ભારતીયકથાવિશ્વ-૩/કથાસરિત્સાગરની કથાઓ/વિદૂષકની કથા

Revision as of 15:38, 15 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વિદૂષકની કથા

ભૂમંડળમાં વિખ્યાત જે આ ઉજ્જયિની પુરી છે, તેમાં આદિત્યસેન નામનો એક રાજા હતો. પોતે ચક્રવર્તી હોવાથી સૂર્યની પેઠે તે પ્રતાપી રાજાના રથની ગતિ ક્યાંય રોકાતી નહીં, જ્યારે બરફ સરખું શ્વેત તથા ઊંચું તેનું છત્ર પ્રકાશતું ત્યારે ઉષ્મારહિત રાજાઓનાં છત્રો નિવૃત્તિ પામતાં હતાં. જળનો ખજાનો જેમ સાગર છે, તેમ આખી પૃથ્વીની સપાટી ઉપર થયેલાં રત્નો એ રાજા પાસે હતાં. તે રાજા, એક દિવસ કોઈ એક કારણસર મુસાફરી કરવા ગયો. ત્યાં સૈન્ય સહિત ગંગાજીનાં કિનારા ઉપર ઉતારો કર્યો. તે દેશનો રહીશ કોઈ ગુણવર્મા નામનો ધનિક રાજા પાસે રત્ન સરખી કન્યાનું નજરાણું લઈ આવ્યો.

તે બોલ્યો, ‘હે રાજન્! આ કન્યા ત્રિભુવનમાં રત્ન સરખી છે, તે મારે ઘેર જન્મી છે; તે બીજે ઠેકાણે દેવાય તેમ નથી. એને લાયક તો આપ જ છો.’ એવું પ્રતિહાર મારફતે કહેવરાવી પોતે રાજા પાસે આવી પોતાની કન્યા રાજાને દેખાડી. કાંતિથી દિશાઓને શોભાવનારી, કામદેવના મંગળ ઘરના રત્નદીપથી શિખા સરખી, તેજસ્વતી નામની તે કન્યાને જોઈ, તેની કાંતિ અને તેજે સ્પર્શ કરાયેલો રાજા સ્નેહમય દૃષ્ટિથી એકીટસે તેને જોવા લાગ્યો. કામાગ્નિથી તપેલો, પસીનો વળવાથી તે રાજા પિગળી ગયો. પટરાણીના પદને લાયક એ કન્યાનું માગું સ્વીકારી સંતોષ પામી, ગુણવર્માને પોતાના સમાન કર્યો. તે પછી તેજસ્વતી સાથે લગ્ન કરી કૃતાર્થ પામનારો રાજા, તેની સાથે ઉજ્જયિનીમાં ગયો. ત્યાં રાજા તેના મુખ સામી ચાતક પેરે દૃષ્ટિ રાખી એવો તો તેમાં તલ્લીન થઈ ગયો કે, મોટાં મોટાં રાજપ્રજાના પોકારો તેના કાનનું વલણ પોતા તરફ કરી જ શક્યા નહિ. તે રાજા ઘણી વાર લગી અંત:પુરમાંથી નીકળ્યો નહિ, પણ શત્રુ વર્ગના હૃદયથી તેની પીડાનો જ્વર નિકળી ગયો. કાળે કરી તે રાજાની તેજસ્વતી રાણીને પેટે એક ઉત્તમ કન્યા જન્મી, અને તેની બુદ્ધિમાં દેશ જિતવાની પણ ઇચ્છા પ્રગટ થઈ.

હવે એક દિવસ એક સામંત ગવિર્ષ્ટ થઈ ગયો હતો, તેને જિતવા આદિત્યસેન રાજા ઉજ્જયિનીથી નીકળ્યો. સૈન્યની અધિદેવતા સરખી હાથણી ઉપર બેઠેલી તેજસ્વતી રાણીને તેણે સાથે લીધી અને રાજા ગર્વથી ઉત્પન્ન થયેલા સ્વેદનાં ઝરણાં જેને ઝરે છે એવો શ્રીવૃક્ષસહિત સારી મેખલાવાળા, જંગમ પર્વત સરખા ઊંચા ઘોડા પર સ્વાર થયો. ગલોફાં સુધી ઊંચા ઉપડેલાં પગથી પોતા સરખો વેગ ધારણ કરનાર ગરુડની ગતિનો અભ્યાસ કરતો હોય અને ધીર દૃષ્ટિથી ગરદન ઉંચી કરી મારા વેગ આગળ આ પૃથ્વી શું હિસાબમાં છે’એમ ધારતો હોય, એવા ઘોડા ઉપર સ્વાર થઈ તે થોડું આગળ ચાલ્યો કે સપાટ જમીન આવી. ત્યાં તેજસ્વતી રાણીને વેગ દેખાડવા ઘોડાને ચાંપ્યો. રાજાની પાનીના પ્રહારથી તે ઘોડો યંત્રમાંથી નીકળેલાં બાણની માફક મનુષ્યનાં નેત્રોથી ન જોઈ શકાય એટલા વેગથી અતિ દૂર ક્યાંય દોડ્યો ગયો. એ જોઈ સૈન્ય વિહ્વળ થઈ ગયું. તેની પૂંઠે હજારો ઘોડેસ્વારો દોડ્યા પણ રાજાનો ઘોડો ક્યાંય જોવામાં આવ્યો નહીં. તે પછી સૈન્ય સહિત કાર્યભારીઓ, અનિષ્ટની આશંકા કરતી રડતી રાણીને લઈ પાછા ઉજ્જયિનીમાં આવ્યા. ત્યાં દરવાજા બંધ કરી કિલ્લાનું રક્ષણ કરી, પ્રજાનું આશ્વાસન કરી, રાજાની ખબર અંતર ચોમેરથી મેળવવા લાગ્યાં.

એટલા વખતમાં તે વેગવંત ઘોડો, તે રાજાને, ભયંકર સિંહોને ફરવાના વંધ્યિના જંગલમાં લઈ ગયો. ત્યાં દૈવયોગથી ઘોડો ઊભો રહ્યો. ત્યાં એક મોટું જંગલ જોઈ દિગ્મૂઢ થયેલો તે રાજા વિહ્વળ અને આકુળવ્યાકુળ થઈ ગયો. બીજી કોઈ હવે ગતિ નથી, એમ વિચારી તે ઘોડા ઉપરથી ઊતરી, ઘોડાની જાત પારખનારા રાજાએ તે ઉત્તમ ઘોડાને પ્રણામ કર્યા. અને કહ્યું કે, ‘હે અશ્વરાજ! તું દેવ છે. તારા જેવાને પોતાનાં ધણીનો દ્રોહ કરવો ઘટારત નથી, તો હવે તું જ મારું શરણ છે, હવે મને શુભ માર્ગે લઈ જા.’ તે સાંભળી જાતિસ્મરણ જ્ઞાનવાળા તે ઘોડાને પસ્તાવો થયો, અને સીધે રસ્તે લઈ જવાની કબૂલાત મનથી આપી; કારણ કે દૈવતં હિ હયોત્તમ: ઉત્તમ ઘોડો એ દેવ છે. તે પછી રાજા તે પર પાછો સ્વાર થયો, ત્યારે રસ્તાનો શ્રમ ઉતારનારા અને સ્વચ્છ, ઠંડા જળવાળા માર્ગે ઘોડો ચાલ્યો, અને સાંજે તો સો યોજનનો પંથ કાપી, તે રાજાને ઉજ્જયિનીની પાસે પુન: લાવી મૂક્યો. ત્યારે તેના ઘોડાના વેગથી, પોતાના જાણે સાતે ઘોડા જિતાઈ ગયા છે એમ જોઈ લજ્જા પામી, અસ્તાચળની ગુફામાં સૂર્ય છુપાઈ ગયો હોય તેમ અસ્ત થઈ ગયો. પછી અંધારુંં ફેલાયું. ઉજ્જયિનીના દરવાજા બંધ થયેલા જોઈ, તે વખતમાં ભયંકર દેખાતાં સ્મશાનમાં તે રાજાએ ઉતારો કરવાનો હેતુ ધર્યો, ત્યારે બુદ્ધિમાન ઘોડો, રાજાને ત્યાં લઈ ગયો. તે સ્મશાનમાં એકાંતમાં બ્રાહ્મણોને રહેવાનો એક મઠ હતો. તેમાં આજની રાત કાઢવી, એવું વિચારી આદિત્યસેન રાજા તેમાં પ્રવેશ કરવા લાગ્યો. તરત ત્યાં રહેનારા બ્રાહ્મણોએ તેને રોક્યો. ને આ સ્મશાનપાળ છે કે કોઈ ચોર છે, એવી આશંકાથી તેઓએ લડતાં લડતાં તેને બહાર કાઢ્યો.

