ભારતીયકથાવિશ્વ−૪/શ્રીમદ્ ભાગવત્/કૃષ્ણ-સુદામાકથા

Revision as of 02:03, 18 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


કૃષ્ણ-સુદામાકથા

સુદામા નામના એક બ્રાહ્મણ શ્રીકૃષ્ણના પરમ મિત્ર હતા. અને તે બહુ મોટી બ્રહ્મજ્ઞાની, વિષયવિરક્ત, શાન્ત અને જિતેન્દ્રિય હતા. ગૃહસ્થ હોવા છતાં તે કોઈ પણ પ્રકારની પરિગ્રહવૃત્તિ કરતા નહીં, પ્રારબ્ધમાં જે હોય તે મેળવી સંતોષ અનુભવતા. તેમની પત્નીનાં અને તેમનાં પોતાનાં વસ્ત્ર ફાટેલાં હતા. પતિની જેમ સ્ત્રી પણ ભૂખે કંતાઈ ગયેલી હતી, એક દિવસ દરિદ્રતાની પ્રતિમૂર્તિ એવી સ્ત્રી ભૂખે થથરતી પતિ પાસે જઈને મૂરઝાયેલા સ્વરે બોલી, ‘સાક્ષાત્ લક્ષ્મીપતિ શ્રીકૃષ્ણ તમારા મિત્ર છે. તેઓ ભક્તો માટે કલ્પવૃક્ષ છે, શરણાગત વત્સલ છે, બ્રાહ્મણભક્ત છે. સાધુસંતો, સત્યપુરુષોના એકમાત્ર આશ્રય છે. તમે તેમની પાસે જાઓ. જ્યારે તેમને જાણ થશે કે તમે ગૃહસ્થ છો અને ભૂખે રિબાઓ છો ત્યારે તેઓ તમને બહુ ધન આપશે. અત્યારે તેઓ ભોજ, વૃષ્ણી અને યાદવોના સ્વામી તરીકે દ્વારકામાં છે, તે એટલા બધા ઉદાર છે કે પોતાના ચરણકમળોને યાદ કરનારા ભક્તોને પોતાનો જીવ પણ આપી દે. આવી સ્થિતિમાં શ્રીકૃષ્ણ પોતાના ભક્તોને ધન, બીજાં સુખ આપે તો તેમાં ખોટું શું છે?’

આમ સુદામાપત્નીએ કેટલી બધી વાર નમ્રતાથી પ્રાર્થના કરી ત્યારે સુદામાએ વિચાર્યું, ‘ધન તો ઠીક છે પણ એ બહાને શ્રીકૃષ્ણનું દર્શન થશે. એ બહુ મોટો લાભ.’ આમ વિચારી સુદામાએ ત્યાં જવાનું નક્કી કહ્યું, પછી પત્નીને કહ્યું, ‘કલ્યાણી, ઘરમાં કશું ભેટ આપવા જેવું છે કશું? જો હોય તો આપ.’ પછી બ્રાહ્મણીએ પડોશનાં બ્રાહ્મણઘરોમાંથી ચાર મૂઠી પૌંઆ લઈ આવી એક પોટલીમાં બાંધી આપ્યા. પછી સુદામા એ પૌંઆ લઈને દ્વારકા જવા નીકળી પડ્યા. રસ્તામાં વિચાર્યા કરતા હતા કે મને શ્રીકૃષ્ણનાં દર્શન કેવી રીતે થશે?

દ્વારકા પહોંચીને બીજા બ્રાહ્મણો સાથે સૈનિકોની ત્રણ છાવણી અને ચોકીઓ વટાવી માંડ પહોંચી શકાય એવા યાદવોના મહેલમાં પહોંચ્યા. તે બધા મહેલોની વચ્ચે શ્રીકૃષ્ણનો મહેલ હતો. તેમાં પ્રવેશતી વખતે લાગ્યું કે બ્રહ્માનંદના સમુદ્રમાં પ્રવેશી રહ્યો છું — તે વેળા શ્રીકૃષ્ણ પોતાની પ્રિયા રુક્મિણીના પલંગ પર બેઠા હતા. બ્રાહ્મણદેવને દૂરથી જ આવતા જોઈ તરત ઊભા થયા અને તેઓ ભેટી પડ્યા. શ્રીકૃષ્ણ પોતાના પ્રિય મિત્રના સ્પર્શથી ખૂબ જ આનંદ પામ્યા. તેમનાં કમળનેત્રોમાંથી આનંદાશ્રુ વહેવાં લાગ્યાં. પછી શ્રીકૃષ્ણે તેમને પલંગ પર બેસાડી દીધા અને પોતે પૂજનસામગ્રી લાવીને તેમનો સત્કાર કર્યો.

