વાયકાઓ
એક
વા વાયો નહોતો
નળિયું ખસ્યું નહોતું
તે છતાંય કૂતરું તો ભસ્યું
એક પાછળ બીજું
બીજા ભેગાં બાર
બારમાં ભળ્યું ટોળું
ટોળું
પૂંછડાં પટપટાવતું એક સૂરે
કંઈ ભસ્યું કંઈ ભસ્યું કંઈ ભસ્યું
અને કરડ્યુંં
કરડી કરડી કરડીને
ફાડી ખાધું
પીધું
રાજ કીધું.
બે
વા વાયો
નળિયું ખસ્યું નહોતું.
તે દેખીને
કૂતરું ભસ્યું નહોતું
ઊભા ઊભા પૂંછડી પટપટાવતું હતું
એક પાછળ બીજું
બીજા ભેગાં ચાર
બારમાં ભળ્યું ટોળું
ટોળું
ઝનૂની ઝડપે
પૂછડાં પટપટાવતું હતું
વા વેગભર વાતો હતો.
નહોતું ખસ્યું તે નળિયું ફંગોળાયું
ગડગોથાં ખાતું ઠીકરાં થતું
પછડાયું કૂતરાંનાં લમણાં પર
લોહીલુહાણ ટોળું
તેમ છતાં
પટપટાતાં પૂંછડાંથી
વામાં
કંઈ વેગ કંઈ વેગ કંઈ વેગ
ભરતું હતું.
ત્રણ
વા વાયો નહોતો
છતાં નળિયું ખસ્યું
ને તે દેખીને કૂતરું ભસ્યું
ભસતાં ભસતાં
આગળપાછળ જોતું રહ્યું
પણ બીજું કૂતરું આવ્યું નહીં.
પાસે આવીને ઊભું નહીં
ભસ્યું નહીં.
એક કૂતરું
એકલું એકલું
બસૂરું
ભસતું રહ્યું ભસતું રહ્યું ભસતું રહ્યું
હાંફી ગયું
ઢળી પડ્યું
વા વાયો નહીં
નહોતા વાતા વામાં
નળિયું ઊડી ગયું...
ચાર
વા વાયો
નળિયું ખસ્યું
તે દેખીને
કૂતરું ભસ્યું નહીં.
કૂતરું ભસ્યું નહીં? કારણ?
કારણ કૂતરું હતું જ નહીં
કૂતરું જ નહોતું?
નહોતું
હતી કેવળ
નહોતું તે કૂતરું ભસ્યાની
વાયકાઓ
વાને ઘોડે ઊડતી
કંઈ વાયકાઓ કંઈ વાયકાઓ કંઈ વાયકાઓ
નળિયું ખસ્યું
કે નળિયનું ન ખસ્યું
તેની વાત તો
વાયકાઓમાં હતી જ નહીં.
પાંચ
એક એવીય વાયકા છે :
વા વાતો નહોતો
નળિયું નહોતું
અને કૂતરું તો શું
કૂતરાંનું પૂછડુંય નહોતું
હતું એક ગામ
ગામમાં હતું
ગામના
કોઈ નવરાનું નખ્ખોદ
કોઈ ગાંડાનું ગપ્પું
હતી કોઈ અવળાની અવળાઈ
કોઈ ઘેલસફાની ઘેલાઈ
અને ગામ આખામાં હતી
વા વાયાની
નળિયું ખસ્યાની
કૂતરું ભસ્યાની
કંઈ ધમાધમ કંઈ ધમાધમ કંઈ ધમાધમ
ગાંધી ૧૫૦
૧
બાપુ!
હું, તમારો આંગળિયાત,
સત્ય શું છે
તે જાણું છું;
પણ આચરી શકતો નથી.
અસત્યને
તિરસ્કારું છું,
પણ તજી શકતો નથી.
તમે સત્યના કર્યા,
હું ધિક્કારના પ્રયોગોમાં
ગરક છું.
૨.
ધાર્યું નહોતું કે
મારું જીવન તે મારી વાણી
ગોખાવતાં ગોખાવતાં
ચતુર વાણિયાની જેમ,
તમે એકાએક પરીક્ષા લેશો, બાપુ!
હૈયે હતું, હોઠે આવ્યું :
મારી વાણી
તે મારુંં જીવન.
૩.
સોયના પૂળામાં
ખોવાઈ ગયેલું એકાદ તણખલું, સૂકું કે કૂણું
શોધતાં શોધતાં
લોહિયાળ કરી નાખેલ આ હાથે,
કઈ રીતે મેળવું
તમારો હાથ, બાપુ?!
૪.
મિસ્ટર ગેન્ઢી
વી આર કાઇન્ડ ઓફ ડન વિથ યુ
યુ મે લીવ અસ નાઉ
નાઉ વી એક્ઝિસ્ટ ઇન ડિજિટલ વર્લ્ડ વ્હેર
નથિંગ ઇઝ રિયલ નથિંગ અનરિયલ આઇધર
ન તો સત્યનો જય ન અસત્યનો પરાજય
ઇન ફેક્ટ નો ટ્રૂથ એન્ડ નો લાઇ્ઝ
ઓન્લી એ સ્પેક્ટકલ ઓફ વાયોલન્સ
વિથ લાઇવ વિઝ્યુઅલ્સ
નોન-વાયોલન્સ ઇઝ ઓલ જન્ક, મિસ્ટર ગેન્ઢી!
નો ક્લીનલિનેસ નો ગોડલિનેસ
એવરીથિંગ કલરફુલ એન્ડ ઇન્સ્ટન્ટ
ઇન્સ્ટન્ટ ડાયરેક્ટ ટ્રાન્સફર
ફોર અ બિલિયન કન્ટ્રીમેન
હેન્સ નો નીડ ઓફ કરન્સી એટ ઓલ
સોરી, નો પ્લેસ ફોર યુ મિસ્ટર ગેન્ઢી
શ્યોરલી વી આર થેંકફુલ ટુ યુ
બટ,
બટ, ટાઇમ ટુ એક્ઝિટ ધ નેશન, ડિયર ફાધર!
ઇન ફેક્ટ વી ગાઈઝ્ કેન હેલ્પ
એન્ડ ડિલિટ યુ
વિથ એ ટચ ઓફ ધ ફિંગર, બાપુ!
૫
સત્યથી ભિન્ન કોઈ પરમેશ્વર નથી
સત્યરૂપી સૂરજનું સંપૂર્ણ દર્શન
સંપૂર્ણ અહિંસા વિના શક્ય નથી
વ્યાપક સત્યનારાયણના પ્રત્યક્ષ દર્શનને સારુ
જીવમાત્રની પ્રત્યે
આત્મવત્ પ્રેમની પરમ આવશ્યકતા છે
આત્મશુદ્ધિ વિના
અહિંસાધર્મનું પાલન સર્વથા અસંભવિત છે
સત્યમય થવાને સારું અહિંસા
એ જ એક માર્ગ છે
પણ આ શુદ્ધિનો માર્ગ વિકટ છે.*
આ લખી રહ્યો છું તે કાગળ,
કાગળ પર અક્ષરો પાડતી કલમ,
કલમને પકડતો
અશુદ્ધ છે.
હાથમાં સ્નાયુઓનો સંચાર,
રગોમાં ધબકતું લોહી,
લોહીને ધકેલતું હૃદય - અશુદ્ધ
ચેતના અશુદ્ધ છે.
સાધન-શુદ્ધિનો તમારો આગ્રહ, બાપુ!
દોઢ સદીએય
મને તમારાથી છેટો રાખે છે!
- ગાંધીજીની આત્મકથાના ‘પૂર્ણાહુતિ’ પ્રકરણમાંથી ઉદ્ધૃત.
૬.
જીવી જીવીને
માણસ સો શરદ જીવે,
તમે તો દોઢસોને આંબી ગયા, વહાલા બાપુ!
હાઉં, બહુ થયું, હવે સિધાવો
તમારો રહ્યોસહ્યો ઓછાયો
હજુ, ક્યારેક ક્યારેક
અણધાર્યો જ વચ્ચે આવી જઈ
અમારાં તાંડવોનો લય
ભંગ કરી નાખે છે.
ત્યારે, થોડી વાર અમે ઘાંઘાં થઈ
સૂધબૂધ ખોઈ બેસીએ છીએ.
પણ ફરી,
ફરી અમારાં વિચાર, વાણી. વર્તનમાં
પ્રકૃતિ પ્રત્યે
પશુ પ્રત્યે
મનુષ્ય પ્રત્યે
ઝેરી વીજળીઓ ફૂંફાડા મારે છે.
હિંસાહારી, હિંસાચારી, હિંસાકારીના આ હાથે
છેલ્લો કટોરો પી જાઓ,
જાઓને હવે, બાપુ વહાલા!
જુઠ્ઠાણાં
૧
મનુષ્ય માત્રને
જીવવા માટે
હવા, પાણી, ખોરાક
અને જુઠ્ઠાણાં
જરૂરી છે.
૨
જુઠ્ઠાણાં
હૈયે...
હોઠે બોલાશમાં બોલમાં
શબ્દના અર્થહીન પોલાણમાં
ચુંબનમાં આલિંગનમાં
હાથમાં હસ્તધૂનનમાં મુઠ્ઠીમાં ચપટીમાં
હથેળીની રેખામાં
કીકીઓ ફરતે રતાશમાં ઝબકતાં ઝબૂકતાં
કર્ણોપકર્ણમાં
શ્વાસમાં ઉચ્છ્વાસમાં
કોષમાં કોષકોષમાં
રક્તમાં ધબકારમાં
ખાટાં ખારાં ખરબચડાં
તૂરાં કાળાં ગળચટાં
ગંધાતાં કોહવાતાં ફુગાતાં
ફૂલતાં ફાલતાં
નિતનવાં નક્કોર જુઠ્ઠાણાં
ખદખદ ખદખદ ખદખદતાં...
૩
મુશ્કેલી એ નથી કે
જુઠ્ઠાણાં જોઈબોલીસાંભળી જોઈબોલીસાંભળીને
આપણને એ જુઠ્ઠાણાં જ લાગતાં નથી કે
જુઠ્ઠાણાં ચલાવતાં ચલાવતાં
આપણે એને કોઠે પડી જઈએ છીએ
મુશ્કેલી એય નથી
આપણે ધીમે ધીમે જૂઠને ઓળખતાં જ
અટકી જઈએ છીએ
ખરી મુશ્કેલી એ થતી હોય છે કે
આપણને ખબર ન પડે તેમ
આપણે એના બંધાણી થઈ જઈએ છીએ
આપણને તલપ લાગે છે
આપણે ઘાંઘા ઘાંઘા થઈ જઈએ છીએ
અને ત્યારે તરતોતરત ત્યારે જ
જુઠ્ઠાણાં ખરેખર આપણી વહારે પણ ધાય છે
૪
કરાલવદનાં જુઠ્ઠાણાં
હાથમાં ખડગ-તલવાર લઈ
વાઘો પર સવાર
લપલપતી જીભે કાળો અગ્નિ વેરતાં
નીકળી પડ્યાં છે
હવા ચીરતાં
વનસ્પતિ વહેરતાં વસ્તી વધેરતાં...
પરખાતાં નથી
દેખાતાં નથી પકડાતાં નથી
અલગ થઈ જતા ધડને પીડા નથી
રઝળી પડેલા માથાને જાણ નથી
નિકંદન વળી ગયેલ આખું વિશ્વ
એમનાં ખુલ્લાં મોંમાં
સમાઈ ગયું છે
૫
ઊગમણે
રાતા ટશિયા ફૂટે અને
ચોમેર
હળવે હળવે પથરાતાં જતાં
અજવાળાં જેવાં
ઝળહળ ઝળાંહળાંહળ જુઠ્ઠાણાં હેઠળ
સચરાચર
દટાતું દટાતું...
દટાઈ જાય
વૃદ્ધો હાંફી ગયા છે
વૃદ્ધો
હાંફી ગયા છે.
વન વચોવચ
અંધારાએ એમને ઘેરી લીધા છે
ફફડતા ઉચ્છ્વાસો
ફાનસના
રાખોડી અજવાળાને
વીંટળાઈ વળ્યા છે
છાતીનો થડકાર
ખભે ઝૂલતી મશકમાં ઊછળી પડતા
પાણીના અવાજ સાથે
અફળાયા કરે છે
ભોંકાય છે એકધારાં
ઝાડી ઝાડવાં કાંટા સુક્કાં પાંદડાં
પથરા ધૂળ ઢેફાં
ક્યાંક
હલબલી ઊઠતી ડાળોમાં
આગિયા ઝગી જાય
કે ઝાંખરાંમાં બોલી ઊઠે તમરાં
પણ
વૃદ્ધો
જાણે છે
અંધારું અપાર છે
પાર
હોય ન હોય,
વન વિશાળ છે
ચુપકીદી અતાગ છે
ને વૃદ્ધો
થાકી ગયા છે
વૃદ્ધો સમય પસાર કરવા
વૃદ્ધો
સમય પસાર કરવા
રમત રમે છે.
એક કહે એ ટારઝન છે
યરઝન જંગલમાં રહે છે
જંગલ ઘનઘોર છે
ડાબા હાથમાં જેનને અને
જમણામાં વડની લાંબી વડવાઈ ઝાલી
એ એક ઝાડથી બીજા ઝાડ પર
કૂદી જાય છે.
