ભારતીયકથાવિશ્વ−૪/બ્રહ્મવૈવર્તપુરાણ/સૂર્ય — અગ્નિના દર્પભંગની કથા

Revision as of 07:56, 21 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સૂર્ય — અગ્નિના દર્પભંગની કથા

સૂર્ય તો એક વાર ઉદય પામીને અસ્ત થઈ જતા હતા. પરંતુ માલી અને સુમાલી નામના બે રાક્ષસોએ સૂર્યાસ્ત પછી પણ પૃથ્વીને એવી જ પ્રકાશિત રાખવાનો સંકલ્પ કર્યો. ભગવાન શંકરના વરદાનથી આ બંને દૈત્ય મદોન્મત્ત થઈ ગયા હતા. તેમના તેજથી રાત્રિ થતી ન હતી. આ જોઈ સૂર્ય ક્રોધે ભરાયા અને તેમણે પોતાના શૂળ વડે આ બંને દૈત્ય ઉપર પ્રહાર કર્યો, અને એને પરિણામે બંને રાક્ષસ મૂર્ચ્છા પામીને ધરતી પર ઢળી પડ્યા. ભક્તોનો વિનાશ જોઈને શંકર ત્યાં આવ્યા અને પોતાની કૃપા વડે બંનેને જીવનદાન આપ્યું. પછી બંને ભગવાનને વંદન કરીને પોતાના નિવાસે જતા રહ્યા, પણ શંકર ભગવાન ક્રોધે ભરાયા અને સૂર્યને મારવા દોડ્યા. સંહારક દેવ મારો વિનાશ કરવા આવે છે તે જોઈને સૂર્યદેવ દોડીને બ્રહ્મા પાસે પહોંચ્યા. રોષે ભરાયેલા શંકરે શૂળ ઉઠાવીને બ્રહ્મલોક ઉપર આક્રમણ કર્યું. એટલે બ્રહ્મા તેમની સ્તુતિ કરવા લાગ્યા. બ્રહ્માએ સૂર્યની સોંપણી શંકરને કરી, શંકરે સૂર્યને આશીર્વાદ આપ્યા.

એક વેળા અગ્નિદેવ સો તાડ જેટલી ઊંચી જ્વાળાઓ વડે ત્રણે લોકને ભસ્મ કરવા તૈયાર થયા. મહર્ષિ ભૃગુએ તેમને શાપ આપ્યો હતો એટલે તે ભોંઠપ અને ક્રોધ અનુભવતા હતા. પોતાને તેજસ્વી અને બીજાઓને તુચ્છ માનીને ત્રણે લોકને ભસ્મ કરવા તૈયાર થયા. એટલામાં વિષ્ણુ ભગવાન બાળક બનીને તેમની પાસે આવ્યા, સામે ઊભા રહીને અગ્નિની દાહક શક્તિ હરી લીધી.

બાળકે કહ્યું, ‘ભગવન્, તમે કેમ ક્રોધે ભરાયા છો? શા માટે ત્રણે લોકને ભસ્મ કરવા તૈયાર થયા છો? ભૃગુ ઋષિએ તમને આપેલા શાપનું દમન કરો. એક વ્યક્તિના અપરાધને કારણે ત્રણે લોકને ભસ્મ કરવાનું અનુચિત ગણાય. બ્રહ્માએ આ વિશ્વનું સર્જન કર્યું, શ્રીહરિ તેનું પાલન કરે છે, શંકર તેના સંહારક છે. શંકર ભગવાન છે છતાં તમે જગતને ભસ્મ કરવા કેમ તત્પર છો? પહેલાં જગતનું પાલન કરનાર વિષ્ણુને જીતો, પછી આનો સંહાર કરો.’

આમ કહી બાળકે એક સુકાઈ ગયેલા ઠૂંઠાને હાથમાં લીધું અને તેને ભસ્મ કરવા અગ્નિને આપ્યું સુકાયેલું લાકડું જોઈ અગ્નિએ જીભ પ્રસારી. પોતાની જ્વાળાઓમાં બાળકને પણ લઈ લીધો, જાણે મેઘ ઘટાઓમાં ચન્દ્ર ઢંકાઈ ગયો. પણ તે વખતે ન સૂકું લાકડું સળગી શક્યું કે ન બાળકને જરાય ઇજા થઈ. આ જોઈ અગ્નિદેવ ભોંઠા પડી ગયા. અગ્નિનું અભિમાન ચૂર કરીને બાળક અંતર્ધાન થઈ ગયું, અગ્નિ પણ ભય પામીને પોતાના નિવાસે જતા રહ્યા.

