ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ/કૌશિક અને ધર્મવ્યાધની કથા

Revision as of 17:23, 24 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


કૌશિક અને ધર્મવ્યાધની કથા

કોઈ પ્રદેશમાં વેદપાઠી, તપસ્વી, ધર્માત્મા કૌશિક રહેતા હતા. વેદ સાથે ઉપનિષદો વાંચતા હતા, એક દિવસ કોઈ વૃક્ષ નીચે બેસીને અભ્યાસ કરી રહ્યા હતા. ત્યાં વૃક્ષ પર એક બગલી બેઠી હતી, તે ઋષિ પર ચરકી. બ્રાહ્મણ તો એને જોઈને જે ક્રોધે ભરાયો, જે ક્રોધે ભરાયો, એવી રીતે બગલી સામે લાલ આંખ કાઢી. બ્રાહ્મણના દૃષ્ટિપાતથી બગલી તો મૃત્યુ પામી અને ઝાડ પરથી નીચે પડી, પૃથ્વી પર આ રીતે નિર્જીવ થઈને પડેલી બગલી પર બ્રાહ્મણને બહુ દયા આવી, શોક કરવા લાગ્યા, અરેરે! મેં ક્રોધે ભરાઈને આ શું કરી નાખ્યું, પછી તે બ્રાહ્મણ ગામમાં ભિક્ષા માટે નીકળી પડ્યા. ગામના ઉત્તમ કુટુુંબોમાં જઈને ભિક્ષા માગવા લાગ્યા. એમ કરતાં કરતાં એક ઉત્તમ ઘેર ગયા અને ભિક્ષા માગી, ‘અરે મને ભિક્ષા આપો.’

ઘરની સ્ત્રી તે વખતે વાસણો માંજતી હતી. તે બોલી, ‘ઊભા રહેજો.’ તે જ વખતે તેનો પતિ ભૂખે આકળવિકળ થઈને આવ્યો. સ્ત્રી પતિને જોઈને ભિક્ષા આપવાનું ભૂલી ગઈ, પતિની સરભરા કરતી બેઠી. કાળી કાળી આંખોવાળી તે સ્ત્રીએ પતિને ખાવા માટે મધુર વાનગીઓ આદરપૂર્વક આપી અને મીઠી વાણીથી તેની સેવા કરતી બેઠી. તે સ્ત્રી હમેશા પતિનું એંઠું ખાતી હતી, પતિને દેવ માનતી હતી અને પતિના વિચારો પ્રમાણે ચાલતી હતી. તે વાણી, વર્તન અને મનથી કશું ખાતી નહીં, પીતી નહીં. બધી રીતે તે પતિની સેવા કરતી હતી. ઘરકામમાં તે ચતુર હતી. કુટુંબનું હિત વિચારનારી હતી અને સદા તેના મનમાં પતિનું હિત વસતું હતું. દેવતાઓની સેવા, સાસુસસરાનો આદર કરતી અને ઇન્દ્રિયજિત થઈને તે રહેતી હતી.

જ્યારે તેના પતિનું ભોજન પૂરું થયું ત્યારે તેણે જોયું તો બ્રાહ્મણ બહાર ઊભો છે. પતિસેવા કરતાં કરતાં તેને બ્રાહ્મણ યાદ આવ્યો. તે પતિવ્રતા બહુ સંકોચ પામી અને ભિક્ષા લઈને તે બ્રાહ્મણ પાસે ગઈ.

બ્રાહ્મણે કહ્યું, ‘અરે, મને ‘ઊભા રહેજો’ કહીને જતી રહી અને મને વિદાય પણ ન આપી.’

