નવલકથાપરિચયકોશ/કાચંડો અને દર્પણ

Revision as of 15:42, 29 December 2023 by Meghdhanu (talk | contribs) (Added Book Cover)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૧૧૫

‘કાચંડો અને દર્પણ’ : બાબુ સુથાર

– જયેશ ભોગાયતા
Kachando ane darpan.jpg

નવલકથાનું નામ : કાચંડો અને દર્પણ નવલકથાસર્જક : બાબુ કોયાભાઈ સુથાર પ્રથમ આવૃત્તિ : ‘કાચંડો અને દર્પણ’ નવલકથા ‘ગદ્યપર્વ’ દ્વિમાસિકના નવલકથા વિશેષાંક સ્વરૂપે પ્રગટ થઈ હતી. ‘ગદ્યપર્વ’ના અંકનું વર્ષ : ૪, અંક ૧-૨, સળંગ અંક ૧૯-૨૦. મે-જુલાઈ ૧૯૯૧, તંત્રી : ભરત નાયક મુખપૃષ્ઠ તેમજ અન્ય રેખાંકનો, મોનોટાઇપ, નલિની મલાની. પ્રકાશક : ગીતા નાયક, ૧૨, ચેતન-એ, રાજાવાડી રોડ, ઘાટકોપર (પૂર્વ) મુંબઈ ૪૦૦૦૭૭ પૃષ્ઠ સંખ્યા : ૬૩ તંત્રીનું નિવેદન : કાચંડો અને દર્પણ : નવલકથા આપણી ભાવયિત્રી પ્રતિભાને પડકારરૂપ બનશે. આ નવલકથા અમારે માટે પણ મુદ્રણકળાની દૃષ્ટિએ પડકાર રૂપ હતી. આથી ચોથા વર્ષનો પ્રસ્તુત અંક પહેલો અને બીજો એમ સંયુક્ત અંક તરીકે અનિવાર્ય બન્યો છે. નવલકથાકારનું નિવેદન : નિવેદન ગુજરાતી નવલકથાલેખનની વિડંબના છે. કથાલેખનની પરંપરાનો છેદ ઉડાવે છે. વાચકની જડ રુચિને પોષ્યા કરતી ચીલાચાલુ નવલકથાલેખન પદ્ધતિની વિડંબનાનો સૂર આઘાતક છે. વાચક-ચેતના પર પ્રહાર છે. નવલકથાલેખન માટેનાં ઘટકતત્ત્વોની પણ વિડંબના છે. ઘટકતત્ત્વનો હ્રાસ કરીને વિશૃંખલ, વેરવિખેર કથાસર્જન તરફ જવાનો આગ્રહ છે. આદિ, મધ્ય અને અંતની ચીલાચાલુ પદ્ધતિથી મુક્ત થવાનો આગ્રહ છે. મારી દૃષ્ટિએ સર્જન અને ભાવન વિશેનાં સર્વમાન્ય ગૃહીતોથી મુક્ત નવલકથાલેખનનો અનુઆધુનિક નમૂનો, જેને Meta-Fiction સંજ્ઞા આપી છે.. સુરેશ હ. જોષીએ ‘છિન્નપત્ર’ અને ‘મરણોત્તર’ નવલકથાના સર્જન વડે પરંપરાગત નવલકથાલેખનથી વિચ્છેદ સાધ્યો હતો. તેમાં પણ નવલકથાનાં બદ્ધ ઘટકતત્ત્વોનું પુનઃસર્જન હતું. પરંતુ ભાવકપ્રતિભા માટે રસાનુભવનો અવકાશ ત્યાં છે. જીવનના મૂળાધાર સમાન પ્રેમતત્ત્વની નૂતન મીમાંસા છે. તેથી પાત્રોની સંવેદનાઓના આકારને ભાવક પામે છે. નવલકથાકારનો પરિચય : બાબુ સુથાર જન્મ : ૧૯૫૫, વતન : ભરોડી (તા. વિરપુર, જિ. મહિસાગર). અભ્યાસ : પીએચ.