ભારતીયકથાવિશ્વ−૪/શ્રીમદ્ ભાગવત્/કાલીયદમન

Revision as of 01:42, 18 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


કાલીયદમન

એક દિવસ ગોપબાલોની સાથે શ્રીકૃષ્ણ યમુનાતટ પર ગયા. તે દિવસે બલરામ તેમની સાથે ન હતા. જેઠઅષાઢના ઉકળાટથી બધા ત્રાસ્યા હતા. તરસે ગળાં સુકાઈ ગયાં હતાં. તેમણે યમુનાનું ઝેરી પાણી પી લીધું. તેમને એ વાતનો ખ્યાલ ન જ રહ્યો. તે ઝેરી પાણી પીવાથી બધી ગાયો, ગોપબાલો નિષ્પ્રાણ થઈને યમુનાના તટ પર પડી ગયા. તેમને એવી હાલતમાં જોઈને યોગેશ્વરોના ઈશ્વર કૃષ્ણે પોતાની અમૃતમય દૃષ્ટિથી તેમને જીવિત કર્યા. જીવ આવવાથી તેઓ યમુનાના કાંઠે ઊભા થઈ ગયા અને વિસ્મય પામીને એકબીજા સામે જોવા લાગ્યા. તેમણે માની લીધું કે આપણે ઝેરી પાણી પીવાને કારણે મરી ગયા હતા પણ કૃષ્ણની કૃપાથી ફરી જીવતા થયા.

શ્રીકૃષ્ણે જોયું કે ઝેરી કાલિય નાગે યમુનાનું જળ ઝેરી કરી મૂક્યું છે, એટલે યમુનાને શુદ્ધ કરવા તે સાપને ત્યાંથી કાઢી મૂકવો જોઈએ, પણ કેવી રીતે કાઢવો?