તે બ્રાહ્મણને તેજ અને ક્રોધથી પ્રજ્વલિત જોઈને તે પતિવ્રતાએ શાંતિથી કહ્યું, ‘ક્ષમા કરજો મહારાજ, હું પતિને દેવ માનું છું. તેઓ ભૂખ્યાતરસ્યા ઘેર આવ્યા હતા એટલે તેમની આસનાવાસના કરવા રહી.’ આ સાંભળી બ્રાહ્મણે કહ્યું, ‘તેં બ્રાહ્મણને નીચો અને પતિને ઊંચો માન્યો. ગૃહસ્થધર્મ પાળવા છતાં બ્રાહ્મણનો આદર કરે છે. ઇન્દ્ર જેવા ઇન્દ્ર પણ બ્રાહ્મણોને વંદન કરે છે પછી માનવીઓનું શું? અરે અભિમાની સ્ત્રી, તેં વૃદ્ધોની વાત નથી સાંભળી? બ્રાહ્મણો તો અગ્નિ જેવા હોય છે, તેઓ પૃથ્વીને પણ સળગાવી શકે.’

સ્ત્રીએ કહ્યું, ‘હું બ્રાહ્મણોનું અપમાન નથી કરતી, તેમને તો દેવ સમાન ગણું છું. મારા આ અપરાધને ક્ષમા કરો. બ્રાહ્મણોના તેજને જાણું છું. તેમના મહાભાગ્યને ઓળખું છું, તેમણે જ તો સમુદ્રને ખારો કરી નાખ્યો, તેનું પાણી પીવાલાયક ન રાખ્યું. હું આત્મજ્ઞાની, મહા તપસ્વી ઋષિમુનિઓને પણ જાણું છું, તેમનો ક્રોધાગ્નિ દંડકવનમાં હજુ ઓલવાયો નથી. બ્રાહ્મણોનો અનાદર કરતો મહાન રાક્ષસ વાતાપિ અગત્સ્યના ઉદરમાં પૂરેપૂરો પચી ગયો હતો. બ્રાહ્મણોના ઘણા પ્રભાવ સાંભળવામાં આવ્યા છે. તેમનો ક્રોધ પણ ભારે અને તેમની કૃપા પણ ભારે. મારી આ ભૂલને માફ કરી દો. પતિસેવાનો ધર્મ મને બહુ પ્રિય છે. દેવોમાં પતિ પરમ દેવ છે, એ જ અસામાન્ય ધર્મનું હું પાલન કરું છું. પતિસેવાનું ફળ જોવું છે? તમે બગલીને ક્રોધથી સળગાવી દીધી હતી તે હું જાણું છું. ક્રોધ આપણા શરીરમાં રહેતો ભયાનક શત્રુ છે. જે ક્રોધ અને મોહને ત્યજે છે તેને જ દેવતા બ્રાહ્મણ કહે છે. જેઓ આ જગતમાં સાચું બોલે છે, ગુરુને સંતોષ આપે છે, માર ખાઈને પણ જે સામો મારતો નથી તેને દેવતા બ્રાહ્મણ કહે છે. જે ઇન્દ્રિયજિત છે, વેદપાઠી છે, પવિત્ર છે, કામક્રોધને જેણે જીત્યા છે તેને દેવતા બ્રાહ્મણ કહે છે; જે વેદ ભણે છે-ભણાવે છે, યજ્ઞ કરે છે-કરાવે છે, યથાશક્તિ દાન આપે છે તેને દેવતા બ્રાહ્મણ કહે છે. જે વેદજ્ઞ છે, વેદપાઠી છે, ભણવામાં-ભણાવવામાં જે સાવધાન રહે છે તેને દેવતા બ્રાહ્મણ કહે છે; જે બ્રાહ્મણ માટે હિતકારી છે તે જ બ્રાહ્મણોને કહેવું જોઈએ; જે સત્ય બોલે છે, જેનું મન અસત્યમાં રાચતું નથી તે જ બ્રાહ્મણ છે. બ્રાહ્મણોનો ધર્મ વેદાભ્યાસ કરવાનો છે, મનને વિષયભોગથી દૂર રાખવું, ઇન્દ્રિયજિત થવું એ જ છે. ધર્મજ્ઞ મહાત્મા સત્ય અને પવિત્રતાને જ ધર્મ કહે છે. ધર્મને ઓળખવો બહુ અઘરું છે, તે ધર્મ સત્યમાં જ હોય છે, વૃદ્ધો કહે છે ધર્મમાં વેદ જ પ્રમાણ છે. ધર્મ ઘણા પ્રકારના દેખાય છે પણ તે છે બહુ સૂક્ષ્મ. તમે વેદપાઠી, ધર્મજ્ઞ દેખાઓ છો પણ મારી દૃષ્ટિએ ધર્મને યોગ્ય રીતે હજુ ઓળખતા નથી. જનકપુરીમાં માતાપિતાની સેવા કરનારો, સત્યવાદી, ઇન્દ્રિયજિત એક વ્યાધ રહે છે. તે તમને ધર્મ સમજાવશે. ત્યાં તમે જાઓ. તમારું કલ્યાણ થાઓ. મેં ઘણી બધી વાતો કરી, તમે એ ક્ષમા કરજો. જે ધર્મજ્ઞો છે તે બધા માટે સ્ત્રી અવધ્ય છે.’

આ સાંભળી તે બ્રાહ્મણે કહ્યું, ‘હે ભદ્રા, મારો ગુસ્સો હવે ઓગળી ગયો છે. તારા પર પ્રસન્ન છું. તેં મારું અભિમાન ઓગાળી નાખ્યું, મારું કલ્યાણ થયું, તારું કલ્યાણ થાય. હું જનકપુરી જઈશ.’

આમ બોલીને તે બ્રાહ્મણે પતિવ્રતા સ્ત્રીની વિદાય લીધી, પોતાની જાતને ફિટકારી. તે સ્ત્રીએ કહેલી બધી વાતો યાદ કરીને આત્મનિંદા કરતો તે પોતાની જાતને પાપી માનવા લાગ્યો. ધર્મની સૂક્ષ્મ ગતિવિધિ વિશે વિચારતો કૌશિક બ્રાહ્મણ મનોમન બોલ્યો, ‘તે સ્ત્રીએ કહેલી બધી વાતો પર વિશ્વાસ કરીને હું હવે જનકપુરી જઉં છું. ત્યાં આત્મજ્ઞાની અને ધર્મજ્ઞ વ્યાધ રહે છે. હું એની પાસે જઈને ધર્મ એટલે શું તે પૂછીશ.’ બગલીનું મૃત્યુ, ધર્મયુક્ત વચનોનો ઉપદેશ, તે સ્ત્રીની વાતો પર વિશ્વાસ — આ બધા વિશે વિચારતો વિચારતો આનંદપૂર્વક એ દિશામાં નીકળી પડ્યો. ઘણાં ગામ, વન, નગરો વટાવી તે મહારાજા જનકની નગરીમાં જઈ પહોંચ્યો. ધર્મ, યજ્ઞ અને ઉત્સવોથી એ નગરી ભરી ભરી હતી. અનેક મહેલો, અટારીઓવાળી સુંદર નગરીમાં કૌશિક બ્રાહ્મણે પગ મૂક્યો. ત્યાં અનેક વિમાનો હતાં, સુંદર બજાર હતા, રસ્તાઓ પણ અઢળક હતા. કેટલા બધા હાથી, ઘોડા, રથ, સૈનિકો આમતેમ ભમતા હતા. લોકો તંદુરસ્ત હતા, પ્રસન્ન હતા, ત્યાં નિત્ય ઉત્સવ થતા હતા. ઘર પૂછ્યું, તો બ્રાહ્મણોએ તેનું ઘર બતાવ્યું. મુનિએ કસાઈખાને બેઠેલા વ્યાધને જોયો. તે હરણોનું, પાડાઓનું માંસ વેચતો હતો. તે વખતે ગ્રાહકોની સંખ્યા પુષ્કળ હતી એટલે બ્રાહ્મણ જરા દૂર જઈને એકલો બેસી ગયો.