વેદીઆ બ્રાહ્મણો એ, ભય, કઠોરતા અને કોપનું સાક્ષાત્ ઘર હોય છે. તેથી તે બધાએ ગડબડ મચાવી મૂકી. તેવામાં તે મઠમાંથી ધીર અને ગુણવાન વિદૂષક નામનો એક બ્રાહ્મણ નીકળ્યો. તે યુવાન્ અને કસરતી હતો અને તેણે તપસ્યા કરી અગ્નિનું આરાધન કરી ધ્યાન ધરવાથી તરત હાજર થાય, એવું ખડ્ગ મેળવ્યું હતું, તે બ્રાહ્મણે સુંદર આકૃતિના રાજાને જોઈ આ કોઈ છૂપો દેવ છે, એવું મનમાં ધાર્યું. તે બીજા સર્વ બ્રાહ્મણોને દૂર કરી, નમ્રતાની સાથે રાજાને મઠમાં તેડી લાવ્યો. ત્યાં રાજાએ વિસામો લીધો અને વિદૂષકે દાસીઓને હુકમ કરી રસ્તાની ધૂળ રાજાના અંગ ઉપરથી સાફ કરાવી, રાજાને યોગ્ય હોય એવો આહાર કરાવ્યો, તથા રાજાને જમાડ્યો. ઘોડા ઉપરથી પણ પલાણ ઉતારી ઘાસચારો નાંખી તેનો શ્રમ ઓછો કર્યો. અને પછી થાકી ગયેલા રાજાને માટે શય્યા બીછાવી કહ્યું કે, ‘હે પ્રભુ! તમે સુખેથી પોઢો, અને હું ચોકી કરીશ.’ જ્યારે રાજાએ શયન કર્યું ત્યારે તે બ્રાહ્મણે અગ્નિદેવ આપેલું ખડગ ધારણ કરી, આખી રાત્રિ દ્વારપાળ તરીકે, તેના સંબંધી વિચાર કરતાં ગાળી. બીજે દિવસે પ્રભાતના જ રાજાના કંઈ પણ હુકમ વગર, સ્વેચ્છાથી જ વિદૂષકે ઘોડાને સજ્જ કર્યો. રાજા પણ તેની પાસેથી રજા લઈ ઘોડા ઉપર બેસી છેટેથી હર્ષ પામેલાં માણસોએ જોયેલો ઉજ્જયિનીમાં આવ્યો. રાજાના પધારવાના ઉમંગથી મંગળ ગીત ગાતી વસ્તી તેને ઓવારણે ગઈ. પછી કાર્યભારીઓની સાથે તે રાજા મહેલમાં આવ્યો અને તેજસ્વતી રાણીના હૃદયમાંથી સંતાપ જતો રહ્યો. જ્યાં સુધી સૂર્ય અને લોકો એક રંગનાં થયાં નહિ ત્યાં સુધી તેજસ્વતી રાણીએ આખો દહાડો મહોત્સવ કર્યો. અર્થાત્ સૂર્ય આથમ્યો ત્યાં સુધી ઉત્સવ કીધો. બીજે દિવસે રાજાએ એ સ્મશાનના મઠમાંથી બધા બ્રાહ્મણોની સાથે વિદૂષકને બોલાવ્યો અને રાત્રિની હકીકત જાહેર કરી. તેણે ઉપકારી વિદૂષક બ્રાહ્મણને હજાર ગામ પસાયતાં કરી આપ્યાં, વળી તેને છત્ર અને બેસવા સારું વાહન આપી ગોરપદવી આપી. કૃતજ્ઞ રાજાની કૃપાથી તે વિદૂષક સામંત રાજા સરખો થઈ રહ્યો. કેમ કે મોટાઓનો કરેલો ઉપકાર નિષ્ફળ કેમ થાય? તે મહાશય વિદૂષકને રાજા તરફથી જે જે ગામ મળ્યાં, તે એ મઠવાસી બ્રાહ્મણોમાં તેણે સરખે હિસ્સે રાખ્યાં; ને પોતે રાજાની ચાકરી કરતો તેને જ આશરે રહ્યો, ને બીજા બ્રાહ્મણોની સાથે તે ગામનો ગરાસ પણ ખાવા લાગ્યો. કેટલોએક વખત ગયા પછી ધનના મદથી ઉદ્ધત થયેલા અને મુખીપણાની ઇચ્છા રાખનારા તે બ્રાહ્મણોએ વિદૂષકને ગણકાર્યો પણ નહીં. એક સ્થાનના આશ્રયવાળા, માંહોમાંહે ફૂટેલા તે સાત બ્રાહ્મણોએ દુષ્ટ ગ્રહની માફક ગામોને હરકત કરવા માંડી. જ્યારે આ બ્રાહ્મણો ઉચ્છં્રખલ થઈ ગયા, ત્યારે વિદૂષક તેઓના ઉપર ઉદાસીન થયો; કારણ કે ધીર પુરુષોએ અલ્પ સત્તાવાળા મનુષ્યો ઉપર બેદરકારી રાખવી, એ જ શોભે છે.

એક દિવસ માંહેમાંહી લડી મરતા તે બ્રાહ્મણોને જોઈ કોઈ કઠોર પ્રકૃતિનો ચક્રધર નામે બ્રાહ્મણ ત્યાં આવ્યો. પોતે કાણો છતાં બીજાના ન્યાયની છણાવટમાં તેની દૃષ્ટિ ઠીક પહોંચતી હતી. અંગમાં કૂબડો હતો, પણ વાણીમાં સ્પષ્ટ બોલનારો હતો. તે ચક્રધર તેઓને કહેવા લાગ્યો: ‘હે શેઠ! તમે ભિક્ષા માગનારા છો, અને આ તમને લક્ષ્મી પ્રાપ્ત થઈ છે. હવે એક બીજાની ઈર્ષ્યા રૂપ દોષથી કેમ ગામોને ખોઈ બેસવા ઇચ્છો છો! આ વિદૂષકનો દોષ છે કે જેણે તમારી ઉપેક્ષા કરી. હું માનું છું કે, તમે જરૂર પાછા ભીખ માગતા થઈ જશો.’

દૈવને આધીન જેની વૃદ્ધિ છે, એવું ધણી વિનાનું સ્થાન સારું, પણ જેમાં સર્વ ચીજ લૂંટાય છે, એવું ઘણા નાયકવાળું સ્થાન કક્ષાએ કામનું નથી! મારા વચનથી જો તમારે સ્થિર લક્ષ્મીની ઇચ્છા હોય તો એક ધીર નાયક કરો. આ વાત સાંભળી બધાના મનમાં ધણી થવાની ઇચ્છા થઈ, પછી તેઓ મૂઢ છે એવું વિચારી ચક્રધરે કહ્યું, ‘તમે વળી ટંટો વધારવાની વાત કરી. હું તમને એક ઠરાવ બાંધી આપું છું કે અહીં સ્મશાનમાં ત્રણ ચોર શૂળીએ ચડાવેલા છે. રાત્રિને વખતે તે ચોરોની નાસિકા જે ધીર પુરુષ કાપી લાવે, તે તમારામાં મોટો થાય, કારણ કે વીર માણસને જ ધણીપણું યોગ્ય છે.’ ચક્રધરના એ પ્રમાણે કહેવા ઉપરથી પાસે ઊભેલા વિદૂષકે કહ્યું કે, ‘ભલે આ વાત કબૂલ કરો, તેમાં શું હરકત છે?’ ત્યારે તે બ્રાહ્મણોએ વિદૂષકને કહ્યું કે, ‘અમારાથી તો એ કામ બને એમ નથી. જે સમર્થ હોય તે સુખે એ કામ કરે; ખુશીથી અમો તેના તાબેદાર થઈશું અને એ ઠરાવ અમારે સર્વ રીતે માન્ય છે.’ ત્યારે વિદૂષકે કહ્યું કે, ‘એમાં શું મુશ્કેલ છે, લો હું કરુંં છું.’ રાત્રિમાં તે ચોરોનાં નાક કાપી સ્મશાનમાંથી લાવવાં, એ કામ અશક્ય જાણી, મૂઢ બ્રાહ્મણોએ તેને કહ્યું કે, ‘જો એમ કરશો તો તમે જ અમારા સ્વામી થશો, એમાં સંશય નહીં.’ એવી રીતે ઠરાવ કરી, સંમતિ લઈ રાત્રિને સમયે તે બ્રાહ્મણો પાસેથી રજા લઈ વિદૂષક સ્મશાનમાં ગયો.

