ભારતીયકથાવિશ્વ−૪/શિવપુરાણ/દક્ષ યજ્ઞના વિધ્વંસની કથા

Revision as of 08:21, 21 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


દક્ષ યજ્ઞના વિધ્વંસની કથા


શંકર ભગવાનની આજ્ઞાથી વીરભદ્ર દક્ષયજ્ઞનો વિધ્વંસ કરવા ગયો. દક્ષે બધા દેવોને યજ્ઞની રક્ષા કરવા કહ્યું. વિષ્ણુ ભગવાને દક્ષને બહુ જ ઉપાલંભ આપ્યો. ઇન્દ્ર વીરભદ્ર સાથે યુદ્ધની ઇચ્છાથી આમતેમ ભમવા લાગ્યા. ઇન્દ્ર હાથી પર, અગ્નિ બકરા પર, યમ મહિષ પર, વરુણ મગર પર, પવન હરણ પર અને કુબેર પુષ્પક વિમાન પર બેસીને યુદ્ધ કરવા તત્પર થયા. અને આરંભે તો દેવતાઓએ શંકરના બધા ગણોને નસાડી મૂક્યા. એટલે વીરભદ્ર ક્રોધે ભરાયા અને ત્રિશૂળ લઈને દેવતાઓને હંફાવવા લાગ્યા, દેવો પરાજય પામીને સ્વર્ગમાં જતા રહ્યા. આખરે ઇન્દ્ર વગેરે દેવો પણ પરાજિત થયા, ત્યારે ઋષિઓએ વિષ્ણુ ભગવાનને વિનંતી કરી, એટલે વિષ્ણુ ચક્ર લઈને નીકળ્યા, સામે હાથમાં ત્રિશૂળ લઈને વીરભદ્ર ઊભા હતા. વીરભદ્રે વિષ્ણુને અપમાનજનક વાક્યો કહ્યાં અને બંને વચ્ચે ભયાનક યુદ્ધ શરૂ થયું. વિષ્ણુ ભગવાને પોતાના ભક્તોને આનંદિત કરવા પાંચજન્ય શંખ વગાડ્યો. જે દેવતાઓ નાસી ગયા હતા તે પાછા આવ્યા. વીરભદ્રના ગણો વિવિધ દેવો સામે લડવા લાગ્યા, વિષ્ણુ ભગવાને ફેંકેલું ચક્ર ક્ષેત્રપાલ ગળી ગયો, પણ વિષ્ણુએ એનું મોં દબાવી ચક્ર પાછું મેળવ્યું. વિષ્ણુ ભગવાનની માયાથી શરીરમાંથી એમના જેવા જ યોદ્ધાઓ પ્રગટ થયા પણ વીરભદ્રે તે બધાને મારી નાખ્યા. વીરભદ્રના ત્રિશૂળથી વિષ્ણુ ભગવાન સુધબુધ ગુમાવી બેઠા. પછી જ્યારે વીરભદ્ર પર સુદર્શન ચક્ર ફેંક્યું ત્યારે તે ગણે ચક્રને થંભાવી દીધું. વિષ્ણુએ શાર્ઙ્ગ ધનુષ ચઢાવ્યું પણ વીરભદ્રે એ ધનુષના ટુકડા કરી નાખ્યા. છેવટે આકાશવાણી સાંભળીને વિષ્ણુ પણ પોતાના લોકમાં ચાલ્યા ગયા. યજ્ઞ હરણનું રૂપ લઈ નાસવા ગયો પણ વીરભદ્રે તેનો પીછો કરીને તેનું મસ્તક છેદી નાખ્યું. ધર્મ, અંગિરા વગેરે ઋષિઓને પકડી પકડીને માર મારવા માંડ્યો. સરસ્વતીના નાકનું ટેરવું નખ વડે કાપી નાખ્યું. ઘણા બધા મુખ્ય દેવોનો વધ કર્યો. ભૃગુ ઋષિને ભૂમિ પર પછાડીને તેમના દાઢી મૂછ ઉખાડી નાખ્યા. ચંડે પૂષાના દાંત પાડી નાખ્યા. તે વીર ગણોએ યજ્ઞને અપવિત્ર કરી મૂક્યો. વેદિકામાં ભરાઈ ગયેલા દક્ષનું મસ્તક કાપવા ગયા પણ કપાયું નહીં એટલે માથાને હાથ વડે તોડીને અગ્નિકુંડમાં એ ફંગોળ્યું.

પોતાનું કામ સમાપ્ત કરીને વીરભદ્ર કૈલાસ પર જતા રહ્યા.

(૩૭)