વ્યાધને ખબર પડી કે અહીં કોઈ બ્રાહ્મણ આવ્યો છે, એટલે તે ગભરાઈને પાસે આવ્યો. ‘હે બ્રાહ્મણવર્ય, હું તમને પ્રણામ કરું છું. તમારું સ્વાગત છે. હું વ્યાધ છું. બોલો, તમારી શી સેવા કરું? તમને એક પતિવ્રતા સ્ત્રીએ મારું ઠેકાણું આપ્યું. તમે જે કામ માટે અહીં આવ્યા છો તે પણ મને ખબર છે.’

આ સાંભળીને બ્રાહ્મણને બહુ આનંદ થયો, મનમાં થયું, આજે આ બીજું અચરજ.

વ્યાધે બ્રાહ્મણને કહ્યું, ‘તમે ખોટી જગ્યાએ બેઠા છો. તમારી ઇચ્છા હોય તો ઘેર જઈએ.’

બ્રાહ્મણે રાજી થઈને હા પાડી. એટલે વ્યાધ બ્રાહ્મણને લઈને આગળ ચાલ્યો. બ્રાહ્મણને ઘરમાં લઈ જઈને આસન આપ્યું, વિધિવત્ તેની પૂજા કરી. પછી નિરાંતે બેસીને તેણે વ્યાધને પૂછ્યું, ‘મારી દૃષ્ટિએ તમારો આ ધંધો યોગ્ય નથી. આ ઘોર કર્મ જોઈને મને બહુ દુઃખ થાય છે.’

વ્યાધે ઉત્તર આપ્યો, ‘આ મારા બાપદાદાનો વ્યવસાય છે. મારા કુળને છાજે એવો છે. હું મારું કર્મ કરું છું એટલે તમારે ગુસ્સો નહીં કરવાનો. બ્રહ્માએ પહેલેથી બધી જ જાતિઓનાં અલગ અલગ કર્મ નક્કી કર્યા હતાં. હું તેમનું પાલન કરું છું. મારા વૃદ્ધ માતાપિતાની સેવા કરું છું. હું હંમેશાં સાચું બોલું છું. કોઈની ઈર્ષ્યા કરતો નથી. શક્તિ પ્રમાણે દાન કરું છું. દેવતાઓ, અતિથિઓ, નોકરોને આપ્યા પછી જે અન્ન વધે છે તેનાથી ગુજરાન ચલાવું છું. જે ખરાબ છે તેની, જે બળવાન છે તેની નિંદા કરતો નથી. પૂર્વકર્મનું ફળ દરેકને મળે છે. ખેતી, ગાયની રક્ષા, વ્યાપાર — જગતનું જીવન છે, રાજનીતિ, દંડ, વેદવિદ્યાથી જગત ટક્યું છે. શૂદ્રનું કાર્ય સેવા, વૈશ્યનું કાર્ય ખેતી, ક્ષત્રિયનું કાર્ય યુદ્ધ અને બ્રાહ્મણનું કાર્ય બ્રહ્મચર્ય, તપસ્યા, વેદાભ્યાસ અને સત્યવચન. રાજા ધર્મ વડે પ્રજાની સેવા કરે છે એટલે પ્રજા પોતાનાં કાર્ય કરે છે. જે પોતાનાં કાર્ય નથી કરતા તેમને રાજા દંડે છે અને તેમની પાસે કાર્ય કરાવે છે. પ્રજાએ રાજાથી સદા ડરવું જોઈએ. કારણ કે તે પ્રજાનો પાલક છે. જેવી રીતે શિકારી મૃગને મારે છે તેવી રીતે રાજા કુકર્મી માનવીને મારે છે. જનકની આ નગરીમાં કોઈ કુકર્મી નથી, ચારે વર્ણ પોતપોતાનાં કાર્ય કરે છે.