તે પોતાના ભયંકર કર્મ સરખા બિહામણા સ્મશાનમાં ચિંતન કરતા પ્રાપ્ત થયેલા સાથી ખડ્ગને લઈને પેઠો. ડાકણોના નાદથી એકઠા થયેલા ગીધ અને કાગડાઓના શબ્દથી શબ્દાયમાન અને ફીઆવડી (અગ્નિ ઝરતા ડાકણાઓ)ના મુખમાંથી નીકળેલા અગ્નિથી જેમાં ચિતાનો અગ્નિ ઝલઝલ સળગી ઊઠેલો છે, એવા સ્મશાનના મધ્યમાં શૂળી ઉપર ચડાવેલા અને નાસિકા કપાવાના ભયથી ઊંચું મ્હોં કરી રહ્યા હોય, તેવા ત્રણ પુરુષો વિદૂષકે જોયા. જ્યાં તેઓની નજદીક વિદૂષક પહોંચ્યો, ત્યાં વૈતાલોના પ્રવેશ થવાથી તે શબવત્ પુરુષો, મુઠ્ઠીઓથી તે વિદૂષકને મારવા લાગ્યા, ત્યારે વિદૂષક પણ કંપ્યા સિવાય ખડ્ગથી લડત ચલાવવા લાગ્યો. ધીરના હૃદયમાં ભય પ્રયત્ન શિખવતો નથી. એ ખડ્ગના પ્રહારથી વૈતાલનો વિકાર ટળી ગયો ત્યારે ખડ્ગે કરી તેનાં નાક કાપીને વસ્ત્રમાં બાંધી લીધાં. વળતાં રસ્તામાં એ સ્મશાનમાં જ મુડદા ઉપર બેસી જપ કરતા એક અઘોરીને જોયો. તેની ચેષ્ટા જોવાના કૌતુકથી તેની પાસે ગયો અને તેની પાછળ છૂપાઈ ઊભો રહ્યો. ક્ષણવારમાં અઘોરીની નીચે રહેલા શબે ફું એવો શબ્દ કર્યો ત્યારે તે મુડદાના મુખની જ્વાળા નીકળી અને નાભિથી સરસવ નીકળ્યા. તે સરસવ લઈ તે અઘોરી ઊઠ્યો અને હથેળીથી શબ ઉપર પ્રહાર કર્યો. એટલે વૈતાળના સંગથી તે શબ ઊભું થયું. ત્યારે તેના ખભા ઉપર અઘોરી બેઠો અને ચાલવા માંડ્યું. વિદૂષક પણ છૂપો છૂપો તેની પાછળ ચાલ્યો. જ્યાં થોડે છેટે જાય છે ત્યાં એક શૂન્ય કાત્યાયની દેવીનું મંદિર દીઠું, ત્યાં તે વૈતાળના ખભા ઉપરથી ઊતરી, મંદિરના ઘુમટમાં તે અઘોરી પેઠો અને વેતાળ જમીન ઉપર પડી રહ્યો. વિદૂષક પણ તે સર્વ યુક્તિથી જોયા કરતો હતો. અઘોરીએ દેવીની પૂજા કરી પ્રાર્થના કરી, ‘હે દેવી! તમે જો મારી ઉપર પ્રસન્ન થયા હો તો મારું ઇચ્છેલું વરદાન આપો. નહીંતર મારા દેહનું બલિદાન દઈ તમને રાજી કરીશ.’ તીવ્ર મંત્રના સાધનથી ગર્વ પામેલા, તે અઘોરીનાં એવાં વચનો સાંભળી એ ઘુમટમાંથી વાણી થઈ કે ‘આદિત્યસેન રાજાની કુંવરીને અહીં લાવી જો તું બલિદાન આપીશ તો તારી કામના પૂરી પડશે.’ આ સાંભળી તે બહાર નીકળ્યો અને વેતાળને હથેળી મારી એટલે ફું એમ શબ્દ કરી તે બેઠો થયો. તેના ખભા ઉપર ચડી તે અઘોરી રાજપુત્રીને લાવવા સારું આકાશ માર્ગે ચાલ્યો.

