ભારતીયકથાવિશ્વ-૩/કથાસરિત્સાગરની કથાઓ/અનંગરતિની કથા

Revision as of 02:33, 15 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


અનંગરતિની કથા

આ પૃથ્વી ઉપર શૂરપુર નામનું નગર નામ પ્રમાણે ગુણ ધરાવનારું હતું. અહીં મહાવરાહ નામનો અત્યંત બલશાલી રાજા રાજ્ય કરતો હતો. તે રાજાને ગૌરીની આરાધનાથી પોતાની રાણી પદ્મરતિની કૂખે જન્મેલી અનંગરતિ નામની એક કન્યા હતી. તે સિવાય તેને બીજું કોઈ સંતાન ન હતું. કાળે કરીને યુવાનીમાં આવેલી રૂપગર્વિતા અનંગરતિએ ઘણા બધા રાજાઓનાં માગાં નકાર્યાં અને દૃઢતાથી કહ્યું, ‘જે શૂરવીર હોય, રૂપવાન હોય અને કોઈ વિશેષ વિજ્ઞાન જાણતો હશે તેની જ સાથે હું લગ્ન કરીશ.’ થોડા સમય પછી રાજકુમારીની વાત જાણીને તેની સાથે વિવાહ કરવા ચાર વીર યુવાનો દક્ષિણ દેશમાંથી ત્યાં આવ્યા. તેઓ રાજાના મહેલના દ્વારે જઈને ઊભા રહ્યા. પ્રતિહારે રાજાને તેમના આવવાની ખબર આપી. તેમને અંદર લાવવાની આજ્ઞા મહાવરાહે આપી. તે ચારેયને રાજા મહાવરાહે અનંગરતિની સમક્ષ પૂછ્યું,

‘તમારું નામ શું છે? જાતિ શું છે અને તમે કયું વિશેષ જ્ઞાન ધરાવો છો?’

રાજાનું વચન સાંભળી એકે કહ્યું, ‘હું પરમટ્ટિક્ નામે શૂદ્ર છું. વણાટકામનું ઉત્તમ જ્ઞાન ધરાવું છું અને દરરોજ પાંચ જોડી કપડાં સીવું છું. એમાંથી એક જોડી કપડાં કોઈ બ્રાહ્મણને આપું છું, બીજી જોડી પરમેશ્વરને આપું છું, ત્રીજી જોડી હું પહેરું છું, ચોથી જોડી જો પત્ની હોય તો તેને અને પાંચમી જોડી વેચીને તેમાંથી મારી આજીવિકા ચલાવું છું.’

પછી બીજાએ કહ્યું, ‘હું ભાષાવિશારદ છું અને જાતે વૈશ્ય છું. બધાં પશુ અને પક્ષીઓની બોલીઓ જાણું છું.’

ત્રીજાએ કહ્યું, ‘હું ખડ્ગધર નામે ક્ષત્રિય છું, ખડ્ગવિદ્યામાં એવો તો કુશળ છું કે મારી સ્પર્ધા કરી શકે એવો કોઈ આ પૃથ્વી પર નથી.’

ચોથાએ કહ્યું, ‘હું જીવદત્ત નામે બ્રાહ્મણ છું. પાર્વતીની કૃપા અને વિદ્યાના પ્રભાવથી મૃત્યુ પામેલી સ્ત્રીને જીવતદાન આપી શકું છું.’

આવી રીતે શૂદ્ર, વૈશ્ય, ક્ષત્રિયે — આ ત્રણેએ પોતાનાં રૂપ, શૌર્યનાં બહુ બહુ રીતે વખાણ કરવા લાગ્યા. પણ બ્રાહ્મણે રૂપ સિવાય બળ અને વિદ્યાની આત્મપ્રશંસા કરી. આ સાંભળી રાજા મહાવરાહે પોતાના સેવકને કહ્યું, ‘તું આ બધાને તારે ઘેર લઈ જઈને ઉતારો આપ.’ આ સાંભળી ‘જેવી આજ્ઞા’ કહી સેવક તેમને પોતાને ત્યાં લઈ ગયો.

તેમના ગયા પછી રાજાએ પોતાની કન્યા અનંગરતિને કહ્યું, ‘પુત્રી, આ ચારમાંથી તને કોણ પસંદ છે?’