શ્રીકૃષ્ણ તો બધાને પવિત્ર કરનાર અને છતાં પોતાના હાથે મિત્ર સુદામાના પગ ધોયા, અને ચરણોદક માથે મૂક્યું, સુદામાના શરીરે ચંદન, અગરુ, કેસર વગેરેનો લેપ કર્યો. પછી આનંદપૂર્વક ધૂપ વગેરેથી આરતી ઉતારી. આમ પૂજા કરીને સુદામાનું સ્વાગત કર્યું. બ્રાહ્મણમિત્રનાં વસ્ત્ર જરી ગયેલાં હતાં. શરીરે મેલ હતો, બધી નસો દેખાતી હતી. રુક્મિણી તેમને ચામર ઢોળતી હતી. અંત:પુરની સ્ત્રીઓને નવાઈ લાગતી હતી કે શ્રીકૃષ્ણ કેટલા બધા પ્રેમથી આ મેલાઘેલા ભિખારી બ્રાહ્મણની પૂજા કરી રહ્યા છે.’ તેઓ એકબીજાને કહેવા લાગી. ‘આ નંગધડંગ, નિર્ધન, નિંદનીય, નિકૃષ્ટ ભિખારીએ એવું કયું પુણ્ય કર્યું હશે કે આ ત્રિલોકના સ્વામી પોતે એનો આદરસત્કાર કરી રહ્યા છે? જુઓ તો ખરા, રુક્મિણીને બાજુ પર મૂકીને આ બ્રાહ્મણને મોટા ભાઈ બલરામની જેમ ભેટી રહ્યા છે.’

શ્રીકૃષ્ણ અને સુદામા એકબીજાનો હાથ પકડીને ભૂતકાળની કથાનો આનંદ માણી રહ્યા છે. ‘હે બ્રાહ્મણ, તમે જ્યારે ગુરુદક્ષિણા આપીને ઘેર પાછા ગયા ત્યારે તમને અનુરૂપ સ્ત્રી સાથે લગ્ન કર્યું હતું કે નહીં? હું જાણું છું કે ઘરગૃહસ્થ હોવા છતાં તમારું મન સુખભોગમાં પરોવાયેલું નથી. મને એ પણ જાણ છે કે તમને ધન વગેરેમાં કશો રસ નથી. ભગવાનની માયાથી સર્જાયેલા વિષયભોગનો ત્યાગ કરનારા અને મનમાં એવી કોઈ સાંસારિક વાસના ન રાખનારા માણસો બહુ વિરલ છે, તેઓ માત્ર લોકશિક્ષા માટે જ કર્મ કરતા રહે છે. તમને ગુરુકુળની વાત યાદ છે? ગુરુકુળમાં જ સાચું બ્રહ્મજ્ઞાન મળે છે અને એના વડે જ અજ્ઞાનઅંધકારને વટાવી શકાય છે. આ સંસારમાં જન્મ આપનાર પિતા પહેલા ગુરુ, પછી ઉપનયન સંસ્કાર કરાવનાર બીજા ગુરુ, પછી જ્ઞાનામૃત પાનાર, પરમાત્મા સુધી લઈ જનાર ગુરુ તો મારું જ સ્વરૂપ છે. આ સંસારમાં વર્ણાશ્રમના જે લોકો ગુરુ — ઉપદેશ ગ્રહીને અનાયાસ ભવસાગર પાર કરે છે તેઓ સ્વાર્થ — પરમાર્થના સાચા જાણકાર છે. મિત્ર, બધાનો આત્મા હું છું. બધાના હૃદયમાં અંતર્યામી બનીને વસું છું, ગુરુની સેવાચાકરીથી જેટલો આનંદ મને મળે છે તેટલો બીજા કશાથી — ગૃહસ્થના પંચમહાયજ્ઞથી, બ્રહ્મચારીના ઉપનયન — વેદાધ્યયન, વાનપ્રસ્થના ધર્મ તપસ્યાથી — મળતો નથી.