ડી. (ભાષાવિજ્ઞાન, યુનિવર્સિટી ઑફ પેન્સિલવેનિયા, ફિલાડેલ્ફિયા), એમ. એ. ABD (all but dissertation કેવળ કોર્સ વર્ક) (સિનેમા સ્ટડીઝ, મીડિયા, યુનિવર્સિટી ઑફ પેન્સિલવેનિયા, ફિલાડેલ્ફિયા), એમ. એ. (ભાષાવિજ્ઞાન, એમ. એસ. યુનિ., વડોદરા), એમ. એ. (ગુજરાતી, એમ.એસ. યુનિ. વડોદરા). વ્યવસાય : શરૂઆત ટેલિફોન ઓપરેટરથી. પછી ગુજરાતી વિષયના અધ્યાપક (આદિવાસી આટ્ર્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ, સંતરામપુર, મણિબેન નાણાંવટી કૉલેજ, વિલેપાર્લે, મુંબઈ). ત્યાર પછી સમાચારપત્રોમાં (આરંભે ‘ગુજરાત સમાચાર’ પછી ‘સંદેશ’ સબ-એડિટર અને ચીફ સબ-એડિટર). ત્યાર પછી ભાષાવિજ્ઞાનના અધ્યાપક (એમ. એસ. યુનિ.), પછી ગુજરાતી ભાષાના અધ્યાપક (યુનિવર્સિટી ઑફ પેન્સિલવેનિયા). Spring ૨૦૧૪માં યુનિવર્સિટી ઑફ પેન્સિલવેનિયાએ ગુજરાતી વિષય બંધ કર્યો. ત્યારથી અનએમ્લોય્ડ. સર્જન : પાંચ નવલકથાઓ (કાચંડો અને દર્પણ, વળગાડ, વાક્યકથા, શ્રીમદ્ કાગડા પચ્ચીસી અને નિદ્રાવિયોગ), પાંચ કાવ્યસંગ્રહો (સાપફેરા, નદીચાલીસા, ગુરુજાપ અને માંલ્લું, વિષા મહોત્સવ અને ઘરઝુરાપો). બે વિવેચન સંગ્રહો (ચોતરેથી અને ઘણ ઊઠાવ). એક અનુવાદ (ઈશ્વરનો સંતાપ, ફ્રેંચ કવિ આલાંબોસ્કની એક દીર્ઘકવિતાનો અનુવાદ). આશરે વીસેક વાર્તાઓ (સંગ્રહ બાકી), વીસેક નિબંધો (સંગ્રહ બાકી), બસો જેટલી કવિતાઓના અનુવાદો (સંગ્રહ બાકી), વીસેક વાર્તાઓના અનુવાદો (સંગ્રહ બાકી), અને પાંચેક સાંસ્કૃતિક વિશ્લેષણનાં લખાણો (જેમકે : ચાલવું, ચલાવવું – યુએસ-૧ હાઈવેનું વિશ્લેષણ – ચાલીસ પાનાં, સંગ્રહ બાકી). આ ઉપરાંત ભાષાવિજ્ઞાન પરનાં અને સિનેમા પરનાં લખાણો જુદાં. શોખ : વાંચવું, લખવું, ફિલ્મો જોવી. પુસ્તકો વસાવવાં. ફિલ્મો વસાવવી. ૧૯૯૭માં અમેરિકા આવ્યો ત્યારે માઉસ પકડતાં ડરતો હતો. મને એમ કે ક્યાંક શૉક લાગશે તો? કુટુંબમાં પત્ની અને એક પુત્ર. નવલકથાની મુદ્રણકળા : તંત્રીએ નોંધ્યું છે તેમ નવલકથાની મુદ્રણકળા પડકારરૂપ છે. અહીં ગુજરાતી અને અંગ્રેજી