ભારતીયકથાવિશ્વ−૪/શ્રીમદ્ ભાગવત્/પૌણ્ડ્રકની કથા

Revision as of 01:59, 18 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પૌણ્ડ્રકની કથા

કરુષ નામના દેશમાં એક રાજા પૌણ્ડ્રક થઈ ગયો. તેણે શ્રીકૃષ્ણ પાસે એક દૂત મોકલીને જણાવ્યું — ‘ભગવાન વાસુદેવ હું જ છું.’ મૂર્ખાઓ તેને બહેકાવ્યા કરતા હતા કે ભગવાન વાસુદેવ તો તમે જ છો અને જગતની રક્ષા કરવા પૃથ્વી પર અવતર્યા છો. આને કારણે તે મૂર્ખ રાજા પોતાને ભગવાન માની બેઠો. જેવી રીતે બાળકો રમતી વખતે કોઈ બાળકને રાજા માની લે છે તેવી રીતે પૌણ્ડ્રક પણ શ્રીકૃષ્ણના પ્રભાવ — રહસ્યને સમજી ન શક્યો અને દ્વારકામાં પોતાનો દૂત મોકલ્યો. ‘એક માત્ર વાસુદેવ હું છું, બીજું કોઈ નહીં. પ્રાણીઓ પર કૃપા કરવા માટે મેં અવતાર લીધો છે. તમે ખોટી રીતે પોતાની જાતને વાસુદેવ કહો છો, હવે એ નામ પડતું મૂકો, તમે મૂરખ બનીને મારો ચિહ્નો ધારણ કર્યાં છે. એ બધું ત્યજીને મારા શરણે આવી જાઓ, જો મારી વાત સ્વીકારવી ન હોય તો મારી સાથે યુદ્ધ કરો.’

આ મંદ બુદ્ધિના રાજાની વાત સાંભળીને ઉગ્રસેન અને બીજાઓ હસવા લાગ્યા. એ પછી શ્રીકૃષ્ણે દૂતને કહ્યું, ‘તું તારા રાજા પાસે જઈને કહે, હું ચક્ર વગેરે ત્યજવાનો નથી. હું તારા ઉપર જ નહીં પણ તારા બધા સાથીઓ પર ચક્ર ફેંકીશ, તેમની ચઢવણીથી તું અભિમાન કરી રહ્યો છે. તું અવળા મોંએ પડીને સમડી, ગીધ વગેરે માંસાહારી પક્ષીઓથી ઘેરાઈને મૃત્યુ પામીશ. તું મારો શરણાર્થી નહીં પણ તારું માંસ ચૂંથી ચૂંથીને ખાનારા કૂતરાઓનો શરણાર્થી બનીશ.’

શ્રીકૃષ્ણનો સંદેશો એ દૂત પૌણ્ડ્રક રાજાને સંભળાવ્યો. શ્રીકૃષ્ણે રથ પર સવાર થઈને કાશી પર આક્રમણ કર્યું. તે રાજા પોતાના મિત્ર કાશીરાજને ત્યાં રહેતો હતો. શ્રીકૃષ્ણના આક્રમણના સમાચાર સાંભળીને પૌણ્ડ્રક બે અક્ષૌહિણી સેના લઈને નીકળ્યો. કાશીરાજ પૌણ્ડ્રકનો મિત્ર હતો, તે પણ મિત્રને મદદ કરવા ત્રણ અક્ષૌહિણી સેના લઈને તેની પાછળ પાછળ પહોંચ્યો. શ્રીકૃષ્ણની નજરે પૌણ્ડ્રક પડ્યો.