આપણે જ્યારે ગુરુકુળમાં હતા ત્યારે યાદ છે? ગુરુપત્નીએ આપણને ઇંધણ લાવવા વનમાં મોકલ્યા હતા. ઘોર જંગલમાં પહોંચ્યા અને ભયાનક માવઠું થયું. આકાશમાં વીજળીઓના કડાકાભડાકા થવા લાગ્યા. સૂર્ય આથમી ગયો હતો. અને ચારે દિશામાં અંધારું થઈ ગયું. જમીન પર પાણી એટલું બધું હતું કે ક્યાં ખાડો છે એની જ જાણ થતી ન હતી. એ વર્ષા નહીં, પ્રલય હતો. આંધી અને વરસાદને કારણે આપણે હેરાન હેરાન થઈ ગયા, દિશાની કશી સૂઝબૂઝ ન રહી. આપણે ચિંતાતુર થઈને એકબીજાનો હાથ પકડીને ભટકતા રહ્યા. જ્યારે ગુરુ સાંદીપનિને જાણ થઈ ત્યારે સૂર્યોદયના સમયે તેઓ આપણને શોધવા વનમાં આવ્યા. ‘અરે આશ્ચર્ય, તમે અમારા માટે કેટલી બધી મુશ્કેલીઓ વેઠી. બધાં પ્રાણીઓને પોતાનું શરીર બહુ વહાલું હોય છે, પણ તમે બંને એની પરવા કર્યા વિના અમારી સેવામાં ખોવાઈ ગયા. ગુરુઋણમાંથી મુક્ત થવા માટે સારા શિષ્યોનું કર્તવ્ય એટલું જ કે તેઓ શુદ્ધ ભાવે શરીર સમેત પોતાનું સર્વસ્વ ગુરુને સમપિર્ત કરી દે. તમારા પર હું પ્રસન્ન છું. તમારા બધા મનોરથ, તમારી બધી ઇચ્છાઓ પૂરી થાય, જે વેદપાઠ ભણ્યા છો તે હમેશા મોઢે રહે, આ લોકમાં કે પરલોકમાં ક્યાંય નિષ્ફળ ન જાય. મિત્ર, ગુરુકુળમાં આપણે રહ્યા તે વેળા આવી ઘણી બધી ઘટનાઓ બની. ગુરુકૃપાથી જ મનુષ્યને જીવનમાં શાંતિ મળે છે, પૂર્ણતા મળે છે.

સુદામાએ કહ્યું, ‘દેવતાઓના પૂજનીય દેવ શ્રીકૃષ્ણ, હવે શું કરવાનું બાકી રહ્યું છે? તમારી સાથે ગુરુકુળમાં રહેવાનું સૌભાગ્ય અમને મળ્યું.’

શ્રીકૃષ્ણ તો અન્તર્યામી, બ્રાહ્મણોના ભક્ત, તેમના ક્લેશ નિવારનાર, સંતોના એક માત્ર આશ્રય. તેઓ ઘણો સમય સુદામા સાથે વાતો કરતા રહ્યા. હવે જરા ટોળટિખળમાં બોલ્યા, ‘તમે મારા માટે ઘેરથી શી ભેટ લાવ્યા છો? ભક્તો પ્રેમપૂર્વક જે કંઈ આપે છે તે મારા માટે તો બહુ મોટી ઘટના છે.’

આ સાંભળીને સુદામાએ સંકોચ પામતાં પેલા પૌંઆ ન આપ્યા. શ્રીકૃષ્ણ તો બધાં પ્રાણીઓના મનની એકેએક વાત જાણે છે. તેમણે સુદામાના આગમનનું કારણ, જાણી લીધું. હવે તેઓ વિચારવા લાગ્યા કે આ મારા મિત્રે કદી ધનની ઇચ્છાથી મારી ભક્તિ કરી નથી. અત્યારે તે પોતાની પત્નીને રાજી કરવા અહીં આવ્યો છે. હવે હું દેવતાઓને દુર્લભ એવી સંપત્તિ તેને આપું.’

પછી શ્રીકૃષ્ણે સુદામાના વસ્ત્રમાં સંતાડેલી પોટલી જોઈ, આ શું છે? એમ કહી પોટલી છિનવી લીધી. ‘અરે મિત્ર, તમે તો મારા માટે બહુ મોટી ભેટ લાવ્યા છો ને કંઈ? આ પૌંઆ માત્ર મને જ નહીં, આખા જગતને તૃપ્ત કરવા પૂરતા છે.’ એમ કહી એક મૂઠી પૌંઆ ખાઈ ગયા. બીજી મૂઠી ભરી ત્યાં લક્ષ્મીસ્વરૂપા રુક્મિણીએ શ્રીકૃષ્ણનો હાથ પકડી લીધો. તેઓ તો શ્રીકૃષ્ણપરાયણ, તેમને મૂકીને તે ક્યાંય જાય નહીં, રુક્મિણી બોલ્યાં, ‘બસ બસ..માનવીને આ લોકમાં કે પરલોકમાં બધી સંપત્તિ મેળવવા માત્ર એક જ મૂઠી બસ છે.’

