ભારતીયકથાવિશ્વ-૫/ત્રિપુરાની પ્રદેશની લોકકથાઓ/સાત બળવાન પુત્રો

Revision as of 04:56, 22 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સાત બળવાન પુત્રો

બહુ પ્રાચીન કાળમાં એક ખૂબ જ બળવાન માણસ હતો. તેને સાત દીકરા. બધા જ દીકરા દેખાવે તેમના પિતા જેવા અને હતા પણ એવા જ જોરાવર. તે પ્રદેશના રાજા પાસે એક જાદુઈ ઝાડ હતું. તેણે ઢંઢેરો પીટાવ્યો હતો કે જે કોઈ એક જ ઝાટકે અને એક જ શ્વાસે આ ઝાડના બે કટકા કરી નાખશે તેને હું મારું અડધું રાજ આપીશ. તે માણસના કાને રાજાના આ પડકારની વાત આવી અને તેણે વિચાર્ગયું, હું જ્યારે જંગલમાં દૂર દૂર જાઉં છું ત્યારે મોટા મોટા ઝાડ એક જ ઝાટકે પાડી નાખું છું. આ રાજાનું ઝાડ કંઈ જંગલનાં ઝાડ કરતાં તો મોટું નહીં હોય. જો ભાગ્યની કૃપા હશે તો હું એ જાદુઈ ઝાડ એક ઝાટકે જમીનદોસ્ત કરી નાખીશ, અને અડધા રાજ્યનો માલિક બનીશ. જો હું રાજા ન બનું તો કંઈ નહીં, હું જમીનદારની જેમ લહેરથી તો રહીશ.

આમ વિચારીને તે રાજમહેલમાં ગયો અને તેણે જાદુઈ ઝાડ જોયું. તે કંઈ બહુ મોટું ન હતું, તે તો કોઈ ફૂલના છોડ જેટલું હતું અને માણસની ઊંચાઈ કરતાં વધારે ઊંચું પણ ન હતું, માત્ર થડ જ ઊભું દેખાતું હતું.

રાજાએ એ ઝાડને કાપવા માટે એક બીજી ખૂબ આકરી શરત મૂકી હતી. જો કોઈ એક ઝાટકે ઝાડ કાપી ન નાખે તો તેણે બાકીની આખી જિંદગી મહેલમાં દાસ બનીને વીતાવવી પડે. આ બધું સાંભળ્યા પછી પેલા માણસને થયું, મારામાં શારીરિક ક્ષમતાની તો કશી કમી નથી. વળી મારે તો સાત સાત બળવાન દીકરા છે. મારા આ સાહસમાં તેઓ મને મદદરૂપ ન થાય તો પણ મારી ગેરહાજરીમાં તેઓ તેમની માની દેખરેખ રાખશે. એટલે તેણે પોતાનું ભાગ્ય અજમાવવાનું નક્કી કર્યું. રાજા પાસે જઈને તેણે કહ્યું, ‘મહારાજ, મને તમારો પડકાર ઝીલી લેવા દો અને ઝાડને કાપવા દો.’

રાજાએ પૂછ્યું, ‘ઝાડ કાપવા સાથેની શરતો તમે જાણો છો?’

તેણે ઉત્તર આપ્યો, ‘મહારાજ, જો તમે મને વિગતવાર બધું કહેશો તો તમારો આભાર માનીશ.’

રાજાએ કહ્યું, ‘તમારે એક ઝાટકે એકી શ્વાસે આ ઝાડ કાપી નાખવાનું છે. જો તમે નિષ્ફળ જશો તો મારા મહેલમાં બાકીની જિંદગી દાસ બનીને ગુજારવી પડશે. જો તમારું કોઈ સંતાન આ ઝાડ કાપવામાં સફળ થશે તો તમને છોડી મૂકીશ.’

તેણે રાજાની વાત સાંભળી, મનમાં વિચાર્ગયું, જો કોઈક રીતે આ ઝાડ મારાથી નહીં કપાય તો મારા સાત પુત્રો એ કાપીને મને છોડાવશે. બહુ લાંબો સમય મારે દાસ બનીને રહેવું નહીં પડે. અને જો હું સફળ થઈશ તો અડધું રાજ્ય મેળવીને બાકીનું જીવન સુખેથી વીતાવીશ.

આમ વિચારીને તેણે રાજાને કહ્યું, ‘હું આ ઝાડ એકી શ્વાસે અને એક ઝાટકે કાપી શકીશ. જો હું નિષ્ફળ જઈશ તો બાકીની આખી જિંદગી મહેલમાં દાસ તરીકે ગાળીશ.’

રાજાએ પછી પોતાના બધા દરબારીઓને બોલાવ્યા અને તે માણસની દરખાસ્ત જણાવી. તેમણે પણ તે માણસને રાજાની શરત વિગતે જણાવી. તે માણસે ઝાડ કાપવાની મંજૂરી માગી, રાજાએ તે આપી.

