ભારતીયકથાવિશ્વ−૬/માર્કણ્ડેયપુરાણ/અનસૂયા અને એક બ્રાહ્મણીની કથા
પ્રતિષ્ઠાન નગર. તેમાં એક કુશિકવંશી બ્રાહ્મણ. અન્ય જન્મોનાં પાપકર્મથી તે કુષ્ઠરોગથી પીડાતો હતો. આવા રોગી પતિની સેવાચાકરી ભક્તિભાવથી તેની પત્ની કરતી હતી, તેને નવડાવતી-ધોવડાવતી અને છતાં તેનો પતિ તેનો તિરસ્કાર કરતો હતો. પતિ બીભત્સ લાગતો હોવા છતાં તેની પતિવ્રતા સ્ત્રી પતિને જ સર્વસ્વ માનતી હતી. એક દિવસ તેણે એક વેશ્યાને જોઈને પત્નીને કહ્યું, ‘રાજમાર્ગ પાસે એક વેશ્યા રહે છે ત્યાં તું મને લઈ જા. તે જો મને આલિંગન નહીં આપે તો મારું મૃત્યુ થશે. મારામાં ચાલવાની શક્તિ નથી.’
આ સાંભળી તે પતિવ્રતા ગાંઠે થોડું ધન બાંધી, પતિને ખભે બેસાડીને ચાલી નીકળી. તે સમયે નિર્દોષ એવા માંડવ્ય ઋષિને ચોર માનીને શૂળી પર ચઢાવ્યા હતા. તે ઋષિને કૌશિક કુષ્ઠરોગીનું શરીર અડક્યું એટલે ઋષિ બોલ્યા, ‘જે મનુષ્યે મને પીડા પહોંચાડી છે તે નરાધમ સૂર્ય ઊગતાં મૃત્યુ પામશે.’
માંડવ્ય ઋષિનો કઠોર શાપ સાંભળી સતી બોલી, ‘સૂર્ય ઉદય પામશે જ નહીં.’
એટલે પછી તો રાત્રિ જ રહી. બધા દેવતાઓ બીધા. જગત નાશ પામશે એવો ડર લાગ્યો. તિથિ, માસ, ઋતુની ગણના નહીં થાય. યજ્ઞયાગાદિ બંધ થયા. દેવોની અકળામણ જાણીને બ્રહ્માએ કહ્યું, ‘પતિવ્રતા સ્ત્રીને કારણે સૂર્ય ઊગતો નથી. હવે જો સૂર્યને ઊગતો કરવો હોય તો અત્રિ ઋષિની પત્ની અનસૂયાને પ્રસન્ન કરો.’
એટલે દેવોએ અનસૂયા પાસે જઈને બધી વાત કરી. અનસૂયાએ પણ પતિવ્રતા સ્ત્રીનો મહિમા ગાયો. ‘હું એ વિપ્રપત્નીને પ્રસન્ન કરીશ જેથી દિવસરાત નિયમિત રીતે થાય, અને તેનો પતિ શાપથી મરણ પણ ન પામે.’
આમ કહી અનસૂયા વિપ્રપત્નીને ઘેર ગયાં. ત્યાં કુશળ સમાચાર પૂછી વાત કાઢી, ‘તું તારા પતિને આનંદ આપે છે ને? બધા દેવોથી અધિક પતિને માને છે ને? હું પણ મારા સ્વામીની સેવાથી જ ફળ પામી છું. માનવીએ પાંચ ઋણ ચૂકવવાં જોઈએ. વર્ણધર્મ પ્રમાણે ધનસંચય કરવો જોઈએ, મળેલા ધનનું દાન કરવું જોઈએ; સત્ય, તપ, દાન, દયા, કોમળતા રાખવાં જોઈએ; રાગદ્વેષથી પર થઈ શ્રદ્ધાપૂર્વક શક્તિ પ્રમાણે શાસ્ત્રસંમત ક્રિયાઓ કરવી જોઈએ. સ્ત્રીઓ માટે પતિસેવા સિવાય બીજો કોઈ યજ્ઞ નથી.’
આ સાંભળી વિપ્રપત્નીએ અનસૂયાનો ખૂબ જ આદરસત્કાર કર્યો. તેણે પણ અનસૂયાની વાતમાં સૂર પુરાવ્યો પછી આગમનનું કારણ પૂછ્યું. એટલે અનસૂયા બોલ્યાં,
‘તારા વચનથી દિવસ-રાત નાશ પામ્યાં છે; સત્કર્મો બંધ થયાં છે. ઇન્દ્ર સહિત બધા દેવોએ મારી પાસે આવીને પહેલાંની જેમ રાતદિવસ થાય એવી માગણી કરી છે. દિવસ ન હોવાને કારણે યજ્ઞયાગ થતાં નથી, દેવો તૃપ્તિ પામતા નથી. દિવસ નથી એટલે વૃષ્ટિ ન થાય, જગત નાશ પામે; એટલે જો આ જગતનો વિનાશ થતો અટકાવવો હોય તો પ્રસન્ન થા.’
વિપ્રપત્ની બોલી, ‘માંડવ્ય ઋષિએ સૂર્યોદય થાય ત્યારે મારા પતિનું મૃત્યુ થશે એવો શાપ આપ્યો છે.’
અનસૂયાએ કહ્યું, ‘જો તારી ઇચ્છા હોય તો ઋષિવચન પળાયા પછી હું મારા વચનથી તારા સ્વામીને સજીવન કરીશ.’
એટલે બ્રાહ્મણપત્નીએ સંમતિ દર્શાવી અને અનસૂયાએ અર્ઘ્ય આપી સૂર્યનું આવાહન કર્યું. એટલે સૂર્યનારાયણ ઉદય પામ્યા અને બ્રાહ્મણ સ્ત્રીનો પતિ મરણ પામ્યો. તે સ્ત્રીએ તેને તે જ વેળાએ પકડી લીધો.
અનસૂયાએ તેને ધીરજ બંધાવી, ‘મેં પતિસેવા કરીને તપથી જે કંઈ મેળવ્યું છે તેનું બળ જો. મેં રૂપ, શીલ, બુદ્ધિ, વાચા, મધુરતાથી અન્ય કોઈ પુરુષને મારા સ્વામી સિવાય, સમાન ન ગણ્યો હોય તો મારા સત્ય વડે આ બ્રાહ્મણ વ્યાધિમુક્ત થઈ, યુવાન બની જીવતો થાય. મન, વચન, કર્મથી જ પતિસેવા કરી હોય તો આ બ્રાહ્મણ જીવતો થાય.’
અનસૂયાના વચન સાથે જ તે બ્રાહ્મણ નીરોગી બનીને જીવતો થયો. આકાશમાંથી પુષ્પવર્ષા થઈ, દેવદુંદુભિ વાગ્યાં. દેવતાઓએ અનસૂયાને વરદાન માગવા કહ્યું, ત્યારે અનસૂયાએ કહ્યું,
‘જો તમે મને વરદાન આપવા માગતા જ હો અને મને સુપાત્ર ગણતા હો તો બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણે દેવ મારા પુત્રો થાય, હું સ્વામી સાથે યોગનિષ્ઠ થઉં.’
બધા દેવોએ ‘તથાસ્તુ’ કહીને ત્યાંથી વિદાય લીધી.
નિયત સમયે અનસૂયાએ ત્રણે દેવને પુત્ર તરીકે જન્મ આપ્યો.
(૧૬)