ભાષા, ક્યાંક ચિત્રો છે. નવલકથાલેખકે તંત્રીએ સૂચવેલા અનેક સુધારા પણ નવલકથાનો ભાગ છે. અંગ્રેજી ભાષાનાં અવતરણો, ક્યાંક અંગ્રેજી કાવ્ય, ને તેની સમાંતરે તો એકબીજાને છેદતી ગુજરાતી ભાષામાં લખેલો પાઠ (text) ‘પાઠ’ સંજ્ઞાની નવી વિભાવના દર્શાવતી મુદ્રણકળા નવલકથાલેખનનો જ અવિભાજ્ય અંશ છે. મુદ્રણકળાનો અનુભવ જાતે લઈએ તો જ એની કાર્યસાધકતાનો પરિચય થશે. નવલકથાકારે પ્રસ્તાવનામાં નોંધ્યું છે તેમ ઈશ્વરથી શરૂ કરીને લેખક, કૃતિ અને વાચકના મરણનો પાઠ રજૂ કરતી આ નવલકથા પરંપરાગત મુદ્રણકળાનો પણ હ્રાસ કરે છે. ગુજરાતી નવલકથા પરિચયકોશમાં અધિકરણલેખન માટે મેં સૂચવેલ માળખું અહીં સંપૂર્ણપણે અમલમાં મૂકી શકાય તેમ નથી. નવલકથા પોતે જ જાણે કે સૂચિત માળખાનો હ્રાસ કરે છે. નવલકથાકારે અને તંત્રીએ પણ જ્યાં જ્યાં નવલકથા શબ્દ છે ત્યાં ત્યાં તેના પર ચોકડી કે છેકો માર્યો છે. તેથી નવલકથા સંજ્ઞાનો પણ હ્રાસ છે. જે કંઈક નિશ્ચિત છે, સર્વવ્યાપી અને સર્વમાન્ય છે તે બધાં કેન્દ્રોનો હ્રાસ છે. અનુઆધુનિકતાનું પાયાનું લક્ષણ તે કેન્દ્રનું વિઘટન એ જ વિઘટન નવલકથા સંજ્ઞાનું! નવલકથાની સામગ્રી અને નવલકથાની લેખનરીતિ : એક શિષ્ટ મુદ્રણકળા અને મુદ્રણરીતિ તેમ જ કથાસામગ્રીના મૂળ પાઠને અન્ય પાઠો સાથે જોડીને રચેલી નવલકથાનું સળંગ વાચન ભાવકચિત્ત પર ઊંડી અસર પાડે છે. સ્થિર ભાવચેતનાને ક્ષુબ્ધ કરે, અસ્વસ્થ કરે ને સાથે સાથે સ્ત્રીપુરુષ, લેખન, ઈશ્વર અને ભાષા વિશેના માન્ય ખ્યાલોનું વિઘટન કરે તેવી અભિનવ સર્જકદૃષ્ટિ નવલકથા સંજ્ઞાનું જ વિઘટન કરે છે. નવલકથામાં ત્રણ કથનકેન્દ્રનો પ્રયોગ છે. પહેલું કથનકેન્દ્ર સર્વજ્ઞકથકનું જે કથાના પુરુષ પાત્રની કથા રજૂ કરે છે. બીજું કથનકેન્દ્ર સ્ત્રીનું – સ્ત્રી હું તરીકે પોતાની કથા કહે છે. ને ત્રીજું પાત્ર તે નવલકથા દરેક પાત્ર ઉપર મૂકેલા વિવિધ વિષયોનાં અવતરણો. સાહિત્ય, ભાષાવિજ્ઞાન, ફિલસૂફી, વિજ્ઞાન, ગણિતશાસ્ત્ર, અર્થઘટનશાસ્ત્ર, આંતરકૃતિત્વ, સંરચનાવાદ, મેટાફર, અને આધુનિક પેઇન્ટિંગ્સ, ઉદાહરણ તરીકે પાન નંબર ૨૬ ઉપર, ‘chameleon એટલે કે