બ્રાહ્મણ સુદામા તે રાતે શ્રીકૃષ્ણના મહેલમાં જ રહ્યા. નિરાંતે ખાધુંપીધું, માની લીધું કે હું વૈકુંઠમાં જ પહોંચી ગયો છું. શ્રીકૃષ્ણ પાસેથી પ્રત્યક્ષ રીતે તો કશું ન મળ્યું. સુદામાએ કશું માગ્યું પણ નહીં. તેઓ પોતાની મનની હાલત પર સંકોચ પામીને ઘેર જવા નીકળી પડ્યા. ‘અરે કેટલા આનંદની વાત છે? બ્રાહ્મણોને પોતાના ઇષ્ટ દેવ માનનારા શ્રીકૃષ્ણની બ્રાહ્મણભક્તિ આજે મેં નજરોનજર જોઈ. ધન્ય ધન્ય. જેમના વક્ષ:સ્થળે સદા લક્ષ્મી હોય છે, તેમણે મને ગળે લગાવી લીધો. ક્યાં હું અને ક્યાં તે? છતાં મને તેઓ ભેટી પડ્યા. વળી, તેમના પલંગ પર મને સૂવડાવ્યો. જાણે હું તેમનો સગો ભાઈ છું! હું થાક્યોપાક્યો હતો એટલે રુક્મિણી પાસે ચામર ઢોળાવ્યું. ભગવાને જાતે મારા પગ દાબ્યા. જાતે ખવડાવ્યું, પીવડાવ્યું, સેવાચાકરી કરી. મારી પૂજા કરી. આ દરિદ્ર બ્રાહ્મણ ધન પામીને અભિમાની ન થઈ જાય, મને ભૂલી ન જાય એમ માનીને શ્રીકૃષ્ણે મને થોડુંય ધન ન આપ્યું!’

આમ વિચાર કરતાં સુદામા પોતાને ઘેર પહોંચી ગયા. ત્યાં જઈને શું જોયું? બધાં જ સ્થળ સૂર્ય, અગ્નિ, ચંદ્ર સમાન તેજસ્વી મહેલોથી ભરેલાં હતાં. ઠેકાણે ઠેકાણે સુંદર ઉપવન, બાગબગીચા છે, અનેક રંગીન પક્ષીઓનાં ટોળાં કૂજન કરી રહ્યાં છે, સરોવરોમાં કુમુદ અને બીજાં રંગીન કમળ છે, સુંદર સ્ત્રીપુરુષો સજ્જ થઈને આમતેમ ફરી રહ્યાં છે, તે જોઈને સુદામા તો વિચારમાં પડી ગયા. ‘આ હું શું જોઈ રહ્યો છું? આ કોનું ઘર છે? જ્યાં હું રહેતો હતો એ જ આ જગ્યા હોય તો બધું બદલાઈ કેવી રીતે ગયું?’

તે આમ વિચારતા જ હતા તેવામાં દેવતાઓ જેવાં સુંદર સ્ત્રીપુરુષો ગાયનવાદન સાથે મંગળ ગીતો ગાતાં તેમનું સ્વાગત કરવા આવી ચઢ્યાં. પતિના આગમનના સમાચારે સુદામાપત્નીના આનંદનો પાર ન રહ્યો. તે દોડતી દોડતી ઘરમાંથી ઉતાવળે નીકળી, જાણે કમળવનમાંથી સાક્ષાત્ લક્ષ્મી પ્રગટ્યાં ન હોય! પતિને જોતાંવેંત પતિવ્રતાની આંખોમાંથી પ્રેમ અને ઉત્કંઠાના આવેગને કારણે આંસુ વહેવાં લાગ્યાં. બ્રાહ્મણીએ ભાવુક બનીને પતિને વંદન કર્યાં અને મનોમન આલિંગન પણ આપ્યું.