(શ્રીકૃષ્ણખંડ અધ્યાય ૪૮)

ધન્વંતરીનો દર્પભંગ

એક વેળા સમુદ્રમંથન વેળા પ્રગટેલા ધન્વંતરી પોતાના શિષ્યો સાથે કૈલાસ પર્વત તરફ જવા નીકળ્યા. રસ્તામાં જીભ લપલપાવતો તક્ષક ત્યાં હતો. ભયંકર વિષધારી સાપ અનેક નાગોથી ઘેરાયેલો હતો. તે ધન્વંતરીને ડસવા આગળ આવી રહ્યો હતો. આ જોઈ ધન્વંતરીનો શિષ્ય દંભી હસવા લાગ્યો. તેણે મંત્ર વડે તક્ષકને જડ બનાવી દીધો અને તેના માથા પરથી કિંમતી મણિ લઈ લીધો. એટલું જ નહીં, તક્ષકને હાથ વડે ભમાવીને દૂર ફેંકી દીધો. તક્ષક શબવત્ ત્યાં પડી રહ્યો. આ જોઈ સેવકોએ બધા સમાચાર વાસુકિને આપ્યા. આ સાંભળી વાસુકિ રાતાપીળા થઈ ગયા. તેમણે ભયંકર ઝેરીલા નાગ ત્યાં મોકલ્યા — દ્રોણ, કાલિય, કકોર્ટક, પુંડરીક અને ધનંજય. ધન્વંતરી જ્યાં બેઠા હતા ત્યાં બધા નાગ આવ્યા. આટલા બધા નાગને જોઈ ધન્વંતરીના શિષ્યો ડરી ગયા. બધા નાગોના ઉચ્છ્વાસથી મૃત:પ્રાય થઈને પૃથ્વી પર ઢળી પડ્યા. ધન્વંતરીએ ગુરુનું સ્મરણ કરીને મંત્રોચ્ચાર કર્યો અને અમૃતવર્ષા કરીને બધા શિષ્યોને જીવતા કર્યા. પછી તેમણે મંત્રો વડે ભયંકર ઝેરીલા સાપસમૂહને જડવત્ બનાવી દીધો. — જાણે તેઓ મૃત્યુ પામ્યા ન હોય. નાગરાજને સમાચાર પહોંચાડવા પણ કોઈ રહ્યું નહીં. પણ નાગરાજ વાસુકિ તો સર્વજ્ઞ. તેમણે બધા નાગલોકોનું સંકટ જાણી લીધું. પછી પોતાની બહેન (મનસા) જરત્કારુને બોલાવી. ‘મનસા, તું જા અને નાગલોકોની રક્ષા કર. આમ કરવાથી ત્રણે લોકમાં તારી પૂજા થશે.’

વાસુકિની વાત સાંભળી મનસા હસી પડી અને બોલી, ‘નાગરાજ, મારી વાત સાંભળો. શુભ — અશુભ — જય — પરાજય તો નિયતિના હાથમાં છે પણ હું યોગ્ય કર્તવ્યનું પાલન કરીશ. સમરાંગણમાં રમતાં રમતાં શત્રુનો સંહાર કરીશ. જેને હું મારું તેની રક્ષા કોણ કરી શકે? મારા મોટા ભાઈ શેષે — ગુરુ ભગવાને મને જગદીશ્વર નારાયણનો અદ્ભુત મંત્ર આપ્યો છે. હું મારા ગળામાં ત્રૈલોક્ય મંગલ નામનું કવચ પહેરું છું, સંસારને ભસ્મ કરી ફરી તેનું સર્જન કરી શકું. મંત્રવિદ્યામાં હું ભગવાન શંકરની શિષ્યા છું. ભૂતકાળમાં ભગવાન શંકરે જ કૃપા કરીને મહાન જ્ઞાન આપ્યું હતું.’

આમ કહી મનસા શ્રીહરિ, શિવ અને શેષનાગને પ્રણામ કરી મનમાં હર્ષ અને ઉત્સાહ સાથે બીજા નાગોને ત્યાં જ મૂકીને નીકળી પડી. તે સમયે મનસા દેવીની આંખો રોષથી રાતીચોળ હતી. પ્રસન્નવદન ધન્વંતરી જ્યાં બેઠા હતા ત્યાં તે દેવી આવી ચઢી. તેમણે દૃષ્ટિમાત્રથી બધા સાપને જીવતા કરી દીધા અને પોતાની ઝેરીલી દૃૃષ્ટિથી શત્રુના શિષ્યોને નિશ્ચેષ્ટ બનાવી દીધા. ભગવાન ધન્વંતરી મંત્રવિદ્યામાં કુશળ હતા, તેમણે મંત્રો વડે શિષ્યોને જીવનદાન આપવાનો પ્રયત્ન કર્યો પણ તેઓ સફળ ન થયા, ત્યારે મનસાદેવીએ ધન્વંતરી સામે જોઈને હસીને અહંકારયુક્ત વાણી કહી,

‘સિદ્ધ પુરુષ, કહો જોઈએ — તમે મન્ત્રનો અર્થ, મંત્રભેદ, મહાન ઔષધનું જ્ઞાન ધરાવો છો ને? ગરુડના શિષ્ય છો ને? હું અને ગરુડ બંને ભગવાન શંકરના શિષ્ય છીએ અને લાંબા સમય સુધી ગુરુ પાસેથી વિદ્યા મેળવી છે.’