વિદૂષકે પણ આ બધું જોયું, અને વિચાર કરવા લાગ્યો કે, મારા જીવતાં છતાં એ રાજપુત્રીને કેમ મારે છે, તે હું જોઉં તો ખરો. એ શઠ જ્યાં સુધી અહીં આવે ત્યાં સુધી અહીં ઊભો છું, એવું વિચારી ત્યાં જ તે છૂપી રીતે રહ્યો. પછી તે અઘોરી મહેલની બારીના રસ્તાથી અંત:પુરમાં આવ્યો, અને રાત્રિની સૂતેલી રાજકન્યાને કાંતિથી દિશાઓને પ્રકાશ કરનારી ચંદ્રકળાને જેમ રાહુ પકડે તેમ પકડી આકાશ માર્ગે ઊડી આવ્યો. ‘ઓ પિતાજી! ઓ જીજી!’ એવી રીતે બૂમો પાડતી કન્યાએ ઉપાડી તે અંતરીક્ષમાંથી દેવીના મંદિરમાં આવ્યો. તે વખતે વેતાળને મૂકી દઈ તે કન્યારત્નને લઈ દેવીના ગર્ભગૃહમાં આવી, જ્યાં તે અઘોરી રાજપુત્રીને મારવાની ઇચ્છા કરે છે કે તે જ સમયે તલવાર ખેંચી વિદૂષક ત્યાં આવી ઊભો રહ્યો. ‘અરે પાપી ચંડાળ! તું શું માલતીનું ફૂલ પથરાથી કચરી નાખવા ઇચ્છે છે? રે આ નાજુક પુતળી ઉપર તું શું શસ્ત્ર વાપરવા ચાહે છે?’ એમ કરી તેના કેશ પકડી તલવારથી તેનું માથું કાપી નાખ્યુંં અને ભયથી બેબાકળી થયેલી એ રાજપુત્રીની આશ્વાસના કરી. તે ભયની મારી ધીમે ધીમે પાસે આવવા માંડી ત્યારે તેણે કાંઈક ઓળખીતો ચહેરો જોયો. વિદૂષકે વિચાર કર્યો કે આને તેના બાપના અંત:પુરમાં શી રીતે લઈ જાઉં! વિદૂષક આવો વિચાર કરે છે, તેવામાં આકાશવાણી થઈ કે, ‘હે વિદૂષક, સાંભળ. તેં જે આ અઘોરીને માર્યો, તેના કબજામાં વીર વેતાળ અને સરસવ હતા. તેને જોરે આ પૃથ્વીના રાજ્યની અને રાજપુત્રીઓની તૃષ્ણા હતી, તેથી એ મૂઢ આટલી ખરાબીમાં આવી પડ્યો છે. માટે હે વીર! એના સરસવ તું લઈ લે કે, જેથી આજની એક રાત સુધી તારાથી આકાશ માર્ગે ગતિ થઈ શકશે.’ બેશક દેવતાઓ પણ આવા ધીરવીરની ઉપર અનુગ્રહ કરે છે. તે પછી વસ્ત્રનો છેડો છોડી તેમાંથી અઘોરીએ રાખેલા સરસવ કાઢી લીધા અને રાજપુત્રીને ખોળામાં બેસાડી તરત દેવીના બહાર નીકળ્યો કે તરત બીજી આકાશવાણી થઈ કે, ‘હે મહાવીર! તારે એક માસ પછી આ જ દેવીના મંદિરમાં આવવું. આ વાત વિસરવી નહીં.’ તે સાંભળી તે વાત માન્ય કરી તરત દેવીની કૃપાથી રાજપુત્રીને ઉપાડી આકાશ માર્ગે ઉડ્યો. તેણે તરત અંત:પુરમાં જઈ રાજપુત્રીને મૂકી દીધી અને તે ધીમી પડી, ત્યારે વિદૂષકે કહ્યું, ‘સવારે મારી ગતિ આકાશને રસ્તે જવાની રહી શકશે નહીં, અને તેથી મને નીકળતાં સર્વે જોશે, માટે હમણાં જ હું જાઉં છું.’ એવું તેના કહેવા ઉપરથી ડરીને તે રાજપુત્રીએ કહ્યું, ‘તમારા જવાથી ત્રાસ પામેલા મારા પ્રાણ જતા રહેશે. માટે હે મોટા ભાગ્યવાળા તમે ન જાઓ. મને ફરી જીવન આપો. જે બાબત લીધી હોય તે પૂરી પાડવી એ સત્પુરુષોનું સ્વાભાવિક વ્રત હોય છે.’ એ સાંભળી તે વિદૂષકે વિચાર કર્યો જે બનવાનું હોય તે બનો, પણ હું અહીંથી નહીં જાઉં. નહીંતર આ રાજકન્યા ભયથી પ્રાણનો ત્યાગ કરશે. જો હું જતો રહું અને આ કન્યા મરી જાય તો મેં રાજાની ભક્તિ શું કરી કહેવાય? જેટલો શ્રમ કર્યો છે તે વ્યર્થ જશે. એવું વિચારી બે રાત્રિ તે ત્યાં અંત:પુરમાં જ રહ્યો. પરિશ્રમ અને ઉજાગરાથી થાકેલો હતો, તેથી ત્યાં તેને નિદ્રા આવી ગઈ. પણ રાજપુત્રીના મનમાં તો ભય પેસી ગયો હતો, તેથી તે રાત્રિ જાગતાં જ કહાડી. પ્રેમથી જેનું ચિત્ત કોમળ છે, એવી રાજપુત્રીએ વિચાર્યું કે, ભલે આ વિસામો લે, સવાર થયા છતાં પણ તેને જગાડ્યો નહીં. તે પછી અંત:પુરમાં ફરનારી દાસીઓએ આવી તેને જોયો. રાજાએ ખરી વાત જાણવા પ્રતિહારને મોકલ્યો. તેણે પણ અંદર જઈ જોયું તો વિદૂષક સૂતો પડ્યો હતો. રાજપુત્રીને પૂછવા ઉપરથી તેણે બધી વાત વર્ણવી કહી; અને તે જ પ્રમાણે પ્રતિહારે પણ રાજા પાસે જઈ કહી સંભળાવ્યું, ત્યારે વિદૂષકની ધીરતા જોઈ રાજાએ વિચાર્યું કે, આ વાત કેમ હશે? એવી રીતે આશ્ચર્ય પામ્યો. પછી પુત્રીના ઘરમાંથી વિદૂષકને બોલાવી મંગાવ્યો. કુંવરીના સ્નેહી અંત:કરણે વળાવેલો તે વિદૂષક જ્યારે રાજા સમીપ આવ્યો, ત્યારે રાજાએ સઘળું વૃત્તાંત પૂછ્યું, વિદૂષકે મૂલથી માંડી છેવટ લગી બધી વાત તેને કહી સંભળાવી; અને કપડાને છેડે બાંધેલાં ચોરોનાં નાક દેખાડ્યાં; અને પૃથ્વીને ભેદનારા અઘોરીના સરસવ પણ બતાવ્યા. ત્યારે આ વાત ખરી હશે એમ ધારી ચક્રધર સહિત બધા મઠના બ્રાહ્મણોને બોલાવી તેનું મૂળ કારણ પૂછી, રાજા સ્મશાનમાં ગયો, તો ત્રણ પુરુષોને નાકકટા જોયા, તેમ દેવીના મંદિરમાં અઘોરીનું કપાયેલું માથું પડેલું હતું, તે પણ જોયું. આ સર્વ જોતાં રાજાને પૂર્ણ વિશ્વાસ આવ્યો અને તે રાજી થયો. પછી પુત્રીના પ્રાણનું રક્ષણ કરનાર હુશિયાર વિદૂષકને તે જ પુત્રી આપી. ઉપકારીની ઉપર પ્રસન્ન થતા ઉદાર મનુષ્યોને ન દઈ શકાય એવી કઈ ચીજ છે? રાજપુત્રીના હાથમાં કમળની પ્રીતિથી જરૂર લક્ષ્મી રહેતી હતી. કારણ કે રાજપુત્રીનો હાથ ઝાલવાથી વિદૂષકને લક્ષ્મી પ્રાપ્ત થઈ. તે પછી રાજાના જેવું સુખ ભોગ ભોગવતો સ્ત્રી સાથે આદિત્યસેનના મહેલમાં તે વિદૂષક રહ્યો. કેટલાએક દિવસ ગયા પછી દૈવની પ્રેરણાથી રાત્રે તે રાજપુત્રીએ વિદૂષકને કહ્યું કે, ‘હે નાથ! આ વાત તમને યાદ છે કે રાત્રિમાં દેવીના મંદિરમાં દિવ્ય વાણીએ તમને કહ્યું હતું કે, એક માસ પછી તમારે અહીં આવવું, તો તેને આજે એક મહિનો પૂરો થાય છે, અને તે વાત આપ કેમ વિસરી ગયા?’ પ્રિયાનાં આવાં વચન સાંભળી તે વાત યાદ આવવાથી વિદૂષક રાજી થયો, તથા બોલ્યો, ‘ઓ પ્રિયે! તેં ઠીક સંભાર્યું, હું તો ભૂલી જ ગયો હતો,’ એમ કહી તેને ઇનામમાં આલિંગન આપ્યું, ત્યારબાદ રાજકન્યાના સૂઈ ગયા પછી રાત્રે અંત:પુરમાંથી ખડગ લઈ તે નીકળ્યો ને તરત દેવીના મંદિરમાં આવી પહોંચ્યો. ત્યાં બહાર રહી તે બોલ્યો, ‘હું વિદૂષક આવ્યો છું.’ તુરત અંદરથી અવાજ થયો કે ‘અંદર આવ.’ આ સાંભળી તે અંદર પેઠો. ત્યાં જઈ જુવે છે તો તેણે ત્યાં દેવતાઈ ઘર દીઠું. તેની અંદર દિવ્ય આભૂષણવાળી એક કોઈ દિવ્ય કન્યા જોઈ. પોતાની કાંતિથી અંધકાર દૂર કરનારી, રાત્રિમાં સળગી ઊઠેલી, મહાદેવના ક્રોધાગ્નિથી બળેલી કામદેવની સંજીવનની ઔષધિ સરખી તે કન્યાને જોઈ વિદૂષક આશ્ચર્ય પામી ગયો કે આ તે શું છે? ત્યારે રાજી થઈ તે કન્યાએ સ્નેહ અને બહુ માનથી આદર ભાવ દાખવ્યો. પ્રેમ જોવાથી વિશ્વાસુ વિદૂષક ત્યાં બેઠો; અને તે કોણ છે? એવી રીતે તેનું સ્વરૂપ જાણવાની ઇચ્છાવાળા વિદૂષકને તે કન્યાએ કહ્યું, ‘હું વિદ્યાધરના કુળમાં ઉત્પન્ન થયેલી ભદ્રા નામની કન્યા છંુ ને યથેચ્છ ફરનારી છું; મહિના પર તે દિવસે હું અહીં આવી ચડી હતી, અને મેં તને તે વખતે દીઠો હતો. તારા ગુણથી મારું ચિત્ત તારામાં બહુ ખેંચાયું. તેથી તે જ વખતે તું ફરી અહીં આવે, તે સારુ અદૃશ્ય રહી હું જ બોલી હતી. આજે મેં વિદ્યાના પ્રયોગો જોડ્યા, તેથી તે રાજપુત્રીએ તને યાદ કરાવ્યું. તારે માટે હું અહીં રહી છું. હે સુંદર! હવે આ શરીર તારે સ્વાધીન કરી દઉં છું. મારી સાથે લગ્ન કર.’ એવી રીતે ભદ્રા વિદ્યાધરીએ કહ્યું તે ઉપરથી વિદૂષકે તે વાત કબૂલ રાખી અને ગાંધર્વ વિધિથી લગ્ન કર્યાં. પોતાના પુરુષાર્થથી દિવ્ય ભોગ ભોગવતો તે ત્યાં જ રહ્યો છે, એટલામાં રાત્રિ વીતી ગઈ ત્યારે આદિત્યસેન રાજાની પુત્રી જાગી ઊઠી અને પતિ પોતા પાસે જોયો નહીં, તેથી ખેદ કરવા લાગી. વિહ્વળ થઈ પડતાં આંસુઓથી આંખોનાં પોપચાં તરંગવાળાં થઈ ગયાં છે એવી તે રાજપુત્રી પડતે આખડતે પોતાની માની પાસે ગઈ અને કહ્યું કે, ‘માતા, મારો પતિ રાત્રિમાં ક્યાંક જતો રહ્યો છે, એવી રીતે પોતાના અપરાધથી ભય પામેલી અને પસ્તાએલી તે કન્યાએ કહ્યું, તે ઉપરથી તેની મા પણ ગભરાઈ ગઈ. આ વાત જાણી રાજા પણ ત્યાં આવ્યો અને ઘણો આકુળ થઈ ગયો, ત્યારે પુત્રી બોલી કે ‘હું એમ જાણું છું કે, સ્મશાનની બહાર તે દેવીના મંદિરમાં ગયા હશે.’ આવું પુત્રીનું વચન સાંભળી રાજા પોતે ત્યાં ગયો. ત્યાં વિદ્યાધરીની વિદ્યાના પ્રભાવથી અદૃશ્ય થઈ ગયેલો વિદૂષક શોધતાં છતાં પણ ન દેખાયો, ત્યારે રાજા પાછો વળ્યો. તેને જોઈ રાજપુત્રી નિરાશ થઈ ગઈ અને દેહત્યાગ કરવા તૈયાર થઈ, તેટલામાં ત્યાં એક જ્ઞાની આવ્યો. તેણે આ પ્રમાણે કહ્યું કે, ‘હે રાજપુત્રિ! તારે કાંઈ અનિષ્ટની શંકા કરવી નહિ. તારો પતિ દિવ્ય ભોગ ભોગવે છે અને થોડા વખતમાં તને આવી મળશે.’ આ વાત સાંભળી પતિ પાછો આવવાની ઇચ્છાથી દેહત્યાગનો વિચાર માંડી વાળ્યો.

