ભારતીયકથાવિશ્વ−૪/પંચતંત્રની કથાઓ/ચકલીનાં મિત્રો અને હાથી


ચકલીનાં મિત્રો અને હાથી

કોઈ એક વનપ્રદેશમાં તમાલવૃક્ષ ઉપર માળો બાંધીને એક ચકલાનું જોડું રહેતું હતું, સમય જતાં તેને બચ્ચાં થયાં. એક દિવસ કોઈ એક મત્ત હાથી તાપથી ત્રાસીને છાયામાં બેસવા માટે તે તમાલવૃક્ષ નીચે આવ્યો. પછી તમાલવૃક્ષની જે શાખા ઉપર ચકલાં રહેતાં હતાં તે શાખા મદના વેગથી પોતાની સૂંઢના અગ્રભાગ વડે તેણે ભાંગી નાખી. તે ભાંગી જવાથી ચકલીનાં સર્વ ઈંડાં પણ વિશીર્ણ થઈ ગયાં. આયુષ્ય બાકી રહેલું હોવાને લીધે જ ચકલી કોઈ રીતે મરણ ન પામી. હવે, ઈંડાં ભાંગી જવાથી શોક પામેલી ચકલી કોઈ રીતે રોતાં અટકતી નહોતી. એ સમયે તેનો એ વિલાપ સાંભળીને તેનો પરમ મિત્ર તથા તેના દુઃખથી દુઃખી થયેલો કાષ્ઠકૂટ નામે પક્ષી આવીને તેને કહેવા લાગ્યો, ‘બાઈ! વૃથા વિલાપ કરવાથી શું? કહ્કહ્યું છે કે

નષ્ટ થયેલા, મરી ગયેલા અને વીતી ગયેલાનો શોક પંડિતો કરતા નથી; કારણ કે પંડિતો અને મૂર્ખોનો આટલો જ વિશેષ — તફાવત કહેલો છે.

તેમ જ

આ જગતમાં પ્રાણીઓ શોક કરવાને યોગ્ય નથી. જે મૂઢ તેમનો શોક કરે છે તે એક દુઃખમાં બીજું દુઃખ પામે છે અને એ રીતે બે અનર્થનું સેવન કરે છે.

વળી

સંબંધીઓએ રોઈને પાડેલાં શ્લેષ્મ અને આંસુ મરી ગયેલો જીવ પરવશ થઈને ખાય છે. એ કારણથી રુદન કરવું નહિ. પણ પ્રયત્નપૂર્વક સર્વ ઉત્તરક્રિયાઓ કરવી.’

ચકલી બોલી, ‘એ વાત ઠીક છે પણ તે દુષ્ટ હાથીએ મારાં સંતાનોનો નાશ કર્યો છે. માટે તું જો મારો સાચો મિત્ર હોય તો આ નીચ હાથીનો વધ કરવાનો ઉપાય વિચાર, કે જે આચરવાથી સંતાનોના નાશથી ઉત્પન્ન થયેલું મારું દુઃખ દૂર થાય. કહ્યું છે કે

આપત્તિના સમયમાં જેણે પોતાને ઉપકાર કર્યો હોય તેના ઉપર ઉપકાર કરનાર, અને વિષમ દશામાં જે પોતાની પ્રત્યે હસ્યો હોય તેના ઉપર અપકાર કરનાર એવા પુરુષને હું મોટો ગણું છું.’

કાષ્ઠકૂટ બોલ્યો, ‘બાઈ! તેં સાચું કહ્યું, કહ્યું છે કે

જે સંકટમાં સાથે રહે તે મિત્ર, જે ભક્તિમાન હોય તે પુત્ર, જે કાર્ય કરી જાણતો હોય તે સેવક, અને જેની પાસે શાન્તિ મળે તે ભાર્યા.

તો હવે મારો બુદ્ધિપ્રભાવ જો, વળી મારી પણ મિત્ર વીણારવા નામે એક માખી છે. તો એને બોલાવીને હું આવું છું. જેથી એ દુરાત્મા હાથીનો વધ કરી શકાય.’ પછી ચકલીને સાથે લઈને માખી પાસે જઈને તે બોલ્યો, ‘ભદ્રે! આ ચકલી મારી મિત્ર છે; કોઈ દુષ્ટ હાથીએ ઈંડાં ફોડી નાખવા વડે તેનો પરાભવ કર્યો છે. તો એ હાથીના વધનો ઉપાય આચરતા એવા મને તું સહાય કરવાને યોગ્ય છે.’