કાચંડો અને પાન નંબર ૨૮ ઉપર Mir-ror (mirror) એટલે કે દર્પણના શબ્દાર્થ આપ્યા છે જે શબ્દાર્થ નવલકથાનું શીર્ષક છે. ‘કાચંડો અને દર્પણ’ શબ્દાર્થમાં કાચંડાનું શરીર અને તેનાં અંગોની વિશિષ્ટ ચેષ્ટાઓ વર્ણવી છે. તેવી જ ચેષ્ટાઓ નવલકથાનો કાચંડો કરે છે. એ જ રીતે દર્પણનો જે શબ્દાર્થ છે તેમાં દર્પણની બનાવટ અને તેની પ્રતિબિંબ આપવાની શક્તિ વિશે માહિતી છે. તેવી રીતે નવલકથામાં પ્રતિબિંબો પડે છે. પરંતુ કથાના પુરુષપાત્રની સંવેદનાઓ, આવેગો અને પીડાઓને કારણે કાચંડો અને દર્પણ તેના કોશગત શબ્દાર્થને ગુમાવે છે ને પાત્રચેતનાની અભિવ્યક્તિનાં પ્રતીકોમાં રૂપાંતર પામ્યાં છે. એ જ રીતે હરારીનું Masterbation-હસ્તમૈથુન વિશેનું અવતરણ કથાના પુરુષપાત્રની યૌનવૃત્તિને નવો અર્થ આપે છે. પ્રાકૃતિક અને પૂરક એમ કામવૃત્તિના સંતોષની બે રીતનું ચિંતન પામતી વિવશદશા સૂચવે છે. સ્ત્રી પાત્ર પણ પ્રેમીપુરુષ સાથે શારીરિક સંબંધથી કામવૃત્તિનો સંતોષ નથી ઇચ્છતી પરંતુ પ્રેમીપુરુષના લિંગનું વીર્યસ્ખલન થાય ત્યારે હાથમાં અનુભવાતા થડકાને જ પરમ સુખ માને છે. પુરુષપાત્ર પણ જમીન પર સૂતા સૂતા પોતાના કુલા ઉપર નીચે કરતો કરતો જ હાશ અનુભવે છે. નવલકથાના આરંભનું દૃશ્ય : ‘આંખ ઊઘડી તો ડાબે એક કાચંડો અને જમણે એક દર્પણ. વચ્ચે પોતે. બાળકની જેમ પાટલિયે પડેલો નાગોપૂગો.’ (પૃ. ૭) નવલકથાના અંતે ક્રમશઃ કાચંડો અને દર્પણ પુરુષપાત્રમાં પ્રસરી જાય છે. એનું ડાબું પડખું કાચંડો બની ગયો અને જમણું પડખું દર્પણ. પોતે બની ગયો કાચંડો અને પોતે બની ગયો દર્પણ. પુરુષપાત્રનું રૂપાંતર એ અંતની ઘટના દર્પણ અને કાચંડો તેની આંતરચેતનનાં કલ્પનો છે, તેવો અર્થ નિષ્પન્ન કરે છે. આરંભ અને અંતની ઘટના વચ્ચે પુરુષપાત્રની ક્રિયાઓ, સ્ત્રી પાત્રની યૌનવૃત્તિનાં આવેગો અને બંનેની ભાવસૃષ્ટિને પુષ્ટ કરતાં અવતરણોની સામગ્રી શરીરસુખ, સ્ત્રીપુરુષ સંબંધ, સ્ત્રીપાત્રની આક્રમક કામવૃત્તિ, ઈશ્વર, જગત અને ભાષા વિશેના સર્વમાન્ય અર્થોનું વિઘટન કર્યું છે. બધું જ વેરવિખેર, અસંબદ્ધ, ખંડિત, નીતિશૂન્ય, વિરૂપ, શ્રદ્ધા વગરનું અને