ભારતીયકથાવિશ્વ-૩/વસુદેવહિંડીની કથાઓ/કામોન્મત્ત વિદ્યાધરનો વૃત્તાન્ત

Revision as of 16:59, 13 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સ્વચ્છંદતા વિષે વસુદત્તાનું ઉદાહરણ
કામોન્મત્ત વિદ્યાધરનો વૃત્તાન્ત

એક વાર રાજાની પાસે એક ઘોડો લાવવામાં આવ્યો. તેને ધમ્મિલ્લ પલોટવા માંડ્યો. અશ્વપાલોએ ઘોડાને ચોકઠું ચડાવ્યું, લગામો બાંધી, સર્વ રીતે સજ્જ કર્યો, તંગ બાંધ્યા, ઘૂઘરીઓ લટકાવી, મુખને શોભા આપનારા ચામરો બાંધ્યાં, અને પાંચે પ્રકારનાં અશ્વ-આભૂષણોથી તેને અલંકૃત કર્યો, એટલે સુતરાઉ વસ્ત્ર પહેરેલો, અર્ધા પગ ખુલ્લા રહે તેવું (ચડ્ડી જેવું) અધોવસ્ત્ર ધારણ કરેલો, જેણે સુગંધી પુષ્પોનો શેખર બાંધ્યો છે એવો, વિચિત્ર અલંકારોથી શોભતા સર્વાંગવાળો અને વ્યાયામથી ચપળ શરીરવાળો ધમ્મિલ્લ પક્ષીની જેમ લીલાપૂર્વક તે ઘોડા ઉપર આરૂઢ થયો. ડાબા હાથમાં તેણે લગામનો દોર લીધો, અને વિશદતાથી મૃદુ એવા જમણા હાથમાં ચાબુક લીધો. બરાબર બેઠક લગાવી, અને સાથળ દબાવીને ઘોડાને થોડેક સુધી ચલાવ્યો. જાતવંત અને સવારનું ચિત્ત પારખનાર તે ઘોડાએ ધમ્મિલ્લની મનોવૃત્તિ જાણી લીધી. ધમ્મિલ્લ વડે પ્રેરાયેલો અને ચાબુકનો પ્રહાર પામેલો તે અશ્વ પલોટાયો, અને ધીરે ધીરે દોડતાં છેવટે પાંચમી વેગધારાને પણ વટાવીને જેનો પ્રતિકાર ન થઈ શકે તેવો મસ્ત થઈ ગયો. ધમ્મિલ્લ પણ વિચાર કરીને એ દોડતા ઘોડાનો વશવર્તી બન્યો. ઘોડો પણ ઘણે દૂર સુધી દોડીને, ઊંચાનીચા પ્રદેશો વટાવીને કનકવાલુકા નદીની પાસે પોતાની ઇચ્છાથી જ ઊભો રહ્યો. પછી ધમ્મિલ્લ પોતાની મેળે નીચે ઊતર્યો, પલાણ ઉતાર્યું, તંગ છોડ્યા અને ઘોડાને પણ છોડી મૂક્યો. ઘોડાનો બધો સામાન વૃક્ષની શાખાએ લટકાવ્યો.