પૌણ્ડ્રકે પણ શંખ, ચક્ર, ગદા, તલવાર, શાર્ઙ્ગ ધનુષ, શ્રીવત્સ ધારણ કર્યાં હતાં. વક્ષ:સ્થળ પર બનાવટી કૌસ્તુભ મણિ અને વનમાલા પણ હતાં. તેણે રેશમી પીળાં વસ્ત્ર પહેર્યાં હતાં. રથની ધ્વજા પર ગરુડની નિશાની પણ હતી. માથા પર કિમતી મુગટ હતો, કાને મકરાકૃતિ કુંડળ હતાં. આ બધો શણગાર બનાવટી હતો. જાણે કોઈ અભિનેતા રંગમંચ પર અભિનય કરવા આવી ચઢ્યો ન હોય! તેને જોઈને શ્રીકૃષ્ણે અટ્ટહાસ્ય કર્યું. શત્રુઓએ શ્રીકૃષ્ણ પર ત્રિશૂળ, મુદ્ગર, ગદા, શક્તિ, તોમર, તલવાર, પટ્ટિશ, બાણ વગેરે શસ્ત્રો ચલાવ્યાં. જેવી રીતે પ્રલયકાળે આગ બધાં પ્રાણીઓને સળગાવી દે છે તેવી રીતે શ્રીકૃષ્ણે એ બધાં શસ્ત્રો નકામાં કરી દીધાં, પોતે શસ્ત્રો ચલાવી પૌણ્ડ્રક્ અને કાશીરાજની સેનાને છિન્નભિન્ન કરી નાખી. તે યુદ્ધમેદાન ચક્રે ખંડિત કરેલા, રથ, ઘોડા, હાથી, મનુષ્યો, ગધેડા અને ઊંટો વડે છવાઈ ગયું, એવું લાગતું હતું જાણે તે ભૂતનાથ શંકરનું ભયંકર ક્રીડાંગણ ન હોય!

શ્રીકૃષ્ણે પૌણ્ડ્રકને કહ્યું, ‘તેં દૂત દ્વારા કહેવડાવ્યું હતું કે મારાં ચિહ્નો- અસ્ત્રશસ્ત્ર ત્યજી દો, હવે એ શસ્ત્રો તારા પર ફંગોળું છું. તેં ખોટેખોટું મારું નામ ધારણ કર્યું છે. હવે હું તને એ નામોમાંથી પણ મુક્તિ અપાવીશ. હવે શરણની વાત, જો તારી સાથે યુદ્ધ ન કરી શકું તો તારા શરણે આવીશ.’

આમ શ્રીકૃષ્ણે તે રાજાનો તિરસ્કાર કરીને તેનો રથ ભાંગી નાખ્યો, જેવી રીતે ઇન્દ્રે વજ્ર વડે પર્વતશિખરોને ઉખેડી નાખ્યાં હતાં, તેવી રીતે શ્રીકૃષ્ણે ચક્ર વડે તેનું અને કાશીરાજનું મસ્તક કાપી નાખ્યું. પછી બંનેનો વધ કરીને શ્રીકૃષ્ણ દ્વારકા આવી ગયા. પૌણ્ડ્રક સદા ભગવાન શ્રીકૃષ્ણના રૂપનો જ વિચાર કર્યા કરતો હતો એટલે બધાં બંધનથી મુક્ત થઈ ગયો.

કાશીના રાજમહેલના દરવાજે એક કુંડલધારી મસ્તક જોઈને લોકો વિચારમાં પડ્યા કે આ મસ્તક કોનું છે? જ્યારે તેમને જાણ થઈ કે આ મસ્તક કાશીરાજનું છે ત્યારે રાણીઓ, રાજકુમાર, રાજપરિવારના લોકો કલ્પાન્ત કરવા લાગ્યા, ‘અરે ભગવાન, અમારો તો સર્વનાશ થઈ ગયો.’ કાશીરાજનો પુત્ર સુદક્ષિણ હતો. પિતાનો મરણોત્તર વિધિ કરતાં કરતાં તેણે મનોમન નિર્ધાર કર્યો, ‘હું મારા પિતૃઘાતીનો વધ કરીને જ ઋણમુક્ત થઈશ.’ કુલપુરોહિત અને આચાર્યો સાથે શંકર ભગવાનની આરાધના તે એકનિષ્ઠ બનીને કરવા લાગ્યો. તેની આરાધનાથી પ્રસન્ન થઈને શંકર ભગવાને તેને વરદાન માગવા કહ્યું, સુદક્ષિણે કહ્યું, ‘મારા પિતૃઘાતીના વધનો ઉપાય બતાવો.’

