ભારતીયકથાવિશ્વ-૩/વસુદેવહિંડીની કથાઓ/ચારુદત્તની આત્મકથા

Revision as of 12:16, 14 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ચારુદત્તની આત્મકથા

આ નગરમાં ઘણા કાળની જૂની કુલપરંપરાવાળો, માતા તેમ જ પિતાના વંશમાં વિશુદ્ધ એવા કુળમાં જન્મેલો, શ્રમણોપાસક, જેણે જીવ અને અજીવ પદાર્થોનું સ્વરૂપ જાણ્યું છે એવો અને દયાવાન ભાનુ નામે શ્રેષ્ઠી હતો. તેને અનુરૂપ કુલમાં જન્મેલી ભદ્રા પત્ની હતી. એ ભદ્રા ઉચ્ચપ્રસવા હોવાથી (રજસ્ની નાડી ઊંચી થઈ ગયેલી હોવાથી) તેને પુત્ર થતો નહોતો. આથી પુત્રની ઇચ્છાવાળી તે દેવતાઓને નમસ્કાર કરતી તથા તપસ્વી જનોની પૂજા કરતી વિહરતી હતી.

એક વાર પોતાની પત્ની સહિત જેણે પૌષધ કર્યો હતો એવો તે શ્રેષ્ઠી જિનપૂજા કરીને, દીવા સળગાવવામાં આવ્યા હતા તે સમયે, દર્ભના સંથારામાં સ્તુતિમંગલમાં પરાયણ થઈને બેઠો હતો. એ વખતે ભગવાન ચારુ નામે ગગનચારી અણગાર ત્યાં આવ્યા. જિનેશ્વરની સ્તુતિ કરીને તથા કાયોત્સર્ગ કરીને મુનિ ત્યાં બેઠા. શેઠે તેમને ઓળખ્યા. પછી સંભ્રમપૂર્વક ઊઠીને ‘આ તો ચારુ મનિ’ એમ બોલતા શ્રેષ્ઠીએ તેમને આદરથી વંદન કર્યું. મુનિએ મધુર વચનથી તેને કહ્યું, ‘શ્રાવક! તું નિરોગી છે? તારાં તપ અને વ્રતમાં નિર્વિઘ્ન છે?’ શ્રેષ્ઠીએ કહ્યું, ‘ભગવન્! તમારાં ચરણની કૃપાથી.’ આ પછી ચારુ મુનિ તીર્થંકર નેમિનાથના ચરિત સંબંધી કથા કહેવા લાગ્યા.

કથાન્તરમાં શ્રેષ્ઠીની પત્નીએ હાથ જોડીને ચારુ મુનિને કહ્યું, ‘ભગવન્! અમારી પાસે વિપુલ ધન છે. લોકદૃષ્ટિએ એ ધનનો ભોક્તા તથા અમારી કુલપરંપરાને ચાલુ રાખનાર પુત્ર અમને થશે? આપ અમોઘદર્શી છો, માટે આનો ખુલાસો આપો.’ ભગવાન ચારુ મુનિએ કહ્યું, ‘ભદ્રે! તને અલ્પકાળમાં પુત્ર થશે.’ પછી તે શ્રેષ્ઠીને ‘શ્રાવક! શીલવ્રતોના પાલનમાં અપ્રમાદી થજે’ એમ કહીને મુનિ અદૃશ્ય થયા.

આ પછી કેટલેક કાળે શ્રેષ્ઠીની પત્નીને ગર્ભ રહ્યો. વૈદ્યોએ સૂચવેલી ભોજનવિધિથી ગર્ભને ઉછેરવામાં આવ્યો. જેના દોહદ પૂરો કરવામાં આવ્યા છે એવી તે સ્ત્રીએ પ્રસવકાળે પુત્રને જન્મ આપ્યો. જાતકર્મ કર્યા પછી નામકરણ-સંસ્કારના દિવસે તેનું ચારુદત્ત એવું નામ પાડવામાં આવ્યું, કારણ કે ગુરુ ચારુમુનિએ એ પુત્રજન્મનું ભવિષ્ય ભાખ્યું હતું. ધાત્રી વડે રક્ષાયેલો તથા પરિજનો વડે લાલનપાલન કરાતો તે છોકરો મંદર પર્વતની કંદરામાં ઊગેલા સંતાનક નામના કલ્પવૃક્ષની જેમ નિર્વિઘ્ને મોટો થયો. શરીરના પાંચ ભૂતોની જેમ અથવા નિરંતર શોભાયમાન રૂપાદિ પાંચ ગુણોની જેમ સર્વદા સાથે ને સાથે રહેતા એ ભાનુ શ્રેષ્ઠીના પાંચ મિત્રો હતા. એ પાંચેના મારી સાથે જ ઊછરેલા અને મારામાં સ્નેહવાળા પુત્રો હતા. તેમનાં નામ હરિસિંહ, ગોમુખ, વરાહ, તમન્તક અને મરુભૂતિ એવાં હતાં. એમની સાથે ક્રીડા કરતો ચારુદત્ત આનંદ પામતો હતો. એ ચારુદત્ત તે હું જ છું એમ તમે જાણો. હે સ્વામી! પછી મને કલાચાર્ય પાસે લઈ જવામાં આવ્યો અને મેં કલાઓ ગ્રહણ કરી. વિદ્યા ભણ્યા બાદ પિતાએ મને શ્રાવકધર્મ ગ્રહણ કરાવ્યો, અને મિત્રો સહિત હું રહેવા લાગ્યો.