પછી કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર ધમ્મિલ્લ દક્ષિણ દિશા તરફ ચાલ્યો. કનકવાલુકા નદી તેણે ઓળંગી તે વખતે વૃક્ષની શાખાએ લટકાવેલી, સારી રીતે મઢેલા રંગબેરંગી મણિની મૂઠવાળી, ગ્રૈવેયક (કંઠનો એક અલંકાર) જેવી સુશોભિત, પાકાં બોરના જેવી કાન્તિવાળી, કમળમાં વીંટેલી તલવાર જોઈ તેણે વિચાર્યું કે, ‘આ તલવાર કોની હશે?’ આજુબાજુ જોઈને તેણે એ તલવાર લીધી અને મ્યાનમાંથી બહાર કાઢી. તલના તેલની ધાર જેવી, અતસી-પુષ્પની આંખ જેવી નીલ પ્રભાવાળી, આશ્ચર્યપૂર્વક જોવાય તેવી, જાણે કે પ્રસન્નતાથી ભમતી હોય અને હળવાપણાથી ઊછળતી હોય તેવી, વીજળીની જેમ આંખને ઝંખાવતી અને દર્શનીય એ તલવારને તેણે જોઈ. તેણે વિચાર કર્યો કે, ‘આની ધાર કેવી છે તે તો જોઉં.’ કઠિન, ઊંડાં અને અંદરોઅંદર બંધાઈ ગયેલાં મૂળવાળાં અત્યંત કુટિલ જાળાંથી યુક્ત, અન્યોન્ય ગીચ બની ગયેલા વાંસવાળા, અને લાંબી શાખાઓ અને પત્ર વડે જે છેક છેડા સુધી છવાઈ ગયેલો છે એવા પાસે રહેલા વાંસના ગુલ્મને તેણે જોયો. તેની પાસે જઈને વિશાખાસ્થાનમાં૧ ઊભા રહીને, જોરથી મૂઠી વાળીને તેણે તલવારનો ઘા કર્યો. મોટા મોટા સાઠ વાંસ, કેળના સાંઠાની જેમ, એ તલવારથી કપાઈ ગયા. આ જોઈને ધમ્મિલ્લ ખૂબ વિસ્મય પામ્યો. ‘અહો! આ તલવારની તીક્ષ્ણતા કેટલી અભંગ અને અપ્રતિહત છે!’ એમ વિચાર કરતો એ વાંસના જાળાની પ્રદક્ષિણા કરી જવા લાગ્યો. તો ત્યાં કોઈ પુરુષનું કુંડલવાળું અને રુધિરની ખરડાયેલું કપાયેલું માથું તેણે જોયું; તથા એ વાંસના જાળાના મધ્ય ભાગમાં અગ્નિકુંડ જોયો. ‘અહો અનર્થ થયો!’ એમ વિચારી, હાથ ધુણાવી તલવારને પાછી મ્યાનમાં મૂકી, ‘અરે! તલવાર કેટલા દોષ કરાવનાર છે!’ એમ બોલીને ત્યાંથી ચાલ્યો ગયો.

ચાલતાં પોતાની સામેના ભાગમાં તેણે લીલાં પત્ર, પલ્લવ અને શાખાઓથી સુશોભિત વનપ્રદેશ જોયો, અને અનેક પ્રકારનાં પક્ષીઓના કલરવથી શબ્દાયમાન, વિવિધ જાતિનાં કમળથી શોભાયમાન તથા પ્રસન્ન, સ્વચ્છ અને શીતલ પાણીવાળું જળાશય જોયું. તેના કિનારે આશ્ચર્યજનક અને દર્શનીય રૂપવાળી એક કન્યા તેની નજરે પડી. એ જોઈને તેણે વિચાર્યું કે, ‘શું આ વનપ્રદેશની આ દેવતા હશે?’ આમ વિચાર કરતો ધમ્મિલ્લ તેની પાસે ગયો, અને પૂછ્યું, ‘સુતનુ! તું કોણ છે? ક્યાં રહે છે? અને ક્યાંથી આવે છે?’ ત્યારે મૃદુ અને મધુરવચનવાળી તેણે કહ્યું, ‘સાંભળો, આર્યપુત્ર! -

અહીં દક્ષિણ તરફની વિદ્યાધરશ્રેણિમાં શંખપુર નામે વિદ્યાધરોનું નગર છે. ત્યાં પુરુષાનન્દ નામે રાજા છે, તેની પત્ની શ્યામલતા છે. તેમને કામોન્મત્ત નામે પુત્ર છે અને વિદ્યુન્મતી તથા વિદ્યુલ્લતા નામે બે પુત્રી છે. એક વાર વિદ્યાધરશ્રેણિમાં કનકગિરિના શિખર ઉપર ધર્મઘોષ નામે ચારણ શ્રમણ સમોસર્યા. તેઓ જ્ઞાનાતિશયવાળા હતા. તેમનું આગમન સાંભળીને સર્વે વિદ્યાધરો વંદન કરવાને નીકળ્યા. ધર્મપ્રેમથી અને કંઈક કુતૂહલથી વિદ્યાધરી શ્યામલતા પણ ત્યાં ગઈ. જેમણે રાગ, દ્વેષ અને મોહ દમ્યા છે એવા તે ભગવાનને વંદન કરીને તે ધર્મ સાંભળવા લાગી. ઉપદેશ પૂરો થતાં તે ફરી વાર ચારણશ્રમણને પૂછવા લાગી, ‘હે ભગવન્! મારી પુત્રીઓનો પતિ કોણ થશે?’ એટલે પોતાના જ્ઞાનાતિશયથી જાણીને સાધુએ કહ્યું, ‘જે કામોન્મત્ત વિદ્યાધરને મારશે તેની એ પત્નીઓ થશે.’ પછી સાધુનું વચન સાંભળીને હર્ષ અને વિષાદયુક્ત વંદનવાળી તે સાધુને વંદન કરીને પોતાને ઘેર ગઈ. કામોન્મત્ત વિદ્યાધર પોતાની બહેનો સાથે વિદ્યા સાધવા માટે આ વનપ્રદેશમાં આવ્યો. કનકવાલુકા નદીની પાસે તેણે વિદ્યાના પ્રભાવથી ભવન વિકુર્વ્યું. પછી ખેટ, નગર અને પટ્ટણોમાં ફરતો તે રાજાઓ, શ્રેષ્ઠીઓ, ઈભ્ય અને સાર્થવાહોની સોળ કન્યાઓ પોતાની સાથે લાવ્યો. ‘મારી વિદ્યાઓ સિદ્ધ થતાં આ કન્યાઓ સાથે લગ્ન કરીશ’ એમ નક્કી કરીને તેણે તે કન્યાઓને અહીં રાખી. એક વાર અમે આનંદમાં બેઠાં હતાં ત્યારે તેની બહેન વિદ્યુન્મતીએ અમને આ બધું કહ્યું. અને હે આર્યપુત્ર! મેં પણ તમને તે જ કહ્યું છે. અમારામાં સૌથી પહેલી, રૂપમાં શ્રી સમાન શ્રીચંદા છે. આ ઉપરાંત સર્વાંગસુન્દરી વિચક્ષણા અને શ્રીસેના, ગંધર્વવિદ્યા અને ગાયનમાં કુશળ શ્રી, નૃત્ય, ગીત અને વાજિંત્રની વિશારદ સેના, રાગરાગિણીઓની રચનામાં કુશળ વિજયસેના, માળાઓ બનાવવામાં કુશળ શ્રીસોમા, દેવતાઓની પૂજામાં આસક્ત શ્રીદેવા, શય્યા રચવામાં નિપુણ સુમંગલા, આખ્યાયિકાઓમાં અને પુસ્તકવાચનમાં કુશળ સોમપુત્રા, વિશિષ્ટ કથા-વિજ્ઞાન અને નાટ્ય્શાસ્ત્રની જાણકાર મિત્રવતી, સ્વજનોનું સ્વાગત કરવામાં નિપુણ યશોમતી, વિવિધ પ્રકારના વ્યાખ્યાનમાં વિશારદ ગાંધારી, પત્રચ્છેદ્યની કલામાં વિચક્ષણ શ્રીમતી, પાણીને સુવાસિત કરવામાં કુશળ સુમિત્રા, અને હું મિત્રસેના એમ સર્વે મળીને અમે સોળ જણીઓ, હે આર્યપુત્ર, આ ભવનમાં રહીએ છીએ. ‘જ્યારે કામોન્મત્ત વિદ્યાઓ સાધી લેશે ત્યારે તે તમારું પાણિગ્રહણ કરશે’ એમ તેની બહેનો કહે છે. નવયૌવનમાં રહેલી, સહજ ઊગેલી રોમરાજિવાળી, વિકસતા સ્તનયુગલવાલી અને રતિરસની આકાંક્ષાવાળી અમે સર્વે તેની વિદ્યાઓ સિદ્ધ થવાની રાહ જોતી અહીં રહીએ છીએ. તે વિદ્યાધર સામે વાંસના જાળામાં બેઠેલો છે.’

એટલે ધમ્મિલ્લે વિચાર કર્યો કે, ‘નક્કી, એ જ વિદ્યાધરને મેં મારી નાખ્યો છે.’ પછી તેણે કહ્યું, ‘હે સુતનુ! તલવારની તીક્ષ્ણતાની પરીક્ષા કરવાના કુતૂહલમાં મેં તેને કાપી નાખ્યો. તે મરણ પામ્યો છે.’ એટલે તે સાંભળીને વિષણ્ણ અને દીન મનવાળી તે થોડીક વાર તો વિષાદ પામી. તેણે કહ્યું, ‘પૂર્વે કરેલાં કર્મો દુર્લંઘ્ય છે.’ ધમ્મિલ્લે કહ્યું, ‘સુન્દરિ! તું ખેદ ન કરીશ.’ એટલે તે બોલી, ‘અહો! સાધુનું અમોઘ વચન નિષ્ફળ નથી જતું. આર્યપુત્ર! હું જાઉં છું અને વૃત્તાન્ત તેની બહેનોને જણાવું છું. જો તેઓ તમારામાં અનુરક્ત હશે તો ભવનની ઉપર રાતી પતાકા ચડાવીશ. જો વિરક્ત હશે તો શ્વેત પતાકા ચડાવીશ. શ્વેત પતાકા દેખાય તો તમે અહીંથી ચાલ્યા જજો.’ આમ કહીને તે ગઈ. તે પતાકા ચડાવે એની રાહ જોતો ધમ્મિલ્લ ભવનની સામે જોતો ઊભો. થોડી વારમાં શ્વેત પતાકા નજરે પડી.