આ સાંભળી અનંગરતિએ કહ્યું, ‘પિતાજી, આ ચારમાંથી મને એકે પસંદ નથી. આમાં એક શૂદ્ર છે તે વણકર છે. આ ગુણથી ક્યો લાભ? બીજો વૈશ્ય પ્રાણીઓની બોલી જાણે છે, એના જ્ઞાનથી શો લાભ? હું ક્ષત્રિય થઈને મારી જાતને વૈશ્ય અને શૂદ્રને કેવી રીતે ધરી દઉં? ત્રીજો મારી જેમ ક્ષત્રિય તો છે પણ તે દરિદ્ર છે, ચાકરી કરી પોતાની જાતને વેચે છે. હું રાજકુમારી થઈને તે સેવકની પત્ની કેવી રીતે બનું? ચોથો બ્રાહ્મણ જીવદત્ત પણ મને પસંદ નથી. તે કુરૂપ છે, કર્મહીન, વેદજ્ઞાન વિનાનો અને પતિત છે. પિતાજી, તમે તો વર્ણો અને આશ્રમોના રક્ષક અને ધર્મના પ્રતિપાલક છો. માટે તે તો તમારે માટે દંડયોગ્ય છે. હે રાજન્, ખડ્ગશૂરથી ધર્મશૂર વધુ પ્રશંસનીય છે. હજારો ખડ્ગશૂરોનો સ્વામી ધર્મશૂર થઈ શકે.’

આમ બોલતી કન્યાના અંત:પુરમાંથી નીકળીને રાજા સ્નાનાદિ માટે ચાલ્યો ગયો.

બીજા દિવસે ચારે વીર પેલા સેવકના ઘરમાંથી નીકળ્યા અને નગર જોવાની ઇચ્છાથી વિહરવા લાગ્યા.

એવામાં પદ્મકવલ નામનો મદોન્મત્ત હાથી સાંકળ તોડીને પ્રજાને કચડતો ગજશાળામાંથી બહાર આવી ગયો. તે હાથીએ ચારે વીરને જનસમૂહમાં જોઈને દોડીને તેમના પર હુમલો કર્યો. તેઓ પણ પોતપોતાનાં શસ્ત્રો લઈને હાથીની સામે ધસી ગયા. ખડ્ગધર નામના વીરે એ ત્રણેને હટાવી એકલે હાથે હાથી પર હમલો કર્યો. તેણે ચીસો પાડતા હાથીની સૂંઢ એક જ વાર તલવાર ઉગામીને કમળનાળની જેમ કાપી નાખી. અને લાગ જોઈને તેના પગ નીચેથી નીકળીને તેની પીઠે બીજો ઘા કર્યો. તેણે ત્રીજો ઘા કરીને હાથીના પગ કાપી નાખ્યા, ચીસ પાડતો હાથી જમીન પર પછડાઈને મૃત્યુ પામ્યો.

તેનું આવું પરાક્રમ જોઈને બધા અચરજ પામ્યા અને રાજા મહાવરાહ પણ આ સાંભળીને નવાઈ પામ્યા.

બીજે દિવસે તે રાજા હાથી પર બેસીને શિકાર કરવા વનમાં ગયા અને પેલા ચારે વીર પણ તેમની પાછળ ગયા.

શિકાર દરમિયાન સેનાની સાથે રાજાએ અનેક વાઘ, મૃગ માર્યા, એટલે હાથીઓએ ચીસો પાડી, એ સાંભળી ક્રોધે ભરાઈને ચારે બાજુથી સિંહ રાજાની સામે ધસી ગયા. હુમલો કરતા એક સિંહને વીર ખડ્ગધરે તલવારના એક જ ઝાટકે બે ટુકડા કરીને મારી નાખ્યો. બીજા સિંહના પગ પકડીને ઘુમાવીને તેને પૃથ્વી પર પટક્યો અને મારી નાખ્યો. આમ ભાષાવિશારદ વૈશ્ય, બ્રાહ્મણ અને પંચપટ્ટિક શૂદ્રે ત્રણે વીરે પગપાળા જ રાજાના દેખતાં કેટલાય સિંહ, વાઘ વગેરેને મારી નાખ્યા. આશ્ચર્ય પામતો સંતુષ્ટ રાજા મૃગયા રમીને નગરમાં પાછો ફર્યો અને પેલા ચારે વીર રાજસેવકને ત્યાં પોતાના નિવાસે જતા રહ્યા. રાજા મૃગયા રમવાથી ઘણો થાકી ગયો હતો. પછી તે સમયે અંત:પુરમાં જઈ ત્યાં અનંગરતિને બોલાવી અને શિકાર દરમિયાન પોતે જોયેલાં પરાક્રમ અને અચરજ કહી સંભળાવ્યાં. આ બધું સાંભળીને — જાણીને તે પણ નવાઈ પામી.