તેણે નવાં કપડાં પહેર્યાં, કુહાડીની ધાર કાઢી અને અવારનવાર તેની તીક્ષ્ણતાની ખાતરી કરી. પછી એકી શ્વાસે જાદુઈ ઝાડ પર કુહાડી ઝીંકી પણ નવાઈની વાત, તે ઝાડ પર એકે ઉઝરડોય પાડી ન શક્યો. માત્ર કુહાડીની સાવ આછી છાપ જોઈ શકાતી હતી. પછી તેણે રાજાને કહ્યું, ‘મહારાજ, મારામાં જેટલી શક્તિ હતી તે વડે મેં પ્રયત્ન કર્યો પણ દેવતાઓ મને છેતરી ગયા, હું નિષ્ફ્ળ નીવડ્યો. આ દિવ્ય છેતરપિંડીમાંથી જ્યાં સુધી હું બહાર ન આવું ત્યાં સુધી હું તમારો દાસ રહીશ. આજ્ઞા કરો.’

આ સાંભળીને રાજા પ્રસન્ન થયો. તેને દાસ બનાવવાને બદલે રાજદરબારનો સભ્ય બનાવી દીધો. પણ એક ચોખવટ કરી, આ બદલ તમને કોઈ વર્ષાસન નહીં મળે. આમ તે માણસ રાજદરબારમાં રહેતો થયો અને જ્યાં સુધી તેને કોઈ છોડાવે નહીં ત્યાં સુધી એ જ હાલતમાં રહેવાનું. તેને કોઈ મહેનતમજૂરીનું કામ સોંપવામાં આવ્યું ન હતું. તેના સાત દીકરાઓને તેમના પિતાની એવી કોઈ ચિંતા ન હતી, તેમણે માની લીધું કે આપણા પિતા મહેલમાં મોજમજા કરે છે. તેમના ગામમાં રહેતા એક વૃદ્ધ પાસેથી તેમને જાણવા મળ્યું કે કોઈ નાગરાજની પાસે એક કિંમતી રત્ન છે. રાક્ષસોના રાજ્યમાં એક પર્વતગુફામાં તે રાખવામાં આવ્યું છે અને એક ઝેરીલો સાપ તેની રક્ષા કરે છે. પેલા નાગને મારીને રત્ન મેળવવાનો વિચાર આ સાત ભાઈઓએ કર્યો. આ સાતે ભાઈઓ એવા જોરૂકા હતા કે દરેક પોતાના ખભે હાથી ઊંચકી શકે અને તે પણ સાવ સહેલાઈથી. વળી સાપ ગમે તેટલો ઝેરી હોય તો પણ તેમની શક્તિની તુલનામાં તો કશી વિસાતમાં નહીં. જો જરૂર પડે તો તેઓ પર્વતની ગુફાનો નાશ પણ કરી શકે. જો તેઓ નાગરાજનું રત્ન મેળવી લે તો તેઓ પૈસાદાર થઈ જાય અને પછી કાયમ માટે સુખચેનથી રહી શકે. તેમણે નાગને મારી નાખી રત્ન લઈ આવવાનું નક્કી કર્યું. તેમની ગેરહાજરીમાં માને કષ્ટ ન પડે એટલા માટે સાત દિવસ ચાલે એટલા ચોખા, અનાજ, શાક, પાણી, બળતણ ભેગાં કર્યાંર્ં, અને પછી નીકળી પડ્યા. રસ્તામાં તેમને કઠિયારાઓ મળ્યા. તેમણે કઠિયારાઓને માર્યા, તેમનાં લાકડાં વિખેરી દીધાં અને તેમને ભગાડી મૂક્યા. કઠિયારાઓ ચોધાર આંસુએ રડ્યા અને તેમણે સાત ભાઈઓને શાપ આપ્યો, ‘તમારું કાર્ય સિદ્ધ નહીં થાય.’ આગળ જતાં તેમને પાંદડાં વીણનારા મળ્યા. તેમણે વીણેલાં પાંદડાં ફંગોળી દીધાં અને તેમને માર્યા, દૂર ભગાડી મૂક્યા.

તેમણે પણ સાત ભાઈઓને શાપ્યા, ‘જાઓ તમારા સાહસમાં ફત્તેહ નહીં મળે.’