એક વાર કૌમુદી-ચાતુર્માસિકાના ઉત્સવ નિમિત્તે જિનેશ્વરને પુષ્પો ચઢાવવ માટે મિત્રો સહિત હું નીકળ્યો અને અંગમંદિર ઉદ્યાન તરફ ગયો. ત્યાં ચૈત્યનો ઉત્સવ થતો હતો. મારી આજ્ઞા ઉઠાવનાર દાસ અને પુષ્પો વીણનાર છોકરાની સાથે પગે ચાલતો હું રમણીય ઉપવનો અને ઝરણાંઓ તથા મેઘની ઘટા જેવી શ્યામ અને પક્ષીઓના ગણના મધુર કિલકિલાટથી યુક્ત વનરાજિ જોતો હતો. આ બધું જોવાની લાલચથી વૃક્ષો, ગુચ્છો અને લતાઓમાં દૂર સુધી ગયેલા અમે પ્રસન્ન વહેતાં પાણીવાળી અને બારીક અને ધવલ રેતીવાળી રજતવાલુકા નામની નદીના કિનારે પહોંચ્યા. જોઈતાં પુષ્પો અમે ચૂંટ્યાં. પછી દાસોને મોકલ્યા કે, ‘જાઓ, અંગમંદિર ઉદ્યાનમાં જિનાયતનની પાસે અમારી રાહ જુઓ.’ એટલે તેઓ ગયા.

પછી મિત્રોની સાથે હું નદીકિનારે ઊભો રહ્યો. મરુભૂતિ નદીમાં ઊતર્યો અને કહેવા લાગ્યો, ‘ઊતરો, શા માટે વિલંબ કરો છો?’ ગોમુખે તેને કહ્યું, ‘તું કારણ જાણતો નથી.’ એટલે તે બોલ્યો, ‘શું કારણ છે?’ ગોમુખ બોલ્યો, ‘વૈદ્યો કહે છે કે — રસ્તો કાપીને આવ્યા પછી એકદમ પાણીમાં ન ઊતરવું જોઈએ. પગના તળિયે રહેલી બે શિરાઓ ઊંચે જાય છે, અને કંઠ પાસે આવીને તે જુદી પડે છે. તે પૈકી બે નેત્ર તરફ જાય છે. એ શિરાઓનું રક્ષણ કરવા માટે ઉષ્ણ અને તપેલા શરીરવાળા મનુષ્યે પાણીમાં ઊતરવું નહીં. જો કદાચ એ રીતે ઊતરવામાં આવે તો, એ વસ્તુ પ્રકૃતિ વિરુદ્ધ હોવાને કારણે, માણસને ખૂંધાપણું, બહેરાપણું અથવા અંધાપો પ્રાપ્ત થાય છે. આ કારણને લીધે વિશ્રામ લીધા પછી પાણીમાં ઊતરવું.’ આ સાંભળીને મરુભૂતિ કહેવા લાગ્યો, ‘ગોમુખ તો મોટા ઘરનો માણસ છે, માટે તમે બધા ઊતરો અને પગ ધુઓ.’ પછી અમે પગ પખાળીને ક્રીડા કરવા લાગ્યા, અને એક સ્થળે ધરામાં કમળ લઈને કમળપત્રો ઉપર અમારી ઇચ્છાનુસાર પત્રચ્છેદ્ય કરીને આનંદ કરવા લાગ્યા. એમ કરતાં નદીના બીજા પ્રવાહ આગળ અમે પહોંચ્યા. ત્યાંથી ગોમુખે ખોબાના જેવી આકૃતિવાળું આભ્યંતર પદ્મપત્ર લીધું અને તે પાણીમાં તરતું મૂક્યું, એની અંદર યોગ્ય પ્રમાણમાં રેત મૂકી, એટલે તે નાવની જેમ ઉતાવળે ચાલવા લાગ્યું. મરુભૂતિએ પણ પદ્મપત્ર લીધું અને તેમાં પુષ્કળ રેતી નાખી. આથી કમળપત્રની તે નાવ ભારને કારણે ડૂબી ગઈ અને બધા મિત્રો મરુભૂતિની મશ્કરી કરવા લાગ્યા. એટલે કારણ સમજીને તેણે બીજું કમળપત્ર લઈને મૂક્યું, પણ પ્રવાહની શીઘ્રતાથી — નાવ ઉતાવળે ચાલવાથી ગોમુખ જીત્યો. જોરથી ચાલતી એ પદ્મપત્રની નાવડીને મરુભૂતિ પહોંચી શક્યો નહીં, પણ દૂર સુધી જઈને પછી તે હર્ષપૂર્વક પોતાના મિત્રોને બોલાવવા લાગ્યો, ‘આવો, આવો, જલદી આવો! આશ્ચર્ય જુઓ.’ એટલે મેં તેને કહ્યું, ‘સુન્દર! કહે કેવું આશ્ચર્ય છે?’ તે બોલ્યો, ‘ચારુસ્વામી! આવું તો મેં કદી પણ જોયું નથી; જો તમારી પણ જોવાની ઇચ્છા હોય તો અહીં આવીને જુઓ.’ આ સાંભળી ગોમુખ મને કહેવા લાગ્યો, ‘ચારુસ્વામી! એમાં કંઈ આશ્ચર્ય જેવું નથી. નક્કી એ મરુભૂતિએ પથ્થરમાંથી નીકળેલું વૃક્ષનું મૂળ જોયું હશે; એ જોઈને એને થયું હશે કે, ‘આવા કોમળ મૂળ વડે આ પથ્થર કેવી રીતે ભેદાયો?’ અથવા બચ્ચાંને ચારો આપતી હંસલી તેણે જોઈ હશે, અને તેનાં બચ્ચાંની સંખ્યા જોઈને તે વિસ્મય પામ્યો હશે. અથવા તમરાંનો અવાજ સાંભળીને ‘આટલાં નાનાં તમરાં આટલો મોટો શબ્દ કેવી રીતે કરે છે?’ એમ તેણે આશ્ચર્ય માન્યું હશે.’ પછી મેં મરુભૂતિને પૂછ્યું, ‘આ સિવાય બીજું કંઈ છે?’ તેણે ઉત્તર આપ્યો, ‘આ તો આશ્ચર્યોનું પણ આશ્ચર્ય છે; એમાં તમારે વિચાર કરવાનું શું છે? જુઓ.’ મરુભૂતિ પ્રત્યેના માનની ખાતર અમે તે પ્રદેશમાં ગયા. ત્યાં અમને મરુભૂતિએ પ્રવાહના પાણીથી ભરેલું, અત્યંત સૂક્ષ્મ રેતીના પુલિનમાં પડેલું હોવાને કારણે જાણે કે પહેરેલાં વસ્ત્રમાંથી પડેલું હોય તેવું, અળતાને કારણે કંઈક પીત વર્ણવાળું કોઈ યુવતીનું પગલું બતાવ્યું. ગોમુખ બોલ્યો, ‘આવા પુલિન-ભાગમાં શું આશ્ચર્ય છે? આવાં પાણીથી ભરેલાં સ્થળો તો ઘણાં હોય છે.’ મરુભૂતિ બોલ્યો, ‘અહીં જે આશ્ચર્ય છે તે જુઓ.’ એમ કહીને તેણે બીજાં બે પગલાં બતાવ્યાં. એટલે ગોમુખે તેને કહ્યું, ‘જો આવી વસ્તુઓ આશ્ચર્યરૂપ હોય તો આપણાં પગલાંઓ તો સેંકડો આશ્ચર્યરૂપ ગણાવાં જોઈએ.’ મરુભૂતિ બોલ્યો, ‘આપણાં પગલાં તો અનુક્રમે પડેલાં હોય છે, ત્યારે આ તો વ્યુચ્છિન્ન માર્ગવાળાં છે — અર્થાત્ આ ક્યાંથી આવ્યાં અને ક્યાં ગયાં તે કંઈ સમજાતું નથી. માટે આપણે તે ધ્યાનપૂર્વક જોવાં જોઈએ.’ આ સાંભળીને હરિસિંહ બોલ્યો, ‘એમાં શો વિચાર કરવાનો છે? કોઈ એક પુરુષ આ કિનારે ઊગેલા વૃક્ષ ઉપર ચઢીને એક ડાળીથી બીજી ડાળી ઉપર જતો હશે, પણ કોઈ લતાડાળ અત્યંત પાતળી હોવાને કારણે પુલિન ઉપર ઊતર્યો હશે, અને ફરી પાછો વૃક્ષ ઉપર ચઢી ગયો હશે.’ એટલે ગોમુખે વિચાર કરીને કહ્યું, ‘એ બંધબેસતું નથી. જો તે વૃક્ષ ઉપરથી ઊતર્યો હોત તો હાથપગના આઘાતને લીધે પડેલાં લીલાં, સૂકાં અને પાકાં પત્ર, પુષ્પ અને ફળ આ પુલિન ઉપર તેમ જ પાણીમાં વેરાયેલાં હોત.’ પછી હરિસિંહે કહ્યું, ‘તો આ પગલાં કોનાં હશે?’ ગોમુખ બોલ્યો, ‘કોઈ આકાશગામીનાં પગલાં છે.’ એટલે હરિસિંહે પૂછ્યું, ‘તો શું દેવનાં છે? રાક્ષસનાં છે? ચારણશ્રમણનાં છે? કે ઋદ્ધિમાન ઋષિનાં છે?’ ગોમુખે ઉત્તર આપ્યો, ‘દેવો તો જમીનથી ચાર આંગળ ઊંચે જ ચાલે છે; રાક્ષસો મોટા શરીરવાળા હોય છે, એટલે તેમનાં પગલાં પણ મોટાં હોય છે; ઋષિઓ તપને કારણે શોષાયેલા શરીરવાળા હોય છે, એટલે કૃશતાને લીધે તેમનાં પગલાં મધ્ય ભાગમાં ઉન્નત હોય છે; અને જલચર પ્રાણીઓને ત્રાસ ન થાય એટલા માટે ચારણશ્રમણો જલતીરે ફરતા નથી.’ હરિસિંહ બોલ્યો, ‘જો એ પૈકી કોઈનાંયે આ પગલાં ન હોય, તો કોનાં હશે?’ ગોમુખે કહ્યું, ‘વિદ્યાધરનાં.’ હરિસિંહે કહ્યું, ‘કદાચ વિદ્યાધરીનાં પણ હોય.’ ગોમુખ બોલ્યો, ‘પુરુષો બળવાન હોઈને ઉત્સાહપૂર્વક ચાલે છે. વિશાળ વક્ષ:સ્થળને કારણે તેમનાં પગલાં આગળથી દબાયેલાં હોય છે; પણ સ્ત્રીઓના પુષ્ટ નિતંબને કારણે તેમનાં પગલાં પાછળથી દબાયેલાં હોય છે. આ કારણથી આ પગલાં વિદ્યાધરીનાં નથી.’ ફરી પાછો ગોમુખ બોલ્યો, ‘ચારુસ્વામી! એ વિદ્યાધરની પાસે ભાર છે.’ હરિસિંહે પૂછ્યું, ‘શું તે પર્વતનો ભાર છે? કે સદ્યયૌવનવૃક્ષનો ભાર છે? અથવા પૂર્વે જેણે પોતાનો અપરાધ કર્યો હોય એવા અને લાગ તાકીને પકડેલા શત્રુનો એ ભાર હશે?’ ગોમુખે ઉત્તર આપ્યો, ‘જો પર્વતનું શિખર હોત તો તેના ભારને કારણે પગલાં ખૂબ દબાયેલાં હોત; જો વૃક્ષ હોત તો તેની જમીનને અડતી શાખાઓની મુદ્રા ઘણા મોટા ઘેરાવામાં દેખાતી હોત; અને શત્રુને તો આવા રમ્ય પ્રદેશમાં કોઈ લાવે જ નહીં.’ એટલે હરિસિંહે પૂછ્યું, ‘જો આમાંનું એક પણ કારણ ન હોય તો પછી એ ભાર છે શેનો?’ ગોમુખે કહ્યું, ‘સ્ત્રીનો.’ હરિસિંહે કહ્યું, ‘સ્ત્રીનો ભાર હોય એ સંભવિત નથી, કારણ કે વિદ્યાધરીઓ પણ આકાશગામિની હોય છે.’ એટલે ગોમુખ બોલ્યો, ‘એ વિદ્યાધરની પ્રિય માનવ સ્ત્રી છે; તેની સાથે તે રમણીય સ્થાનોમાં ફરે છે.’ હરિસિંહે કહ્યું, ‘જો તે એ વિદ્યાધરની પ્રિયા હોય તો તેને એ વિદ્યાઓ શા માટે આપતો નથી?’ ગોમુખે ઉત્તર આપ્યો, ‘એ વિદ્યાધર મત્સરવાળો અને સર્વ પ્રત્યે શંકા રાખનારો છે, આથી ‘વિદ્યાઓ મેળવીને રખેને સ્વચ્છંદચારી થાય’ એમ વિચારીને તે પોતાની પ્રિયાને વિદ્યાઓ આપતો નથી. પછી હરિસિંહે પૂછ્યું, ‘તેની સાથે વિદ્યાને ધારણ નહીં કરનારી સ્ત્રી છે, એમ તેં શી રીતે જાણ્યું?’ ગોમુખે ઉત્તર આપ્યો, ‘સ્ત્રીઓના શરીરનો નીચેનો ભાગ પુષ્ટ હોય છે, અને તેમને ડાબે હાથે પ્રણયચેષ્ટા કરવાની ટેવ હોય છે; એ કારણથી આ તેનો ડાબો પગ કંઈક ઊંચો થયેલો છે.’ હરિસિંહે કહ્યું, ‘જો તેની સાથે સ્ત્રી હોય તો પછી આ પ્રદેશમાં ઊતર્યા પછી તેની સાથે ભોગ ભોગવ્યા સિવાય તે કેમ ચાલ્યો ગયો?’ ગોમુખ બોલ્યો, ‘વૃક્ષરાજિના અંધકારને લીધે (દૂરથી) હરિતમણિની વેદિકાથી વીંટળાયેલો હોય તેવો આ પ્રદેશ તેમણે ધાર્યો હશે, પણ પાસે આવતાં પ્રકાશ વડે રમણીય અને પાણીથી વીંટળાયેલા પુલિનને જોતાં આ સ્થળને તેમણે રતિને માટે અયોગ્ય ધાર્યું હોવું જોઈએ. પગલાં તાજાં જ હોવાથી અવશ્ય તેઓ આટલામાં જ હશે. આ રમણીય પ્રદેશ ત્યજીને એકદમ જઈ શકાય એવું નથી, માટે આપણે તેમની પદપંક્તિની શોધ કરીએ.’

