નવલકથાપરિચયકોશ/સોરઠ, તારાં વહેતાં પાણી

Revision as of 16:47, 29 December 2023 by Meghdhanu (talk | contribs) (Added Book Cover)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૨૩

‘સોરઠ તારાં વહેતાં પાણી’ : ઝવેરચંદ મેઘાણી

– ડૉ. ઇંદુ જોશી
Sorath.jpg

ઝવેરચંદ મેઘાણીનો જન્મ ૨૮, ઓગસ્ટ ૧૮૯૬માં ચોટીલામાં થયો હતો. પિતા કાઠિયાવાડ એજન્સીની પોલીસમાં નોકરી કરતા એટલે અવારનવાર તેમની બદલી થતી રહેતી. આથી બાળક ઝવેરચંદે અનેક ગામડાંનાં પાણી પીધાં. ૧૯૧૨માં મેટ્રિકની પરીક્ષા પસાર કરી. ૧૯૧૭માં જુનાગઢની બહાઉદ્દીન કૉલેજમાં ભણ્યા. અંગ્રેજી અને સંસ્કૃત સાથે બી.એ. થયા. ભાવનગરની હાઈસ્કૂલમાં થોડો સમય શિક્ષક તરીકે નોકરી કરી. પછી તેઓ કલકત્તા જઈ વેપારી પેઢીમાં જોડાયા. ઇંગ્લેન્ડની મુસાફરી પણ કરી પછી ૧૯૨૧ની સાલમાં પાછા આવ્યા. ‘કુરબાનીની કથાઓ’, ‘ડોશીમાની વાતો’, ‘સૌરાષ્ટ્રની રસધાર’, ‘સોરઠી બહારવટિયા’, ‘કંકાવટી’, ‘સોરઠી ગીતકથાઓ’, ‘યુગ વંદના’, ‘રઢિયાળી રાત’, ‘સોરઠ તારાં વહેતાં પાણી’, ‘તુલસીક્યારો’, ‘માણસાઈના દીવા’, ‘સિંધુડો’, ‘એકતારો’, ‘દરિયાપારના બહારવટિયા’, ‘જેલ ઓફિસની બારી’, ‘સોરઠને તીરે તીરે’, ‘સમરાંગણ’, ‘સોરઠી સંતો’, ‘લોકસાહિત્ય’ વગેરે તેમનાં પુસ્તકો છે. ૧૯૩૨માં ‘ફૂલછાબ’નું પ્રકાશન શરૂ થતાં તેના ભેટ પુસ્તક તરીકે નવલકથા આપવાનો નિર્ણય લેવાયો. આ નિર્ણયે મેઘાણીની કલમને નવલકથા તરફ વાળી. તેમણે કુલ ૧૩ નવલકથાઓ રચી છે. મેઘાણીની પ્રથમ નવલકથા ‘સત્યની શોધમાં’ ૧૯૩૨માં આવી. પછી ‘નિરંજન’, ‘અપરાધી’, ‘બીડેલાં દ્વાર’, ‘વસુંધરાનાં વહાલાં દવલાં’, ‘સોરઠ, તારાં વહેતાં પાણી’, ‘વેવિશાળ’, ‘તુલસીક્યારો’, તેમની લોકપ્રિય નીવડેલી કૃતિઓ છે. ‘વાર્તા કહેવી, વાર્તા સારી રીતે કહેવી ને વાર્તા જ કહેવી’ને મેઘાણી વાર્તાકારની પહેલી અને છેલ્લી ફરજ માને છે. મહાત્મા ગાંધીએ તેમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપેલું. કવિ, પત્રકાર, નવલકથાકાર, લેખક, સાહિત્યકાર, વિવેચક, અનુવાદક, લોકસાહિત્યના સંશોધક, સંપાદક, વાર્તાકાર જેવી ભૂમિકાઓ તેમના જીવનકાળમાં તેમણે ભજવી છે. તેમના