આમ આ સાતે ભાઈઓએ રસ્તામાં જે જે મળ્યા તેમનું નુકસાન કર્યું, તેમને માર માર્યો અને બદલામાં બધાએ તેમને શાપ આપ્યો. તેમના પ્રવાસ દરમિયાન ઘણા લોકોને દુ:ખી કર્યા, તેમને યાતના આપી અને એમ કરતાં કરતાં જ્યાં નાગરાજ રહેતા હતા તે ટેકરી પર જઈ પહોંચ્યા. નાગરાજની ગુફાના રસ્તે આવેલા એક મકાનમાં રાક્ષસ રહેતો હતો. તેઓ જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે રાત પડી ગઈ હતી. સૂતાં પહેલાં તેઓ ખાવાનું શોધવા માગતા હતા, એટલે આરામ કરવા એક નિર્જન મકાનમાં પ્રવેશ્યા, ત્યાં તેમણે રાંધવાની વ્યવસ્થા કરવા માંડી. ચૂલો સળગાવવાના સમયે તેમણે દૂર એક ઝૂંપડી જોઈ. તેમણે સૌથી નાના ભાઈને તે ઝૂંપડીમાંથી દેવતા લઈ આવવા કહ્યું.

તેના છાપરા પરથી ધુમાડો નીકળતો તેણે જોયો, એટલે ઝૂંપડીમાં દાખલ થયો ને તેણે ખૂબ જ ઘરડી સ્ત્રી જોઈ, એંસી-નેવું વરસની હશે, બાજુમાં નાનકડું માટીનું વાસણ હતું. થોડા સૂકા ભૂસા વચ્ચે દેવતા સળગતો રાખ્યો હતો, તેણે વૃદ્ધાને પૂછયું, ‘માજી, દેવતા છે? થોડો મને આપશો?‘

વૃદ્ધા ધૂ્રજતા સાદે બોલી, ‘હા, દેવતા છે પણ તારે ફૂંક મારવી પડશે, હું ઘરડી છું, મારામાં તાકાત નથી. એટલે તું ફૂંક માર અને ફરી સળગાવ.’

જ્યારે સૌથી નાના ભાઈએ માટીના વાસણમાં ફૂંક મારવા માથું નમાવ્યું ત્યારે વૃદ્ધાનો વેશ લઈને બેઠેલી રાક્ષસીએ તરત જ લોખંડનો સળિયો કાઢી જોરથી તેના માથામાં માર્યો. પછી તેને લોઢાની કઢાઈમાં મૂક્યો.

સૌથી નાનો ભાઈ પાછો ન આવ્યો એટલે બીજા ભાઈઓને ચિંતા થઈ. તેમણે છઠ્ઠા ભાઈને મોક્લ્યો. તેની પણ એવી જ દશા થઈ. આ રીતે સાતે ભાઈઓએ એ રાક્ષસીના હાથે જાન ગુમાવ્યા પણ કોઈને તેની ખબર ન પડી. સાત દિવસ અને સાત રાત્રિ વીત્યાં, ઉપરાછાપરી મહિના વીત્યા, વર્ષો વીત્યાં. સાત પુત્રો પાછા ન ફર્યા. નાગરાજનું રત્ન શોધવા જતાં તેમણે પોતાના જાન ગુમાવ્યા.

એ દરમિયાન તે ભાઈઓના પિતા રાજમહેલમાં લાંબો સમય રહ્યા એટલે તેમને જાદુઈ ઝાડના રહસ્યની વાત જાણવા મળી. એકી શ્વાસે અને એક ઝાટકે વૃક્ષ કાપી નાખવાનું રહસ્ય જાણી લીધું. પણ તેનાથી કશો લાભ ન થયો, કારણ કે તેઓ એ રહસ્ય જેમને કહી શકે તે દીકરાઓની સહાયથી જ થઈ શકે એમ હતું. રાક્ષસીને હાથે સાતે દીકરાઓનું મૃત્યુ થયું હતું એ વાતની તેને તો જાણ હતી જ નહીં. તેની પત્ની પણ દિવસો સુધી ભૂખી રહી હતી કારણ કે તેના પુત્રોએ જે ચોખા, અનાજ, શાક, પાણી, બળતણ ભરી આપ્યાં હતાં તે તો ક્યારનાં ખલાસ થઈ ગયાં હતાં. એક દિવસ તે દુ:ખની મારી અશ્રુપાત કરતી હતી અને ઘરઆંગણાનો કૂડોકચરો સાફ કરતી હતી ત્યારે તેની નજરે નાની સોપારી પડી. તેણે પહેરેલી સાડીના છેડે તે મૂકી દીધી, અને છેડો કમરે વીંટાળી દીધો. તે પોતાના ઓરડામાં આવી ત્યારે કામકાજમાં એટલી બધી ખોવાઈ ગઈ હતી કે એ વાત જ તે ભૂલી ગઈ. તેેને એ પણ યાદ ન રહ્યું કે એ વસ્તુ તેણે ખોઈ નાખી છે કે નહીં.

