ભારતીયકથાવિશ્વ−૪/પંચતંત્રની કથાઓ/અનાગતવિધાતા, પ્રત્યુત્પન્નમતિ અને યદ્ભવિષ્ય

Revision as of 16:55, 17 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


અનાગતવિધાતા, પ્રત્યુત્પન્નમતિ અને યદ્ભવિષ્ય

‘કોઈ એક જળાશયમાં અનાગતવિધાતા, પ્રત્યુત્પન્નમતિ અને યદ્ભવિષ્ય નામનાં ત્રણ માછલાંઓ રહેતાં હતાં. એક વાર ત્યાં થઈને આવતા માછીમારોએ એ જળાશય જોઈને કહ્યું, ‘અહો! ઘણાં માછલાંવાળો આ ધરો આ પહેલાં આપણે કદી જોયો નહોતો. આજે તો આપણને ખોરાક મળ્યો છે, અને સંધ્યાસમય પણ થઈ ગયો છે, તેથી પ્રભાતે અહીં જરૂર આવીશું.’ એટલે તેમનું એ વજ્રપાત સમાન વચન સાંભળીને અનાગતવિધાતા સર્વ માછલાંઓને બોલાવીને કહેવા લાગ્યો. ‘અરે! માછીમારોએ જે કહ્યું તે તમે સાંભળ્યું? માટે રાત્રે જ આપણે કોઈ નજીકના સરોવરમાં જવું જોઈએ. કહ્યું છે કે અશક્ત મનુષ્યોએ બળવાન શત્રુ પાસેથી પલાયન કરી જવું અથવા દુર્ગનો આશ્રય કરવો; એ સિવાય તેમની બીજી કોઈ ગતિ નથી.

નક્કી પ્રભાતમાં માછીમારો આવીને માછલાંઓનો સંહાર કરશે. આમ મારા મનમાં બેસે છે. માટે હવે અહીં ક્ષણ વાર પણ રહેવું યોગ્ય નથી, કહ્યું છે કે

જેઓ સુખમય રીતે અન્યત્ર ગતિ કરી શકે તેમ છે એવા વિદ્વાનો પોતાના દેશનો ભંગ અને કુળનો ક્ષય જોતા નથી.’

તે સાંભળીને પ્રત્યુત્પન્નમતિ બોલ્યો, ‘અહો! તમે સાચું કહ્યું. મને પણ આ વસ્તુ ઇષ્ટ છે. માટે અન્યત્ર જઈએ. કહ્યું છે કે પરદેશ જવાથી ડરનારા, કપટીઓ, નપુંસકો, કાગડાઓ, બાયલાઓ અને મૃગો પોતાના દેશમાં જ મરણ પામે છે. જે સર્વત્ર ગતિ કરી શકે એમ છે તે પુરુષ સ્વદેશ ઉપર રાગ રાખીને શા માટે નાશ પામે? ‘આ તો પિતાનો કૂવો છે.’ એમ કહીને તેમાંનું ખારું પાણી બાયલાઓ જ પીએ છે.’

એ સાંભળીને ઊંચે સ્વરે હાસ્ય કરીને યદ્ભવિષ્ય બોલ્યો, ‘તમે આ કંઈ બરાબર ન કહ્યું, કારણ કે એ માછીમારોની માત્ર વાણીથી આપણા પિતા અને પિતામહોનું આ સરોવર ત્યજી દેવું યોગ્ય નથી. જો આયુષ્ય પૂરું થયું હશે તો અન્યત્ર જઈશું તો પણ મૃત્યુ જ થશે. કહ્યું છે કે

અરક્ષિત પણ જો દૈવથી રક્ષાયેલું હોય તો બચે છે, અને સુરક્ષિત પણ દૈવથી હણાયેલું હોય તો વિનાશ પામે છે; વનમાં ત્યજાયેલ અનાથ પણ જીવે છે અને ઘરમાં પ્રયત્નપૂર્વક રક્ષવામાં આવ્યું હોય તો પણ નાશ પામે છે. માટે હું તો નહિ જાઉં. તમને જેમ સૂઝે તેમ કરો.’

હવે, તેનો એ નિશ્ચય જાણીને અનાગતવિધાતા અને પ્રત્યુત્પન્નમતિ પોતાના પરિવારની સાથે ચાલ્યા ગયા. પ્રભાતમાં માછીમારોએ જાળ વડે તે જળાશયને ડહોળી નાખીને, યદ્ભવિષ્યનો નાશ કરીને તે તળાવને પણ માછલા વગરનું બનાવી દીધું.