માખી બોલી, ‘ભદ્રે! આ બાબતમાં શું કહેવાનું હોય? કહ્યું છે કે ઉપકારનો બદલો વાળવા માટે મિત્રોનું પ્રિય કરવામાં આવે છે; પણ મિત્રના મિત્રનુંયે કયું હિતકાર્ય મિત્રોએ કર્યું નથી?

એ સાચું છે. વળી મારોયે મેઘનાદ નામે દેડકો મિત્ર છે. તેને પણ બોલાવીને યથોચિત કાર્ય કરીએ. કહ્યું છે કે

હિતેચ્છુ, સદાચરણી શાસ્ત્રજ્ઞ અને બુદ્ધિશાળી વિદ્વાનોએ વિચારેલા ઉપાયો કદી નિષ્ફળ જતા નથી.’

પછી તે ત્રણે જણાં મેઘનાદની પાસે જઈને પૂર્વોક્ત વૃત્તાન્ત નિવેદન કરીને ઊભાં રહ્યાં. એટલે તે દેડકો બોલ્યો, ‘જ્યારે ઘણાં જણ કોપાયમાન થાય ત્યારે તે બિચારા હાથીની શી ગણતરી? માટે તમારે મારી સલાહ પ્રમાણે કરવું. માખી! તું મધ્યાહ્નકાળે જઈને તે મદોન્મત્ત હાથીના કાનમાં વીણારવ જેવો શબ્દ કર, જેથી શ્રવણસુખની લાલસાવાળો તે આંખો મીંચી દે. પછી કાષ્ઠકૂટની ચાંચથી આંખો ફોડી નાખવામાં આવતાં અંધ બનેલો તે તૃષાથી પીડા પામતાં એક ખાડાના કિનારા ઉપર પરિવારસહિત બેઠેલા એવા મારો શબ્દ સાંભળીને, તે ખાડાને જળાશય માનીને આવશે. પછી ખાડા પાસે આવતાં તે તેમાં પડી જશે અને મરણ પામશે. આ પ્રમાણે યોજના કરવી. જેથી વેરની સિદ્ધિ થાય.’ પછી એ પ્રમાણે કરવામાં આવ્યું. એટલે મધ્યાહ્નકાળે માખીનું ગાયન સાંભળવારૂપ શ્રવણસુખથી જેણે આંખો મીંચેલી છે એવા તે હાથીની આંખો કાષ્ઠકૂટ પક્ષીએ પાછળથી આવીને ફોડી નાખી. એટલે એ દેડકાના શબ્દને અનુસરીને ગમન કરતાં તે મોટા ખાડામાં પડીને મરણ પામ્યો.

તેથી હું કહું છું કે —- ચકલી, કાષ્ઠકૂટ, માખી અને દેડકો એ પ્રમાણે ઘણાં જણની સાથે વિરોધ કરવાથી હાથી મરણ પામ્યો હતો.’

ટિટોડો બોલ્યો, ‘ભદ્રે! એમ થાઓ.’ પછી ‘મિત્રવર્ગની સાથે મળીને હું સમુદ્રનું શોષણ કરીશ.’ એ પ્રમાણે નિશ્ચય કરીને બગલાં, સારસ, મોર વગેરે પક્ષીઓે બોલાવીને તેણે કહ્યું, ‘અરે! સમુદ્રે મારાં ઈંડાં હરી જઈને મારો પરાભવ કર્યો છે, માટે તેના શોષણનો ઉપાય વિચારો.’ તેઓ અંદર અંદર વિચાર કરીને બોલ્યાં, ‘આપણે સમુદ્રનું શોષણ કરવાને અશક્ત છીએ, માટે વૃક્ષા પ્રયાસ શા સારું કરવો? કહ્યું છે કે

જે નિર્બળ મનુષ્ય મદથી મોહિત થઈને પોતાના કરતાં ઉન્નત મનુષ્યની સામે યુદ્ધ કરવાને જાય છે તે, જેના દાંત તૂટી ગયેલા છે એવા હાથીની જેમ, પાછો વળે છે.

આપણા સ્વામી ગરુડ છે. માટે આ બધો અપમાનનો વૃત્તાન્ત તેમની આગળ નિવેદન કરવો જોઈએ, જેથી પોતાની જાતિના અપમાનથી કોપાયમાન થઈને તે વેર લેશે. અથવા ગર્વથી આપણી વાત નહિ સાંભળે તો પણ આપણને દુઃખ નહિ થાય. કહ્યું છે કે

પોતાથી અભિન્ન ચિત્તવાળા મિત્ર પાસે, ગુણવાન સેવક પાસે, અનુકૂળ સ્ત્રી પાસે અને સમર્થ સ્વામી પાસે દુઃખ નિવેદન કરીને મનુષ્ય સુખી થાય છે.