આમ કહી મનસા સરોવરમાંથી એક કમળ લઈ આવી, તેને મંત્રીને ક્રોધપૂર્વક ધન્વંતરી ઉપર ફેંક્યું. પ્રજ્વલિત અગ્નિશિખા જેવા કમળને પોતાની પાસે આવતું જોઈને ધન્વંતરીએ નિ:શ્વાસ નાખીને તેને ભસ્મ કરી દીધું. એટલે મૂઠી ધૂળ મંત્રીને ફેંકી તો તેને પણ ભસ્મ કરી દીધી. પછી ગ્રીષ્મકાળના સૂર્ય જેવી પ્રકાશિત શક્તિ મંત્રીને ધન્વંતરી ઉપર ફેંકી, એ ભયાનક શક્તિને આવતાં જોઈ ધન્વંતરીએ ભગવાન વિષ્ણુએ આપેલા શૂલ વડે તેના ટુકડેટુકડા કરી નાખ્યા. આ જોઈને મનસા દેવી રાતીપીળી થઈ ગઈ. હવે તેણે કદી નિષ્ફળ ન જનાર ભયંકર નાગપાશ હાથમાં લીધો, તેમાં એક લાખ નાગ હતા, ભયાનક પાશ તેજસ્વી હતો. તે પાશ ધન્વંતરી ઉપર ફેંક્યો. નાગપાશ જોઈને ધન્વંતરી પ્રસન્ન થઈ ગયા. તરત જ ગરુડનું સ્મરણ કર્યું, એટલે પક્ષીરાજ ત્યાં આવી પહોંચ્યા, લાંબા સમયથી ભૂખ્યા ગરુડે બધા નાગલોકોને પોતાનું ભોજન બનાવી દીધા. આ નાગપાશને નિષ્ફળ જોઈ મનસાની આંખો રાતીચોળ થઈ ગઈ. ભૂતકાળમાં શંકર ભગવાને આપેલી ભસ્મ ફેંકી, પક્ષીરાજ ગરુડે ધન્વંતરીને પાછળ ધકેલીને પોતાની પાંખોના પવનથી એ ભસ્મને વિખેરી નાખી.

આ જોઈને મનસા દેવી વધુ ક્રોધે ભરાઈ. ધન્વંતરીનો વધ કરવા માટે અમોઘ શૂલ હાથમાં લીધું. આ શૂલ પણ શંકર ભગવાને આપ્યું હતું. તેનું તેજ સેંકડો સૂર્ય જેવું હતું. તે શૂલ ત્રણે લોકમાં પ્રલયાગ્નિ જેવું તેજસ્વી હતું. તે વેળા ધન્વંતરીની રક્ષા માટે અને ગરુડના સમ્માન માટે બ્રહ્મા અને શિવ ત્યાં આવ્યા. આ બંને દેવને જોઈ મનસાએ તેમને પ્રણામ કર્યાં. તે વેળા પણ તેના હાથમાં શૂલ તો હતું જ. ધન્વંતરીએ અને ગરુડે પણ દેવોને વંદન કર્યા. બંને દેવોએ આ બંનેને આશીર્વાદ આપ્યા. પછી લોકહિત માટે મનસા દેવીની પૂજાના પ્રચાર માટે બ્રહ્માએ ધન્વંતરીને મધુર વાણીમાં કહ્યું,

‘બધાં જ શાસ્ત્રોના વિદ્વાન એવા ધન્વંતરી, મનસા દેવી સાથે તમારું યુદ્ધ જરાય યોગ્ય નથી. તેની તુલનામાં તમારી પાસે ક્ષમતા ઓછી છે. શિવે આપેલા આ શૂલ વડે તે ત્રણે લોકને ભસ્મ કરી શકશે. તમે એની ષોડશોપચાર વડે સ્તુતિ કરો. આસ્તિક મુનિએ આપેલા સ્તોત્ર વડે તેની પૂજા કરો. એનાથી સંતુષ્ટ થઈ મનસા દેવી તમને વરદાન આપશે.’

બ્રહ્માની આ વાતને શંકર ભગવાને પણ ટેકો આપ્યો. પછી ગરુડે પ્રેમથી તેમને સમજાવ્યા. બધાની વાત સાંભળીને ધન્વંતરીએ સ્નાન કરી, સુંદર વસ્ત્રાભૂષણો પહેરી મનસા દેવીની વંદના કરી, દેવીએ પ્રસન્ન થઈને ધન્વંતરીને વરદાન આપ્યું.

(શ્રીકૃષ્ણજન્મખંડ અધ્યાય ૫૧)


(હરિવંશપર્વ ૨૮મો અધ્યાય)