખાયો’ મૃત પત્નીને પોતે આપેલી મનો-શરીરી યાતના એની આંખ સમક્ષ ઊભરી આવે છે. નવલકથામાં મુખ્ય પાત્રનો આંતરિક વિકાસ થવો જોઈએ એવું આપણે માનતા હોઈએ તો અહીં એવું બનતું હોય એવું નથી લાગતું. પરિસ્થિતિને જોયા કરીને પ્રોટેગ્નિસ્ટ પોતાનું દૃષ્ટિબિંદુ રજૂ કર્યે જાય છે. ૫૦૦૦ શબ્દો અને ૯૦ પેજીસમાં લખાયેલી આ નવલકથાની માંડણી, રચના રીતિ, ભાષા બધું જ કંઈક અંશે જુદું છે. દૃશ્ય-કલ્પનોથી ખચિત આ નોવેલને લિરિકલ નોવેલની કક્ષામાં મૂકી શકાય એવી છે. નાયકની આંતરચેતના સતત પ્રવાહિત રહે છે અને દૃશ્યોમાં પ્રાણ ફૂંકાતો રહે છે. ‘અતિ સંવિત્તિ એ અપરાધ હોય તો નવલકથાના નાયકે એ અપરાધ કર્યો છે.’ નાયકના કેટલાક એક્સટ્રીમલી જજમેન્ટલ અથવા આત્યંતિક વિધાનો આપણને ખૂંચે છે ઉદાહરણ તરીકે – ‘માણસોએ શા માટે જીવવું જોઈએ એનું કારણ, હેતુ આ આખી પરિસ્થિતિમાં દેખાતાં ન હતાં. આ આખી કરામત કોઈ જંગલી નાગા પુગા છોકરાએ કોઈને બીવરાવવા પથ્થર-દોરીની રમત જેવી અહેતુક હતી. શંખના વાંઝીયા પોલાણમાં ગૂંચળું વળીને મૃત્યુ પામેલી ગોકળગાયના પોલા શરીર જેવું સર્વત્ર બોદાપણું અહીં વર્તાતું હતું’ ‘સૂર્ય, મંદિરના મલિન થઈ ગયેલા કળશ પર આવીને બેસે છે, એની પાંખો ફફડાવે છે પછી પડછાયાનું તંગ ઈંડું એના પર મૂકે છે. એ ઈંડું એક દિવસ સેવાશે અને એમાંથી લથડિયાં ખાતું ભવિષ્ય પુનઃજીવિત થશે.’ નાયકનાં વિચારો સામે એન્કાઉન્ટર કરી શકે એવું કોઈ પાત્ર નથી એટલે આ soliloquy એકાંગી લાગે છે. પણ એનો તંતુ નાયકની વિલક્ષણ આંતર-સૃષ્ટિમાં છે અને એ ‘અસ્તિ’ના ફોર્મની પાયાની રચનાવિષયક અનિવાર્યતામાં છે. જેને માટે ચંદ્રકાન્ત ટોપીવાળા કહે છે કે ‘આ નવલકથાની પિકાસીયન્સ ચિત્રમાલા એક જ ઢાંચાળી અભિવ્યક્તિ, ત્રાસ કરે છે.’ ભગવતીકુમાર શર્મા આ નવલકથાને ‘મૂલ્ય ધ્વંસ માટેનું સાહિત્યિક બહારવટિયું’ કહે છે. નવલકથાનાં બીજાં કેટલાંક ઉદાહરણ જોઈએ – ‘તે શરીરને ફંગોળી દઈ આંખો બંધ કરે છે. એની પહોળી નાસિકામાંથી થોડા અંધકારના ચોરસ દેડકાઓ ફૂટપાથના લીસ્સા પથ્થર પર વેરાઈ જાય છે.’ (ચોરસ દેડકાઓ?) તમે કોઈ ચિત્ર જુઓ અને એ જાણે વર્ચ્યુઅલ થ્રિ-ડી હોય, તમે એના માટેનાં ચોક્કસ ચશ્માં પહેર્યાં હોય અને એ દૃશ્યને તમે આંગળી વડે સ્પર્શવા જાવ અને આખું દૃશ્ય જીવંત થઈને મૂવમેન્ટ કરવા લાગે એમ પ્રોટેગ્નિસ્ટ ‘તે’ના સ્પર્શથી દૃશ્યો ગતિમાન થાય છે અને આપણી સમક્ષ કલ્પનો વડે રસાયેલી અદ્‌ભુત સૃષ્ટિ ખૂલી જાય છે. લંગડી છોકરી, શીળીના ડાઘવાળો ડૉક્ટર, ચીપડાવાળો ચીનો, પીળી ફિતવાળી છોકરી, બંગાળી સ્ત્રી... એવાં કેટલાંય પાત્રોની અસંગત દુનિયાને સ્પર્શીને લેખક આપણી સમક્ષ જીવતી કરી આપે છે. નવલકથામાં વેરવિખેર અસ્તિત્વવાદી વિચાર-કણો છે જે સપાટ વિધાન (સ્ટેટમેન્ટ્‌સ) જેવા લાગે છે. નાયકની અંધારી મનો-સૃષ્ટિમાં વિચારો ચામાચીડિયાની જેમ અહીં-તહીં ભટક્યા કરે છે, ફરી જન્મે છે, ઊંધા લટકે છે, નાયક પાસે આસપાસની દુનિયાને જોવાની વિલક્ષણ દૃષ્ટિ છે એમાં અસ્તિત્વવાદી દર્શન ભળીને, કાલવીને વિશિષ્ટ દ્રાવણ તૈયાર થાય છે. એ દૃષ્ટિ ક્રૂર રીતે ડીસ્ટિંક્ટ છે. (સુમન શાહ નોંધે છે કે “આ નવલકથાને આકાર પ્રાપ્ત નહીં થવા પાછળ કેટલીસ્ટનો અભાવ છે. એને કારણે આખી કૃતિ કોઈ ચોક્કસ અનુભૂતિનું total objective correlative બની શકે એવું બન્યું નથી.”) અહીં સંવેદન છે... વેદન છે અને આપણી સંવેદનબધિરતા સામે પ્રશ્નો પણ છે. લોકોના મરણની ઝંખના છે. આપણી અભિશપ્ત અનાથાવસ્થા સામે સૂકો બળવો છે. નવલકથાની શરૂઆતમાં નાયક ગલીના વળાંક પર નીકળે છે અને રસ્તામાં જે કંઈ જુએ છે એ સાક્ષી ભાવે જોયેલાં દૃશ્યો, એમાં ઉમેરાતાં કલ્પન, વિશૃંખલ ગોઠવાઈ ગયેલા વિચાર-કણોનું કેલીડોસ્કોપીક ચિત્ર અને એની જુદી જુદી પેટર્ન, વાંચનને અંતે આપણને ક્ષુબ્ધ કરી મૂકે છે. જેમ કે... ઉદાહરણ રૂપે કેટલાંક વાક્યો... “દીવાલની પોપડીને નખ મારીને ઉખાડેલી જગ્યાએ કાટ ખાઈ ગયેલી રાજકુમારી ચોંટાડી દે છે.” “તેઓના અસ્તિત્વનું કશું મૂલ્ય નથી, તેમના ઘૃણાસ્પદ જીવનની મૃત્યુ સિવાય કોઈ મુક્તિ નથી.” ‘તે’નું માનવ સ્થિતિ વિશેનું દર્શન નીચેની પંક્તિઓમાં વ્યક્ત થયું છે. ‘તેઓ બધા જ બેહૂદા અને કૃત્રિમ છે.’ ‘તેઓ બધા જ સુખના, સહાનુભૂતિના, પ્રેમના કવચ નીચે જીવવા મથતા કાચબાઓ છે.’ ‘તેઓ બધા જ અર્ધમૃત, અશક્ત અને વિશ્વાસ ગુમાવી બેઠેલા એકકોષી જીવો છે.’ ‘તેઓનાં મકાનના લાંબા થતા પડછાયાઓ તેમના હૃદયના અગોચર ખૂણામાં પેસી જઈને એમને ભયભીત બનાવી મૂકે છે.’ ‘તેઓ ઢસડાય છે, ગડથોલિયાં ખાય છે, ચીસો પાડે છે, નાસભાગ કરે છે અને અંતે એમનાં અત્યંત થાક ભરેલા શરીરો ઘરોમાં, શેરીમાં અને હૉસ્પિટલોમાં ફસડાઈ પડે છે ત્યારે વૃદ્ધ સૂર્યનો ચરબીથી લચી પડેલો શ્વાન પડછાયા ચાટતો તેમનાં ગળગળા ઘરાંમાં આવીને તેમની ખાલી પડેલી જગ્યામાં ભરાઈ બેસે છે.’ ‘અસ્તિ’ નવલકથાનું વિષયવસ્તુ વેરવિખેર છે. વાંચતાં થકાન અનુભવાય એવી મોનોગ્રાફીક પેટર્ન છે, જેવી રીતે એકાંગી જીવન જીવવાનો થાક લાગે છે. કોઈ પણ પાત્રને જીવન અર્થહીન લાગ્યું કે નિર્ભ્રાન્તિ અનુભવાઈ એ લેખકે પાત્રના વર્તનની તરાહો, ભાષા અને વસ્તુ-સંકલનાથી વ્યક્ત કરવું પડે. અહીં નવલકથાકાર વિધાનો વડે આપણને એમ મનાવવા આગ્રહ કરે છે. પોતાની હેતુશૂન્યતા-વિખૂટાપણાથી લાચાર, અસહાય નાયકને કોઈ કલ્યાણકારી માર્ગ દેખાતો નથી, એ વેદનાશીલ બૌદ્ધિકની જેમ વિદ્રોહ અને માનવજાતના સામૂહિક સંહારમાં એનો ઇલાજ જુએ છે. મનુષ્યની સ્થિતિ માટેનો રોષ-તિરસ્કાર મનુષ્ય માટેનો બની જાય એટલી હદે એ વિકૃત અને મરણને વાંચ્છનારો બની જાય છે. પણ મારા મતે આ દર્શનનું અને જીવનનું કન્ફ્રન્ટેશન્સ (confrontation) નથી, આ ‘તે’નું જિવાતું જીવન છે જેનું નવલકથાકારે નિરૂપણ કર્યું છે. શરીફાબેન વીજળીવાળા એમના એક લેખમાં કહે છે, ‘શ્રીકાન્ત શાહે કૃતિમાં એક સ્થળે એમ કહ્યું છે ‘તૃણની અવ્યવસ્થિત રચના એ એક માળો હતો તે તેને તે દિવસે સમજાયું’ ધારો કે ‘અસ્તિ’ને સમજવા માટે આ વિધાનને ચાવી રૂપ ગણીએ તો પણ અહીં ક્યાંય માળો નથી દેખાતો’ આમ ભિન્ન ભિન્ન અભિપ્રાયોથી રસાયેલી આ કૃતિ જે તે સમયે સર્જાતા સાહિત્ય ધારા-પ્રવાહનો અણસારો આપે છે. શ્રી સુમન શાહે (‘ચંદ્રકાંત બક્ષીથી ફેરો’ કવિતામાં નવલકથા-‘અસ્તી’) અને શરીફાબેન વીજળીવાળાએ (‘અસ્તિત્વવાદી ધારા અને ગુજરાતી નવલકથા’) આ નવલકથા વિશે લખ્યું છે. અભ્યાસીઓને એ જોઈ લેવા વિનંતી.

વિજય સોની
૭, આશીર્વાદ ચેમ્બર, સાંકડી શેરી, માણેકચોક, અમદાવાદ-૧
વાર્તાકાર
મો. ૯૯૨૪૩૭૯૨૦૯
Email: vsoni517@gmail.com