ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/રિયાસત

Revision as of 17:44, 2 January 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} <br> <big><big>'''રિયાસત'''</big></big><br> '''રાધિકા પટેલ''' <br><br> <poem> મારો પ્રેમી મને રાજા જેવો લાગે છે. હું એને ધર્યા કરું છું કીમતી રત્નો જેવી મારી કવિતાઓ; ખાણમાં ઊતરવાના અનુભવ વિશે હું એને કહેતી નથી. મ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


રિયાસત
રાધિકા પટેલ

મારો પ્રેમી મને રાજા જેવો લાગે છે.
હું એને ધર્યા કરું છું
કીમતી રત્નો જેવી મારી કવિતાઓ;
ખાણમાં ઊતરવાના અનુભવ વિશે હું એને કહેતી નથી.
મારું દીધેલું ફૂલ સૂંઘતી વખતે એ
મને વાગેલા કાંટા વિશે વિચાર કરતો હશે કે કેમ?
શબરી જેવો આત્મવિશ્વાસ મને નથી;
મને ભાવતાં ફળ એને ના ભાવે તો એ ફેંકી પણ દે.
એ તો રાજા..!
મને ખબર નથી – હું જ્યાં રહું છું એ
દીવાનેઆમ છે કે દીવાનેખાસ?
રાજાએ જીતેલી રાણીઓ વિશે
મને કોઈ જ માહિતી નથી.
મેં મહાવતની જેમ મારા રાજા માટે
દુનિયાનો શ્રેષ્ઠ હાથી તૈયાર કર્યો છે.
મારો રાજા એ હાથી ઉપર સવાર થઈ લડવા જશે તો જીતી જ જશે.
એમાં મને કોઈ શંકા નથી!
તેમ છતાં, ભય તો લાગે છે :
જીત પછી એ જ્યારે પાછો આવશે ત્યારે
પોતાની સાથે લઈને આવશે–
જીતેલા નગરની રાજકુમારીઓ
અને બેસાડશે મારી સજાવેલી અંબાડી પર..!
વળી, આ નગરમાં ન્યાય જેવું કશું હોતું નથી–
એ હું જાણું છું.