દેવતાઓની વાતો તો અચરજભરી હોય છે. થોડા દિવસોમાં તેને દિવસો રહ્યા. તેણે મનમાં વિચાર્ગયું કે જો આ સાચું હશે તો લોકોની પૂછપરછના તે ઉત્તર આપી નહીં શકે. બધા તેના ઉપર વહેમ લાવશે. દેવતાઓએ મારા પર કૃપા કરી છે એવું જો કહીશ તો મારી વાત કોઈ માનશે નહીં. તેનો પતિ મહેલમાં દાસ તરીકે કેટલાય સમયથી રહ્યો હતો. વળી તેના સાત દીકરાઓમાંથી કોઈ પાછું આવ્યું ન હતું.

તેના પેટમાં બાળક ઊછરતું ગયું તેમ તેમ તે પોતાના દિવસો દુ:ખમાં વીતાવતી રહી. બાળકે દસ મહિને અને દસ દિવસે જગતનું અજવાળું જોયું. તે રૂપાળું બાળક હતું અને માતાએ બહુ કાળજીથી તેને ઉછેરવા માંડ્યું. માતાના લાડકોડ તેને ખાસ્સા મળ્યા. તેણે બાળકનું નામ પાડયું — કવૈકેન્દ્રરૈસા — અથવા શૂર્પારકસંલગ્ન, કારણ કે સોપારી સાંપડ્યા પછી તેનો જન્મ થયો હતો. ધીમે ધીમે તે યુવાન થયો. તેણે એક દિવસ તેની માને પૂછ્યું, ‘આપણા ઘરમાં તારા-મારા સિવાય કોઈ નથી?’

તેની માએ નિ:શ્વાસ નાખીને કહ્યું, ‘આપણા ઘરમાં બહુ બધા હતા — તારા પિતા હતા, સાત ભાઈઓ હતા. પણ અત્યારે ઘરમાં કોઈ નથી, ઘણા વખતથી તેમના કોઈ સમાચાર પણ મને મળ્યા નથી.’

કવૈકેન્દ્રરૈસાએ કહ્યું, ‘તેઓ જ્યારે ગયા ત્યારે કશું કહીને ગયા હતા?’

‘હા, પણ ત્યાર પછી તેઓ પાછા ફર્યા જ નહીં.‘

કવૈકેન્દ્રરૈસાએ કહ્યું, ‘મા, તેમણે શું કહ્યું હતું તે જાણી શકું?’

તેની મા બોલી, ‘હા, મારા દુર્ભાગ્ય અને દુ:ખની વાત તને કહેવામાં મને કોઈ વાંધો નથી. લોકોએ અને મારાં સ્વજનોએ અસંખ્ય મહેણાંટોણાં માર્યાં છે, તેમ છતાં મેં તને મોટો કર્યો, હું તારાથી કશું છાનું નહીં રાખું. હું તને બધી વાત કરીશ.’

આમ કહીને તેની માએ રાજમહેલના જાદુઈ ઝાડની અને ત્યાર પછી બનેલી બધી ઘટનાઓ કહી સંભળાવી. નાગરાજનું રત્ન લેવા નીકળેલા સાત ભાઈઓ કેવી રીતે ગુમ થઈ ગયા એ વાત પણ કહી. ચોધાર આંસુએ રડતાં રડતાં તે બોલી, ‘આજે જો તારા પિતા અને સાત ભાઈઓ હોત તો આપણે જીવન નિરાંતે અને સુખેથી ગાળી શકત. આપણે ક્યારેય દુ:ખી ન હોત.’

તેણે માની બધી વાત સાંભળી અને વિચાર કર્યો, ‘આમાં બાહુબળનો પ્રશ્ન નથી, આ બુદ્ધિ અને ધીરજનો પ્રશ્ન છે. મારા પિતા અને ભાઈઓ પુષ્કળ શક્તિશાળી હતા, તેમનામાં બળની કશી કમી ન હતી. તો પછી તેઓ આ કફોડી સ્થિતિમાં કેમ જઈ ચઢ્યા, જે શક્તિથી પ્રાપ્ત નથી થતું તે બુદ્ધિથી ચોક્કસ પ્રાપ્ત થઈ શકે છે.’

એટલે તેણે પોતાના ભાઈઓને બચાવવાનો અને પિતાને છોડાવવાનો નિર્ણય કર્યો, ‘મા, હું આવતી કાલે નાગરાજની ચુંગાલમાંથી ભાઈઓને છોડાવવા નીકળી પડીશ. હું તારા માટે ઘણા દિવસ ચાલે એટલું ખાવાનું અને પાણીની વ્યવસ્થા કરીને જઈશ એટલે તને કોઈ મુશ્કેલી નહીં પડે. મારા લક્ષ્યમાં હું સફળ થઉં એવા આશીર્વાદ આપ.’