આણીમેર વિદૂષક ઘણા જ આનંદથી ભદ્રા સાથે રહે છે. તેટલામાં એક યોગેશ્વરી નામની ભદ્રાની સખી ત્યાં આવી પહોંચી, અને તેને એકાંતમાં તેડી જઈ કહ્યું, ‘હે સખિ! મનુષ્યના સંસર્ગથી આપણા વિદ્યાધરો તારી ઉપર ગુસ્સે થયા છે, અને તારુંં અનિષ્ટ કરવા તૈયાર થયા છે; માટે અહીંથી તારે જલદી ચાલ્યા જવું. પૂર્વસમુદ્રને પેલે પાર કાકોટક નામનું નગર છે, તે મૂક્યા પછી શીતોદા નામની એક નદી આવે છે, તેને પેલે કાંઠે ઉદય નામનો મોટો પહાડ છે; ત્યાં સિદ્ધક્ષેત્રમાં કોઈ વિદ્યાધર આવી શકતા નથી. માટે હાલ તું ત્યાં જા, અને આ મનુષ્યની તારે કશી ચિંતા કરવી નહીં. આ બધી હકીકત વિદૂષકને તારે કહેવી. તે ધીરજવાન્ છે તેથી તે ત્યાં આવી પહોંચશે.’ આવી રીતે તે સખીએ ભય ઉપજાવ્યો, તેથી જો કે પોતે વિદૂષક ઉપર બહુ આસક્ત છે, તે છતાં તેની વાત કબૂલ રાખી. વિદૂષકને આ વાત યુક્તિથી કહી પોતાની રત્નની વીંટી આપી, પ્રભાત થતાં પહેલાં ભદ્રા અદૃશ્ય થઈ ગઈ. ત્યારે વિદૂષક પાછો આગળની સ્થિતિમાં દેવીના ઉજ્જડ મંદિરમાં આવી પડ્યો. ત્યાં ભદ્રા ન દીઠી, ને પોતે એકલો જણાયો. તે વિદ્યાનો પ્રપંચ સંભારતો અને વીંટી જોતો વિદૂષક, ખેદ અને વિસ્મયથી તેનાં વચનને સ્વપ્ન સરખું સંભારતો વિચાર કરવા લાગ્યો કે, મને નિવેદન કરીને જ તે ઉદય પર્વત ઉપર ગઈ છે તો મારે પણ એ રીતની પ્રાપ્તિ સારું ત્યાં જ જવું પડશે. પણ આવી રીતે જતાં બધા લોકો મને જોશે. અને તે વાતની રાજાને ખબર પડશે, તો મારાથી નહીં છૂટાય. માટે જેમ મારુંં કાર્ય સિદ્ધ થાય તેમ યુક્તિ કરુંં.’ એવી રીતે વિચાર કરી તે નિપુણ પુરુષે બીજું રૂપ ધારણ કર્યું અને જીર્ણ વસ્ત્ર પહેરી, અંગ ઉપર ધૂળ નાંખી, હે ભદ્રે! હે ભદ્રે! એમ બોલતો દેવીના મંદિરમાંથી નીકળ્યો. તે ક્ષણે તે દેશના માણસોએ તેને જોઈ ઓળખી કાઢ્યો કે આ તો વિદૂષક છે. લોકોનો કોલાહલ સાંભળી રાજાને ખબર પડી. તેથી રાજા પણ ત્યાં આવ્યો. ત્યાં ગાંડા માણસ સરખી તેની ચેષ્ટા જોઈ, રાજાએ તેને પોતાના મહેલમાં પકડી મંગાવ્યો. ત્યાં સ્નેહને લીધે જે જે નોકર ચાકરે વાતો કહી, તે સઘળાના ઉત્તરમાં વિદૂષકે હે ભદ્રે, હે ભદ્રે, એટલું જ કહ્યું. વૈદ્યોએ બતાવેલા અભ્યંગથી તેને સ્નાન કરાવી સાફ કર્યો, પણ તરત જ તેણે ઘણી ધૂળ લઈ પોતાના શરીર ઉપર નાંખી. સ્નેહવશ થયેલી રાજપુત્રીએ પોતાને હાથે તેને આહાર લાવી આપ્યો. તે જોતાં જ તેણે લાત મારીને તે થાળી ફેંકી દીધી. એ પ્રમાણે તે નિ:સ્પૃહીની રીતે કેટલાએક દિવસ પોતાનાં વસ્ત્ર ફાડતો ને ગાંડા મનુષ્યપેરે ચેષ્ટા કરતો ત્યાં રહ્યો.‘આને સુધારવો અશક્ય છે, માટે આને આપણે હેરાન કરવો નહિ જોઈએ. જો એ કદાચિત્ પ્રાણત્યાગ કરશે તો આપણને બ્રહ્મહત્યા લાગશે. વળી આપણો જમાઈ પણ થાય છે; સ્વચ્છંદ ફરતાં ફરતાં કોઈ દિવસ આનું કુશળ કલ્યાણ થશે.’ એવું વિચારી આદિત્યસેને તેને જવા દીધો. તે પછી સ્વચ્છંદ ફરનારો વીર વિદૂષક બીજે દહાડે રત્નની વીંટી લઈ ભદ્રા મેળવવા સારુ તેને રસ્તે પડ્યો. રાત દહાડો ચાલતાં ચાલતાં તે પૂર્વ દિશાના રસ્તામાં પૌંડ્રવર્ધન નગરમાં જઈ પહોંચ્યો. ત્યાં કોઈ વૃદ્ધ બ્રાહ્મણીને ઘેર જઈ કહ્યું, ‘હે માતાજી! એક રાત્રિ અહીં રહેવાની રજા લઉં છું.’ એવું કહેવાથી તે ડોસીએ હા પાડી અને આતિથ્યસત્કાર કરી, ખિન્ન થઈ તેની પાસે આવી કહ્યું કે, ‘હે પુત્ર! આ આખું ઘર હું તને જ આપું છું, માટે તે તું લે. કારણ કે હવે મારે જીવવાનું નથી.’ ત્યારે વિસ્મય પામી વિદૂષક બોલ્યો કે,‘તું આમ કેમ બોલે છે?’ ત્યારે ડોસીએ કહ્યું કે, સાંભળ, તને એક વાત કહું છું. તે પછી તે ડોસી બોલી:

પુત્ર! આ નગરમાં દેવસેન નામનો રાજા રહે છે. તેને ત્યાં પૃથ્વીમાં રત્ન સરખી એક કન્યા અવતરેલી છે. ‘મને આ દુઃખથી લબ્ધ (પ્રાપ્ત) થઈ છે,’ એમ ધારી પ્રીતિમાન રાજાએ દુઃખલબ્ધિકા એવું તેનું નામ પાડ્યું છે. કેટલેક કાળે તે નવયૌવના થઈ, ત્યારે કચ્છપનાથ નામના રાજા સાથે તેનું લગ્ન કીધું, રાજાને પોતાને ઘેર બોલાવ્યો તથા રાજેન્દ્ર કચ્છનાથ પોતાની પત્નીના શયનગૃહમાં પેઠો કે તે મરણ પામ્યો. ત્યારે દિલગીર થઈ રાજાએ એ કન્યા બીજા રાજાને આપી. તે પણ એવી રીતે જ મરણ પામ્યો. આ જ ભયથી કોઈ રાજા તેની સાથે લગ્ન કરવાની ઇચ્છા કરતો નથી. આ પ્રમાણે થવાથી રાજાએ પોતાના સેનાપતિને કહ્યું કે, ‘આજથી તારે ક્રમે કરી આ દેશનો એકેક પુરુષ બ્રાહ્મણ કે ક્ષત્રિય ગમે તે હોય તેને દરરોજ લાવવો અને મારી પુત્રીના ઘરમાં મૂકવો. આપણે જોવાનું છે કે કેટલા પુરુષો ક્યાં સુધી મરે છે! આ આપત્તિમાંથી જે ઊગરશે તે આનો પતિ થશે.

‘અદ્ભુત શક્તિ દૈવની, ગતિ નહિ કળી શકાય;

સુખમાંથી દુઃખ ને પછી, દુઃખમાંથી સુખ થાય.’