શંકર ભગવાને કહ્યું, ‘તું બ્રાહ્મણદેવતાને મળીને યજ્ઞદેવતા દક્ષિણાગ્નિની વિધિપૂર્વક આરાધના કર. તે અગ્નિ પ્રમથગણો સાથે પ્રગટ થશે અને તારી ઇચ્છા પાર પડશે.’

શંકર ભગવાનની આવી આજ્ઞા સાંભળીને સુદક્ષિણે અનુષ્ઠાનના નિયમો સ્વીકારી શ્રીકૃષ્ણના વધનો સંકલ્પ કરવા લાગ્યો. વિધિ પૂરો થયો એટલે યજ્ઞકુંડમાંથી ભીષણ અગ્નિ પ્રગટ્યો. તેના કેશ, દાઢી મૂછ તપાવેલા તાંબા જેવાં હતાં, આંખોમાંથી અંગારા નીકળતા હતા. તેની ઉગ્ર દાઢો અને વાંકી ભ્રૂકુટિઓને લીધે તેના મોં પર ક્રૂરતા હતી. તે પોતાની જીભ વડે મોંના ખૂણા ચાટી રહ્યો હતો. શરીરે નગ્ન હતો, હાથમાં ત્રિશૂળ હતું અને તે વારેવારે ઘુમાવતો હતો, તાડના વૃક્ષની જેમ તેના પગ લાંબા હતા. તે પોતાના વેગથી ધરતીને ધ્રુજાવતો અને દશે દિશાઓને બાળતો દ્વારકાની દિશામાં દોડ્યો અને જોતજોતાંમાં તે દ્વારકા આવી પહોંચ્યો. તેની સાથે ઘણા ભૂતપ્રેત પણ હતા. તે આગને પાસે આવેલી જોઈ દ્વારકાવાસીઓ ડરી ગયા અને ચોપાટ રમતા શ્રીકૃષ્ણ પાસે પહોંચી ગયા. ‘દ્વારકા નગરી આ આગથી ભસ્મ થઈ જશે. તમે અમારું રક્ષણ કરો.’ સ્વજનોને બી ગયેલા જોઈને શ્રીકૃષ્ણે તેમને આશ્વાસન આપી કહ્યું, ‘ગભરાતા નહીં, હું તમારું રક્ષણ કરીશ.’

શ્રીકૃષ્ણને જાણ થઈ ગઈ કે આ કાશીથી આવેલી માહેશ્વરી કૃત્યા છે. તેના પ્રતિકાર માટે સુદર્શન ચક્રને આજ્ઞા આપી. તેમનું સુદર્શન તો કરોડો સૂર્ય જેવું તેજસ્વી અને પ્રલયકાળના અગ્નિ જેવું. સુદર્શન ચક્રની શક્તિ વડે કૃત્યાનું મોં ભાંગી ગયું, તેજ નષ્ટ થઈ ગયું. શક્તિ કુંઠિત થઈ ગઈ, દ્વારકાથી કાશી આવી પહોંચી અને તેણે ઋત્વિજ આચાર્યો તથા સુદક્ષિણને બાળી મૂક્યા. કૃત્યાની પાછળ પાછળ સુદર્શન ચક્ર પણ આવી પહોંચ્યું. કાશીનગરી તો બહુ વિશાળ હતી, મોટી મોટી અટારીઓ, સભાભવન, બજાર, નગરદ્વાર, દ્વારોનાં શિખર, ખજાના, હાથી, ઘોડા, રથ, અન્નના ભંડારો ત્યાં હતાં. સુદર્શન ચક્રે આખી કાશીનગરીને ભસ્મ કરી દીધી અને પછી તે ચક્ર શ્રીકૃષ્ણ પાસે પાછું જતું રહ્યું.