સાહિત્યને અસર કરનારાં મુખ્ય પરિબળો પાંચ છે – લોકસાહિત્ય, સોરઠી સમાજજીવન, ગાંધીપ્રેરિત યુગચેતના, પત્રકારત્વ અને પરભાષાના સાહિત્યનો પરિચય. મેઘાણીનું મૂળભૂત કાર્યક્ષેત્ર લોકસાહિત્ય છે. રણજિતરામ સુવર્ણચંદ્રક અને મહિડા પારિતોષિક તેમને પ્રાપ્ત થયાં હતાં. ગાંધીજી ગોળમેજી પરિષદમાં ગયા ત્યારે ‘ઝેરનો કટોરો’ કાવ્યની રચના કરી સમગ્ર પ્રજાની ભાવના ગાંધીજી સુધી તેમણે પહોંચાડી હતી. ૯ માર્ચ, ૧૯૪૭ના દિવસે માત્ર ૫૦ વર્ષની વયે હૃદય રોગના હુમલાથી તેમનું નિધન થયું. આ નવલકથા ૧૯૩૭માં પ્રગટ થયેલી. લેખક પોતે વાતાવરણ-પ્રધાન નવલકથા કહચીને ઇતિહાસ સાથે એનો સંબંધ જોડે છે. એમના પરિચયમાં આવેલી કેટલીક વ્યક્તિઓની છાયા એમણે તેમાં ઝીલી છે. પિનાકી, શેઠ, સપારણ અને સુરેન્દ્રદેવ જેવાં પાત્રો વાર્તાને આગળ ધપાવે છે. સોરઠી વાતાવરણની જમાવટ કરવામાં ભાષા પણ ઉપયોગી નીવડે છે. આખી કૃતિમાં કથાના છૂટક પ્રસંગો અથવા તો એકમો સારી રીતે આલેખાયાં છે. વાર્તામાં કોઈ એક નાયક નથી. જનતા નાયક છે. બધાં સોરઠને ઓળખાવવાનો પ્રયત્ન કરતાં હોય એવું વાચકને જણાય. ‘હું પહાડનું બાળક છું’ – એમ કહી ઝવેરચંદ મેઘાણી હંમેશાં પોતાની ઓળખ આપતા. ઉમાશંકર જોશીના શબ્દોમાં સૌરાષ્ટ્રનો દુર્નિવાર સાદ તેમને વતનમાં પાછા બોલાવતો હતો. તેમના ગદ્યમાં સોરઠી વાણી અને લોકસાહિત્યની અસર દેખાય છે. માત્ર સંવાદમાં જ નહીં, કથનવર્ણનમાં પણ તેમણે લોકબોલીનો ખૂબ ઉપયોગ કર્યો છે. તેમણે પ્રયોજેલા સોરઠી શબ્દપ્રયોગો, રૂઢિપ્રયોગો, અલંકાર છટા, લય લહેકાએ ગુજરાતી ગદ્યને જીવંત બનાવ્યું છે. પ્રજા અંગ્રેજની, દરબારની, બહારવટિયાની જ વાતો કરતી દેખાય છે. યુદ્ધની ફિલસૂફી, એના જાતજાતનાં રહસ્યો બધું ચર્ચાય છે. સોરઠની નદી, ડુંગર પાસેનો દરિયો, વનસ્પતિ, પ્રાણીઓ વગેરેના લાક્ષણિક ઉલ્લેખો આપણી નજર સામે સોરઠને ઊભો કરે છે. એ સૌનું ચિત્રાત્મક વર્ણન છે. તેની સૂક્ષ્મ વિગતો અને લાક્ષણિકતાઓ વાચકમાં રસ ઉત્પન્ન કરે છે. સોરઠી વાતાવરણની જમાવટ કરવામાં ભાષા પણ ઉપયોગી નીવડે છે. એક નવલકથા તરીકે આપણે જોઈએ છીએ ત્યારે એક શિથિલતાનો અનુભવ થાય છે. આખી કૃતિમાં