ભારતીયકથાવિશ્વ−૪/વિષ્ણુપુરાણ/ભૃગુ ઋષિએ લીધેલી ત્રણ દેવોની પરીક્ષા

Revision as of 06:05, 21 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ભૃગુ ઋષિએ લીધેલી ત્રણ દેવોની પરીક્ષા


એક વેળા સરસ્વતી નદીના પવિત્ર તટ પર મોટા મોટા ઋષિઓ યજ્ઞ કરવા ભેગા થયા હતા. ત્યાં ચર્ચા ચાલી — બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ — આ ત્રણે દેવોમાં બધાથી મોટો દેવ કોણ? આનો નિર્ણય કરવા બધાએ બ્રહ્માના પુત્ર ભૃગુ ઋષિને મોકલ્યા. ભૃગુ ઋષિ સૌથી પહેલાં બ્રહ્મલોકમાં ગયા. બ્રહ્માની ધીરજની કસોટી કરવા તેમણે ન તો બ્રહ્માને વંદન કર્યું, ન તેમની સ્તુતિ કરી. એટલે બ્રહ્મા રાતાપીળા થઈ ગયા. પછી બ્રહ્માએ જોયું કે આ તો મારો જ પુત્ર છે ત્યારે જાગેલા ક્રોધને વિવેકબુદ્વિથી અંદર ને અંદર દાટી દીધો. જાણે અરણીમંથનને કારણે જન્મેલો અગ્નિ પાણીથી બુઝાઈ ગયો.

ત્યાંથી મહર્ષિ ભૃગુ કૈલાસ ગયા. ભગવાન શંકરે જોયું કે મારા ભાઈ ભૃગુ આવી રહ્યા છે ત્યારે આનંદથી ઊભા થયા અને ભેટવા હાથ ફેલાવ્યા. પરંતુ ભૃગુએ તેનો સ્વીકાર ન કર્યો, અને કહ્યું,‘તમે લોક અને વેદની મર્યાદાનું ઉલ્લંધન કરો છો એટલે તમને ભેટવા માગતો નથી.’ તેમની આવી વાત સાંભળીને ભગવાન શંકર તો ક્રોધથી લાલચોળ થઈ ગયા, આંખો પહોળી થઈ ગઈ. ત્રિશૂળ ઊંચકીને ભૃગુને મારવા ગયા, પણ તે જ વખતે ભગવતી સતીએ પતિને પગે પડીને તેમનો ક્રોધ શમાવ્યો.

હવે ભૃગુ વિષ્ણુના નિવાસસ્થાન વૈકુંઠમાં ગયા. તે વેળા વિષ્ણુ ભગવાન લક્ષ્મીજીના ખોળામાં પોતાનું મસ્તક મૂકીને સૂતા હતા. ભૃગુ ઋષિએ જઈને વિષ્ણુની છાતીમાં જોરથી લાત મારી. લક્ષ્મીની સાથે ભગવાન તરત જ ઊભા થઈ ગયા અને મુનિ પાસે આવીને માથું ઝૂકાવી પ્રણામ કર્યા. ભગવાને કહ્યું, ‘બ્રહ્મન્, તમને આવકારું છું. આ આસન પર બેસી થોડી વાર આરામ કરો. મને તમારા આગમનની જાણ ન હતી. એટલે હું સામે આવી ન શક્યો. હું ક્ષમા માગું છું. તમારા ચરણકમળ તો બહુ કોમળ છે.’ એમ કહી ભૃગુના ચરણને ભગવાન પોતાના પંપાળવા લાગ્યા. પછી તે બોલ્યા, ‘તમારું ચરણોદક તો તીર્થોને પણ તીર્થ બનાવે એવું છે. તમે એનાથી વૈકુંઠને, મને અને મારામાં રહેતા રહેલા લોકપાલોને પવિત્ર કરો. તમારા ચરણકમળના સ્પર્શથી મારા બધાં પાપ ધોવાઈ ગયાં. આજે હું લક્ષ્મીનો એક માત્ર આશ્રય છું. હવે તમારા ચરણોની છાપવાળા મારા વક્ષ:સ્થળ પર લક્ષ્મી નિત્યવાસ કરશે.’