તેનો ઉત્સાહ જોઈને માએ કહ્યું, ‘રાજાની સંપત્તિ મેળવવાની આશામાં મેં તારા પિતા ખોઈ નાખ્યા. નાગરાજનું રત્ન મેળવવાની આશામાં તારા સાત ભાઈઓ ખોઈ નાખ્યા. ઈશ્વરની પરમ કૃપાથી મને તું મળ્યો. અગણ્ય મુશ્કેલીઓ અને અપમાનો વેઠીને મેં તને મોટો કર્યો. એટલે જો તને પણ ખોઈ નાખીશ તો આ જગતમાં મારું પોતાનું કોઈ નહીં રહે.’

કવૈકેન્દ્રરૈસાએ તેને કહ્યું, ‘અમ્મા, હું સંપત્તિ કે મિલકતના લોભે આ કામ માથે લેતો નથી. મારે એની જરૂર નથી અને આ જગતમાં જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી કદી પણ સંપત્તિમાં મારો જીવ નહીં રાખું એવી મેં પ્રતિજ્ઞા લીધી છે. હું માત્ર મારા પિતા અને મારા ભાઈઓ પ્રત્યેની મારી જવાબદારીઓ પૂરી કરવા માગું છું. હું બધાં સંકટોને પાર કરી શકું અને મારું લક્ષ્ય સિદ્ધ થયા પછી જરાય ઘવાયા વિના તારા ચરણોમાં આવી જઉં એ માટે મને આશીર્વાદ આપ.’

પછી તેણે માની રજા લીધી અને નાગરાજના પાશમાંથી ભાઈઓને છોડાવવા પોતાનો પ્રયાસ આરંભ્યો. રસ્તો બહુ લાંબો હતો ને તે આખા રસ્તે ચાલતો જતો હતો. રસ્તાની બંને બાજુ ગાઢ જંગલની વચ્ચે ચંડોળ એક ડાળીથી બીજી ડાળીએ કૂદતાં હતાં, કૂજન કરતાં હતાં. એક ઝાડ પરથી બીજા ઝાડે વાંદરાં કૂદતાં હતાં. પ્રકૃતિનાં આ દૃશ્યો જોતાં જોતાં તેણે કેટલાક પર્વતો, કેટલીક ટેકરીઓ વટાવ્યાં, રસ્તામાં તેને કઠિયારા મળ્યા. તેમનાં લાકડાં ચોમેર વેરવિખેર હતાં એટલે તેણે ભેગાં કરી આપ્યાં અને તેમની ભારી બાંધી દીધી. કઠિયારાઓને ખૂબ આનંદ થયો અને તેમણે કહ્યું, ‘આ રીતે જેણે અમને મદદ કરી છે તેનું જે કંઈ લક્ષ્ય હોય તે પાર પડશે, તેને વિજય મળશે.’

આગળ જતાં તેને પાંદડાં વીણનારા મળ્યા, તેણે તેમનાં વેરવિખેર પાંદડાંનો ઢગલો કરીને બાંધી આપ્યાં, તે લોકો એટલા બધા રાજી થયા અને ઉપકારવશ થઈને તેને ‘તું તારા કાર્યમાં સફળ થઈશ’ એવા આશિષ આપ્યા.

આમ લાંબા રસ્તે બધા લોકોને મદદરૂપ થતો તે કવૈકેન્દ્રરૈસા રાક્ષસની નગરીમાં આવી પહોંચ્યો. મોટાં મોટાં સુંદર મકાનો ત્યાં હતાં. પણ તે નિર્જન નગરી હતી, એકે માણસ ન મળે. સુંદર મકાનો વટાવતો વટાવતો તે ગાઢ જંગલની વચ્ચે આવેલા નાગરાજના મોટા મહેલ આગળ આવી પહોંચ્યો. મુખ્ય દ્વાર ગીચ ઝાડીઓથી ભરાઈ ગયું હતું અને અંધારા ભોંયરા જેવું તે દેખાતું હતું. ત્યારે રાત પડી ગઈ હતી અને અંધારામાં કશું કરી શકાય એમ ન હતું. એટલે ક્યાંકથી ભોજન મળે તો ખાઈકરીને સૂઈ જવાનો વિચાર કર્યો. પાસેના મકાનમાંથી ધુમાડો નીકળતો જોયો. તે એ મકાનમાં દાખલ થયો અને તેણે ૮૦-૯૦ વરસની એક વૃદ્ધાને જોઈ. તેની બાજુમાં મૂકેલા વાસણમાં દેવતા હતો. કવૈકેન્દ્રરૈસાને લાગ્યું કે હવે હું આ ડોશી સાથે ગપાટા મારતો રાત ગાળી શકીશ.