તેથી આપણે ગરુડની પાસે જઈએ, કારણ કે તેઓ આપણા સ્વામી છે.’ એમ કરીને વિવર્ણ વદનવાળાં તથા આંસુથી જેમની આંખો ભરાયેલી છે એવાં તે પક્ષીઓ ગરુડ પાસે જઈને કરુણ સ્વરે વિલાપ કરવા લાગ્યાં કે, ‘અહો! અબ્રહ્મણ્યમ્! અબ્રહ્મણ્યમ્! આપ અમારા સ્વામી હોવા છતાં આ સદાચારી ટિટોડાનાં ઈંડાં સમુદ્ર હરી ગયો છે. માટે એ પક્ષીનું કુળ તો નાશ પામ્યું છે. એ જ પ્રમાણે સમુદ્ર બીજાંઓનો પણ સ્વેચ્છાએ નાશ કરશે. કહ્યું છે કે એકનું નિંદ્ય કાર્ય જોઈને બીજો પણ તેવું કાર્ય કરે છે; લોકો તો ગતાનુગતિક છે, તેઓ પારમાર્થિક — સાચી વસ્તુ જાણનાર નથી.

તેમ જ

ધુતારાઓ, ચોરો, દુરાચારીઓ અને સાહસિકો આદિથી પીડાતી, તથા કપટ અને પ્રપંચ વડે છેતરાતી પ્રજાનું રક્ષણ કરવું જોઈએ. જે રાજા રક્ષણ કરે છે તેને પ્રજાના ધર્મમાંથી છઠ્ઠો ભાગ મળે છે, જે રાજા રક્ષણ કરતો નથી તેને અધર્મમાંથી પણ છઠ્ઠો ભાગ મળે છે. પ્રજાપીડનને કારણે તેના સંતાપમાંથી ઉત્પન્ન થયેલો અગ્નિ રાજાનાં લક્ષ્મી, કુળ અને પ્રાણનો નાશ કર્યા સિવાય શાંત પડતો નથી. રાજા એ સ્વજનો વગરનાંનો સ્વજન છે, આંખ વગરનાંની આંખ છે, તથા રાજા એ ન્યાયથી વર્તનાર સર્વનો માતા અને પિતા છે. ફળની ઇચ્છાવાળો માળી જેમ યત્નપૂર્વક અંકુરોને સિંચે છે તેમ ફળની ઇચ્છાવાળાએ દાન, માન આદિ જળ વડે યત્નપૂર્વક પ્રજાનુંપાલન કરવું. સૂક્ષ્મ બીજાંકુર પ્રયત્નપૂર્વક રક્ષણ કરવામાં આવે તો યોગ્ય સમયે ફળ આપનાર થાય છે, તેમ સુરક્ષિત પ્રજા પણ યોગ્ય સમયે ફળપ્રદ થાય છે. રાજા પાસે જે સુવર્ણ, ધાન્ય, રત્નો અને વિવિધ પ્રકારનાં વાહનો તથા બીજું પણ જે કંઈ છે તે પ્રજા પાસેથી પ્રાપ્ત થયેલું છે.’

આ પ્રમાણે સાંભળીને તે પક્ષીઓના દુઃખથી દુઃખી થયેલો અને કોપાયમાન બનેલો ગરુડ વિચાર કરવા લાગ્યો. ‘આ પક્ષીઓએ સાચું કહ્યું છે. માટે અહો! અત્યારે જ જઈને તે સમુદ્રને હું શોષી લઉં.’ તે આ પ્રમાણે વિચાર કરતો હતો ત્યાં વિષ્ણુના દૂતે આવીને તેને કહ્યું, ‘હે ગરુડ! ભગવાન નારાયણે મને તારી પાસે મોકલ્યો છે. દેવોના કાર્યને માટે ભગવાન અમરાવતીમાં જવાના છે. માટે તું સત્વર આવ.’ તે સાંભળીને ગરુડ અભિમાનપૂર્વક બોલ્યો, ‘હે દૂત! મારા જેવા હલકા સેવકનું ભગવાનને શું કામ છે? માટે જઈને તેમને કહે કે ‘મારી જગ્યાએ વાહન તરીકે બીજા સેવકને રાખી લો.’ ભગવાનને તું મારા નમસ્કાર કહેજે.