કથાના છૂટક પ્રસંગો અથવા તો એકમો સારી રીતે પોતાની આખી વાતનો પરિચય કરાવી શકે છે તેવું સમગ્ર નવલની બાબતમાં બનતું નથી એટલે કથા પ્રસંગોનું જેટલું વ્યક્તિગત ગૌરવ છે એટલું એની સમગ્રતામાં નથી. રંગીન વ્યક્તિ ચિત્રો અને આકર્ષક બનાવોથી ઉત્તેજના જગાડવામાં લેખક સફળ રહ્યા છે. લેખકે આ સદીના બીજા દાયકાનું વાતાવરણ આલેખ્યું છે. એ અર્થમાં લેખક એને ઇતિહાસ કથા કહે છે : ‘એ ઇતિહાસ વ્યક્તિઓનો છે અને નથીયે, પણ સમષ્ટિનો ઇતિહાસ તો એ છે જ. કેમ કે ઇતિહાસ જેમ વિગતોનો હોય છે, તેમ વાતાવરણનો પણ હોઈ શકે છે અથવા વિગતો કરતાં પણ વાતાવરણની જરૂર ઇતિહાસમાં વિશેષ છે – જો એ જનસમૂહનો ઇતિહાસ બનવા માગતો હોય તો જ બેશક.’ (પ્રસ્તાવના પૃ. ૭) મેઘાણી પોતે ‘સોરઠ, તારાં વહેતાં પાણી’ને વાતાવરણપ્રધાન નવલકથા કહીને ઇતિહાસ સાથે એનો સંબંધ જોડે છે. પિનાકીના દાદા મહીપતરામને, તો ક્યારેક કિશોર પિનાકીને કેન્દ્રમાં રાખીને ઘટનાઓ આલેખી છે. ખેતી કરતા નિર્ભય શેઠ અને અંગ્રેજ સરકારની ખુશામતથી દૂર રહીને, પોતાને ખેડૂત તરીકે ઓળખાવી છેવટે ગાદી છોડતા સુરેન્દ્રદેવ વાચકોના મનમાં પક્ષપાત જન્માવે છે. સપારણનું પાત્ર એનું યાદગાર ઉદાહરણ છે. સોરઠની જુદી જુદી કોમોમાં પ્રગટતા ખમીરને આલેખવા લેખકે મોટા ભાગનાં પાત્રો પોલીસખાતામાંથી અને બહારવટિયાઓમાંથી લીધાં છે. શૌર્યને ઉપકારક હિંસા થતી રહે છે. કાયરની હિંસાનું સ્વરૂપ એમણે સામાજિક-અસામાજિક સંબંધોની વાત કરતાં વર્ણવ્યું છે, પણ અપવાદરૂપે પોતાની ટેક ખાતર ફોજદારી ખાતાની નોકરી છોડતા મહીપતરામ ભાંગી પડે અને મૃત્યુ પામે એમાં સમાજ તરફ અંગુલિનિર્દેશ છે, પરંતુ એ અનિવાર્યતા લાગતી નથી. કોર્ટમાં સપારણ દ્વારા એમને મળેલી અંજલિ પછી એમનું તૂટતું મનોબળ સ્ફૂર્તિ પામે એ શક્યતા જતી કરીને, એમની બીમારી અને મૃત્યુને સુરેન્દ્રદેવની કદરદાનીના પ્રસંગો પૂરા પાડવા ખપમાં લેવાયાં છે. શિષ્ટ ભાષા અને લોકભાષાનું મિશ્રણ વાચક માટે ભાષાને સરળ રાખે છે ને સોરઠનાં માણસોના લહેકાનો આભાસ આપે છે. ‘સોરઠ, તારાં વહેતાં પાણી’ પ્રાદેશિક નવલકથાની નવી શક્યતા સૂચવે છે. લેખક જે સૃષ્ટિ આલેખવા માગે છે એમાં