આ રીતે તપાસ કરતાં બીજા સ્થળે ચાર પગલાં જોવામાં આવ્યાં. તે ગોમુખને બતાવવામાં આવ્યાં, એટલે તેણે નિર્ણય આપ્યો કે, ‘ઘૂઘરીઓના અગ્રભાગ વડે અંકિત તથા પાની ઉપરનાં નૂપુરની જેમાં કંઈક મુદ્રા પડેલી છે એવા આ સ્ત્રીનાં પગલાં છે. આ બીજાં બે જુદાં છે, અને તે પુરુષનાં છે.’ પછી ગોમુખના વચનથી વિસ્મય પામેલા તથા એ યુગલની પદપંક્તિને અનુસરતા અમે આગળ ચાલ્યા. પછી અમે ખીલેલાં પુષ્પોવાળું, ભ્રમરોથી ઢંકાયેલું અને શરદકાળની શોભાવાળું સપ્તપર્ણનું વૃક્ષ જોયું. અંજન (કાળા ભમરા) અને ગેરુ(પુષ્પ)થી રંગાયેલો જાણે રૂપાનો પર્વત હોય એવું તે દેખાતું હતું. આ જોઈને ગોમુખે કહ્યું, ‘ચારુસ્વામી! આ સપ્તપર્ણની પાસે આવ્યા પછી તે સ્ત્રીએ આ શાખા ફૂલનો ગોટો જોયો; અને પોતે નહીં પહોંચી શકતી હોવાથી તે માટે પ્રિયને પ્રાર્થના કરી.’ હું બોલ્યો, ‘એમ કેવી રીતે?’ ગોમુખે કહ્યું, ‘ફૂલનો ગોટો લેવા ઇચ્છતી તે સ્ત્રીનાં આ પાની વગરનાં પગલાં દેખાય છે. વિદ્યાધર તો ઊંચો છે, એટલે તેણે વિના પ્રયત્ને એ ગોટો તોડ્યો છે, કેમ કે જરાયે ભેદાયેલી રેખાઓ વગરનાં તેનાં પગલાં આ રેતીમાં દેખાય છે. પણ એ ફૂલનો ગોટો તે સ્ત્રીને હજી તેના પતિએ આપ્યો નથી. વળી તેમને અહીંથી ગયાંને પણ લાંબો સમય વીત્યો નથી, કારણ કે ફૂલ ચૂંટાયાંને લીધે હજી પણ ફૂલનાં દીંટાંમાંથી દૂધ ઝરી રહ્યું છે.’ એટલે હરિસિંહે ગોમુખને કહ્યું, ‘ગોમુખ! ફૂલનો સ્તબક તોડ્યાંને ઝાઝી વાર થઈ નથી, એ તમારું કથન તો યોગ્ય છે, પણ વિદ્યાધરે એ સ્તબક સ્ત્રીને આપ્યો નહીં, એ વાત બંધ બેસતી નથી. પ્રિયાએ પ્રાર્થના કર્યા છતાં તે કેમ ન આપે?’ ગોમુખે ઉત્તર આપ્યો, ‘કામવાસના પ્રણયલોલ હોય છે. આ સ્ત્રીએ આ પહેલાં પોતાના પ્રિયતમ પાસે કોઈ વસ્તુની પ્રાર્થના નહીં કરી હોય એમ જણાય છે; આથી પ્રથમ વાર તે ફૂલના ગોટાની યાચના કરવાને લીધે અતિ ચંચળ એવી સ્ત્રીને જોતો તે આનંદ પામ્યો. ‘હે પ્રિયતમ! મને તે આપ’ એમ બોલતી તે સ્ત્રી પણ તેની ચારે બાજુએ ફરવા લાગી. તે સ્ત્રીનાં પગલાંથી વીંટાયેલાં એ વિદ્યાધરનાં પગલાં અહીં દેખાય છે. ચારુસ્વામી! વિદ્યાધરની તે અવિદ્યાધરી — માનવી — પ્રિયતમા આથી કોપ પામીને રિસાઈ ગઈ છે.’ હરિસિંહે પૂછ્યું, ‘એ વસ્તુ તેં કેવી રીતે જાણી?’ ગોમુખે ઉત્તર આપ્યો, ‘એ સ્ત્રીએ ક્રોધપૂર્વક પછાડેલાં અને તેથી અસ્તવ્યસ્ત પડેલાં પગલાં અહીં દેખાય છે; આ પગલાં તેની પાછળ દોડતા વિદ્યાધરનાં છે; પછી એ સ્ત્રીનો માર્ગ રોકતા વિદ્યાધરની, વેગપૂર્વક મુકાયેલા પગવાળી, પદપંક્તિ આ દેખાય. પાછા હઠેલા અને વાટ જોવાથી પીડાયેલા વિદ્યાધરે તેનો પંથ રોક્યો; એટલે તે હાસ્યને રોકીને આ તરફ ગઈ, અને જઈને પાછી આવી. બીજું, હે ચારુસ્વામી! ‘તે સ્ત્રી