યમુનામાં કાલિય નાગનો એક કુંડ હતો. ઝેરની ગરમીથી તેનું પાણી ઊકળતું રહેતું હતું. તેના ઉપરથી ઊડતાં પક્ષીઓ પણ તરફડીને તેમાં પડી જતાં હતાં. તેનાં ઝેરી પાણીના તરંગોનો સ્પર્શ કરીને તથા તેનાં નાનાં નાનાં બિંદુઓ લઈને જ્યારે પવન કાંઠાનાં ઘાસ, વૃક્ષ, પશુપક્ષી વગેરેનો સ્પર્શ કરતો ત્યારે તે જ વેળા તે મરી જતાં. દુષ્ટોનું દમન કરવા જ ભગવાન અવતરતા હોય છે. જ્યારે કૃષ્ણે જોયું કે તે સર્પવિષનો વેગ ભારે છે, તેને કારણે મારી વિહારભૂમિ યમુના દૂષિત થઈ ગઈ છે. ભગવાન કૃષ્ણ કમરે ખેસ બાંધીને એક બહુ ઊંચા કદંબવૃક્ષ પર ચઢી ગયા અને ત્યાંથી તે ઝેરી ધરામાં કૂદી પડ્યા. સર્પવિષને કારણે યમુનાનું પાણી પહેલેથી ઊકળી રહ્યું હતું. તેના લાલપીળા તરંગો ઊછળતા હતા. કૃષ્ણના કૂદી પડવાથી તેનું પાણી આમતેમ ઊછળીને ચારસો હાથ સુધી ફેલાઈ ગયું. અનન્ત બળવાન કૃષ્ણ માટે એમાં કશા આશ્ચર્યની વાત ન હતી. કૃષ્ણ ધરામાં કૂદીને પુષ્કળ બળવાન હાથીની જેમ પાણી ઉછાળવા લાગ્યા. આમ કરવાથી તેમના હાથના પછડાવાથી પાણીમાં બહુ મોટો અવાજ થયો. આંખોથી સાંભળતા કાલિયનાગે આ અવાજ સાંભળ્યો, જોયું કે કોઈ મારા આવાસને પડકારી રહ્યું છે, આ તેનાથી સહન ન થયું. જોયું તો સામે શ્યામ વર્ણનો એક બાળક હતો. વર્ષા ઋતુના વાદળ જેવો કોમળ દેહ, બસ જોયા જ કરો. તેના વક્ષ:સ્થળ પર શ્રીવત્સ ચિહ્ન છે. પીળું વસ્ત્ર પહેર્યું છે. મધુર-મનોહર મોઢા પર આછું આછું સ્મિત ફરકે છે. કમળશય્યા ન હોય તેમ તેમના પગ કોમળ અને સુન્દર હતા. આટલું મનમોહક રૂપ હોવા છતાં બાળક જરાય ગભરાયા વિના આ ઝેરી પાણીમાં નિરાંતે રમી રહ્યો છે તે જોઈને તેનો ક્રોધ ખૂબ વધ્યો. કૃષ્ણને મર્મસ્થાનોમાં ડસીને તેણે ભીંસમાં લીધા. કૃષ્ણ નાગપાશમાં બંધાઈ નિશ્ચેષ્ટ થઈ ગયા. આ જોઈ ગોપબાલ બહુ દુઃખી થયા, દુઃખ-પશ્ચાત્તાપ અને ભયથી મૂચ્છિર્ત થઈને જમીન પર પડી ગયા. તેમણે પોતાના શરીર, સુહૃદ, ધનસંપત્તિ, સ્ત્રી, પુત્ર, ભોગ- કામના — બધું કૃષ્ણને સમપિર્ત કર્યું હતું. ગાયો, વૃષભ, વાછરડા-વાછરડી પણ દુઃખે ક્રન્દન કરવાં લાગ્યાં. રડી રહ્યાં હોય એમ તેઓ ભયભીત થઈ ઊભા રહી ગયાં. તેમનાં શરીર એકદમ સ્થિર થઈ ગયાં. વ્રજમાં ત્રણ પ્રકારના ઉત્પાત થવા માંડ્યા, તેનાથી સૂચવાતું હતું કે બહુ જલદી કોઈ અશુભ ઘટના બનવાની છે. નંદબાવા વગેરે ગોપોએ પહેલાં તો આ અપશુકન જોયા, પાછળથી જાણ થઈ કે આજે બલરામ વિના કૃષ્ણ ગાયો ચરાવવા ગયા છે. તેઓ ભયથી વ્યાકુળ થઈ ગયા. તેઓ ભગવાનનો પ્રભાવ જાણતા ન હતા. એટલે અપશુકનોને આધારે માની લીધું કે આજે કૃષ્ણનું મૃત્યુ થયું છે. બધા તે જ વેળા દુઃખ, શોક, ભયથી વ્યાકુળ થયા. કૃષ્ણ તેમના પ્રાણ, મન — બધું હતા. વ્રજવાસી બાળક, વૃદ્ધો અને સ્ત્રીઓની પ્રકૃતિ ગાયો જેવી વાત્સલ્યમય હતી. મનમાં આવો વિચાર આવતાંવેંત તેઓ કનૈયાને જોવા ઘરમાંથી બહાર નીકળી પડ્યા. બલરામ તો સ્વયં ભગવાનના સ્વરૂપ અને સર્વશક્તિમાન. વ્રજવાસીઓને દુઃખી જોઈને તેમને હસવું આવ્યું. પણ તે ચૂપ રહ્યા. તેઓ પોતાના નાના ભાઈનો પ્રભાવ સારી રીતે જાણતા હતા. વ્રજવાસીઓ પોતાના વહાલા કૃષ્ણને શોધવા લાગ્યા. તેમને વધુ મુશ્કેલી ના પડી. કારણ કે રસ્તામાં કૃષ્ણનાં પદચિહ્ન મળ્યાં. તેઓ યમુનાકિનારે ગયા. રસ્તામાં ગાયો અને બીજાઓનાં પદચિહ્નોની વચ્ચે ભગવાનનાં પદચિહ્ન પણ દેખાતાં હતાં. જ્યારે તેમણે જોયું કે કૃષ્ણને કાળા સાપે ભીંસી રાખ્યા છે ત્યારે તેમના હૃદયમાં બહુ દુઃખ થયું, ખૂબ બળતરા થઈ. પ્રિય વિના તેમને ત્રણે લોક સૂના લાગવા માંડ્યા. માતા યશોદા તો પોતાના પુત્રની પાછળ ધરામાં કૂદવા જતાં હતાં પણ ગોપીઓએ એમને ઝાલી રાખ્યાં. તેમના હૃદયમાં એવી જ વેદના હતી. આંખોમાંથી આંસુ વહ્યે જતાં હતાં. બધાંની આંખો કૃષ્ણના મુખકમળ પર ઠરી હતી. જેમના શરીરમાં હોશકોશ હતા તેઓ કૃષ્ણની પૂતનાવધ જેવી કથાઓ કહી કહીને યશોદાને ધીરજ બંધાવતી હતી. આ જોઈને કૃષ્ણનો પ્રભાવ જાણનાર બલરામે કેટલાકને સમજાવીને, કેટલાકને બળજબરીથી, કેટલાકને તેમના હૃદયમાં પ્રેરણા કરીને અટકાવી દીધા.