પરંપરાગત સંકલનને સ્થાન ન હતું. અહીં એક પ્રકરણ બીજા પ્રકરણ સાથે એક પ્રકારનો અનુબંધ ધરાવે છે અને નાની-નાની અસંખ્ય ઘટનાઓ એક વાતાવરણ ઊભું કરે છે. સાંસ્કૃતિક, સામાજિક દસ્તાવેજ તરીકે આ નવલકથાનું મહત્ત્વ ઓછું આંકી શકાય તેમ નથી. સૂક્ષ્મ નિરીક્ષણશક્તિ, વર્ણનકલાની અનોખી શૈલી દરેક પેઢીના વાચકોમાં રસ જગાડે છે. અમુક પ્રસંગો તો જાણે ચિત્રપટ જોતા હોઈએ તેમ સુંદર રીતે નિરૂપાયા છે. મેઘાણીની શૈલીનું એક વિશિષ્ટ પ્રકારનું તળપદું અને સૌંદર્ય આ નવલકથાને મળેલું છે. મેઘાણીમાં રહેલો કવિ ક્યારેક આ નવલકથામાં આવતા વર્ણનને, ગદ્યને એક નવી ઊંચાઈ આપે છે. ૫૬ પ્રકરણમાં વહેંચાયેલી આ નવલકથામાં મેઘાણીએ તત્કાલીન સમાજની ગવેષણા પણ કરી છે. એમનાં વર્ણનોની એક લાક્ષણિકતા સોરઠી લોકોના પોષાક, રીતભાત વગેરે માહિતીવાળાં વર્ણનોમાં જોઈ શકાય છે. કોઈ વખત સૂક્ષ્મ ચીજના વર્ણનથી, તેના ઉલ્લેખથી પાત્ર વસ્તુ કે પરિસ્થિતિની સાવ નજીક લેખક આપણને લઈ જાય છે. જે સમયે એક તરફ સ્વતંત્રતાની લડત પૂરજોશમાં ચાલતી હતી તે સમયે દેશના જ એક ભાગરૂપ સોરઠના પ્રદેશની વાસ્તવિકતા લેખકે બખૂબી વર્ણવી બતાવી છે. આ નવલકથામાં મર્યાદાઓ હોવા છતાં નવલકથા સ્વરૂપની નવીન શક્યતાઓ પણ છે તેની નોંધ લેવી ઘટે. કોઈપણ સાહિત્ય સ્વરૂપને વ્યાખ્યામાં બાંધવાનું સરળ નથી. તે રીતે નવલકથાને પણ હજી સુધી કોઈ ચોક્કસ એવાં લક્ષણોવાળી વ્યાખ્યા મળી નથી. સંશોધકોએ એનાં લક્ષણો દ્વારા વ્યાખ્યા બાંધવાના અનેક પ્રયત્નો કર્યા છે. પરંતુ કોઈ એક જ વ્યાખ્યા નવલકથાને સીમાબદ્ધ કરવા સમર્થ નીવડી નથી. સાર્થ ગુજરાતી જોડણી કોશમાં નવલકથાને ‘ગદ્યમાં કલ્પિત વાર્તા’ તરીકે વર્ણવી છે. એ રીતે જોઈએ તો ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં દરેક સમયે નવલકથાના પ્રકારની લાક્ષણિકતા પડકારતા લેખકો આવ્યા છે, જે સાહિત્ય સ્વરૂપને નવેસરથી વિચારવાની ફરજ પાડે છે. ઝવેરચંદ મેઘાણી તેમાંના એક સક્ષમ સર્જક છે એ નિર્વિવાદ છે.

ડૉ. ઇંદુ જોશી
ગુજરાતી વિષયશિક્ષિકા, વડોદરા
કવિ, વાર્તાકાર, અનુવાદક, ફાર્બસ યુવાવિભાગના સંપાદક
મો. ૯૪૨૮૦૦૫૯૧૬
Email: indujoshi૩@gmail.com