અવિદ્યાધરી છે’ એમ મેં કહ્યું હતું તે બરાબર છે. તેનાં આ પગલાં ઉપરથી જણાય છે કે તે જઈને પાછી આવેલી છે. જો તે વિદ્યાધરી હોત તો ક્રુદ્ધ થયા પછી તે આકાશમાર્ગે અહીંથી ચાલી જાત. તેણે કોપ કર્યો, એટલે પછી પેલા વિદ્યાધરે તેને સપ્તવર્ણના ફૂલનો ગોટો આપ્યો. તે લઈને તેણે વિદ્યાધરની છાતી ઉપર જ પછાડ્યો, અને પોતાના ક્રોધની સાથે તેને પણ તોડી નાખ્યો. (અર્થાત્ ગોટો વીખરાઈ ગયો તે સાથે તેનો ક્રોધ પણ ઊતરી ગયો.) વિદ્યાધર તેને પગે પડ્યો. આથી કરીને તે સ્ત્રીના પગ આગળ વિદ્યાધરના મુકુટના શેખરથી દબાયેલો આ રેતીનો ભાગ દેખાય છે. હળવા કોપવાળી તે સ્ત્રી પણ જલદીથી તેના ઉપર પ્રસન્ન થઈ હોય એમ જણાય છે; કારણ કે નદીના પુલિનમાં ફરતાં તે બન્ને જણાંનાં જાણે કે ચીતરેલાં હોય તેવાં સ્વચ્છ પગલાં પગદંડી ઉપર દેખાય છે. ચારુસ્વામી! પછી વિદ્યાધરની સામે તાકી રહેલી તે સ્ત્રીનો પગ કાંકરીથી ઘવાયો. વેદના પામતી એવી તેનો પગ વિદ્યાધરે ઉતાવળથી ઊંચો કરી લીધો. સ્ત્રીએ પણ વિશેષ વેદનાને લીધે વિદ્યાધરના ખભા ઉપર ટેકો મૂક્યો. આ કારણથી સ્ત્રીનું એક પગલું અને વિદ્યાધરનાં બે પગલાં દેખાય છે. આ પછી વિદ્યાધરે તેના પગેથી રુધિરવાળી રેતી લૂછીને અહીં નાખી.’ પછી હરિસિંહે પૂછ્યું, ‘કોઈએ અળતાથી મિશ્રિત કરીને કદાચ અહીં રેતી ન નાખી હોય?’ ગોમુખે કહ્યું, ‘અળતો કડવો હોય છે, એટલે તેના ઉપર માખીઓ વળગે નહીં. આ તો તાજા લાગેલા ઘાનું વિસ્ર, મધુર અને માંસમાંથી ટપકેલું લોહી છે; આથી સ્વાદિષ્ટ કોળિયાની જેમ આ રેતી ઉપર માખીઓ બેસી ગઈ છે. ચારુસ્વામી! તે વિદ્યાધરે પછી એ સ્ત્રીને પોતાના હાથમાં ઉપાડી.’ હરિસિંહ બોલ્યો, ‘તેં કેવી રીતે જાણ્યું?’ ગોમુખે કહ્યું, ‘કારણ કે અહીંથી સ્ત્રીનાં પગલાં અટકી ગયાં છે અને પુરુષનાં પગલાં દેખાય છે. વળી ચારુસ્વામી! મને એમ વિચાર થાય છે કે — ગુંજારવ કરતા ભમરાઓથી યુક્ત કુસુમલતાઓ વડે વીંટાયેલો, સમ ભૂમિ ઉપર રહેલો તથા જાણે કે લક્ષ્મીનું નિવાસસ્થાન હોય તેવો જે લતામંડપ આપણી સામે દેખાય છે ત્યાં એ વિદ્યાધર યુવતી સહિત રહેલો હોવો જોઈએ. પરન્તુ એકાન્તમાં રહેલાંને જોવાં એ યોગ્ય નથી, માટે આપણે અહીં ઊભા રહીએ.’

એ પછી કેટલીક વારે અનેક પીંછાંઓથી આચ્છાદિત તથા વનથી પરિચિત હોવાને કારણે ભીતિરહિત એવો મયૂર તે લતાગૃહમાંથી પોતાની સહચરી સાથે બહાર નીકળ્યો. એટલે તે ગોમુખે કહ્યું, ‘ચારુસ્વામી! આ લતાગૃહમાં વિદ્યાધર નથી.’ હરિસિંહે કહ્યું, ‘આટલી વાર સુધી ‘યુવતી સહિત તે અહીં છે’ એમ કહીને હવે ‘તે નથી’ એવું કેમ બોલે છે?’ એટલે ગોમુખે કહ્યું, ‘આ મોર કોઈ પ્રકારની આકુલતા વગર લતાગૃહમાંથી નીકળ્યો છે; જો કોઈ મનુષ્ય અંદર હોત તો ભયને લીધે આકુલતાપૂર્વક તે બહાર આવત.’