સાપના શરીરથી વીંટળાઈ જવું એ તો શ્રીકૃષ્ણની મનુષ્યસહજ એક લીલા હતી. જ્યારે તેમણે જોયું કે વ્રજના બધાં લોક, સ્ત્રી બાળકો સમેત આમ ખૂબ જ દુઃખી થઈ રહ્યાં છે અને મારા સિવાય બીજો કોઈ આધાર નથી ત્યારે એક મુહૂર્ત સાપથી જકડાઈ રહ્યા પછી મુક્ત થઈ ગયા. કાલિય નાગપાશ ત્યજીને ઊભો થઈ ગયો અને ક્રોધે ભરાઈને ફેણ ઊંચી કરીને ફૂંફાડા મારવા લાગ્યો. અવકાશ મળતાં જ કૃષ્ણને ડસવા તેમની સામે એકીટશે જોતો રહ્યો. તેનાં નસકોરાંમાંથી ઝેર નીકળતું હતું. તેની આંખો સ્થિર હતી અને જાણે ભઠ્ઠીમાં તપાવી ન હોય એવી લાલચોળ થઈ ગઈ હતી. તેના મોઢામાંથી આગની જ્વાળાઓ નીકળતી હતી. તે વેળા કાલી નાગ પોતાની બેવડી જીભ લપલપાવીને પોતાના હોઠની ધાર ચાટી રહ્યો હતો અને પોતાની કરાલ આંખો વડે વિષ ફેંકતો રહ્યો. પોતાના વાહન ગરુડની જેમ ભગવાન એની સાથે રમત રમતાં રમતાં પેંતરા બદલતા રહ્યા, તે સાપ પણ ભગવાનને ડસવા પેંતરા બદલતો રહ્યો. તેનું બળ ઓછું થવા માંડ્યું. ત્યારે કૃષ્ણે તેનાં મોટાં માથાંને જરાક દબાવ્યાં અને કૂદકો મારીને તેમના પર સવાર થઈ ગયા. ભગવાનના કોમળ તળિયાની લાલિમા ઘણી વધી ગઈ, નૃત્ય-ગીત સમસ્ત કળાઓના આદિ પ્રવર્તક કૃષ્ણ તેનાં મસ્તકો પર કળાત્મક નૃત્ય કરવા લાગ્યા. ભગવાનના પ્રિય ગંધર્વ, સિદ્ધ, ચારણ, દેવાંગનાઓએ જ્યારે જોયું કે કૃષ્ણ નૃત્ય કરવા માગે છે ત્યારે બહુ પ્રેમપૂર્વક મૃદંગ, ઢોલ, નગારાં વગેરે વગાડી, સુંદર ગીત ગાતા, પુષ્પવર્ષા કરતા, પોતાને ન્યોછાવર કરતા અને ભેટ લઈને ત્યાં જઈ પહોેંચ્યા. કાલી નાગનાં એક સો મસ્તક હતાં. તે જે મસ્તકને નમાવતો નહીં તેને ભગવાન કચડતા હતા. તેનાથી કાલીનાગનું જીવનબળ ઓછું થવા લાગ્યું, તેનાં મેં અને નસકોરાંમાંથી લોહી વહેવા લાગ્યું. છેવટે તે બેસુધ થઈ ગયો.