એ પ્રમાણે રાજાના હુકમ ઉપરથી સેનાપતિ દરરોજ વારા પ્રમાણે નગરની વસ્તીમાંથી એકેક પુરુષને ખેંચી જાય છે. આવી રીતે સો પુરુષ મરણ પામ્યા છે. હવે હું અભાગણીનો એક પુત્ર છે. રાજકન્યા પાસે જવાનો તેનો આજ વારો આવ્યો છે. જ્યારે પુત્ર મરી જશે ત્યારે મારે જીવી શું કરવું છે? પ્રભાત થતાં જ મારે અગ્નિમાં પ્રવેશ કરવો છે.’ આ જીવતાં છતાં જ તું ગુણવાન્ પાત્ર મારે હાથ લાગ્યો છે, તો તને ઘર આપી દઉં છું, જેથી ફરી બીજા જન્મમાં આવી દુઃખણી ન થાઉં, એવી મારી ઇચ્છા છે.’ એવાં ડોસીના વૈરાગ્યનાં વચન સાંભળી વિદૂષક બોલ્યો કે, ‘જો એમ હોય તો, હે મા! તું દિલગીર ન થા. આજ તારા પુત્ર સાટે ત્યાં જાઉં છું. તારો એક છોકરો ભલે જીવે. હું આનો નાશ કેમ કરાવું એવી દયા મારી ઉપર તારે લાવવી નહીં; કારણ કે સિદ્ધિના પ્રતાપથી હું ત્યાં જઈશ, તો પણ મને ભય પ્રાપ્ત થશે નહીં.’ આવી રીતે વિદૂષકના કહેવાથી, ડોસી વિદૂષકને કહેવા લાગી, ‘ભાઈ, જો એમ છે તો કોઈ દેવ જ અમારા પુણ્ય પ્રતાપથી આવી મળ્યો છે, એમ હું માનું છું. હે પુત્ર! અમને પ્રાણદાન દે, અને અમારું કુશળ કર.’ એવી રીતે ડોસીની અનુમતિથી સાંજે સેનાપતિએ મોકલેલા સિપાઈ સાથે વિદૂષક રાજપુત્રીને ઘેર ગયો. ત્યાં ખીલેલાં પણ નહીં ચૂંટેલાં પુષ્પોના ભારથી નમેલી લતા સરખી, યૌવન મદથી ઉદ્ધત થયેલી રાજપુત્રીને તેણે નિહાળી. તે પછી રાત્રિએ રાજપુત્રીના શયનમાં સ્મરણ કરવાથી પ્રાપ્ત થયેલા ખડગને હાથમાં લઈ તે જાગતો જ બેઠો છે; અને વિચારે છે કે જોઉં તો ખરો, અહીં પુરુષોને કોણ મારે છે? જ્યારે આસપાસનાં બધાં મનુષ્યો સૂઈ ગયાં ત્યારે શયનગૃહનું એક દ્વાર ઉઘાડી બારણામાંથી આવતા ભયંકર રાક્ષસને તેણે જોયો. આવાસના બારણા આગળ તે રાક્ષસ ઊભો રહ્યો અને સૂનાર ઉપર અકસ્માત્ યમદંડ સરખો હાથ લાંબો કર્યો, ત્યારે વિદૂષકે ક્રોધ કરી દોડી એક ખડગના પ્રહારથી તે રાક્ષસનો હાથ તરત કાપી નાંખ્યો. હાથ કપાવાથી તેના બળના ઉત્કર્ષથી ડરી જઈ ફરી ન આવવાનો નિશ્ચય કરી તે રાક્ષસ ત્યાંથી તત્કાળ નાસી ગયો. જ્યારે રાજપુત્રી જાગી ત્યારે ત્યાં પડેલો રાક્ષસનો હાથ જોઈ તે ડરી ગઈ. અને તે સાથે ખુશ પણ થઈ, અને વિસ્મય પામી, સવારમાં પોતાની પુત્રીના ઘરના બારણામાં રાક્ષસનો કાપેલો હાથ દેવસેન રાજાએ જોયો. હવેથી અહીં કોઈ પુરુષે પેસવું નહીં, એવી રીતે વિદૂષકે લાંબી ભોગળ આડી આપી હોય એવો તે હાથ દેખાયો; ત્યારે દિવ્ય પ્રભાવના વિદૂષકને ઘણા વિનયની સાથે રાજાએ તે કન્યા પરણાવી. તે પછી વિદૂષક રૂપવાળી, સમૃદ્ધિ સરખી તે સ્ત્રી સાથે કેટલાએક દિવસ ત્યાં જ રહ્યો. પણ એક દિવસ તે રાજપુત્રીને સૂતી મૂકી ઉતાવળો ઉતાવળો ભદ્રાને ભેટવા ચાલ્યો. સવારે તેને ન જોવાથી રાજપુત્રી દુઃખી થઈ, ત્યારે એ પાછો વળશે એવી આશા આપી તેના પિતાએ તેણીને શાંત પાડી. હવે આણીપેર રાત દહાડો ચાલતાં તે વિદૂષક પૂર્વ મહાસાગર પાસે આવેલી તામ્રલિપ્તિકા નગરીમાં આવી પહોંચ્યો. ત્યાં એક સ્કંદદાસ નામના વ્યાપારીને પેલે પાર જવું હતું, તેનો સથવારો કરી ઘણા માલથી ભરેલાં તેના વહાણમાં બેસી વિદૂષક જળમાર્ગે ચાલ્યો. તે વહાણ ચાલતાં ચાલતાં સમુદ્રના મધ્યમાં જઈ અકસ્માત્ કોઈએ પકડી રાખ્યું હોય તેમ અટકી પડ્યું. આમ થવાને લીધે રત્નોથી સમુદ્રની પૂજા કરી, તો પણ તે ચાલ્યું નહીં. ત્યારે સ્કંદદાસ ખેદ પામી બોલ્યો કે, ‘જે માણસ આ અટકી ગયેલું મારું વહાણ ચલાવી આપે તેને મારી અરધી મિલકત અને કન્યા પણ આપું.’ તે સાંભળી દૃઢ ચિત્તવાળા વિદૂષકે કહ્યું કે ‘હું સમુદ્રમાં ઊતરી તપાસ કરી, લાધી ગયેલું તારું વહાણ એક ક્ષણમાં છૂટું કરી આપીશ. આ દોરડાં બાંધીને હું અંદર પડું છું. જ્યારે તમારું વહાણ ચાલતું થાય ત્યારે આ દોરડાં ખેંચી મને તરત બહાર કહાડજો.’ ત્યારે તે વાણીએ તેને શાબાશી આપી, તેનું વચન કબૂલ રાખ્યું અને ખલાસીઓએ તેની કાખમાં દોરડાં બાંધ્યાં, એટલે વિદૂષક પાણીમાં ડૂબકી મારી અંદર ઊતર્યો.

ધીર વીરનું પારખું, અવસર આવે થાય.

યાદ કરવાથી હાજર થયેલું ખડ્ગ હાથમાં લઈ વહાણની નીચે ધીરવીર વિદૂષક પેઠો.

ત્યાં એક મોટી કાયાવાળા પુરુષને જોયો. તેની જાંઘમાં વહાણ ભરાઈ ગયું હતું. તે જોઈ તે જ ક્ષણે ખડ્ગથી તેની જાંઘ કાપી નાખી. તુરત છૂટું થયેલું વહાણ સડસડાટ ચાલ્યું. જ્યારે આ પ્રમાણે વહાણ છૂટું થયું ત્યારે પોતે કબૂલ કરેલા પૈસા આપવા પડે તેના ભયથી પાપી સ્કંદદાસે વિદૂષકને બાંધેલાં દોરડાં કંપાવી નંખાવ્યાં.

જેમ વહાણ અડચણથી મુક્ત થયું અને આગળ ચાલવા લાગ્યું, તેમ જ વાણીઓ પણ પોતે આપેલી કબૂલાતથી મુક્ત થઈ છટકી જવા માંડ્યો; અને વિદૂષકને બાંધેલાં દોરડાં કપાવી નાંખી, વહાણને એકદમ સડસડાટ જોશથી ચલાવવા માંડ્યું. પોતાના લોભનો તો પાર આવવા વખત પાસે આવ્યો, પણ સમુદ્રનો પાર ન આવ્યો, વિદૂષક ડુબકીથી બહાર આવી નજર કરે છે તો દોરડાંને કાપેલાં જોયાં ત્યારે તેને અદ્ભુતાશ્ચર્ય પ્રાપ્ત થયું; ને શાંત ચિત્તે વિચાર કરવા લાગ્યો કે, આ તે વાણીએ શું કર્યું? બેશક આ બાબતમાં આ કહેતી આબાદ લાગુ પડે છે.

દ્રવ્યક્ષોભથી આંધળાં, કુટિલ કૃતઘ્ની હોય;

કીધેલા ઉપકારને, તે તો ક્યાંથી જોય?