આ રાજા એટલા બધા ધર્માત્મા છે કે તેમનો પુત્ર જો અપરાધી હશે તો તેમને પણ દંડ કરતાં અચકાશે નહીં. કોઈ ધર્માત્માને તેઓ દુઃખ નહીં પહોંચાડે. બધાને ધર્મદૃષ્ટિથી તેઓ જુએ છે, એટલે ક્ષત્રિયો તો લક્ષ્મી, રાજ્ય અને દંડના સ્વામી છે. ધર્માનુસાર જ લક્ષ્મીની જે વૃદ્ધિ કરવા માગે. રાજા ચારે વર્ણનો રક્ષક. હું પોતે પશુઓને મારતો નથી, પણ બીજાઓએ મારેલા સૂવર, પાડા વગેરેનું માંસ વેચું છું. હું માંસ ખાતો નથી. હું ઋતુસ્નાતા સ્ત્રીનો સહવાસ કરું છું, વ્રત કરું છું. રાત્રે એક જ વખત ભોજન કરું છું. જે શીલહીન હોય છે તે પણ ક્યારેક શીલવાન બની જાય છે. પ્રાણીઓની હિંસા કરવાવાળો પણ ધર્માત્મા થઈ જાય છે. રાજા જો અધર્મ આચરે તો ધર્મમાં અનિષ્ટો પ્રવેશે, રાજાના અધર્મથી પ્રજામાં પણ સંકરતા પ્રવેશે. રાજાના અધર્મથી માનવીઓ કાણાકૂબડા, મોટા માથાવાળા, નપુંસક, બહેરા બની જાય છે. એટલે જ જનક રાજા પ્રજાને ધર્મથી પાળે છે, બધા લોકો પર કૃપાદૃષ્ટિ રાખે છે, એટલે જ બધી પ્રજા પોતપોતાના ધર્મને પાળે છે. જેઓ મારી નિંદા કરે છે કે પ્રશંસા કરે છે — આ બંનેને સારાં કર્મોથી પ્રસન્ન કરવાની હું કોશિષ કરું છું. પોતપોતાની શક્તિ પ્રમાણે જેઓ દાન કરે છે તે ધર્માત્મા છે. માનવંતા લોકોની પૂજા કરવી, બધાં પ્રાણીઓ પર દયા રાખવી, ત્યાગવૃત્તિ કેળવવી — આના જેવા ઉદાત્ત ગુણ બીજા કોઈ નથી. જે અસત્ય બોલતો નથી, કામક્રોધ કે દ્વેેષને વશ થઈને જે ધર્મનો ત્યાગ કરતો નથી; જે કાર્ય સફળ થવાથી પ્રસન્ન થાય, અપ્રિય કાર્યથી જે દુઃખી થાય, પૈસાની મુશ્કેલીઓથી જે ગભરાય નહીં,- આ સંજોગોમાં જે ધર્મનો ત્યાગ ન કરે, જે કર્મ કરવાથી અવળું ફળ પ્રાપ્ત થવાનું હોય તે કદી ન કરે; જેનાથી પોતાનું અને બીજાઓનું કલ્યાણ થવાનું હોય તેનું જ ચિંતન કર્યા કરે; જો સામાએ ખરાબ કર્યું હોય તેનું પણ જે સારું કરે; તે જ સાચો માનવી. ઉપકાર કરનારા પર જે અપકાર કરે છે તે જાતે જ નાશ પામે છે.

હું મારા આગલા જન્મમાં વેદ-વેદાંગ જાણનારો બ્રાહ્મણ હતો. મારી જ ભૂલને કારણે મારી આવી અવસ્થા થઈ છે. ધનુર્વેદ જાણનારો એક રાજા મારો મિત્ર હતો. એની સાથે રહેવાથી મને પણ ધનુર્ધારી વિદ્યા આવડી ગઈ. એક દિવસ રાજા મુખ્ય મુખ્ય સૈનિકોને લઈને શિકાર કરવા નીકળી પડ્યો, એક આશ્રમ પાસે જઈને રાજાએ ઘણા શિકાર કર્યા. ત્યાં મેં પણ એક બાણ છોડ્યું, એ ધારદાર બાણ કોઈ મુનિને વાગ્યું. બાણ વાગતાં જ મુનિ ધરતી પર પડી ગયા અને ચીસ પાડતાં તે બોલ્યા, ‘મેં કોઈનો અપરાધ કર્યો નથી, આ કયા પાપીએ મને બાણ માર્યું?’ હું તો મૃગ સમજીને પાસે ગયો, જોયું તો મારા અણિયાળા બાણથી ઘવાઈને એ ઉગ્ર તપસ્વી વિદ્વાન ઋષિ તરફડી રહ્યા હતા. આવું અયોગ્ય કાર્ય મારા હાથે થયું એટલે હું તો દુઃખી દુઃખી થઈ ગયો. મેં ઋષિને કહ્યું, ‘મારાથી અજાણતાં આ અપરાધ થઈ ગયો છે. મને માફ કરી દો.’

તે તપસ્વી ક્રોધે ભરાઈને મૂર્ચ્છા પામ્યા અને મરતાં મરતાં બોલ્યા, ‘અરે ક્રૂર બ્રાહ્મણ, જા તું શૂદ્ર યોનિમાં જન્મીને વ્યાધ થઈશ.’

ઋષિએ મને શાપ તો આપ્યો પણ મેં તેમની વારંવાર ક્ષમા માગી, ‘મુનિ, મારાથી બાણ અજાણતાં વાગી ગયું છે, મને માફ કરી દો. તમે કૃપા કરો.’

ઋષિએ કહ્યું, ‘મારો શાપ મિથ્યા તો નહીં થાય. પણ તું આટલી બધી પ્રાર્થના કરે છે તો ચાલ એક કૃપા કરું. શૂદ્ર જન્મમાં પણ તને ધર્મનું જ્ઞાન રહેશે. તારા માતાપિતાની સેવા કરતો રહીશ. તેમની સેવા કરવાથી તને પરમ સિદ્ધિ મળશે. આગલા જન્મનું જ્ઞાન રહેશે અને તું સ્વર્ગે જઈશ. શાપ પૂરો થયે તું પાછો બ્રાહ્મણ જ થઈશ.’

આવી રીતે મને શાપ મળ્યો અને પાછળથી તેમની કૃપા પણ થઈ. પછી મેં તેમના શરીરમાંથી બાણ કાઢ્યું અને તેમને આશ્રમમાં પહોંચાડ્યા. તે જીવી ગયા. આમ મેં તમને આગલા જનમની વાત કરી. આ જન્મ પૂરો થશે એટલે સ્વર્ગે જઈશ.’

આ સાંભળીને કૌશિક બ્રાહ્મણે કહ્યું, ‘મનુષ્યોને આ જ રીતે સુખદુઃખ પ્રાપ્ત થાય છે. એટલે દુઃખી ન થતા. તમને તો પૂર્વજન્મ પણ યાદ છે. એટલે આ દુષ્કર કાર્ય તમે કર્યું છે. તમારા આ બધા કર્મદોષ દૂર થશે અને ફરી તમારો જન્મ બ્રાહ્મણ તરીકે થશે. મારી દૃષ્ટિએ તો તમે અત્યારે પણ બ્રાહ્મણ જ છો. જે શૂદ્ર જાતિમાં જન્મીને પણ ઇન્દ્રિયનિગ્રહ કરે, ધર્મ-સત્ય પ્રમાણે ચાલે તે બ્રાહ્મણ જ ગણાય, કારણ કે શીલ વડે જ બ્રાહ્મણ થવાય. મનુષ્ય કર્મના દોષને કારણે જ સારી-ખરાબ સ્થિતિને પામે છે, હું તો તમને સાવ નિર્દોષ માનું છું. તમે જરાય ગભરાતા નહીં. તમારા જેવા બુદ્ધિશાળીઓ સંસારની ગતિને પામીને ધર્મનું આચરણ કરે છે તે કદી શોક કરતા નથી.’