નાગ જરા પણ ભાનમાં આવતો ત્યારે આંખોમાં ઝેર ઠાલવતો, ક્રોધના માર્યા તે જોરજોરથી ફૂંફાડા મારતો, આમ પોતાનાં મસ્તકોમાંથી જે મસ્તકને તે ઊંચું કરતો તેને નૃત્ય કરતા કૃષ્ણ પગ વડે કચડી નાખતા, કૃષ્ણના પગ ઉપર પડતાં લોહીનાં ટીપાંથી એવું લાગતું હતું જાણે રક્તપુષ્પોથી તેમની પૂજા થઈ રહી છે. કૃષ્ણના આ અદ્ભુત તાંડવનૃત્યથી કાલીનાગની ફેણો છિન્નભિન્ન થઈ ગઈ. તેનાં બધાં અંગના ચૂરેચૂરા થઈ ગયા, મેંમાંથી લોહી નીકળ્યું. હવે તેને સમસ્ત જગતના ગુરુ પુરાણપુરુષ ભગવાન નારાયણની સ્મૃતિ થઈ. મનોમન તે ભગવાનના શરણે ગયો. કૃષ્ણના ઉદરમાં સમગ્ર વિશ્વ. એટલે તેમના ભારે બોજને કારણે કાલીનાગના બધા સાંધા ઢીલા થઈ ગયા. તેમના પગના આઘાતને કારણે નાગના શરીરના છત્ર જેવી ફેણો કચડાઈ ગઈ. પોતાના પતિની આવી દશા જોઈને તેમની પત્નીઓ ભગવાનના શરણે ગઈ. તેઓ ચંતાિતુર બની ગઈ હતી, ભયને કારણે તેમના વાળ વિખરાઈ ગયા હતા. તેમના મનમાં ભારે ગડભાંજ હતી. પોતાનાં બાળકોને આગળ કરીને તે ધરતી પર આડી પડી ગઈ, હાથ જોડીને બધાં જ પ્રાણીઓના એક માત્ર સ્વામી કૃષ્ણને પ્રણામ કર્યાં. ભગવાન કૃષ્ણને શરણદાતા માની પોતાના અપરાધી પતિને મુક્ત કરવા કૃષ્ણને શરણે ગઈ, અને સ્તુતિ કરવા લાગી…

નાગપત્નીઓની પ્રાર્થના સાંભળીને કૃષ્ણે નાગને છોડી મૂક્યો. ધીમે ધીમે નાગની ઇન્દ્રિયોમાં અને શરીરમાં પ્રાણનો સંચાર થવા લાગ્યો. મુશ્કેલીથી તે શ્વાસ લેતો હતો, થોડી વારે દીનતાપૂર્વક હાથ જોડી કૃષ્ણને પ્રાર્થના કરી…

કાલીનાગની પ્રાર્થના સાંભળી કૃષ્ણે કહ્યું, ‘હવે તારે અહીં રહેવું ન જોઈએ. તું તારા બાંધવ, પુત્રો, સ્ત્રીઓ સાથે જલદી સમુદ્રમાં જતો રહે, જેથી ગાયો અને મનુષ્યો યમુનાજળને ઉપયોગ કરી શકે. જે માનવી બંને વખત તને આપેલી આજ્ઞાનું સ્મરણ કરે, કીર્તન કરે તેને કદી સાપનો ભય ન રહે મેં આ કાલીના ધરામાં ક્રીડા કરી છે. એટલે જે પુરુષ અહીં સ્નાન કરી, પિતૃતર્પણ કરશે, ઉપવાસ કરી મારું સ્મરણ કરશે તે પાપમુક્ત થઈ જશે. મને જાણ છે કે તું ગરુડના ભયથી રમણીક દ્વીપ છોડીને આ ધરામાં આવ્યો છે. હવે તારા શરીર પર મારાં ચરણચિહ્ન અંકિત થયાં છે એટલે ગરુડ તારો શિકાર નહીં કરે.