પછી ગોમુખના વચનને પ્રમાણભૂત માનતો હું મિત્રો સહિત લતાગૃહમાં ગયો, અને ત્યાં સહજ રમણીય તથા થોડીક વાર પહેલાં જ ભોગવાયેલી હોવાને કારણે જાણે શ્વાસ લેતી હોય તેવી કુસુમની શય્યા મેં જોઈ. એટલે ગોમુખે કહ્યું, ‘થોડીક વાર પહેલાં જ વિદ્યાધર અહીંથી નીકળ્યો છે; અહીંથી પ્રસ્થાન કરતાં પડેલાં તેનાં પગલાં પણ આ દેખાય. પરન્તુ તે અવશ્ય અહીં પાછો આવશે, કારણ કે આ ઝાડની ડાળી ઉપર દીપડાના ચામડાનું બનાવેલું તેનું કોશરત્ન (થેલી) તથા ખડ્ગ રહી ગયેલ છે; તે લેવા માટે તે જરૂર પાછો ફરશે.’ તે પગલાંનું અવલોકન કરતો ગોમુખ કહેવા લાગ્યો, ‘ચારુસ્વામી! એ વિદ્યાધર ભારે સંકટમાં છે. શું તેનો જીવ તો નહીં જાય?’ મેં ગોમુખને પૂછ્યું, ‘એ કેવી રીતે?’ એટલે તે કહેવા લાગ્યો, ‘જે ક્યાંથી આવ્યાં તે દેખાતું નથી તથા જમીન ઉપરથી આકાશમાં ઊડવાને કારણે જેણે આમ રેતી ઉરાડેલી છે એવાં આ બીજાં બે પગલાં શું તમે જોતા નથી? વળી, એ વિદ્યાધરને અહીં કોઈએ પાડી નાખ્યો હોય તેમ જણાય છે, કેમ કે બળાત્કારે નીચે ખેંચીને પાડી નાખવામાં આવેલા તેના શરીરની આખીયે આકૃતિ આ પ્રદેશમાં પડેલી છે. એ બન્ને જણાની ચેષ્ટાનું સૂચન કરનારી રેતીનો લિસોટો અહીંથી શરૂ થયો છે. આ સ્ત્રીનાં પગલાં પણ નીચે પડેલાં દેખાય છે. માટે એ વિદ્યાધર પ્રત્યે અનુકંપા રાખીને આપણે આ લિસોટાના માર્ગને અનુસરતા પાછળ પાછળ જઈએ.’

આગળ ચાલતાં અમે વેરાયેલાં આભૂષણો જોયાં તથા પવનથી કંપતું અને સંધ્યાના રાગવિશેષ જેવું પીળું રેશમી વસ્ત્ર પડેલું જોયંુ. એટલે ગોમુખ કહેવા લાગ્યો, ‘અહો ચારુસ્વામી! તેં વિદ્યાધર જ્યારે નિશ્ચંતિ બેઠો હતો ત્યારે તેના કોઈ શત્રુએ તેના ઉપર આક્રમણ કર્યું. તેની સાથેની અવિદ્યાધરી સ્ત્રી તો માનવ હોવાથી શત્રુનો પ્રતિકાર કરવાને અસમર્થ હતી. મેં મરુભૂતિને કહ્યું, ‘આ રેશમી વસ્ત્ર અને આભૂષણો તથા ચર્મરત્ન અને ખડ્ગ તું લઈ લે. જો એ વિદ્યાધરને આપણે મળીશું તો તેને આપીશું.’

પછી અમે લિસોટાને અનુસરતા ચાલ્યા, તો એક સ્થળે સલ્લકી વૃક્ષની બખોલમાં વાળ લટકતા અમે જોયા. ગોમુખે હરિસિંહને કહ્યું, ‘આ સૂંઘી જો.’ એટલે તેણે તે સૂંઘ્યા તો સ્થિર સુવાસવાળા તથા તડકામાં તપેલા હોવાથી સુગંધ વર્ષાવનારા હતા. ગોમુખે કહ્યું, ‘ચારુસ્વામી! જે વ્યક્તિ દીર્ઘાયુ ઉત્પન્ન થયેલી હોય છે તેનાં કેશ અને વસ્ત્રમાં આવી સુવાસ હોય છે. આ કેશ સુગંધી, સ્નિગ્ધ અને જેનાં મૂળ ઊખડી ગયાં નથી એવા છે; આ કારણથી તે વિદ્યાધર દીર્ઘાયુ અને ઉત્તમ છે. જરૂર એ રાજ્યાભિષેક પામશે. માટે આપણે એની પાછળ પાછળ જઈએ.’

પછી અમે આગળ ચાલ્યા. ત્યાં કદંબના વૃક્ષ ઉપર, પાંચે ઇન્દ્રિયના વિષયોથી જાણે પાંચ અંતરાય પડ્યા હોય તેવા પાંચ લોઢાના ખીલા વડે વીંધાયેલા, વિદ્યાધરને અમે જોયો — એક ખીલો તેના કપાળમાં હતો, બે ખીલા બે હાથમાં હતા, અને બે બન્ને પગમાં હતા. એનું દુઃખ જોઈને મને અત્યંત દુઃખ થયું. પછી મેં ધ્યાનપૂર્વક જોયું તો વેદનાથી પીડિત હોવા છતાં તેની મુખચ્છાયા જરાયે વિવર્ણ નહોતી થઈ, તેનાં ગાત્રોની કાન્તિ સૌમ્ય હતી, લોઢાના ખીલા વડે વીંધાયેલા તેના હાથપગમાંથી લોહી નીકળતું નહોતું, અને તીવ્ર વેદના ભોગવવા છતાં તેનો શ્વાસોચ્છ્વાસ બરાબર ચાલતો હતો. પછી હું એકાન્તે વૃક્ષની છાયામાં બેઠો, અને મિત્રોને મેં કહ્યું, ‘અગાઉ સાધુ પાસે જ્યારે વિદ્યાધરોની કથાઓ ચાલતી હતી ત્યારે મેં સાંભળેલું છે કે — વિદ્યાધરો ચર્મરત્ન રૂપી થેલીમાં પોતાની જાતના રક્ષણ માટે ચાર ઔષધિઓ રાખે છે, માટે ચર્મરત્નની થેલીમાં જુઓ.’ મિત્રોએ તે ઉઘાડી, તેમાં ઔષધિઓ જોઈ, પરન્તુ એ ઔષધિઓના વિશિષ્ટ ગુણોને અમે જાણતા નહોતા. એટલે મેં મિત્રોને કહ્યું, ‘દૂધ ટપકે એવા ઝાડ ઉપર ઘા કરો. ઔષધિઓ પથ્થર ઉપર ઘસીને ત્યાં ચોપડો. એ રીતે ઔષધિના ગુણની પરીક્ષા કરીને વિદ્યાધરને જિવાડો.’ મારા મિત્રોએ એ પ્રમાણે પરીક્ષા કરી જાણ્યું કે — અમુક ઔષધિ શલ્યને દૂર કરનારી છે, અમુક સંજીવની છે અને અમુક સંરોહણી — ઘા રૂઝવનારી છે. પછી તેઓ એ ઔષધિઓને પડિયામાં લઈને વિદ્યાધર પાસે ગયા. જે પ્રાણહારક ખીલો તેના કપાળમાં ઠોકવામાં આવ્યો હતો તેના ઉપર તેમણે શલ્ય દૂર કરનાર ઔષધિ ચોપડી, એટલે તડકાથી તપેલા કમળની જેમ તે ખીલો ભૂમિ ઉપર પડ્યો. એનું વદનકમળ નમ્યું નહોતું, ત્યાં તેને મરુભૂતિએ ટેકો આપ્યો. આ રીતે ઔષધિનું વિશેષ જ્ઞાન મળતાં અમે તેના બન્ને હાથ છોડાવ્યા; હાથને હરિસિંહ અને તમન્તકે અવલંબન આપ્યું. એ વિદ્યાધરને તેના શત્રુએ, માત્ર કલેશ આપવાના જ આશયથી મર્મસ્થાનોનું રક્ષણ કરીને બાંધ્યો હતો, તેથી તે મરણ પામ્યો નહોતો. પછી અમે તેનાં પગ પણ છોડાવ્યા, અને પીતાંબરના ઉત્તરીયવાળા તેને કદલીપત્રની શય્યા ઉપર સુવાડ્યો. હું ગોમુખની સાથે પૂર્વ દિશામાં થોડેક દૂર જઈને ઝાડના ઓથે બેઠો. વિદ્યાધરના વ્રણોમાં સંરોહણી ઔષધિનું સિંચન કરવામાં આવ્યું. મેં મિત્રોને કહ્યું હતું કે, ‘કદલીપત્રોના પવનથી અને જલકણોથી એને ભાનમાં લાવીને મારી પાસે આવજો.’ તેઓએ તે પ્રમાણે કર્યું. પછી ભાનમાં આવેલો તે વિદ્યાધર એકદમ દોડ્યો અને ગંભીર સ્વરથી બોલ્યો, ‘ઊભો રહે, ઊભો રહે, ધૂમસિંહ! ક્યાં જઈને તું છૂટવાનો હતો?’ પરન્તુ જેની સામે ક્રોધ હતો, તેને તેણે ન જોયો, અને સામા યોદ્ધાની ગેરહાજરીમાં જ આવી રીતે ગર્જના કરવાને કારણે તે શરમાઈ ગયો. અમે પણ નિ:શબ્દ બેસી રહ્યા. પછી દિશાઓમાં નજર નાખવા છતાં કોઈને નહીં જોતો એવો તે પાસે જ આવેલા, કમલવનથી સુશોભિત સરોવરમાં ઊતર્યો, ત્યાં સ્નાન કરીને પહેલાંની જેમ પીતાંબર અને કનકનાં આભરણોથી આભૂષિત થઈને પૂર્ણિમાના ચંદ્રપ્રકાશ જેવો ઊજળો તે બહાર નીકળ્યો. પછી તેણે ઉત્તર દિશા તરફ ફરીને કોઈને નમસ્કાર કર્યા.

ગોમુખે કહ્યું, ‘ચારુસ્વામી! હવે આ વિદ્યાધર મિત્ર અને શત્રુનો ભેદ જાણશે.’ પછી અમે એકબીજાની સાથે વાતચીત કરી. વિદ્યાધર અમારી પાસે આવ્યો અને બોલ્યો, ‘અરે! મને મારા શત્રુએ બાંધ્યો હતો, ત્યાંથી કોણે છોડાવ્યો?’ ગોમુખે કહ્યું, ‘અમારા મિત્ર ઇભ્યપુત્ર ચારુસ્વામીએ, સાધુ પાસેથી ઔષધિનો પ્રભાવ જાણેલો હોવાથી, તમને છોડાવ્યા છે.’ એટલે વિદ્યાધરે મને પ્રણામ કર્યાં અને કહ્યું, ‘મારા જીવન વડે વેચાયેલો હું તમારો દાસ છું.’ મેં કહ્યું, ‘એમ ન બોલશો, તમે મારા ભાઈ છો.’ મેં તેને અભિનંદન આપતાં તે જમીન ઉપર બેઠો. પછી હરિસિંહે તેને પૂછ્યું, ‘આવી આપત્તિમાં તમને કોણે પાડ્યા? અને શા કારણથી પાડ્યા?’ એટલે તે કહેવા લાગ્યો,