તેથી હું કહું છું કે — અનાગતવિધાતા અને પ્રત્યુત્પન્નમતિ એ બન્ને સુખ ભોગવે છે અને યદ્ભવિષ્ય વિનાશ પામે છે.’

એ સાંભળીને ટિટોડો બોલ્યો, ‘તું શું મને યદ્ભવિષ્ય જેવો માને છે? તો મારો બુદ્ધિપ્રભાવ જો, જેથી આ દુષ્ટ સમુદ્રને હું સુકાવી દઈશ.’ ટિટોડી બોલી, ‘અહો! સમુદ્રની સાથે તમારો વિગ્રહ કેવો? તમારે સમુદ્ર ઉપર કોપ કરવો યોગ્ય નથી. કહ્યું છે કે અસમર્થ પુરુષોનો કોપ તેમની પોતાની જાતને જ ઉપદ્રવ કરનારો થાય છે; અત્યંત ઊકળતું માટીનું વાસણ પોતાનાં પાસાંઓને જ બાળે છે.

તેમ જ

પોતાની અને શત્રુની શક્તિ જાણ્યા સિવાય જે ઉત્સુકતાથી સામે જાય છે તે, અગ્નિમાં પતંગિયાની જેમ, નાશ પામે છે.’

ટિટોડો બોલ્યો, ‘પ્રિયે! એમ ન બોલ. ઉત્સાહશક્તિવાળાઓ નાના હોય તો પણ મોટાઓનો પરાજય કરે છે. કહ્કહ્યું છે કે

અસહનશીલ પુરુષ વિશેષે કરીને પરિપૂર્ણ એવા શત્રુની સામે થાય છે; જેવી રીતે હજી પણ રાહુ (પરિપૂર્ણ) ચંદ્રની સામે થાય છે.

તેમ જ

પોતાના કરતાં શરીરના પ્રમાણમાં અધિક તથા જેના ગંડસ્થળમાંથી શ્યામ મદ ઝરી રહ્યો છે એવા મત્ત હાથીના મસ્તક ઉપર કેસરી સિંહ પોતાનો પગ મૂકે છે.

તેમ જ

બાલસૂર્યના પદ (કિરણ અથવા પગ) પર્વતો (અથવા રાજાઓ) ઉપર પણ પડે છે; જેઓ તેજસ્વી જ જન્મેલા છે તેમના વય ઉપર ક્યાં આધાર રાખવામાં આવે છે?

માટે મારી આ ચાંચથી સમુદ્રનું સર્વ પાણી હું શોષી લઈ તેને સૂકો બનાવી દઈશ.’ ટિટોડી બોલી, ‘હે કાન્ત! જેમાં ગંગા અને સિન્ધુ નિત્ય નવસો નદીઓને લઈને પ્રવેશ કરે છે એવા, અઢારસો નદીઓ વડે પુરાતા તે સમુદ્રને તમારી એક ટીપાને વહન કરનારી ચાંચ વડે તમે શી રીતે શોષી શકશો? આવું આશ્ચર્ય બોલવાથી શું?’

ટિટોડો બોલ્યો, ‘પ્રિયે! ઉત્સાહ એ લક્ષ્મીનું મૂળ છે, મારી ચાંચ લોહ જેવી છે અને રાત્રિદિવસ લાંબાં છે; પછી સમુદ્ર કેમ નહિ શોષાય? જ્યાં સુધી પુરુષ પુરુષાર્થ કરતો નથી ત્યાં સુધી તે ઉત્તમ સંપત્તિને મેળવી શકતો નથી; સૂર્ય પણ તુલામાં આરૂઢ થાય છે (તુલા રાશિનો થાય છે અથવા શત્રુપક્ષની તુલનાએ સરસાઈ પ્રાપ્ત કરે છે) ત્યારે મેઘના પટલો ઉપર વિજય મેળવે છે.

ટિટોડી બોલી, ‘જો તમારે સમુદ્ર સાથે અવશ્ય વેર બાંધવું હોય તો બીજાં પક્ષીઓને પણ બોલાવી મિત્રજનોની સાથે એમ કરો. કહ્યું છે કે

ઘણી અસાર (નિર્બળ) વસ્તુઓનો સમૂહ પણ દુર્જય થઈ પડે છે; તૃણો વડે દોરડું બનાવાય છે અને તે વડે હાથ પણ બંધાય છે.

તેમ જ

ચકલી, કાષ્ઠકૂટ, માખી અને દેડકો એ પ્રમાણે ઘણાં જણની સાથે વિરોધ કરવાથી હાથી મરણ પામ્યો હતો.’

ટિટોડો બોલ્યો, ‘એ કેવી રીતે?’

ટિટોડી કહેવા લાગી —