કૃષ્ણની આવી આજ્ઞા સાંભળી કાલીનાગે તથા તેની પત્નીઓએ આનંદિત થઈ આદરપૂર્વક પૂજા કરી. દિવ્ય વસ્ત્ર, પુષ્પમાલા, મણિ, કિમતી આભૂષણ, દિવ્ય ગંધ, ચંદન, ઉત્તમ કમળની માલાથી ગરુડધ્વજ કૃષ્ણની પૂજા કરી તેમને પ્રસન્ન કર્યા. પ્રેમ અને આનંદથી તેમની પરિક્રમા કરી અને અનુમતિ લીધી. પછી કાલીનાગ સમુદ્રમાં સાપના રહેવાના સ્થળે — રમણીક દ્વીપ આગળ પત્નીઓ, પુત્રો તથા બંધુજનો સાથે જવા નીકળી પડ્યો. કૃષ્ણની કૃપાથી યમુનાનું જળ માત્ર વિષમુક્ત ન થયું પણ અમૃત જેવું મધુર થઈ ગયું.

હવે સાંભળીએ નાગને ગરુડનો ભય કેમ હતો?

બહુ પહેલાં ગરુડને અપાતા ભોગના સંદર્ભે એક નિયમ કર્યો હતો. પ્રત્યેક મહિને ઠરાવેલા વૃક્ષ નીચે ગરુડને એક સાપનો બલિ અપાશે. આમ દર અમાસે ગરુડને બધા સાપ પોતપોતાનો ભાગ આપતા હતા. એ સાપોમાં કદ્રૂના પુત્ર કાલિય નાગને પોતાના ઝેર અને બળનું ભારે અભિમાન હતું. ગરુડને બલિ આપવાની વાત તો દૂર રહી, તે ગરુડને બલિ તરીકે અપાતા સાપ પણ ખાઈ જતો હતો. આ જાણીને વિષ્ણુના પાર્ષદ ગરુડને બહુ ક્રોધ આવ્યો. તેને મારી નાખવાના આશયથી તેના પર ભારે હુમલો કર્યો. કાલિય નાગે જોયું કે ગરુડ તેના પર હુમલો કરવા આવી રહ્યો છે ત્યારે તેણે એક ફેણ વડે ગરુડને ડંશ ભરી લીધો. તે વેળા તેની જીભ લપલપ થતી હતી. લાંબા શ્વાસ ભરી રહ્યો હતો, આંખો બિહામણી કરી, કાલિય નાગની આ ઉદ્દંડતા જોઈને ગરુડ બહુ ક્રોધે ભરાયા. આ ધરામાં ગરુડ જઈ શકે એમ ન હતું, એ એટલો બધો ઊંડો હતો કે બીજાઓ તેમાં જઈ પણ શકતા ન હતા. એક દિવસ ગરુડ ભૂખ્યો થયો હતો ત્યારે તપસ્વી સૌમરિએ ના કહ્યા છતાં તેણે બળજબરીથી માછલી ખાઈ લીધી. પોતાના નેતાના મરણથી બધી માછલીઓને બહુ દુઃખ થયું. તેઓ ખૂબ જ વ્યાકુળ બની ગઈ. તેમની આ સ્થિતિ જોઈને ઋષિને બહુ દયા આવી. તે ધરામાં રહેતા બધા જીવોના ભલા માટે ગરુડને શાપ આપ્યો, ‘જો તું હવેથી આ ધરામાં માછલી ખાવા આવ્યો તો તારા પ્રાણ જતા રહેશે.’ સૌમરિ ઋષિના આ શાપની વાત કાલિય નાગ સિવાય બીજો કોઈ નાગ જાણતો ન હતો. એેટલે ગરુડના ભયને કારણે કાલિય નાગ આ ધરામાં રહેતો થયો અને હવે શ્રીકૃષ્ણે તેને નિર્ભય કરીને રમણીક દ્વીપમાં મોકલી દીધો.