તે ડોશીએ પોતાની કરુણ કથા કહેવા માંડી, ‘આમ તો હું બહુ સુખી છું. મારું કહેવાય એવું કોઈ આ દુનિયામાં નથી. પણ એક જમાનામાં ઘણા દીકરા, દીકરીઓ, પૌત્રો હતા. ત્યારે તો તારા દાદા પણ જીવતા હતા. પણ હાય નસીબ! એ બધાને રાક્ષસોએ મારી ખાધા અને અત્યારે હું સાવ એકલી.’ તેની બાજુમાં ગડાકુ ભરેલો હુકો પડ્યો હતો. એની તરફ આંગળી ચીંધીને તે બોલી, ‘દીકરા, મારે હુકો પીવો છે પણ મારી કમર બહુ દુ:ખે છે એટલે હું ઊભી થઈ શકતી નથી. તું એમાં થોડો દેવતા નાખીને એને સળગાવી ન આપે?’

ડોશીની વિનંતી સાંભળીને કવૈકેન્દ્રરૈસા દેવતા ભરેલા વાસણ પાસે ગયો. તેણે જોયું કે એ દેવતા કોઈ રહસ્યમય હતો, તે લાકડાનો કે વાંસનો ન હતો, પણ સૂકો વહેર ત્યાં હતો, નાનકડી માટીની સગડીમાં તે સળગતો હતો. દેવતા લેવા માથું નમાવવું પડે અને ફૂંક મારવી પડે. વળી ડોશીની બાજુમાં તેણે લોખંડનો સળિયો જોયો. તે ત્યાં શા માટે મૂક્યો છે તે સમજાયું નહીં. તેણે પૂછ્યું, ‘દાદી, દેવતા તો છેક ઊંડે સળગે છે, હું લઈશ કેવી રીતે?’

ડોશી બોલી, ‘બહુ સહેલું છે. તું માથું નમાવ અને બેત્રણ ફૂંક માર. પછી કેટલાય વખતથી તે સળગતો ન હોય તેમ સળગવા માંડશે. તારા આવતાં પહેલાં જ એ ઓલવાવા આવ્યો હતો.’

આ બધી બાબત વિશે વારંવાર તેણે વિચાર કર્યો, આજુબાજુની વસ્તુઓ પર નજર નાખે રાખી. બહુ કાળજી રાખીને તેણે દેવતા ફૂંકવા માથું નમાવ્યું. તરત જ ડોશીએ લોખંડનો સળિયો તેને મારવા ઉગામ્યો. પણ કવૈકેન્દ્રરૈસા તો માથું નમાવીને ફૂંક મારવાનો દેખાવ કરતો હતો. તેણે સળિયો ઝાલીને ડોશીના હાથમાંથી ઝૂંટવી લીધો, તે સળિયા વડે તેણે ડોશીને મારી મારીને અધમૂઈ કરી નાખી… તે ડોશી ભયાનક રાક્ષસીમાં ફેરવાઈ ગઈ, મોટું શરીર, મોટા મોટા દાંત, લાંબા લાંબા વાળ…ભયાનક બૂમ પાડીને તેણે કહ્યું, ‘મારી સાથે તું લડાઈ કરે? આ રાજ્યના લોકોને ખાઈને હું જીવી રહી છું. તું સાવ મગતરા જેવો મને પડકારવા આવ્યો છે? તારી કેવી હિંમત? સળિયો નીચે મૂક, નહીંતર તારો ઘડોલાડવો કરી નાખીશ.’

કવૈકેન્દ્રરૈસાએ કહ્યું, ‘હવે મને બધી સમજ પડી ગઈ છે. પણ આ કવૈકેન્દ્રરૈસા કોઈ રાક્ષસથી કે દૈત્યથી ગભરાતો નથી. હવે મરી જવા માટે તૈયાર થા. મારા કાને વાત આવી છે કે તેં ઘણા લોકોને મારી નાખ્યા છે, ઘણા બધાને બંદી બનાવ્યા છે. તેં એમને બહુ રિબાવ્યા છે એટલે આજે હવે હું તને છોડવાનો નથી, હું તને મારી નાખીશ અને બધાને છોડાવીશ.’

આ સાંભળીને તે રાક્ષસીએ હાથમાં જે આવ્યું તે ફંગોળવા માંડ્યું, પણ તેને તો ઊની આંચ ન આવી. પછી તેણે રાક્ષસીના માથા પર જોરથી ફટકો માર્યો એટલે તે જમીન પર પડી ગઈ.

‘નાગરાજની ગુફા ક્યાં છે? તેનું રત્ન ક્યાં છે? મારા સાત ભાઈઓને અને બીજા રાજકુમારોને મારીને ક્યાં રાખ્યા છે?’