રાજાએ કહ્યું, ‘પુત્રી, પંચપટ્ટિક અને ભાષાવિજ્ઞાની આ બંને આપણી જાતના નથી, બ્રાહ્મણ જીવદત્ત કુરૂપ છે, વિરુદ્ધ કર્મ કરનાર છે તો પછી ક્ષત્રિય ખડ્ગધર રૂપે સુંદર છે; બળવાન, પરાક્રમી છે. મદોન્મત્ત અને ગાંડા હાથીનો વધ તેણે કર્યો, સિંહને પકડીને જમીન પર પછાડી, તેને મારી નાખ્યો. બીજા સંહોિને તલવાર વડે બે ટુકડા કરી નાખે છે. તેનો દોષ શું છે? જો તું એમ કહે છે કે તે દરિદ્ર છે, સેવક છે તો હું હમણાં જ એને રાજા બનાવી દઈશ. એટલે જો તને યોગ્ય લાગે તો તેની સાથે લગ્ન કર.’

રાજાએ કહ્યું એટલે અનંગરતિએ કહ્યું, ‘જો આપની ઇચ્છા હોય તો ચારેને બોલાવો, જ્યોતિષીને બોલાવો, આપણે જાણીએ તો ખરા કે તેઓ શું કહે છે?’

આ સાંભળી રાજાએ તે વીર પુરુષોને બોલાવ્યા, રાણીઓને બોલાવી. તેમની સામે જ જ્યોતિષીઓને વિનંતી કરી પૂછ્યું, ‘જુઓ, આ ચારમાંથી કોની કુંડળી અનંગરતિને મળે છે અને તેના વિવાહનો મુહૂર્ત ક્યારે છે?’

આ સાંભળી ચતુર જ્યોતિષીએ તેમનાં જન્મનક્ષત્રો પૂછ્યા, ઘણો સમય ગણત્રી કરીને રાજાને કહ્યું, ‘મહારાજ, ક્રોધ ન કરતા. સ્પષ્ટ કહું છું કે આ ચારમાંથી એકેની કુંડળી તમારી પુત્રી સાથે મળતી નથી. આ કન્યાનો વિવાહ આ લોકમનુષ્ય સાથે નહિ થાય. શાપને કારણે મનુષ્યલોકમાં જન્મેલી વિદ્યાધરી છે. આવતા ત્રણ મહિનામાં તેનો શાપ દૂર થશે. એટલે આ પુરુષો ત્રણ મહિના અહીં રહીને પ્રતીક્ષા કરે, ત્યાર પછી આ કન્યા જો વિદ્યાધરલોકમાં નહિ જાય તો આ લોકમાં તેનું લગ્ન કરી શકાશે.’ જોશીનું આવું વચન સાંભળી બધાએ તે વચન માન્ય રાખ્યું. અને તે વીર ત્રણ માસ સુધી તે નગરમાં રહ્યા.

ત્રણ મહિના વીત્યા એટલે રાજાએ ચારે વીરને, જ્યોતિષીને અને પોતાની પુત્રી અનંગરતિને બોલાવ્યા. રાજાએ પોતાની પુત્રી સામે જોયું તો તેના લાવણ્યમાં અને સુંદરતામાં વધારો થતો જોયો. તે આ જોઈ બહુ રાજી થયો. પણ જ્યોતિષીએ તે કન્યાને વધુ સુંદર જોઈ તેનો અંતકાળ જાણી લીધો.

‘હવે કહો, ત્રણ માસ વીતી ગયા. હવે ગ્રહો કોની સાથે મળતા આવે છે તે કહો.’ રાજાએ જ્યાં જ્યોતિષીને પૂછયું, ત્યાં અનંગરતિને પોતાના પૂર્વજન્મનું સ્મરણ થયું અને સાડીના પાલવથી મોં ઢાંકી દીધું અને માનવદેહ ત્યજી દીધો.

