ભારતીયકથાવિશ્વ−૪/શ્રીમદ્ ભાગવત્/પ્રદ્યુમ્નકથા

Revision as of 01:52, 18 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પ્રદ્યુમ્નકથા

કામદેવ વાસુદેવના જ અંશ હતા. તેઓ શંકર ભગવાનના ક્રોધાગ્નિથી ભસ્મ થઈ ગયા હતા. હવે ફરી શરીર મેળવવા વાસુદેવ ભગવાનનો આધાર લીધો, તેઓ રુક્મિણીના ગર્ભમાંથી પ્રગટ્યા, અને પ્રદ્યુમ્ન નામે ઓળખાયા. સૌંદર્ય, પરાક્રમ, સુશીલતા — વગેરેમાં શ્રીકૃષ્ણ જેવો જ હતો. હજુ તો પ્રદ્યુમ્ન દસ દિવસનો જ થયો હતો ત્યાં, શંબરાસુર સૂતિકાગૃહમાં પ્રવેશી પ્રદ્યુમ્નને ઉપાડી ગયો, તેને સમુદ્રમાં ફંગોળી પોતાને ઘેર જતો રહ્યો, સમુદ્રમાં એક મોટી માછલી પ્રદ્યુમ્નને ગળી ગઈ. કેટલાક માછીમારોએ પોતાની જાળમાં બીજી માછલીઓની સાથે તે માછલીને પણ પકડી લીધી. પછી તે માછલી શંબરાસુરને ભેટ રૂપે આપી દીધી. શંબરાસુરના રસૌયા એ માછલીને રસોડામાં લઈ આવ્યા અને કુહાડી વડે કાપવા બેઠા. માછલીના પેટમાં બાળક જોઈ શંબરાસુરની દાસી માયાવતીને તે સોંપી દીધો. તેના મનમાં શંકા જાગી, પછી નારદે આવીને એ બાળક કામદેવનો અવતાર છે, રુક્મિણીના પેટે જન્મ્યો છે, પછી માછલીના પેટમાં પ્રવેશ્યો — વગેરે કથા કહી. આ માયાવતી કામદેવની પત્ની રતિ જ હતી. જે દિવસે શંકર ભગવાનના ક્રોધથી કામદેવ ભસ્મ થઈ ગયો તે દિવસથી તે તેના નવા અવતારની રાહ જોઈ રહી હતી. એ રતિને શંબરાસુરે પોતાને ત્યાં રસોઈ બનાવવા રાખી હતી. જ્યારે તેને જાણ થઈ કે આ તો કામદેવ જ છે, ત્યારથી તે બાળકને બહુ પ્રેમ કરવા લાગી. શ્રીકૃષ્ણપુત્ર પ્રદ્યુમ્ન થોડા જ દિવસોમાં યુવાન થઈ ગયો, તેમનાં રૂપ લાવણ્ય જોઈને બધી સ્ત્રીઓ તેમના તરફ જોતાંવેંત મોહી પડતી હતી. કમળપત્ર જેવાં નેત્ર, આજાનબાહુ, મનુષ્યલોકમાં સુંદર શરીર. રતિ લજ્જા અને હાસ્ય આણીને તેની સામે જોતી અને સ્ત્રીપુરુષ સંબધી ભાવ વ્યક્ત કરતી. પ્રદ્યુમ્ને તેના ભાવોમાં ફેરફાર જોઈને કહ્યું, ‘દેવી, તું તો મારી મા જેવી છે, તારી બુદ્ધિ આવી કેમ થઈ ગઈ. હું જોઉં છું કે તું માતાની લાગણીને બદલે કામિનીના ભાવ દાખવી રહી છે.’

રતિએ કહ્યું, ‘તમે નારાયણના પુત્ર છો. શંબરાસુર તમને સૂતિકાગૃહમાંથી ઉપાડી લાવ્યો હશે. તમે મારા પતિ કામદેવ છો. અને હું તમારી ધર્મપત્ની રતિ છું. તમે દસ દિવસનાય ન હતા અને તે અસુરે તમને સમુદ્રમાં ફેંકી દીધા હતા. ત્યાં એક માછલી તમને ગળી ગઈ. ત્યાંથી તમે અહીં આવ્યા છો. શંબરાસુર સેંકડો માયા જાણે છે. તમે આ રાક્ષસની માયા દૂર કરી દો. તમારી માતા પુત્ર ખોવાઈ ગયો એટલે બહુ વ્યાકુળ થઈ છે.’