ઠીક, ઠીક, હવે આ વખત ગભરાવાનો નથી. ધીરજ છોડવાથી થોડી આપત્તિનું પણ ઉલ્લંઘન થતું નથી. તે વખતે એવો વિચાર કરી તેણે તે રાક્ષસની કાપેલી જાંઘ ઉપર સ્વારી કીધી, અને તેની સહાયતાથી જેમ હોડીમાં બેસી હાથથી હલેસાં મારે તેમ ફરી સમુદ્ર તરી ગયો. કેમકે ધીર પુરુષની મદદ દૈવ જ કરે છે. તેટલામાં રામાર્થ સમુદ્રનો પાર પામેલા હનુમાન્ સરખા બળવાન્ તે વિદૂષકને કાને આકાશવાણી સંભળાઈ, ‘હે વિદૂષક, શાબાસ, શાબાસ, તારાથી બીજો વિશેષ કોણ ધૈર્યવાન છે? આ તારું ધૈર્ય જોઈ હું ખુશ થયો છું. આ નાગોના દેશમાં તું આવી ચડ્યો છે. હવે અહીંથી સાતમે દહાડે તું કાકોટક નગર જઈ શકશે. ત્યાંથી ધીરજ રાખી જઈશ તો તરત તારી ઇચ્છા સફળ થશે. હું હવ્ય અને કવ્ય ખાનારો અગ્નિ છું. તેની તેં પ્રથમ આરાધના કરેલી છે. મારા વરદાનથી તને ભૂખ અને તરસ લાગશે નહીં. માટે જા કાર્ય સિદ્ધ કર.’ એવું કહી તે દેવવાણી બંધ પડી. તે સાંભળી રાજી થઈ અગ્નિને પ્રણામ કરી વિદૂષક આગળ ચાલ્યો. તે સાતમે દહાડે કાકોટક નગરમાં આવી પહોંચ્યો. ત્યાં જુદા જુદા દેશોમાંથી આવેલા, અભ્યાસગતને ચાહનારા આર્યો જેમાં રહે છે એવા એક મઠમાં વિદૂષક આવ્યો. એ મઠ ત્યાંના આર્યવર્મ રાજાએ બાંધેલો હતો. તેમાં શુદ્ધ સોનાનાં પતરાંથી મઢેલ દેવમંદિરો બંધાવ્યાં હતાં. ત્યાં સર્વ બ્રાહ્મણોએ વિદૂષકની પરોણાચાકરી કરી. તેમાંનો એક બ્રાહ્મણ, એ પરોણાને પોતાને ઘેર લઈ ગયો અને પછી સ્નાન, ભોજન અને વસ્ત્રોની સરભરા કરી. સાંજે તે વિદૂષક પાછો મઠમાં આવ્યો. ત્યારે ત્યાં તેણે ઢંઢેરો સાંભળ્યો, ‘બ્રાહ્મણ કે ક્ષત્રિય જે કોઈ રાજપુત્રીને પરણવાને ચાહતો હોય તેણે આજ રાત્રે એ રાજકન્યાના ઘરમાં રહેવું.’ જ્યારે વિદૂષકે આ ઢંઢેરો સાંભળ્યો ત્યારે એમાં કાંઈ કારણ છે, એમ ધારી પોતાને સાહસ પ્રિય હોવાથી રાજપુત્રીના મહેલમાં જવાની ઇચ્છા કરી. ત્યારે મઠના બ્રાહ્મણોએ કહ્યું કે, ‘હે વિપ્ર! તું સાહસ ન કર. તે રાજપુત્રીનું ઘર નથી, તે તો મૃત્યુનું ખુલ્લું મ્હોં છે. જે તેમાં જાય છે, તે પાછો આવતો નથી. ઘણા સાહસિક પુરુષો તેમાં ક્ષય પામ્યા છે.’ આવું કહેવા છતાં વિદૂષકે તેઓનું વચન માન્યું નહીં અને રાજાના માણસો સાથે તેને ઘેર ગયો. ત્યાં આર્યવર્મ રાજાએ તેને જોઈ અભિનંદન આપ્યાં. પછી રાત્રે સૂર્ય જેમ અગ્નિમાં પ્રવેશ કરે છે તેમ રાજપુત્રીના ઘરમાં તે પેઠો. ત્યાં વિદૂષકે આકૃતિથી સ્નેહ ઉપજાવનારી અને આંસુ સહિત નિરાશાના દુઃખથી દયામણું મુખ કરી જોતી રાજકન્યાને જોઈ. પછી પોતે હાથમાં સ્મરણ માત્રથી હાજર થયેલું અગ્નિએ આપેલું ખડગ લઈ સારી રાત ત્યાં જાગતો જ રહ્યો. ત્યાં અકસ્માત્ મહાભયંકર રાક્ષસ દીઠો. તેનો જમણો હાથ તો કપાઈ ગયો હતો. તેથી તે રાક્ષસે પોતાનો ડાબો હાથ લાંબો કર્યો. તેને જોઈ વિદૂષકે વિચાર કર્યો કે જેનો હાથ પૌંડ્રવર્ધન નગરમાં મેં કાપી નાંખ્યો હતો તે જ આ રાક્ષસ છે. માટે હવે ફરીથી હાથ ઉપર ઘા નહીં કરું. જો એમ કરીશ તો આગળ પ્રમાણે જ એ નાસી જશે; માટે હવે તો એનો યોગ્ય ઘાટ ઘડવો. એવું વિચારી એકદમ ઊઠી દોડી આવી તે રાક્ષસનાં કેશ પકડી તેનું માથું કાપવાની વિદૂષકે તૈયારી કરી. ત્યારે બહુ ભય પામેલા રાક્ષસે કહ્યું, ‘તું મને માર નહીં, મારી ઉપર કૃપા કર.’ ત્યારે વિદૂષકે પૂછ્યું, ‘તારું નામ શું છે? અને આ તેં શો ધંધો આદર્યો છે?’ એવી રીતે તેના કેશ છોડીને પૂછ્યું ત્યારે રાક્ષસ કહે છે, ‘વીર પુરુષ,મારું નામ યમદંષ્ટ્ર છે, મારે બે પુત્રીઓ હતી. એક તો આ અને બીજી પૌંડ્રવર્ધન નગરમાં છે. તે બન્નેને શૌર્યરહિત પુરુષોનો સંગ થવા ન દેવો, એવી રીતે મને શંકરે આજ્ઞા કરી હતી. કર્મ સંજોગે એકે મારો હાથ પૌંડ્રવર્ધનમાં કાપી નાંખ્યો છે, અને આજે તમે મને હરાવ્યો છે તો મારું કામ સમાપ્ત થઈ રહ્યું છે.’ તે સાંભળી હસતાં હસતાં વિદૂષકે તેને કહ્યું કે ‘પૌંડ્રવર્ધનમાં તારો હાથ મેં જ કાપેલો છે.’ ત્યારે રાક્ષસ બોલ્યો કે, ‘તું દેવાંશી છે, મનુષ્ય નથી. હું એમ માનું છું કે, તારે માટે જ મને શંકરની આજ્ઞાનો અનુગ્રહ થયો હશે. હવે તું મારો મિત્ર થયો છે. જ્યારે મને યાદ કરીશ ત્યારે તારા કામને માટે મદદ કરવા હરેક સંકટમાં હાજર થઈ ઊભો રહીશ.’ એવી રીતે તે રાક્ષસે વિદૂષકને મૈત્રીનું વચન આપ્યું અને તે વિદૂષકે સ્વીકાર્યું. પછી તે રાક્ષસ અદૃશ્ય થઈ ગયો. વિદૂષકે પણ રાજીખુશીથી તે રાજપુત્રીની સાથે ત્યાં તે રાત કહાડી. સવારે સર્વ હકીકત જાણી પ્રસન્ન થઈ રાજાએ શૌર્યની એક પતાકા સરખી તે કન્યા વિનયસહિત વિદૂષકને કન્યાદાનમાં આપી. એક પગલું પણ નહીં છોડતી, ગુણથી બંધાયેલી લક્ષ્મી સરખી તે રાજપુત્રીની સાથે વિદૂષક કેટલીક રાત્રિ ત્યાં જ રહ્યો. પણ એક દિવસ રાત્રિને વિષે ભદ્રામાં જેનું ચિત્ત ચોંટેલું છે તેવો વીર પુરુષ ત્યાંથી ચાલી નીકળ્યો.

દિવ્ય રસનો સ્વાદ જેણે ચાખ્યો હોય, એવો કયો પુરુષ બીજા રસમાં રાજી રહે વારુ? તેણે નગરની બહાર નીકળી રાક્ષસને યાદ કર્યો, ત્યારે તે તરત આવી નમસ્કાર કરી ઊભો રહ્યો. ત્યારે વિદૂષકે કહ્યું કે, ‘સિદ્ધક્ષેત્ર ઉદયાચળમાં ભદ્રા વિદ્યાધરી મેળવવા સારુ મારે જવું છે; માટે હે મિત્ર! મને ત્યાં તું લઈ જા.’ ત્યારે રાક્ષસ તેમ કરવા કબૂલ થયો. પછી તે રાક્ષસના ખભા ઉપર બેસી તે જ રાત્રે વિદૂષક સાઠ યોજન ચાલ્યો; અને સવારમાં મનુષ્યો જેનું ઉલ્લંઘન નથી કરી શકતા એવી શીતોદા નદી તરી જઈ સહેલથી ઉદયાચળની નજદીક જઈ પહોંચ્યો. ત્યાં રાક્ષસે કહ્યું કે, ‘આ તારી સામે ઉદય નામનો પર્વત છે. આની ઉપર સિદ્ધોના ધામમાં જવાની મારી ગતિ નથી.’ પછી તે રાક્ષસ તેની આજ્ઞા લઈ ત્યાંથી અદૃશ્ય થઈ ગયો અને ત્યાં એક રમણીય વાવ વિદૂષકે દીઠી. ભ્રમરોના શબ્દોથી આવકાર દેતી હોય એવી તે વાવડીને કાંઠે બેઠો હતો, ત્યારે આ તારી પ્રિયાના આગમનનો માર્ગ છે એમ કહેતી હોય એવી સ્ત્રીઓના પગની વિસ્તારવાળી પંકિત જોઈ, આ પર્વત ઉપર કોઈ મનુષ્ય જઈ શકતું નથી માટે અહીં જ ઊભો રહું અને જોઉં કે આ કોના પગનો કેડો છે.’ એવો વિદૂષક વિચાર કરે છે તેટલામાં ત્યાં સોનાના ઘડા લઈ ઘણી સુંદર સ્ત્રીઓ પાણી ભરવા આવી. ઘડાઓમાં પાણી ભરી લીધું ત્યારે તે સ્ત્રીઓને વિદૂષકે પૂછ્યું કે, ‘આ કોનું પાણી ભરી જાઓ છો?’ એવી રીતે સ્નેહથી કોમળ શબ્દોથી પૂછ્યું ત્યારે તે રમણીઓએ જવાબ વાળ્યો કે, ‘હે ભદ્ર, આ પર્વતમાં ભદ્રા નામની વિદ્યાધરી છે, તેને નહાવા સારુ આ પાણી ભરી લઈ જઈએ છીએ.’