વ્યાધે કહ્યું, ‘હે બ્રાહ્મણ, બુદ્ધિ વડે મનનાં દુઃખ અને ઔષધો વડે તનનાં દુઃખ દૂર કરવાં જોઈએ, આ જે જ્ઞાનની શક્તિ છે તે મૂર્ખોના જેવી ન હોઈ શકે. અનિષ્ટની પ્રાપ્તિ થાય અને ઇષ્ટ જતું રહે તો એવી બુદ્ધિવાળા માણસોને માનસિક દુઃખ થાય છે... જે કર્મથી નુકસાન થાય તેનાથી તરત જ માનવી વેગળો સરી જાય છે. એનો કશો ઉપાય કરી શકાતો હોય તો તે કરે છે, શોક કર્યા કરવાથી શું થાય? શોક કરવાથી તો દુઃખ જ થાય. જે જ્ઞાન સુખદુઃખથી પર થઈ જાય છે તે જ જ્ઞાનથી સંતોષ માનીને સુખી થાય છે. અસંતોષી લોકો મૂરખ છે, સંતોષીઓ પંડિતો છે. અસંતોષનો તો કોઈ છેડો નથી, સંતોષ જ પરમ સુખ છે. જેઓ જ્ઞાનમાર્ગે ચાલે છે અને પોતાનું સ્થાન જુએ છે તેમને શોક નથી થતો. મનુષ્યે કદી વિષાદ નહીં અનુભવવો, વિષાદ ભયંકર ઝેર છે. જેવી રીતે છંછેડાયેલો સાપ બાળકને મારી નાખે છે તેવી રીતે વિષાદ મૂર્ખ લોકોને મારી નાખે છે. પરાક્રમ કરવાના સમયે જેને વિષાદ થાય છે તેનું તેજ અળપાઈ જાય છે, પછી તે પુરુષાર્થ કરી શકતો નથી. જો કર્મ કર્યું છે તો તેનું ફળ મળશે જ, શોક કરવાથી કશી પ્રાપ્તિ થતી નથી. દુઃખમાંથી છૂટવાનો કોઈ ઉપાય જડે તો વગર વિચાર્યે તે કરવો જોઈએ. આ જ રીતે દુઃખમાંથી છૂટી શકાશે. જે પંડિતો બુદ્ધિથી પણ પર થઈ ગયા છે તે સંસાર અનિત્ય છે એમ માનીને શોક કરતા નથી. કારણ કે તેઓ પરમ ગતિ જોઈ શકે છે. હું શોક કરતો નથી. સમયની રાહ જોતો ઊભો છું. એટલે જ શોક નથી કરતો.’

બ્રાહ્મણે કહ્યું, ‘હું પણ તમારા માટે શોક નથી કરતો કારણ કે તમે બુદ્ધિમાન છો, પંડિત છો. તમે જ્ઞાનથી ભરેલા છો અને ધર્મ જાણો છો. ધર્મધારીઓમાં શ્રેષ્ઠ છો, તમે સાવધાનીપૂર્વક ધર્મ આચરો, ધર્મ તમારી રક્ષા કરે. હવે મને જવાની આજ્ઞા આપો.’

વ્યાધે હાથ જોડીને બ્રાહ્મણને કહ્યું, ‘ભલે,’ પછી વ્યાધની પ્રદક્ષિણા કરીને બ્રાહ્મણ ચાલ્યો ગયો. ઘેર પહોંચીને બ્રાહ્મણે માતાપિતાની સેવા કરવા માંડી. માબાપે પણ તેની પ્રશંસા કરી.

(આરણ્યક પર્વ, ૧૯૭થી ૨૦૫)