આમ કહીને રતિએ મહામાયા નામની માયા શીખવાડી, તેના વડે બધી માયાઓનો નાશ થાય. હવે પ્રદ્યુમ્ને શંબરાસુર પાસે જઈને તેના પર ઘણા આરોપ મૂક્યા, ઝઘડો થાય એવું તે ઇચ્છતા હતા. અને યુદ્ધ માટે તેને લલકાર્યો.

શંબરાસુર આ સાંભળી ક્રોધે ભરાયો, તેની આંખો રાતીચોળ થઈ ગઈ, હાથમાં ગદા લઈને બહાર આવ્યો અને આકાશમાં ઘુમાવી પ્રદ્યુમ્ન પર ફેંકી.

વીજળી ફેંકાઈ હોય એવી રીતે ગદા ફેંકાવાનો અવાજ આવ્યો. પ્રદ્યુમ્ને જોયું કે ગદા બહુ ઝડપે આવી રહી છે. ત્યારે પોતાની ગદા વડે એ ગદાને ભાંગી નાખી. અને પોતાની ગદા અસુર પર ફેંકી. પછી તે મયાસુરે શીખવાડેલી માયા વડે તે આકાશમાં જતો રહ્યો અને ત્યાંથી પ્રદ્યુમ્ન પર અસ્ત્રવર્ષા કરવા લાગ્યો, એટલે પ્રદ્યુમ્ને બધી માયાઓને શાંત કરનારી મહામાયાનો વિનિયોગ કર્યો, પછી શંબરાસુરે યક્ષ, ગંધર્વ, પિશાચ, નાગ, રાક્ષસોની સેંકડો માયાઓ પ્રયોજી પણ પ્રદ્યુમ્ને પોતાની મહામાયા વડે એ બધાનો ખાત્મો બોલાવ્યો. પછી એક તીક્ષ્ણ તલવાર વડે શંબરાસુરનું મસ્તક છેદી નાખ્યું. દેવતાઓએ પુષ્પવર્ષા કરી, રતિ પ્રદ્યુમ્નને આકાશમાર્ગે દ્વારકા લઈ ગઈ.

આકાશમાં ગોરી રતિ અને શ્યામ પ્રદ્યુમ્ન મેઘ અને વીજળી જેવા દેખાતા હતા. પછી શ્રીકૃષ્ણના અંત:પુરમાં પ્રવેશી. ત્યાંની સ્ત્રીઓએ જોયું કે પ્રદ્યુમ્ન વર્ષાકાળના મેઘ જેવા શ્યામ છે, આજાનબાહુ છે, રેશમી પીતાંબર તેમણે પહેર્યું છે. સુંદર મોં પર સ્મિત ઝળકે છે. મોં પર વાંકડિયા કેશની લટો લહેરાય છે. તે બધી તેમને શ્રીકૃષ્ણ માનીને છેતરાઈ ગઈ અને સંતાઈ ગઈ. પછી તેમને ખ્યાલ આવ્યો કે શ્રીકૃષ્ણ નથી. એટલે આનંદ અને વિસ્મયથી તેમની પાસે આવી, તે જ વખતે રુક્મિણી ત્યાં આવી પહોંચ્યાં, આ નવદંપતીને જોઈને પોતાના ખોવાયેલા પુત્રની સ્મૃતિ થઈ આવી, તે વિચારે ચઢ્યાં, ‘આ કોનો પુત્ર છે? કઈ સ્ત્રીએ એને પેટમાં ઉછેર્યો હશે? આ કઈ સૌભાગ્યશાળીની પત્ની છે? મારો પણ દીકરો ખોવાઈ ગયો હતો, કોણ જાણે કોણ એને ઉપાડી ગયું? જો અત્યારે હોત તો આના જેવો જ દેખાતો હોત. મને નવાઈ લાગે છે કે આનાં બધાં જ લક્ષણો, એનું સ્મિત ચાલવું — ઊઠવું બધું જ શ્રીકૃષ્ણ જેવું છે. આને તો મેં પેટમાં નહીં ઉછેર્યો હોય! તેના પ્રત્યે આટલો બધો સ્નેહ કેમ ઊભરાય છે? મારી ડાબી બાજુ પણ કેમ ફરકે છે?’

જે વખતે રુકિમણી આ બધા વિચાર કરી રહ્યાં હતાં ત્યારે શ્રીકૃષ્ણ પોતાનાં માતાપિતા દેવકી-વસુદેવ સાથે ત્યાં આવ્યા. શ્રીકૃષ્ણ તો બધું જાણતા હતા. એવામાં જ નારદ આવી પહોંચ્યા, તેમણે પ્રદ્યુમ્નના સંદર્ભે બધી ઘટનાઓ કહી સંભળાવી.