પરાવાસ્તવિક છે તેવી અનુભૂતિ સર્જે છે ભાવકચેતનામાં. કાચંડાનાં પરાવાસ્તવિક વર્ણનો, દર્પણની પરાવાસ્તવિક માયાવી સપાટીનાં દૃશ્યો, સ્ત્રીપાત્રની જ્વાળામુખી ફાટવાની ઘટના પ્રત્યે આકર્ષાતી પ્રાકૃતિક કામવૃત્તિ. અસંખ્ય દર્પણ વચ્ચે નગ્ન ઊભી હોવાની અનુભૂતિ, પર્ચીફોનના શરીરની શોધ, પુરુષપાત્રનું કાચંડો-દર્પણ રૂપે વિગલન, પુરુષપાત્ર કાચંડો અને દર્પણની જુદા હોવાની સ્થિતિનો અંત. કાચંડો અને દર્પણ સર્જકની પ્રયુક્તિ છે. એ પ્રયુક્તિ વડે પુરુષપાત્રની પરાવાસ્તવિક સૃષ્ટિનાં રૂપોનું નિરૂપણ કર્યું છે. શરીર અને શરીરનાં અંગો તેમજ શરીરનાં અંગો અને શરીરનું સુખ વિશેની બાયોલૉજિકલ રચનાનું વિઘટન કરીને સર્જકે કામવૃત્તિની જંગલિયત, આક્રમકતા અને ક્રૂરતાને નિરૂપી છે. સમાજ, નીતિ, ધર્મમાન્ય ખ્યાલોની ભયાનક વિડંબના કરી છે. કથાલેખનની પેટર્ન તોડી છે તેમ પુરુષ સ્ત્રી અને માનવશરીરના નિશ્ચિત અવયવોનું વિઘટન કર્યું છે. ‘શરીર પીડાની આત્મકથા છે – કુકમથી’ આ પાન નંબર ૨૭ પરનું અવતરણ નવલકથાનો સૂર છે. નવલકથામાં પ્રયોજનપૂર્વક મૂકેલાં અવતરણો કથાના વિઘટનશીલ રૂપને સહાયક બને છે. એક ઉદાહરણ નોંધું : ‘લિપિ વાણીનો સ્મશાનઘાટ છે. વાણીની અંતિમ ક્રિયા તે લિપિ. લખવું એટલે નનામી બાંધવી. લખું છું – હું મારા સત્ની અંતિમક્રિયા કરું છું.’ (પૃ. ૩૪) આ ૩૪ પાન ઉપરનું લેખન સર્જકપ્રવેશ સૂચવે છે. એનો સંબંધ સ્ત્રીપુરુષની સંવેદના સાથે સંવાદી છે. નવલકથાના પાન નંબર ૩૩ ઉપર Shaykh Nefzawiની અંગ્રેજી કવિતા સ્ત્રીએ લાયબ્રેરીમાંથી વાંચી હતી. એ કવિતાનો સૂર સ્ત્રીપાત્રની કામવૃત્તિનું માધ્યમ છે. ૧૯૯૧માં પ્રકાશિત આ નવલકથાને આધુનિક કે અનુઆધુનિક એવી ચોક્કસ સ્વરૂપલક્ષી વિભાવનામાં બાંધવાને બદલે હું એને એક પાઠ તરીકે વાંચું છું. એ એક એવો પાઠ છે જેમાં પાઠની પરંપરાગત માન્યતાનો હ્રાસ છે. વિઘટન છે ને એ સમાંતરે અનેક પાઠોથી બનેલો પાઠ છે. જેનું વાચન ભાવકે ભાવકે જુદું રહેવાનું. મેં એક વાચક તરીકે પાઠનું વાચન કર્યું તો બીજો વાચક મારાથી જુદું વાચન કરી શકે. નવલકથાકાર પણ એવું જ ઇચ્છે છે કે એક કરતાં