કહ્યું છે કે જે માણસ સામાના ગુણો જાણે નહિ તેની પંડિત પુરુષે સેવા કરવી નહિ. ઊષર જમીનને સારી રીતે ખેડવામાં આવે તો પણ કંઈ નીપજતું નથી તેમ એવા માણસ પાસેથી પણ કંઈ ફળ પ્રાપ્ત થતું નથી.’

દૂત બોલ્યો, ‘હે ગરુડ! તેં ભગવાનને ઉદ્દેશીને આવું કદી પણ કહ્યું નહોતું. તો કહે, ભગવાને તારું શું અપમાન કર્યું છે?’ ગરુડ બોલ્યો, ‘ભગવાનના નિવાસસ્થાનરૂપ સમુદ્રે અમારા ટિટોડાનાં ઈંડાંનું હરણ કર્યું છે. તો જો એ સમુદ્રનો નિગ્રહ તેઓ ન કરે તો હું તેમનો સેવક નથી —- એ મારો નિશ્ચય તું ભગવાનને કહેજે. તારે ત્વરાપૂર્વક ભગવાન પાસે જવું જોઈએ.’

હવે, સ્નેહથી (ઓછું આવવાથી) કોપાયમાન થયેલા ગરુડની વાત દૂતના મુખેથી જાણીને ભગવાન વિચાર કરવા લાગ્યા, ‘અહો! ગરુડનો કોપ યોગ્ય છે. માટે હું પોતે જ જઈને સન્માનપૂર્વક તેને અહીં લાવું. કહ્યું છે કે

જે પોતાની ઉન્નતિને ઇચ્છતો હોય તેણે ભક્તિમાન, સશક્ત અને કુલીન એવા સેવકનું અપમાન કરવું નહિ, પણ પુત્રની જેમ નિત્ય તેનું પાલન કરવું.

વળી

રાજા સંતુષ્ટ થયેલો હોય તો પણ સેવકોને માત્ર ધન આપે છે, જ્યારે સેવકો તો માત્ર સન્માન મળતાં પોતાના પ્રાણ પણ આપીને સામો ઉપકાર કરે છે.

એ પ્રમાણે વિચાર કરીને ભગવાન વિષ્ણુ રુક્મપુરમાં ગરુડની પાસે ગયા. ગરુડ પણ ભગવાનને પોતાને ઘેર આવેલા જોઈને, શરમથી નીચું મુખ કરી, પ્રણામ કરીને બોલ્યો, ‘ભગવાન્! આપનું નિવાસસ્થાન બન્યો હોવાને કારણે ગર્વિત થયેલા સમુદ્રે મારા સેવકનાં ઈંડાં હરી જઈને મારું અપમાન કર્યું છે. પરંતુ આપની લજ્જાને કારણે હું તેને સૂકવી દેતો નથી, કારણ કે સ્વામીના ભયથી તેના કૂતરાને પણ પ્રહાર કરવામાં આવતો નથી. કહ્યું છે કે

જેથી સ્વામીના ચિત્તમાં લઘુતા અથવા પીડા થાય એવું કાર્ય, પોતાના જીવનનું જોખમ હોય તો પણ, કુલપરંપરાથી ઊતરી આવેલા સેવકે કરવું નહિ.’

તે સાંભળીને ભગવાન બોલ્યા, ‘હે ગરુડ! તારી વાત સાચી છે. કહ્યું છે કે

સેવકના અપરાધને પરિણામે તેને શિક્ષા થાય તો તે સ્વામીને જ થઈ ગણાય કેમ કે તે શિક્ષાથી ઉત્પન્ન થયેલી લજ્જા પણ જેટલી સ્વામીને લાગે છે તેટલી સેવકને લાગતી નથી.

માટે તું આવ, જેથી સમુદ્ર પાસેથી ઈંડાં લઈને ટિટોડાનું સન્માન કરીએ તથા અમરાવતી જઈએ.’ એમ નક્કી કર્યા પછી ભગવાન સમુદ્રની નિર્ભર્ત્સના કરીને તેની આગળ આગ્નેયાસ્ત્રનું સંધાન કરીને ઊભા રહ્યા (અને કહેવા લાગ્યા), ‘હે દુરાત્મા! ટિટોડાનાં ઈંડાં આપ, નહિ તો તને સૂકવી દઉં છું.’ આથી ભય પામેલા સમુદ્રે ટિટોડાનાં તે ઈંડાં પાછાં આપી દીધાં, એટલે ટિટોડાએ તે પોતાની પત્નીને આપ્યાં.