ભગવાને બહુ ગંભીરતાથી આમ કહ્યું, ‘એટલે ભૃગુ ઋષિ તૃપ્ત અને સુખી થઈ ગયા. ભક્તિના ઊભરાથી આંખોમાં આંસુ આવી ગયાં. વૈકુંઠમાંથી પાછા આવીને ઋષિઓ પાસે આવ્યા અને બ્રહ્મા, વિષ્ણુ, મહેશનો જે અનુભવ થયો હતો તે કહી સંભળાવ્યો. એ સાંભળીને બધા ઋષિમુનિઓને અચરજ થયું, પછી તો તેઓ વિષ્ણુને સર્વશ્રેષ્ઠ દેવ માનવા લાગ્યા, તેઓ જ શાંતિ અને અભયના મૂળમાં છે.

એક વખત દ્વારકામાં કોઈ બ્રાહ્મણ સ્ત્રીએ બાળકને જન્મ આપ્યો. પણ પૃથ્વીનો સ્પર્શ થતાં વેંત તે બાળક મૃત્યુ પામ્યું. બ્રાહ્મણ બાળકનું શબ લઈને રાજમહેલના બારણે પહોંચ્યો. ત્યાં આતુરતાથી તે વિલાપ કરવા લાગ્યો, ‘એમાં તો શંકા જ નથી કે બ્રાહ્મણદ્રોહી, ધૂર્ત, કૃપણ, વિષયી રાજાના કર્મે કરીને મારા બાળકનું મૃત્યુ થયું છે. જે રાજા હિંસાપરાયણ, ચારિત્ર્યભ્રષ્ટ અને અજિતેન્દ્રિય હોય તેને રાજા માનીને સેવા કરનારી પ્રજા દરિદ્ર થઈને દુઃખો જ ભોગવ્યા કરે છે. અને તે પ્રજા પર એક પછી એક સંકટ આવ્યા જ કરે છે.’ આમ તે બ્રાહ્મણ બીજા-ત્રીજા બાળકના મૃત્યુ પ્રસંગે પણ શંકા રાજમહેલના બારણે ફંગોળીને એ જ આક્ષેપ કરતો ગયો. નવમું બાળક જ્યારે મૃત્યુ પામ્યું ત્યારે તે ફરી ત્યાં આવ્યો, ત્યારે શ્રીકૃષ્ણ પાસે અર્જુન પણ બેઠા હતા. તેમણે બ્રાહ્મણની વાત સાંભળીને કહ્યું, ‘હે બ્રાહ્મણ, તમારી દ્વારકામાં કોઈ ધનુર્ધારી ક્ષત્રિય નથી? એવું લાગે છે કે આ યાદવો બ્રાહ્મણ છે અને પ્રજાપાલન્નું કર્તવ્ય ત્યજીને કોઈ યજ્ઞમાં બેઠા છે. જે રાજ્યમાં ધન, સ્ત્રી અને પુત્રોનો વિયોગ થવાથી બ્રાહ્મણો દુઃખી થાય છે ત્યાં ક્ષત્રિયો નથી પણ ક્ષત્રિયોના વેશે ઉદરભરણ કરનારા નર છે. તમે પતિપત્ની પુત્રોના મૃત્યુથી બહુ દુઃખી છો. હું તમારા સંતાનની રક્ષા કરીશ. જો હું એમ નહીં કરું તો આગમાં કૂદીને મરી જઈશ અને એ રીતે મારા પાપનું પ્રાયશ્ચિત્ત કરીશ.’

આ સાંભળી બ્રાહ્મણે કહ્યું, ‘હે અર્જુન, અહીં બલરામ છે, શ્રીકૃષ્ણ છે, ધનુર્ધરશ્રેષ્ઠ પ્રદ્યુમ્ન છે, અનિરુદ્ધ છે — આ બધામાંથી કોઈ કરતાં કોઈ મારાં બાળકોની રક્ષા કરી ન શક્યું, તો તમે આ કામ કેવી રીતે પાર પાડશો? તમારી આ નરી મૂર્ખતા છે. મને તમારી વાતો પર વિશ્વાસ નથી આવતો.’

અર્જુને કહ્યું, ‘હું નથી બલરામ, નથી શ્રીકૃષ્ણ કે નથી પ્રદ્યુમ્ન. હું અર્જુન છું, મારું ગાંડીવ ધનુષ જગવિખ્યાત છે. મારા પૌરુષનો તિરસ્કર ન કરો. તમને તો ખબર નથી, પણ હું મારી વીરતાથી ભગવાન શંકરને પણ પ્રાભાવિત કરી ચૂક્યો છું. વધુ તો શું કહું? હું સાક્ષાત્ મૃત્યુ સાથે યુદ્ધ કરીને પણ તમારાં બાળક પાછા લાવી દઈશ.’

અર્જુને તે બ્રાહ્મણને આમ વિશ્વાસ અપાવ્યો, અને તેમની વીરતાની પ્રશંસા લોકો આગળ કરતાં કરતાં તે પોતાને ઘેર પહોંચી ગયો. તેની સ્ત્રીને પ્રસૂતિનો સમય આવ્યો એટલે તે આતુર બનીને અર્જુન પાસે આવ્યો અને બોલ્યો, ‘આ વખતે તમે મારા બાળકને મૃત્યુના મોઢામાંથી બચાવી લો.’

આ સાંભળીને અર્જુને શુદ્ધ જળથી આચમન કર્યું, ભગવાન શંકરને વંદન કર્યું.પછી દિવ્ય અસ્ત્રોનું સ્મરણ કરીને ગાંડીવ ધનુષ પર પણછ ચઢાવી. અનેક અસ્ત્રમંત્રોને આહ્વાન કર્યું અને પ્રસૂતિગૃહને ચારે બાજુથી ઘેરી લીધું. આમ પ્રસૂતિગૃહની આજુબાજુ, ઉપરનીચે બાણોની એક આખી જાળ ઊભી કરી. અને પછી બ્રાહ્મણીએ એક બાળકને જન્મ આપ્યો, તે વારેવારે રડતો હતો. પછી જોતજોતાંમાં તે અંતર્ધાન થઈ ગયો. હવે બ્રાહ્મણ શ્રીકૃષ્ણના દેખતાં જ અર્જુનની નિંદા કરવા લાગ્યો, ‘મારી મૂર્ખતા તો જુઓ. આ નપુંસકની વાતો પર મેં વિશ્વાસ કર્યો, જેને પ્રદ્યુમ્ન, અનિરુદ્વ, બલરામ, શ્રીકૃષ્ણ બચાવી ન શક્યા તેને કોણ બચાવી શકે? મિથ્યાવાદી અર્જુનને ધિક્કાર છે. પોતાના મોઢે મોટી મોટી વાતો કરનારા અર્જુનના ધનુષને ધિક્કાર છે. આની દુર્બુદ્ધિ તો જુઓ — તે બાળકને પાછો લાવવા માગે છે, પણ પ્રારબ્ધે અમારી પાસેથી તે ઝૂંટવી લીધો છે.’

આમ જ્યારે બ્રાહ્મણ અર્જુનની ગમે તેમ નિંદા કરવા લાગ્યો ત્યારે યોગબળથી અર્જુન યમની પુરીમાં ગયો, ત્યાં યમરાજ રહેતા હતા. ત્યાં બ્રાહ્મણનું બાળક ન હતું. પછી તે શસ્ત્ર લઈને ઇન્દ્ર, અગ્નિ, નિઋતિ, સોમ, વાયુ, વરુણના નિવાસે ગયો, અતલની નીચેના નગરોમાં ગયો, સ્વર્ગની ઉપર ગયો. પણ ક્યાંય બાળકનો પત્તો ન પડ્યો. તેણે લીધેલી પ્રતિજ્ઞા પાર ન પડી. એટલે અગ્નિમાં પ્રવેશવાનો વિચાર કર્યો. પણ શ્રીકૃષ્ણે તેને અટકાવ્યો, ‘તું આમ તારી જાતને ફિટકાર નહીં. હું તને હમણાં જ બ્રાહ્મણનાં બધાં બાળક દેખાડું છું. આજે જેઓ તારી નિંદા કરે છે તેઓ આપણી નિર્મળ કીર્તિની પ્રશંસા કરશે.’

સર્વશક્તિવાન ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને આ રીતે સમજાવીને પોતાના દિવ્યરથ પર બેસાડી પશ્ચિમ દિશામાં ચાલી નીકળ્યા. સાત પર્વતો, સાત દ્વીપ, સાત સમુદ્ર, અને લોકાલોક પર્વતને વટાવીને ઘોર અંધકારમાં પ્રવેશ કર્યો. એ અંધકાર એટલો બધો ગાઢ હતો કે શૈબ્ય, સુગ્રીવ, મેઘપુષ્પ અને બલાહક નામના ઘોડા પોતાનો રસ્તો ભૂલીને આમતેમ ભટકવા લાગ્યા. ઘોડાઓની આ હાલત જોઇને શ્રીકૃષ્ણે હજારો સૂર્ય જેવા તેજસ્વી સુદર્શન ચક્રને આગળ આગળ ચાલવાની આજ્ઞા કરી. આમ તે ચક્ર પોતાના તેજ વડે આ ઘોર અંધકારને ચીરતું મનોવેગી બનીને આગળ આગળ નીકળ્યું —- જાણે રામચંદ્રનું બાણ ધનુષ પરથી રાક્ષસસેનામાં પ્રવેશતું ન હોય. આમ સુદર્શન ચક્રથી દોરાતો તે રથ અંધકારની અંતિમ સીમાએ જઈ પહોંચ્યો. આ અંધકારની પાર પરમ જ્યોતિ ઝગમગી રહી હતી. તે જોઈને અર્જુનની આંખો અંજાઈ ગઈ, અને તરત જ તેણે આંખો મીંચી દીધી. પછી ભગવાનનો રથ પાણીમાં પ્રવેશ્યો, ત્યાં જોરજોરથી આંધી ફુંકાતી હતી એટલે પાણીમાં ઊંચાં ઊંચાં મોજાં ઊછળતાં હતાં. ત્યાં એક સુંદર મહેલ હતો, ત્યાં મણિઓથી મઢેલા હજારો થાંભલા ચમકતા હતા. તેની આસપાસ ઉજ્જ્વલ જ્યોતિ પથરાઈ હતી. ત્યાં ભગવાન શેષ હતા. તેમનું શરીર અદ્ભુત અને ભયાનક હતું, તેમનાં હજાર મસ્તક હતાં, પ્રત્યેક ફેણ પર સુંદર મણિ ચમકતા હતા. દરેક મસ્તકમાં બબ્બે ભયાનક નેત્ર હતાં. અને તે તેમનું આખું શરીર કૈલાસ જેવું શ્વેત હતું, ગળું અને જીભ ભૂરા હતાં. અર્જુને જોયું કે શેષ ભગવાનની સુખદ શય્યા પર પ્રભાવશાળી પુરુષોત્તમ સૂતા હતા. તેમના શરીરની કાન્તાિ વર્ષા ઋતુના મેઘ જેવી હતી. પીતાંબરધારી હતા. મોં પર પ્રસન્નતા હતી, નેત્ર સુંદર હતાં. લાંબા આઠ હાથ હતા. ગળામાં કૌસ્તુભ મણિ હતો, વક્ષ:સ્થળ પર શ્રીવત્સ ચિહ્ન હતું. વનમાળા પહેરી હતી. નંદસુનંદ જેવા પાર્ષદ, ચક્ર વગેરે તથા પુષ્ટિ, શ્રી, કીર્તિ, અજા જેવી શક્તિઓ તથા બીજા ભગવાનની સેવા કરતા હતા. શ્રીકૃષ્ણે અનન્ત ભગવાનને વંદન કર્યા. પછી ભગવાને ગંભીર સ્વરે કહ્યું, ‘શ્રીકૃષ્ણ અને અર્જુન, તમને મળવા માટે જ બ્રાહ્મણ બાળકોને મેં બોલાવી લીધાં હતાં. તમે ધર્મરક્ષા માટે પૃથ્વી પર અવતાર લીધો છે. પૃથ્વીના ભાર રૂપ રાક્ષસોનો નાશ કરીને ફરી તમે પાછા આવજો. તમે નર નારાયણ છો. તમે પૂર્ણકામ અને સર્વશ્રેષ્ઠ છો છતાં જગતની રક્ષા માટે, લોકસંગ્રહ માટે ધર્મ પાળો.’

ભગવાનના આદેશનો સ્વીકાર કરીને શ્રીકૃષ્ણ અને અર્જુન તેમને વંદન કરીને શ્રીકૃષ્ણ બાળકોને લઈને જે રસ્તે આવ્યા હતા તે જ રસ્તે દ્વારકામાં પધાર્યા. બ્રાહ્મણનાં બાળકો પોતાના આયુષ્ય પ્રમાણે મોટા થઈ ગયાં હતાં. પણ તેમનાં રૂપ આદિ જન્મ વખતે જેવાં હતાં તેવાં જ રહ્યાં. બાળકો બ્રાહ્મણને સોંપી દીધાં. વિષ્ણુનું પરમ ધામ જોઈને અર્જુન બહુ આશ્ચર્ય પામ્યો. જીવમાત્રમાં રહેલું પૌરુષ શ્રીકૃષ્ણની કૃપાનું જ ફળ છે એવું તેને લાગ્યું……

થોડા સમય પછી શ્રીકૃષ્ણે જોયું કે આકાશ, પૃથ્વી અને અન્તરીક્ષમાં ઉત્પાત, અપશુકન થઈ રહ્યા છે ત્યારે તેમણે યાદવોને કહ્યું, ‘જુઓ, દ્વારકામાં ઘણા ઉત્પાત થઈ રહ્યા છે. યમરાજની ધજા જેવી ધજા મહા અનિષ્ટની આગાહી તે કરે છે. હવે અહીં જરાય રહેવું ન જોઈએ. સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધો અહીંથી શંખદ્વાર જતા રહે અને આપણે પ્રભાસ જઈએ. ત્યાં સરસ્વતી પશ્ચિમ દિશામાં સમુદ્રને મળે છે. ત્યાં સ્નાન કરીને પવિત્ર થઈશું. દેવતાઓની વિધિપૂર્વક પૂજા કરીશું. અને, પછી આપણે ગાય, જમીન, સોનું, વસ્ત્ર વગેરેથી બ્રાહ્મણોનો સત્કાર કરીશું. આ બધો વિધિ અમંગલનો નાશ કરી મંગળ કરશે. દેવતા, બ્રાહ્મણ અને ગાયની પૂજા પ્રાણીઓને મોટો લાભ કરાવે છે.’

બધાએ શ્રીકૃષ્ણની વાત માનીને નૌકાઓ વડે સમુદ્ર પાર કરી પ્રભાસની યાત્રા કરી, ત્યાં બધા મંગલકૃત્યો કર્યા, પણ દૈવે તેમની બુદ્ધિનો નાશ કર્યો હતો એટલે મદિરાપાન કરવા બેઠા. પીતી વખતે તે બહુ મધુર લાગે પણ પછી સર્વનાશ નોતરે. એ મદિરાપાન કરીને બધા ઉન્મત્ત થઈ ગયા, અને એકબીજા સાથે લડવા લાગ્યા, બધાં શસ્ત્રો લઈને સમુદ્રકાંઠે એકબીજાને મારવા લાગ્યા. બધા નાનામોટા યાદવો મોહ પામીને એકબીજા સાથે યુદ્ધ કરવા લાગ્યા. જ્યારે તેમનાં શસ્ત્રો ખતમ થઈ ગયાં ત્યારે સમુદ્રકાંઠે ઊગેલી એરકા ઊખાડવા લાગ્યા. ઋષિમુનિઓએ આપેલા શાપને કારણે મુસળના ચૂર્ણથી આ એરકા ઊગી નીકળી હતી. યાદવોના હાથમાં તે વનસ્પતિ આવતાંની સાથે વજ્ર જેવી કઠોર બની ગઈ, હવે યાદવો આ એરકા વડે એકબીજાને મારવા લાગ્યા.

શ્રીકૃષ્ણે તેમને વાર્યા પણ તેમણે તો બલરામને અને શ્રીકૃષ્ણને પણ પોતાના શત્રુ માની લીધા. તે પાપીઓની બુદ્ધિ એટલી બધી વિકૃત થઈ ગઈ હતી કે તેઓ બંને ભાઈઓને મારવા પણ દોડ્યા. શ્રીકુષ્ણ અને બલરામ પણ ક્રોધે ભરાઈને આમતેમ ફરવા લાગ્યા અને એ ઘાસ ઉખાડીને તેમને મારવા લાગ્યા. જેવી રીતે વાંસ એકમેક સાથે ઘસાઈને દાવાનળ જન્માવે છે અને બધા વાંસને બાળી મૂકે છે તેવી રીતે બ્રાહ્મણોના શાપથી અને શ્રીકૃષ્ણની માયાથી મોહ પામીને યાદવોના ક્રોધે તેમનો વિધ્વંસ કરી દીધો. શ્રીકૃષ્ણે જ્યારે જોયું કે બધા યાદવોનો સર્વનાશ થઈ ગયો છે ત્યારે તેમણે સંતોષપૂર્વક શ્વાસ લીધો.

બલરામે સમુદ્રકાંઠે બેસીને એકચિત્તે પરમાત્માનું ધ્યાન ધરી માનવદેહ ત્યજી દીધો. આ જોઈને શ્રીકૃષ્ણ પીપળના એક ઝાડ નીચે ચુપચાપ બેસી ગયા. તે વખતે શ્રીકૃુષ્ણે પોતાની અંગકાંતિ વડે ચતુર્ભુજ રૂપ ધારણ કર્યું હતું અને ધુમાડા વિનાના અગ્નિની જેમ બધી દિશાઓને અંધકારહીન બનાવી રહ્યા હતા. વર્ષાઋતુના મેઘની જેમ શ્યામ શરીરમાંથી તપ્ત કાંચન વર્ણ જેવો જ્યોતિ પ્રગટી રહ્યો હતો. વક્ષ:સ્થળે શ્રીવત્સચિહ્ન હતું, પીતાંબર અને એવો જ ખેસ હતો. મુખકમળ પર સુંદર સ્મિત હતું, ગાલ પર અલકલટો હતી. કમળ જેવાં નેત્ર સુંદર હતાં. કાનમાં મકરાકાર કુંડળ હતા. કમરે કંદોરો હતો, ખભો જનોઇ હતી, માથે મુગટ હતો, કાંડે કંગન, હાથ પર બાજુબંધ, વક્ષ:સ્થળે હાર, પગે ઝાંઝર, આંગળીઓ પર વીંટી, ગળામાં કૌસ્તુભ મણિ, ઘુંટણ સુધી વનમાલા, શંખ, ચક્ર, ગદા આયુધ હતાં. શ્રીકૃુષ્ણ જમણા સાથળ પર ડાબો પગ રાખીને બેઠા હતા.

જરા નામનો એક પારધિ હતો. તેણે મુસલના વધેલા ટુકડા વડે બાણની ફણા તૈયાર કરી હતી. દૂરથી ભગવાનના પગનું લાલ તળિયું હરણ જેવું દેખાયું એટલે બાણથી તે વીંધી નાખ્કહ્યું. પછી પાસે આવીને જોયું તો ‘અરે, આ તો ચતુર્ભુજ છે.’ ત્યારે અપરાધ થવાથી તે ડરી ગયો અને શ્રીકૃષ્ણને પગે પડીને બોલ્યો, ‘હે મધુસૂદન, મેં અજાણતાં આ પાપ કર્યું છે. તમે તો મહાયશસ્વી છો, નિર્વિકાર છો, કૃપા કરી, મારો અપરાધ ક્ષમા કરો. મહાન માનવીઓ કહે છે કે તમારા સ્મરણમાત્રથી માનવોનું અજ્ઞાન દૂર થાય છે. મેં પોતે જ આ પાતક કર્યું. હું નિરપરાધી હરણોનો વધ કરનાર પાપી છું. તમે હમણાં ને હમણાં જ મને મારી નાખો, જેથી હું તમારા જેવા મહાન પુરુષોનો અપરાધ ન કરું.’

શ્રીકૃષ્ણે આ સાંભળીને કહ્યું, ‘અરે જરા, તું બીશ નહીં; ઊભો થા, તેં તો મારી ઇચ્છા પાર પાડી છે. મોટા મોટા પુણ્યશાળીઓને જે સ્વર્ગ મળે છે તે તને મળે.’

ભગવાન તો પોતાની ઇચ્છાથી જ શરીર ધારણ કરે છે, તેમની આજ્ઞા થઈ એટલે જરાએ ત્રણ વખત ભગવાનની પ્રદક્ષિણા કરી, વંદન કરી વિમાનમાં બેસીને સ્વર્ગે ગયો.

શ્રીકૃષ્ણનો સારથિ દારુક તેમને શોધતો શોધતો તુલસીની ગંધને અનુસરતો ભગવાનની સામે આવી ગયો. દારુકે જોયું કે શ્રીકૃષ્ણ પીપળાના ઝાડ નીચે આસન લગાવીને બેઠા છે. પુષ્કળ તેજવાળાં શસ્ત્ર તેમની સેવા કરી રહ્યાં છે. તેમને જોઈને દારુકના હૈયામાં પ્રેમ ઊભરાઈ ગયો. આંખોમાંથી આંસુ વહ્યાં. રથમાંથી કૂદીને તે ભગવાનને પગે પડ્યો. તેણે પ્રાર્થના કરી. ‘ચંદ્ર આથમી જાય ત્યારે વટેમાર્ગુની જે હાલત થાય તેવી મારી હાલત થઈ છે. મારી દૃષ્ટિ નાશ પામી છે, ચારે બાજુ અંધકાર છવાઈ ગયો છે. મને દિશાઓનું કોઈ જ્ઞાન નથી, હૃદય અશાંત છે.’ દારુક આમ બોલતો જ રહ્યો અને ભગવાનનો રથ ધ્વજપતાકા, ઘોડા સાથે આકાશમાં ઊડી ગયો, તેની પાછળ દિવ્ય શસ્ત્રો પણ જતાં રહ્યાં. આ જોઈને દારુકના આશ્ચર્યનો પાર ન રહ્યો, ભગવાને કહ્યું,

‘દારુક, હવે તું દ્વારકા જતો રહે. ત્યાં બધાને યાદવોના સર્વનાશની, બલરામની પરમગતિની અને મારા સ્વધામ જવાની વાત કરજે. તેમને કહેજે હવે તમારે પરિવારને લઈને દ્વારકામાં રહેવું નહીં જોઈએ. હું નહીં હોઉં એટલે આ સમુદ્ર નગરીને ડૂબાડી દેશે. બધા ધનસંપત્તિ, કુટુંબીજનો અને મારા માતાપિતાને લઈને અર્જુનના ચોકીપહેરા હેઠળ ઇન્દ્રપ્રસ્થ જતા રહો. તું મેં ઉપદેશેલો ભાગવત ધર્મ પાળ અને બધાની ઉપેક્ષા કર. આ બધાને મારી માયા સમજીને શાંત થઈ જા.’

ભગવાનની આવી આજ્ઞા સાંભળીને દારુકે તેમની પ્રદક્ષિણા કરી અને તેમના ચરણોમાં માથું મૂકીને વારેવારે પ્રણામ કર્યાં. પછી ઉદાસ થઈને દ્વારકા જવા નીકળ્યો.

દારુકની વિદાય પછી બ્રહ્મા, શંકરપાર્વતી, ઇન્દ્ર વગેરે લોકપાલ, મરીચિ વગેરે લોકપાલ, મોટા મોટા ઋષિઓ, પિતૃઓ, ગંધર્વ-વિદ્યાધર, નાગ-ચારણ, યક્ષ-રાક્ષસો, કિન્નર — અપ્સરાઓ, ગરુડલોકનાં વિવિધ પક્ષીઓ, મૈત્રેય વગેરે બ્રાહ્મણો શ્રીકૃષ્ણના મહાપ્રસ્થાન વખતે આવી ચઢ્યા. તેઓ શ્રીકૃષ્ણના જન્મની, વિવિધ લીલાઓ ગાઈ રહ્યા હતા. તેમનાં વિમાનોથી આખું આકાશ છવાઈ ગયું હતું. ભગવાન પર તેઓ ભક્તિભાવથી પુષ્પવર્ષા કરી રહ્યા હતા. ભગવાન શ્રીકૃષ્ણે આ બધાને જોઈને પોતાના આત્માને સ્થિર કર્યો, આંખો મીંચી દીધી. તેમણે ભગવાનનો અગ્નિસંસ્કાર ન કર્યો. તેઓ સદેહે સ્વર્ગમાં ગયા. સ્વર્ગમાં ઢોલત્રાંસા બજ્યા, પુષ્પવર્ષા થઈ. ભગવાન ગયા એટલે આ લોકમાંથી સત્ય, ધર્મ, કીર્તિ, શ્રીદેવી પણ ચાલ્યાં ગયાં. શ્રીકૃષ્ણની ગતિ મન અને વાણીથી પર હતી. એટલે તેઓ જ્યારે સ્વધામમાં જઈ રહ્યા હતા ત્યારે બ્રહ્મા વગેરે તેમને જોઈ જ ન શક્યા. જેવી રીતે વાદળોમાં ચમકતી વીજળી જ્યારે આકાશમાં જતી રહે છે ત્યારે માનવી તેને જોઈ શકતો નથી. તેવી રીતે શ્રીકૃષ્ણની ગતિને મોટા મોટા દેવ પણ જોઈ ન શક્યા. બ્રહ્મા અને શંકર તથા બીજા દેવતા ભગવાનની આ પરમ યોગમયી ગતિ જોઈને આશ્ચર્ય પામ્યા. અને તેમની પ્રશંસા કરતા કરતા પોતાના લોકમાં ચાલ્યા ગયા.

………

દારુક શ્રીકૃષ્ણના વિરહમાં વ્યાકુળ બનીને દ્વારકા આવ્યો અને વસુદેવ તથા ઉગ્રસેનના પગે પડીને ચોધાર આંસુએ રડી પડ્યો. પછી સ્વસ્થ થઈને યાદવોના વિનાશની બધી વારતા કહી સંભળાવી. એ સાંભળીને બધા દુઃખી થયા અને શોકથી મૂર્છા પામ્યા. શ્રીકૃષ્ણના વિયોગથી દુઃખી થઈને તેઓ પોતાના મૃતસ્વજનો પાસે આવ્યા. દેવકી, રોહિણી, વસુદેવ પોતાના પુત્રો શ્રીકૃષ્ણ અને બલરામને ન જોઈને બેસુધ થઈ ગયા. તેમણે પોતાના પ્રાણ ત્યજી દીધા. સ્ત્રીઓ પોતાના પતિઓનાં શબ ઓળખીને તેમની સાથે ચિતામાં બળીને ભસ્મ થઈ ગઈ. બલરામની પત્નીઓ, વસુદેવની પત્નીઓ, ભગવાનની પુત્રવધૂઓ પોતપોતાના પતિના શબ સાથે અગ્નિપ્રવેશ કરી બેઠી. રુક્મિણીએ અને બીજી પટરાણીઓએ શ્રીકૃષ્ણના ધ્યાનમાં મગ્ન થઈ અગ્નિપ્રવેશ કર્યો.

અર્જુન તો પહેલેથી પોતાના મિત્ર અને ભગવાન શ્રીકૃષ્ણના વિરહમાં વ્યાકુળ હતો જ, પછી ગીતાનો ઉપદેશ યાદ કરીને સ્વસ્થ થયો. યદુવંશમાં જેમને કોઈ પિંડ આપનાર ન હતું તેમનું શ્રાદ્ધ અર્જુને વિધિપૂર્વક કર્યું, શ્રીકૃષ્ણ ન રહ્યા એટલે તેમનું નિવાસસ્થાનને એવું જ અક્ષત રાખી સમુદ્રે આખી દ્વારકા ક્ષણવારમાં ડુબાડી દીધી. પછી જે સ્વજનો,સ્ત્રીઓ અને વૃદ્ધો — બાળકો હતાં તેમને લઈને અર્જુન ઇન્દ્રપ્રસ્થ આવ્યા. ત્યાં બધાને વ્યવસ્થિત રીતે વસાવી અનિરુદ્ધના પુત્ર વ્રજનો રાજ્યાભિષેક કર્યો.