વેદનાથી ધૂ્રજતી અને મૃત્યુથી ડરી ગયેલી રાક્ષસી બોલી, ‘તે બધા જીવે છે. તું જો નાગરાજને મારી નાખે તો તને એનું રત્ન મળે. મહેલની અંદર એક લોખંડનો દરવાજો છે તે તું ઉઘાડ અને ત્યાં તને તારા ભાઈઓ અને બીજા રાજકુમારો મળશે. આ લોખંડના સળિયા વડે તું નાગરાજને મારી નહીં શકે. મારા ઓરડાની ભીંતે એક છરો છે. તું નાગરાજના પેટમાં એ છરો હુલાવીશ અને તેના પેટનાં આંતરડાં બહાર કાઢી તેના ટુકડેટુકડા એક ઝાટકે કરી નાખીશ તો જ તે મરશે.’

આમ કહીને તે રાક્ષસી રીબાતી રીબાતી મરણ પામી.

એ દરમિયાન કવૈકેન્દ્રરૈસાએ રાક્ષસીનો છરો મેળવ્યો અને નાગરાજ સાથે લડવા તેના મહેલ તરફ ચાલતો થયો. મહેલના પ્રવેશદ્વાર આગળ જ નાગરાજ મોઢું ખુલ્લું રાખીને ઘસઘસાટ ઊંઘતો હતો. તેનું પેટ નાની ટેકરી જેવું હતું અને તેનાં નસકોરાં તે ટેકરી પરના બુગદા જેવાં હતાં. કવૈકેન્દ્રરૈસા ધીમે ધીમે નાગરાજના ખુલ્લા મોઢા પાસે પહોંચ્યો અને તેના મોઢામાં પ્રવેશીને એક ઝાટકે પેટનાં આંતરડાં તેણે કાપવા માંડ્યા. નાગરાજને હાલવાચાલવાનોય સમય ન મળ્યો. નાગનાં આંતરડાંના ટુકડેટુકડા કરીને તે મરી ગયેલા નાગની પૂંછડી પાસે પહોંચ્યો. મહેલમાં દાખલ થઈને તેણે લોખંડનો મોટો બંધ દરવાજો જોયો. તેની પાછળ ઘણા રાજકુમારો કેદમાં હતા. તેની જમણી બાજુએ ઝગમગતા સોનેરી દરવાજાવાળું સુવર્ણમંદિર જોયું. તે અંદર ગયો અને ત્યાં નાગરાજનો મુગટ રત્નોથી અને બીજા કિમતી હીરાથી શોભતો હતો. ત્યાં એ બધાની રક્ષા કરતો એક નાગ ફેણ માંડીને બેઠો હતો. કવૈકેન્દ્રરૈસાના હાથમાં ચમકતો છરો જોઈને તે ત્યાંથી જતો રહ્યો.

પછી કવૈકેન્દ્રરૈસાએ નાગરાજનાં રત્નો લીધાં અને લોખંડના દરવાજા પાસે તે ગયો. લોખંડના સળિયાથી દરવાજાને ફટકાર્યો અને તે ખૂલી ગયો, બંદી બનેલા રાજકુમારો એક પછી એક બહાર આવવા માંડ્યા. તેણે પોતાના સાત ભાઈઓ વિશે પૂછ્યું, ‘તેઓ પાછળ પાછળ આવે છે.’ બધા રાજકુમારોએ કેદમાંથી છોડાવવા બદલ તેનો આભાર માન્યો.

અને તે રાજકુમારો પોતપોતાના રાજ્યમાં જવા રવાના થયા. કવૈકેન્દ્રરૈસા પણ પોતાના વડીલ બંધુઓની સાથે ઘેર પહોંચ્યો, પુત્રોને જોઈને તેની મા રાજીની રેડ થઈ ગઈ.

થોડા દિવસ પછી તેણે માને કહ્યું, ‘મા, મેં તારા સાત દીકરાઓને છોડાવ્યા. હવે રાજમહેલમાંથી હું મારા પિતાને છોડાવી લાવું.‘

તેની માએ કહ્યું, ‘તેં નાગરાજ પર વિજય મેળવ્યો પણ તું જાદુઈ ઝાડ કાપી નહીં શકે. ઘણા વીરપુરુષો નિષ્ફળ ગયા છે, અને રાજાએ તે બધાને દાસ બનાવી દીધા. તું આ સાહસ ન કર. હું તને બે હાથ જોડું છું.’

માની વાત સાંભળીને તેણે કહ્યું, ‘મા, મારા જનમ પછી મેં મારા પિતાને જોયા નથી, મેં તને જ જોઈ, અને હું તને જ ઓળખું છું. હું આ સાત ભાઈઓને લઈ આવ્યો છું, હવે તારે વધારે દુ:ખ ભોગવવું નહીં પડે. જો મારા પિતા મહેલમાં જ દાસ બનીને મૃત્યુ પામશે તો હું તેમને જોઈ નહીં શકું. દીકરો થઈને હું મારા પિતાની યાતના દૂર ન કરી શકું, તેમને કારાવાસમાંથી છોડાવી ન શકું તો પછી આવી અર્થહીન જિંદગી જીવવા કરતાં તો મરી જવાનું વધુ પસંદ કરું. એટલે મને રોકીશ નહીં. મને આશીર્વાદ આપ કે હું મારા પિતાને મળીને તેમને છોડાવી શકું. તારા શૂરવીર દીકરાના હૃદયને ભયભીત ન કર.’

તેની માએ કહ્યું, ‘જા દીકરા ત્યારે. તું મારા કાર્યમાં સફળતા મેળવજે.’

માની સંમતિ લઈને કવૈકેન્દ્રરૈસા રાજમહેલની દિશામાં નીકળી પડ્યો. રસ્તાની બંને બાજુએ આવેલું ગાઢ જંગલ વટાવીને તે આગળ વધ્યો. તેણે પર્વતો વટાવ્યા, ટેકરીઓ વટાવી, મેદાનો વટાવ્યાં અને છેવટે રાજમહેલ પહોંચ્યો. દરબારમાં જઈને રાજાને તેણે કહ્યું, ‘મહારાજ, જાદુઈ ઝાડ કાપવામાં નિષ્ફળ ગયેલાનો હું સૌથી નાનો દીકરો છું. હું એ જાદુઈ ઝાડ કાપવા આવ્યો છું અને તમારી શરતો પ્રમાણે ઝાડ કાપી મારા પિતાને છોડાવીશ. તમે મને રજા આપો તો હું મારું ભાગ્ય અજમાવું.’

રાજાએ તેને કહ્યું, ‘તારા પિતાને માટે જે શરતો કરી હતી તે તું જાણતો જ હોઈશ. જો તું સફળ થઈશ તો તારા પિતાને મુક્તિ મળશે. એ સિવાય કશું નહીં મળે.’

કવૈકેન્દ્રરૈસા બોલ્યો, ‘મહારાજ, તમારી શરતો મને મંજૂર છે.

પછી રાજાએ તેને ઝાડ કાપવાની આજ્ઞા કરી. ઝાડને ધ્યાનથી જોવા માટે તે તેની પાસે ગયો, જોયું તો એ કંઈ એવું મોટું ન હતું. મોટી કુહાડી વડે આ કપાય નહીં, આ ઝાડ બહુ પોચું છે, લપસણું છે. બંને હાથની સમતુલા જાળવીને જ કુશળતાથી કાપવું પડે. પછી બધી ગોઠવણ તપાસી અને રાક્ષસીનો છરો કમરપટ્ટામાંથી લીધો અને એક ઝાટકે, એકી શ્વાસે ઝાડ કાપ્યું. પછી તેના સાત ટુકડા કર્યા. આટલા સમયમાં તે વધુ ટુકડા કરી શક્યો હોત. ત્યાં હાજર રહેલા બધાએ માન્યું કે તેના હાથમાંનો છરો જાદુઈ હોવો જોઈએ. નહીંતર આટલા બધા શૂરવીરો કુહાડી, તલવાર વડે ઝાડ કાપી કેમ ન શક્યા. વાસ્તવમાં તો તેઓ ઝાડ પર ઉઝરડોય પાડી શક્યા ન હતા, જ્યારે આણે તો જાણે કેળ વાઢતો હોય તેમ જાદુઈ ઝાડ વાઢી નાખ્યું!

પછી રાજાએ કહ્યું, ‘ભલે. હવે હું તારા પિતાને આઝાદ કરું છું, તેમને તારી જોડે લઈ જા.’

તેણે રાજાએ વિનંતી કરી, ‘મહારાજ, તમારી શરતો પ્રમાણે જેટજેટલા લોકો આ વૃક્ષ કાપી નથી શક્યા અને જેમને તમે બંદી બનાવ્યા છે તે બધાને મારા પિતાની સાથે મુક્ત કરો. તેઓ પણ એ જ શરતે બંધાયેલા હતા અને મારા પિતાની જેમ તેમને પણ આજીવન બંદી બનવું પડ્યું હતું. તમારી પાસે મારે બીજી કોઈ માગણી કરવી નથી, બધાને જ મુક્ત કરી દો.’

રાજાએ કવૈકેન્દ્રરૈસાની વિનંતી માન્ય રાખી અને બધા કેદીઓને છોડી મૂક્યા. બધાએ કવૈકેન્દ્રરૈસાને ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા.

કવૈકેન્દ્રરૈસા પોતાના પિતાને લઈને ઘેર આવ્યો. તેની મા આટલા બધા લાંબા સમયે પોતાનાં ખોવાઈ ગયેલાં કુુટુંબીજનોને મળીને ખૂબ રાજી થઈ, પછી બધા નિરાંતે રહેવા લાગ્યા.