‘આ આવી રીતે મોં ઢાંકીને કેમ બેઠી છે?’ એમ વિચારી રાજાએ જ્યારે તેના મોં પરનું આવરણ દૂર કર્યું તો તેને મૃત જોઈ. હિમથી દાઝેલી કમલિની જેવી તે થઈ ગઈ, નેત્રભ્રમર ઊંધા થઈ ગયા હતા, મુખકમલ તેજ વગરનું હતું, અને તેના મોંમાંથી હંસ જેવી મધુરવાણી આવતી ન હતી. તેને મૃત જોઈને શોક રૂપી વજ્ર રાજા પર તૂટી પડ્યું, પાંખો જ કપાઈ ગઈ અને રાજા જમીન પર ગબડી પડ્યો. તેની માતા પદ્મરતિ પણ આ સમાચાર સાંભળી દોડતી આવી અને આવો દુઃખકર દેખાવ જોઈ બેભાન થઈ જમીન પર ઢળી પડી. તેનાં આભૂષણપુષ્પો ચોળાઈ ગયાં. આ વખતે તોડી નાખેલી મંજરીથી જેમ હાથણી શોભે તેમ તે શોભવા લાગી.

આ જોઈ બધાં સ્વજનો રુદન કરવા લાગ્યાં, તે ચારે વીર પણ દુઃખી થયા. રાજાએ ભાનમાં આવીને જીવદત્તને કહ્યું, ‘આ બાબતે તારા સાથીઓમાં શક્તિ નથી. આ તારું કામ છે. તેં પહેલાં પ્રતિજ્ઞા કરી હતી કે હું મરેલી સ્ત્રીને જીવતી કરી શકું છું. જો તારામાં વિદ્યાબળ હોય તો મારી કન્યાને જીવાડ, જો જીવશે તો તું બ્રાહ્મણ છે તો પણ હું તને આપીશ.’

રાજાની વાત સાંભળીને જીવદત્તે રાજકન્યાના મોં પર પાણી છાંટ્યા અને મંત્ર ભણ્યો.

અટ્ટાટ્ટહાસહસિતે કરકંકમાલાકુલે દુરાલોકે |

ચામુંડે વિકરાલે સાહાય્ય મે કુરુ ત્વરિતમ્ ||

અટ્ટહાસ્ય કરનારી, ખોપરીની માળા ધારણ કરનારી, ભયંકર દૃષ્ટિવાળી, ભયંકર ચામુંડા મને આ કામમાં સત્વર સહાય કર.’ આ પ્રમાણેની આર્યા બોલી જીવદત્તે અનંગરતિને સજીવન કરવાનો પ્રયત્ન કર્યો છતાં તે કન્યા સજીવન ન થઈ ત્યારે જીવદત્તે દુઃખી થઈને કહ્યું, ‘વિંધ્યવાસિની દેવીએ આપેલી મારી વિદ્યા નિષ્ફળ ગઈ. હાંસીપાત્ર બનવાથી હવે મારા જીવનનું શું પ્રયોજન?’ એમ કહીને જ્યાં જીવદત્ત તલવાર વડે શિરચ્છેદ કરવા ગયો ત્યાં આકાશવાણી સંભળાઈ: ‘હે જીવદત્ત, સાહસ ન કર. આ અનંગપ્રભા નામની એક વિદ્યાધરની પુત્રી હતી. માતાપિતાના શાપથી તે આટલો સમય મૃત્યુલોકમાં રહી. હવે તે માનવદેહ ત્યજીને પોતાના વિદ્યાધર દેહમાં જતી રહી. એટલે તું હવે વિંધ્યવાસિની દેવીની આરાધના કર. તેની કૃપાથી તું આ વિદ્યાધરીને પામીશ. વળી અત્યારે તે દિવ્ય ભોગ ભોગવી રહી છે. રાજારાણીએ પણ તેના માટે શોક નહીં કરવો જોઈએ.’

આમ કહી આકાશવાણી વિરમી.

ત્યાર પછી રાજારાણીએ અફસોસ કરવાનો છોડી દીધો અને કન્યાનો અંતિમ સંસ્કાર કર્યો. તે ત્રણે વીર પોતપોતાના સ્થાને ગયા. જીવદત્ત વિદ્યાધરીને પ્રાપ્ત કરીશ એવી શ્રદ્ધા સાથે વિંધ્યવાસિની દેવીના શરણે જઈ તપ કરવા લાગ્યો. સ્વપ્નમાં વિંધ્યવાસિનીએ તેને આજ્ઞા કરી. ‘અરે બ્રાહ્મણ ઊભો થા. તને જે કહું છું તે સાંભળ: