ભારતીયકથાવિશ્વ−૪/વિષ્ણુપુરાણ/ઇન્દ્રને દુર્વાસા મુનિનો શાપ

Revision as of 06:05, 21 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ઇન્દ્રને દુર્વાસા મુનિનો શાપ


એક વાર શંકર ભગવાનના અંશાવતાર દુર્વાસા પૃથ્વી પર ઘૂમી રહ્યા હતા. એમ કરતાં તેમણે વિદ્યાધરીના હાથમાં દિવ્ય પુષ્પોની સુવાસિત માળા જોઈ. તેની સુવાસથી આખું વન સુવાસિત થઈ ગયું હતું. તે ઉન્મત્ત વિપ્રવરે આવી સુંદર માળા વિદ્યાધરી પાસે માગી. એટલે વિશાળ નેત્રોવાળી અને કૃશાંગી વિદ્યાધરીએ સાદર પ્રણામ કરીને મુનિને એ માળા આપી દીધી.

ઋષિ તે માળા મસ્તક પર મૂકીને ભમવા લાગ્યા. તે વખતે તેમણે જોયું કે ઉન્મત્ત ઐરાવત પર બેસીને દેવતાઓની સાથે ત્રિલોકનો અધિપતિ અને શચીનો પતિ ઇન્દ્ર આવતો હતો. તેમને જોઈને મદોન્મત્ત ભમરાઓના ગુંજનવાળી માળા ઋષિએ દેવરાજ ઇન્દ્ર પર ફેંકી. ઇન્દ્રે તે લઈને ઐરાવતના મસ્તક પર મૂકી. કૈલાસ પર્વત પર ગંગા શોભે તેવી રીતે તે માળા શોભવા લાગી. તે ઉન્મત્ત હાથીએ તેની સુવાસથી આકર્ષાઈ સૂંઢ વડે સૂંઘી ધરતી પર ફેંકી દીધી. આ જોઈને મુનિ દુર્વાસા ક્રોધે ભરાઈ ઇન્દ્રને કહેવા લાગ્યા, ‘અરે ઐશ્વર્યના મદથી તું છકી ગયો છે. તું બહુ અભિમાની બની ગયો છે. મેં આપેલી સુશોભિત માળાનો તું આદર કરી ન શક્યો. તેં ન પ્રણામ કર્યાં, ન આભાર માન્યો, ન એને મસ્તકે મૂકી. તેં એ માળાનું કશું ગૌરવ ન કર્યું. એટલે હવે તારો ત્રિલોકી વૈભવ નષ્ટ થશે. તું મને બીજા બ્રાહ્મણો જેવો જ માને છે. એટલે જ તેં મારું અપમાન કર્યું છે. તેં મેં આપેલી માળા પૃથ્વી પર ફેંકી દીધી એટલે હવે તારું આ ત્રિભુવન શ્રીહીન થઈ જશે. હું ક્રોધે ભરાઉં તો ચરાચર જગત ભયભીત થઈ જતું હતું, અને તેં મને જ અપમાનિત કર્યો.’ પછી તો ઇન્દ્ર ઐરાવત પરથી ઊતરીને મુનિને પ્રસન્ન કરવા લાગ્યો. એટલે દુર્વાસા મુનિ બોલ્યા, ‘હું આશુતોષ નથી. મારા અંત:કરણમાં ક્ષમા નથી. તે મુનિઓ બીજા, હું છું દુર્વાસા, ગૌતમ જેવાએ તને ચઢાવી માર્યો છે. પણ યાદ રાખ કે મારા કણેકણમાં ક્ષમા નામનું કશું છે જ નહીં. દયાનિધાન વસિષ્ઠ જેવા તારી સ્તુતિ કર્યા કરે છે એટલે જ તું અભિમાની થઈ ગયો છે. આજે મારા પ્રજ્વલિત જટાકલાપ અને વાંકી ભ્રૂકુટિ જોઈને ન ડરે એવો ત્રિલોકમાં કોણ છે? અરે શતક્રતુ, વારે વારે અનુનય કરવાનો દંભ શા માટે કરે છે? તું આમ બોલીશ તેનો અર્થ કયો? હું ક્ષમા નથી કરતો.’

આમ કહીને મુનિવર તો ચાલ્યા ગયા. ઇન્દ્ર પણ ઐરાવત પર બેસીને અમરાવતી જતા રહ્યા. ત્યારથી ઇન્દ્ર સમેત ત્રણે લોક વૃક્ષલતા ક્ષીણ થવાને કારણે લક્ષ્મીહીન બની ગયા. યજ્ઞયાગાદિ બંધ થઈ ગયા. તપસ્વીઓએ તપ કરવાનું છોડી દીધું, લોકો દાન વગેરે કરતા બંધ થયા. બધા લોકો લોભી બની ગયા, અને એને કારણે પાંગળા બની ગયા. તુચ્છ વસ્તુઓ માટે લાલચી બની ગયા. જ્યાં સત્ત્વ હોય ત્યાં લક્ષ્મી, સત્ત્વ પણ લક્ષ્મીનો જ સાથી. લક્ષ્મીહીનોમાં વળી સત્ત્વ ક્યાંથી? અને સત્ત્વ ન હોય તો ગુણ ક્યાંથી? ગુણહીન પુરુષમાં બળ, શૌર્ય ન મળે, નિર્બળ અને અશક્ત પુરુષ બધેથી અપમાનિત થાય છે. અપમાનિત થવાને કારણે પ્રતિષ્ઠિત પુરુષની બુદ્ધિ પણ ભ્રષ્ટ થઈ જાય છે.

અને પછી તો દાનવોએ દેવો પર ચઢાઈ કરી અને દાનવોએ દેવોને જીતી લીધા. એટલે પછી દેવો બ્રહ્મા પાસે ગયા અને પ્રજાપતિએ તેમને વિષ્ણુ ભગવાન પાસે જવા કહ્યું, એટલે દેવો બ્રહ્માને લઈને ક્ષીરસાગરના ઉત્તર કિનારે ગયા અને ત્યાં તેમણે વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરી. પછી ભગવાને કહ્યું, ‘હું તમારું તેજ વધારીશ. અત્યારે તમે દૈત્યો સાથે મળીને બધી ઔષધિઓ ક્ષીરસાગરમાં નાખો, મંદરાચલનો રવૈયો, વાસુકિ નાગનું નેતરું બનાવી તમે બંને મળીને અમૃત કાઢો. તેનું પાન કરીને તમે બળવાન અને અમર થઈ જશો, તમારે માટે હું એવી યુક્તિ કરીશ જેથી દાનવોને અમૃત ન મળે. તેમને માત્ર સમુદ્રમંથન કરવાનો ક્લેશ જ આવશે.

પછી ભગવાનની વાત માનીને તેમણે વિવિધ ઔષધિઓ લાવીને સમુદ્રમાં નાખી, વાસુકિને નેતરું બનાવ્યો. વાસુકિનું પૂંછડું જ્યાં હતું ત્યાં દેવો અને તેમના મુખ આગળ દાનવો ગોઠવાયા. ભગવાન પોતે કાચબો બનીને મંદરાચલ માટે આધાર બન્યા. ભગવાન એક રૂપે દેવો સાથે હતા અને બીજા રૂપે દાનવો સાથે હતા. વળી કોઈ જોઈ ન શકે એવી રીતે ભગવાને પર્વતને ઉપરથી દબાવી રાખ્યો હતો. આમ કામધેનુ, વારુણીદેવી, કલ્પવૃક્ષ, અપ્સરાઓ, ચન્દ્રમા, ધન્વંતરિ, કમલ પર બેઠેલાં લક્ષ્મીદેવી પ્રગટ્યાં અને વિષ્ણુ ભગવાને મોહિની રૂપ ધરીને દેવોને અમૃત પીવડાવ્યું અને તેમને અમર કરી દીધા. ઇન્દ્રે લક્ષ્મીદેવીની સ્તુતિ કરી ત્રિલોકમાં કાયમી વસવાટ કરવા કહ્યું.

(૧, ૯)