ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/શંખ લિખિત

Revision as of 10:07, 27 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


શંખ લિખિત

શંખ અને લિખિત નામના બે ભાઈઓ કઠોર વ્રત કરતા હતા. બાહુદા નદીના કાંઠે ફળ, પુષ્પ, લતા અને સુંદર વૃક્ષોથી શોભતા અત્યન્ત રમણીય બે જુદા જુદા આશ્રમ હતા. એક વખત લિખિત ઋષિ શંખ ઋષિના આશ્રમમાં ગયા, તે વખતે શંખ ઋષિ આશ્રમમાં ન હતા. લિખિત શંખના આશ્રમમાં પહોંચીને પાકાં ફળ તોડવા લાગ્યા, એ ફળ ચૂંટીને તેનો આહાર કરવા લાગ્યા. એટલામાં શંખ ઋષિ આશ્રમમાં આવી પહોંચ્યા. ભાઈને ફળ ખાતો જોઈ શંખે પૂછ્યું, ‘આ ફળ ક્યાંથી મળ્યાં? તું શા માટે આ ફળ ખાય છે?’ ત્યારે મોટા ભાઈને પ્રણામ કરીને લિખિતે કહ્યું, ‘મેં આ જ આશ્રમમાંથી ફળ તોડીને લીધાં છે.’

તેની વાત સાંભળીને ઋષિ ક્રોધે ભરાઈને બોલ્યા, ‘ભાઈ, હું હતો નહીં; મારી આજ્ઞા વિના તેં ફળ ખાધાં એટલે તને ચોરીનું પાપ લાગ્યું. એટલે શિક્ષા થશે, તું રાજા પાસે જા, જઈને એમ ને એમ લીધેલી વસ્તુ બદલ લાગતા પાપની વાત કર, અને કહેજે,

‘હે મહારાજ, મેં આ પ્રકારે મને ન મળેલાં ફળ ખાધાં છે. એટલે તમે મને ચોર ગણજો. રાજધર્મ પાળવા મને શીઘ્ર દંડ આપો.’

આમ વડીલ ભાઈની આજ્ઞા પ્રમાણે વ્રતધારી મહાત્મા લિખિત રાજા સુદ્યુમ્ન પાસે આવ્યા.

દ્વારપાલના મોઢે લિખિત ઋષિના આગમનના સમાચાર સાંભળી રાજા પોતાના અમાત્યો સાથે ઋષિ પાસે જઈ પહોંચ્યા. તે બ્રહ્મજ્ઞાની ઋષિને પૂછ્યું, ‘હે ભગવન્, તમારું આમ આગમન શા કારણે થયું છે? તમે બોલો અને એ પાર પડશે.’

આ પ્રમાણે રાજાની વાત સાંભળીને મહર્ષિ લિખિતે કહ્યું, ‘મહારાજ, પહેલાં તો ‘જે આજ્ઞા થશે તે પ્રમાણે કરીશ.’ એવું તમે વચન આપો, પછી મારી વાત સાંભળીને એ પ્રમાણે કરજો. હે રાજા, મેં મારા મોટા ભાઈની આજ્ઞા વિના તેમના આશ્રમમાં જઈ ફળ તોડ્યાં અને ખાધાં, હવે વિના વિલંબે તમે મને દંડો.’

સુદ્યુમ્ને કહ્યું, ‘હે બ્રાહ્મણશ્રેષ્ઠ, રાજાના દંડપ્રયોગથી જ મનને શાંતિ મળે છે,’ એવું જો જ્ઞાન મળે છે તો રાજાના ક્ષમા કર્યા પછી જ પાપની શાંતિ થાય છે. તમે પવિત્ર કર્મ કરનારા, મહાન વ્રતધારી છો, મેં તમારો અપરાધ ક્ષમા કર્યો, તમને જવાની આજ્ઞા છે. તમારી બીજી કઈ ઇચ્છા છે તે કહો. હું તમારી ઇચ્છા પાર પાડીશ.’

મહારાજ સુદ્યુમ્ને આ પ્રકારે અપરાધ ક્ષમા કરી લિખિત ઋષિને સન્માનિત કર્યા, લિખિત ઋષિએ તેમની પાસે દંડ સિવાય બીજા કશાની અપેક્ષા રાખી ન હતી. રાજાએ મહાત્મા લિખિતના બંને હાથ કપાવી નાખ્યા, ને ઋષિ ત્યાંથી ચાલ્યા ગયા.

ત્યાર પછી લિખિત ઋષિ શંખ ઋષિ પાસે ગયા અને આર્ત બનીને બોલ્યા, ‘હે ભગવન્, મેં દંડ ભોગવ્યો છે, હવે મારા જેવા દુર્બુદ્ધિને તમે ક્ષમા કરો.’

શંખે કહ્યું, ‘હે ધર્મજ્ઞ, હું તારા પર ક્રોધે નથી ભરાયો, તેં મારું કશું અનિષ્ટ કર્યું નથી. તેં ધર્મનું ઉલ્લંઘન કર્યું હતું, એટલે જ તારી પાસે પ્રાયશ્ચિત્ત કરાવી પાપમુક્ત કર્યો છે. અત્યારે ત્વરાથી બાહુદા નદી પર જઈ દેવતા, ઋષિ, પિતૃઓનું વિધિપૂર્વક તર્પણ કર, હવે ક્યારેય અધર્મની આવી વૃદ્ધિ ન કરીશ.’

તે વચન સાંભળીને લિખિતે પવિત્ર નદીમાં સ્નાન કરી પિતૃતર્પણની જેવી ઇચ્છા કરી કે તરત જ કમળ સમાન આંગળીઓવાળા બે હાથ પ્રગટ થયા. વિસ્મય પામીને મોટા ભાઈ શંખ પાસે જઈને ભાઈને તે હાથ બતાવ્યા. તે બંને હાથ જોઈને શંખે કહ્યું, ‘મેં તપના પ્રભાવથી બંને હાથ ફરી ઉત્પન્ન કર્યા છે, તારે શંકા નહીં કરવાની. દૈવ જ આ વિષયના વિધિવિધાનને સફળ કરે છે.’

લિખિતે કહ્યું, ‘હે મહાતેજસ્વી દ્વિજશ્રેષ્ઠ, જો તમારા તપનો આવો પ્રભાવ છે તો તમે પહેલાં જ મને પવિત્ર કેમ ન કર્યો?’

શંખે કહ્યું, ‘હું તારો રાજા નથી કે દંડ કરીને ચોરીના પાપમાંથી મુક્ત કરી દઉં. દંડ કરીને અને દંડ ભોગવીને તમે બંને પિતૃઓની સાથે પવિત્ર થઈ ગયા.’

(શાન્તિપર્વ, ૨૪)