આશ્ચર્ય છે કે સાહસ કર્મનો આરંભ કરનારા ધીર પુરુષો ઉપર પ્રસન્ન થતો હોય એમ દૈવ જ ઉપયોગી સામગ્રી મેળવી આપે છે. કેમ કે તુરત જ તે સ્ત્રીઓમાંની એક સ્ત્રીએ કહ્યું કે, ‘હે મહાભાગ! મારા ખભા ઉપર ઘડો ઊંચો ચડાવો તો, સારું.’ તેનું એ કહેવું માન્ય રાખી ઊભો થઈ ઘડો ઊંચે ચઢાવતી વખતે બુદ્ધિમાન વિદૂષકે, ભદ્રાએ પ્રથમ આપેલી રત્નની વીંટી જે પોતાની પાસે સાચવી રાખી હતી તે, ઘડામાં મૂકી દીધી. અને પછી તે વિદૂષક વાવડીને કિનારે બેઠો. તે સ્ત્રીઓ વાવડીનું પાણી ભરી ભદ્રાને ઘેર આવી. ત્યાં ભદ્રાને નહાવા સારું પાણી આપ્યું. તેટલામાં એ ઘડામાંથી રત્નની વીંટી ભદ્રાના ખોળામાં પડી. ભદ્રએ તરત એ વીંટી ઓળખી અને તે સખીઓને પૂછ્યું, ‘તમોએ આજ કોઈ અપૂર્વ પુરુષ દીઠો કે કેમ?’ ત્યારે તેઓ બોલી, ‘આજે અમે વાવડીને કિનારે એક યુવાન પુરુષ જોયો છે અને આ ઘડા અમને તેણે જ ઊંચકાવ્યા છે.’ આ સાંભળી ભદ્રા બોલી, ‘એ પુરુષને નવરાવી ધોવરાવી આભૂષણ પહેરાવી અહીં લાવો. તે મારો પ્રીતમ અહીં આવેલો છે.’ ભદ્રાના આ કહેવાથી તે સ્ત્રીઓ વાવડીને કિનારે ફરી ગઈ અને ભદ્રાના કહેલાં વચન કહી સ્નાનાદિક મંગળ કાર્ય કરાવીને ભદ્રા પાસે તેને લાવી. ભદ્રા તો રસ્તા સામું જોઈ રહી હતી. વિદૂષકે પોતાના ધૈર્યરૂપ વૃક્ષ પર પાકેલા ફળની શોભા હોય એવી ભદ્રાને જોઈ, તે ભદ્રાએ પણ વિદૂષકને જોઈ હર્ષાશ્રુના પાણીથી અર્ઘ્ય દેતી હોય તેમ તેના ગળામાં હસ્તલતાની માળા પહેરાવી, પરસ્પર આલિંગન, રંભન અને ચુંબન થવાથી પસીનાના કારણે અતિ દબાવાથી ઘણા કાળનો ભરેલો જાણે સ્નેહ નીકળ્યો હોય તેમ જણાયું. એક બીજાના જોવામાં અતૃપ્ત એવાં બેઉ સો ગણી ઉત્કંઠાને ધારણ કરવા લાગ્યાં. ‘હે નાથ! અહીં સુધી તમે કેવી રીતે આવ્યા?’ એવું ભદ્રાના પૂછવા ઉપરથી વિદૂષક બોલ્યો, ‘તમારા સ્નેહનું આલંબન કરી, ઘણા પ્રાણસંશય ઉપર બેસી અહીં આવેલો છું. હે સુંદરિ! બીજું શું કહું?’ એ સાંભળી વિદૂષકની જિંદગીની બેતમા જોઈ, ભદ્રાએ તેને કહ્યું, ‘હે આર્યપુત્ર! મને સખીઓનું કે સિદ્ધિઓનંુ પણ કામ નથી. ગુણથી ખરીદેલા તમે જ મારા પ્રાણપ્રિય છો. હે પ્રભુ! હું તમારી દાસી છું. ’ ત્યારે વિદૂષકે કહ્યું; ‘હે પ્રિયે! જો એમ હોય તો આ દિવ્ય ભોગ છોડી દઈ મારી સાથે ઉજ્જયિનીમાં રહેવા ચાલો.’ આ કહેવું સાંભળતાં જ ભદ્રાએ તરત તેનાં વચનને ઉપાડી લીધું! કેવળ આટલા સંકલ્પ ઉપરથી જ માયિક વિદ્યાઓ તણખલાની પેઠે તેણે તજી દીધી. તે પછી તે રાત્રિ તો તેની સાથે વિદૂષક ત્યાં જ થાક ઉતારવા રહ્યો. એ સમે તેની સખી યોગેશ્વરીએ ઘણી સરભરા કરી. બીજે દિવસે સવારે ભદ્રાને સાથે લઈ, તે ઉદયાચળથી ઊતરી યમદંષ્ટ્ર રાક્ષસને યાદ કર્યો. સ્મરણ માત્રમાં તે આવ્યો. તેને પોતાને જવાનો રસ્તો જણાવી ભદ્રાને પાસે બેસાડી તેની કાંધ ઉપર ચડ્યો અને ભદ્રાએ પણ અતિ ઉગ્ર રાક્ષસના ખભા ઉપર બેસવાનું સહન કર્યું. કેમકે સ્નેહથી પરવશ થયેલી સ્ત્રીઓ શું નથી કરતી? તે પછી રાક્ષસ ઉપર પ્રિયા સહિત બેસી વિદૂષકે ચાલવા માંડ્યું. ચાલતાં ચાલતાં તે ફરીથી કાર્કોટક નગરમાં આવ્યો. રાક્ષસનાં દર્શનથી બધાં મનુષ્યો ત્રાસથી થરથરી ગયાં. પછી આર્યવર્મા રાજાને ત્યાં જઈ વિદૂષકે પોતાની પ્રિયા માગી. રાક્ષસ ઉપર ચડી તે શહેરથી વિદૂષક ચાલ્યો. તે સમુદ્ર કિનારે આવ્યો, તો ત્યાં પેલા કૃતઘ્ન વાણીઆને જોયો, તેણે પ્રથમ સમુદ્રમાં ઊતરેલા વિદૂષકનાં દોરડાં કાપી નાંખ્યાં હતાં. તે સ્કંદદાસ વાણીઆની સઘળી દોલત અને પ્રથમ સમુદ્રમાં અટકેલા વહાણ છોડાવવાના પણથી મેળવેલી પુત્રીનું હરણ કરી, વિદૂષક ત્યાંથી આગળ ચાલ્યો. તે પાપીનું ધન લૂંટી લેવું, એ જ એનો વધ છે, એમ વિદૂષકે માન્યું; કારણ કે, ઘણું કરી ધનનો સંચય એ કદર્યના બીજા પ્રાણ છે. તે પછી વાણીઆની પુત્રી લઈ, ભદ્રા અને રાજપુત્રીઓની સાથે રાક્ષસરૂપ રથ ઉપર બેસી, પોતાની સ્ત્રીઓને પોતાના પુરુષાર્થ સરખો જેમાં સત્ત્વોનો ક્ષોભ શોભી રહેલો છે, એવા સમુદ્રને દેખાડતો વિદૂષક આકાશમાર્ગે સમુદ્રને તરી ગયો. તે પાછો પૌંડ્રવર્ધન નગરમાં આવ્યો. ત્યાં રાક્ષસનો પરાજય કરી મેળવેલી, ઘણા દિવસોથી ઉત્કંઠિત થયેલી દેવસેનની પુત્રીની સંભાવના કરી. તેના પિતા દેવસેને ત્યાં રહેવા ઘણું કહ્યું, પણ પોતાના દેશમાં રહેવા ઉત્સુક હોવાથી વિદૂષક તે સ્ત્રીને પણ લઈ ત્યાંથી ઉજ્જયિની ભણી ચાલ્યો. તે રાક્ષસના યોગથી ફરીથી પોતાનો દેશ જોવાનું સુખ તેને પ્રાપ્ત થયું. આ રીતે આનંદમાં તે ઉજ્જયિનીમાં આવી પહોંચ્યો. ખભા ઉપર બેઠેલી સ્ત્રીઓના મંડળની કાંતિથી જેનો દેહ પ્રકાશિત થયો છે, એવા મોટા શરીરવાળા રાક્ષસની ઉપર બેઠેલ વિદૂષકને, પ્રકાશમાન ઔષધિવાળા ઉદયાચળનાં શિખર ઉપર ઉદય થયેલા ચંદ્રની પેઠે મનુષ્યોએ જોયો, ત્યારે મનુષ્યો વિસ્મય અને ત્રાસ પામી ગયાં. વિદૂષકના આવવા વિષેની ખબર તેના સસરા આદિત્યસેનને થતાં તે પણ મહેલમાંથી બહાર નીકળી સામો આવ્યો. સસરાને આવેલો જોઈ વિદૂષક રાક્ષસ ઉપરથી નીચે ઊતર્યો અને પ્રણામ કરી પાસેગયો. ત્યારે રાજાએ તેને અભિનંદન આપ્યાં. પછી તે રાક્ષસના ખભા ઉપરથી પોતાની સઘળી સ્ત્રીઓને ઉતારી અને રાક્ષસને યથેચ્છ ફરવાની વિદૂષકે સંમતિ આપી. રાક્ષસના ગયા પછી સ્ત્રીઓ સહિત તે રાજા સાથે રાજમહેલમાં વિદૂષક આવ્યો. ત્યાં તે રાજાની પુત્રીને, પોતાની પ્રથમની ઘણા કાળની ઉત્કંઠાથી પરવશપણાને પામેલી પ્રિયાને આવી આલંગિન આપ્યું. પછી રાજાએ પૂછ્યું, ‘આ સ્ત્રીઓ તમને કેવી રીતે મળી અને એ રાક્ષસ કોણ હતો?’ ત્યારેતેણે સર્વ વૃત્તાંત અથથી ઇતિ સુધી કહી સંભળાવ્યો. તે પછી તેનો પ્રભાવ જોઈ રાજા પ્રસન્ન થયો અને જમાઈરાજને પોતાનું અર્ધરાજ્ય આપ્યું. તે ક્ષણે ઊંચું ધોળું છત્ર ધારણ કરનાર અને જેને બે ચામર ઢળે છે એવો બ્રાહ્મણ વિદૂષક જ્યારે રાજા થયો ત્યારે મંગળ આતોદ્ય વાજાંના શબ્દોથી ભરપૂર થયેલી ઉજ્જયિની પુરી હર્ષથી નાદ કરતી હોય તેવી જણાઈ. એવી રીતે રાજ્ય મળવાથી ક્રમે કરી તેણે આખી પૃથ્વી જીતી. સર્વ રાજા જેનાં ચરણ પૂજે છે તેવા વિદૂષકે મત્સર ન હોવાથી સુખમાં વૃદ્ધિ કરનારી પ્રિયાઓની સાથે ઘણો કાળ રમણ કર્યું. દૈવ અનુકૂળ હોય ત્યારે ધીર પુરુષોને પોતાનું ધૈર્ય જ લક્ષ્મીને બળાત્કારથી ખેંચવામાં સિદ્ધિ પામેલા મહામોહના મંત્ર સરખું થાય છે.