વધુ વાચનો થાય ને વાચનોનું વાચન કર્યા પછી વાચનની જુદી જુદી ભૂમિકાઓનો પરિચય થાય. ઈશ્વર, સર્જક અને ભાવક એ ત્રણેયના મૃત્યુની જાહેરાત પછી આ નવલકથાનું વાચન જ વાચનવ્યાપારની નિશ્ચિત અપેક્ષાઓ અને રીતોનું વિઘટન સૂચવે છે. નવલકથાના પ્રકાશન પછી તેની ઝાઝી સમીક્ષા નથી થઈ. ચંદ્રકાન્ત ટોપીવાળાએ ‘અનુઆધુનિકતાવાદ’ પુસ્તકમાં ગુજરાતી અનુઆધુનિક કૃતિઓની ચર્ચામાં ‘કાચંડો અને દર્પણ’ વિશે લખ્યું છે તેની નોંધ : ‘કાચંડો અને દર્પણ’ નવલકથા આંતરરાષ્ટ્રીય અનુઆધુનિકતાવાદની અભિજ્ઞતા સાથેની પૂરા અર્થમાં અનુઆધુનિક મિશ્રકૃતિ છે. એમાં બાજુમાં, નીચે, આસપાસ દેરિદા, લર્કાના પરિચ્છેદોથી માંડી ‘રીડર ડાયજેસ્ટ’ અને યુએનઆઈનાં અસંગત અને બિનજરૂરી લખાણોને સામેલ કર્યાં છે. પ્રિય વાચકને લખાયેલા પત્રથી માંડીને નવલકથાના અંતે નવલકથામાં બેધડક ઘુસાડી શકાય એવા સંવાદો અને પરિચ્છેદોના તથા નવલકથાના અંત માટેના વિકલ્પો અપાયેલા છે. ‘નવલકથા’ સંજ્ઞાને છેકીને આગળ વધતાં આ નવલકથા નવલકથાનાં તમામ સ્થાપિત ધોરણોથી બહાર જવા મથે છે. નામ અને વર્ણન વગરનાં પાત્રો, ક્રિયા-પ્રતિક્રિયા બતાવ્યા વગરના સંવાદો, અંત-આરંભ વગરનું કથાનક, તર્કક્રમથી મુક્ત ખંડો, દેશીનીતિના લીરેલીરા ઉડાડતા સ્ત્રીપુરુષનાં યૌન સાહચર્યો, વાસ્તવ, સ્વપ્ન, અને દિવાતરંગના ભુટ્ટાઓ, ઓગળવા મથતાં ને છતાં ઓગળી ન જતાં કઠોર રહી જતાં પ્રતીકો – આ બધું જ નવલકથાના પક્ષાઘાતીગ્રસ્ત નાયકની જેમ કોઈ ગતિ વગર હલનચલન કરે છે. અને ગતિનો આભાસ રચે છે. ‘કાચંડો અને દર્પણ’ નવલકથા એના અનુઆધુનિક અભિગમમાં સફળ વિડંબના કૃતિ છે.

સંદર્ભ : આધુનિક પાશ્ચાત્ય સાહિત્યવિચાર, ચંદ્રકાન્ત ટોપીવાળા, સં. હેમંત દવે, હર્ષવદન ત્રિવેદી. પાન નં. ૨૪૭, પ્ર. આ. ૨૦૧૬, પાર્શ્વ પબ્લિકેશન્સ, અમદાવાદ

પ્રો. ડૉ. જયેશ ભોગાયતા
નિવૃત્ત પ્રોફેસર અને અધ્યક્ષ
ગુજરાતી વિભાગ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑવ બરોડા, વડોદરા.
કવિ, વાર્તાકાર, વિવેચક, સંશોધક, સંપાદક. ‘તથાપિ’ ત્રૈમાસિકના સંપાદક.
મો. ૯૮૨૪૦૫૩૨૭૨ Email: tathapi૨૦૦૫@yahoo.com
વડોદરા