સુદામાપત્ની સુવર્ણહાર પહેરેલી દાસીઓની વચ્ચે વિમાનસ્થિત દેવાંગના જેવી તેજસ્વી અને શોભાપૂર્ણ લાગતી હતી. સુદામા તેને જોઈને નવાઈ પામી ગયા. પત્નીની સાથે ખૂબ જ પ્રેમથી મહેલમાં પ્રવેશ કર્યો, આ તે તેમનો મહેલ કે ઇન્દ્રનો રંગમહેલ! મણિમઢેલા સેંકડો સ્થંભ હતા. હાથીદાંતના બનેલા અને સુવર્ણપત્રોથી મઢેલા પલંગો પર દૂધના ફીણ જેવી શ્વેત અને નરમ શય્યાઓ હતી. ત્યાં અનેક ચામર હતાં, તેમાં સુવર્ણની દાંડીઓ હતી. સુવર્ણસંહાિસનો પર નરમ નરમ ગાદીઓ હતી. ચંદરવા મોતીઓથી મઢેલા હતા. સ્ફટિક મણિની સ્વચ્છ ભીંતો પર પન્ના જડેલા હતા. રત્નજડિત સ્ત્રીપ્રતિમાઓના હાથમાં રત્નદીપકો ઝગમગતા હતા.

આ પ્રકારની સમૃદ્ધ સંપત્તિ જોઈ અને કેવી રીતે આ બધું થયું તેનું કારણ ન હોવાથી સુદામા વિચારવા લાગ્યા. મારી પાસે આટલી બધી સંપત્તિ આવી ક્યાંથી? તે મનોમન બોલ્યા, ‘હું તો જન્મથી જ ભાગ્યહીન અને ગરીબ. પછી આ સંપત્તિ આવી કયાંથી? પરમ ઐશ્વર્યવાન યદુવંશ શિરોમણિ ભગવાન શ્રીકૃષ્ણની કૃપા સિવાય તો બીજું કયું કારણ? આ બધું તેમની કરુણાની દેન છે.’

ભગવાન પોતે તો પૂર્ણકામ છે. લક્ષ્મીપતિ છે એટલે અનન્ત ભોગસામગ્રી તેમની પાસે છે. એટલે યાચક ભક્તના મનનો ભાવ જાણીને ઘણું બધું આપે છે. પણ તેમને તો એ બહુ થોડું લાગે છે. એટલે તમારી આગળ તો કશું ન કહે. મેઘમાં સમુદ્રને છલકાવી દેવાની શક્તિ છે અને તો પણ ખેડૂતની સામે તે વરસતો નથી. તે સૂઈ જાય ત્યારે રાતે વરસે છે અને બહુ વરસે તો પણ એમ માને કે બહુ થોડો જ વરસ્યો છું, એવા મેઘ કરતાંય શ્રીકૃષ્ણ વધુ ઉદાર છે. મારા પ્રિય મિત્ર આપે છે તો ઘણું પણ પોતે એને બહુ થોડું માને છે. તેમનો પ્રિય ભક્ત તેમને માટે થોડુંક કરે તો તેને તે ઘણું બધું માને છે. જુઓ જુઓ — મેં આપ્યું શું? એક મૂઠી પૌંઆ, તેને કેટલા બધા પ્રેમથી તેમણે સ્વીકાર્યા. મને જન્મોજન્મ તેમનો પ્રેમ, તેમનું જ હેત, તેમની મૈત્રી, તેમની સેવા સાંપડે. મારે સંપત્તિ નથી જોઈતી, મારે તો શ્રીકૃષ્ણના ચરણો માટેનો પ્રેમ વધતો રહે એ જ જોઈએ છે. તેમના ભક્તોનો સત્સંગ જોઈએ, ભગવાન તો સંપત્તિના અવગુણ જાણે છે. તેમને જાણ છે કે ધન અને ઐશ્વર્યના અભિમાનથી ઘણા ધનવાનોનું પતન થાય છે. એટલે જ તે પોતાના અદૂરદર્શી ભક્ત ગમે તેટલું માગે તો પણ સંપત્તિ, રાજ્ય, ઐશ્વર્ય નથી આપતા. આ તો તેમની કૃપા કહેવાય.’ સુદામા એ આવો નિર્ધાર કરી અનાસક્ત ભાવે પત્ની સાથે ઉચ્ચ પ્રકારના વિષયોમાં ડૂબ્યા અને દિવસે દિવસે તેમની ભક્તિ વધુ ને વધુ ગાઢ થવા લાગી.