લાંબી બૂમો પાડી
પશુઓનાં ટોળેટોળાં ભેગાં કરે છે
જંગલ ખૂંદતાં ખૂંદતાં
સમય પસાર થતો જાય છે
પણ રમત પૂરી થતી નથી
રમત પૂરી થાય તો
ટારઝનનું શું થાય
અને ટારઝન થાકી જાય તો
રમતનું શું થાય
એ વાતે વૃદ્ધો મૂંઝાયા છે
ટારઝનને ગમે તે રીતે
ઠેકડા મરાવ્યા સિવાય છૂટકો નથી
અને એટલે
આરંભેલી રમતનું
હવે શું કરવું તેની
વૃદ્ધોને
ખબર પડતી નથી
વૃદ્ધો જાણે છે
વૃદ્ધો જાણે છે
બકરું કાઢો તો ઊંટ પેસે એમ છે
ઊંટ કાઢે તો વરુ
પંજા પછાડતો
રાતીચોળ આંખો ચકળવકળ ઘુમાવતો ચિત્તો તો
છલાંગ દેવા તત્પર છે જ
પાછળ ખૂંખાર વાઘની આગઝરતી ત્રાડ છે
ફણાં ફૂંફાડતા નાગ
વારંવાર વીંટળાઈ વળતાં
સરી જાય છે થડકતી છાતી પરથી
ઘટમાં ઘોડા થનગનતા નથી
પછડાટ નક્કી છે
પણ વૃદ્ધો
બકરા સાથે ભાઈબંધી કરી લે તોય
વાત પતે એમ નથી
કારણ બકરું જ ઊંટ થઈ જાય એમ છે
બેં બેં કરતું એક બકરું
આ જંગલનું હમણાં તો રાજા છે
અને સિંહનું રાજ આવવું
હજુ બાકી છે
એક હતું ધંગલ
એક હતું ધંગલ
ધંગલનો રાજા એક ત્સિંહ હતો
ત્સિંહ ધંગલના બધ્ધા પ્લાનીઓને થાઈ ધાય...
એટલું બોલતાં બોલતામાં તો
વૃદ્ધ હાંફી જાય છે
ફરી શ્વાસ ભેગો કરી બોલે છે
ધંગલના બધ્ધા પ્લાનીઓએ
એક સભા કલી
ત્સિંહનો હુકમ, રોજ એક પ્લાની દોઈએ
એક સત્સલું કેય કે
હું રાજાને છેતલું
બધ્ધા પ્લાનીઓએ એને લોયકો
પણ સત્સલું તો ગિયું ત્સિંહ પાસે
અહીં
વારતા અટકી ગઈ કારણ
વૃદ્ધ ભૂલી જાય છે કે
સસલાએ સિંહ પાસે જઈને શું કર્યું
એ ખૂબ યાદ કરવા મથે છે
આંખો ચકળવકળ ઘુમાવે છે
અકળાય છે
પણ એને
આગળનું કંઈ જ યાદ નથી આવતું
અધૂરી રહી ગયલી વારતામાં
જંગલનું સિંહનું
અને સસલાનું
અને વૃદ્ધનું હવે શું થશે...
એની તોઈને થબલ નથી
એક વૃદ્ધને
એક વૃદ્ધને
આજે ચિત્ર કરવાનું મન થયું છે
પીંછી ઉપાડતાં પહેલાં જ
ટેરવાં રાતાઘૂમ થઈ ગયાં હોય
એવી આછી રતાશ
આંગળીઓની કરચલીઓ વચ્ચે ઊભરી આવી છે
પાણીની ભીતર સળવળતો સંચાર
ખળભળી ઊઠતો
સપાટી પર તરલ આકૃતિઓ રચે એવું વિહ્વળ
એનું આખું અંગ થઈ ગયું છે
રેખાઓનો આ સરસરાટ અને
રંગોનો ઉછાળ
વૃદ્ધને જંપવા નહીં દે
પ્રગટ થવા મથતું એક ચિત્ર
શરીરમાં ઊંડે ખૂબ ઊંડે
સેલારા મારી રહ્યું છે.
સામે પડેલી કૅન્વાસ
અદૃશ્ય મૂંગા આકારોને
આકારોના પ્રતિબિંબોને ઝીલતાં ઝીલતાં
કોઈ પણ પળે કદાચ અબઘડી
ફાટી જશે એવો
વૃદ્ધને ડર છે.
એવું થાય તો શું
એ વિચારમાં
ચિત્ર કરવાનું જેને મન થયું છે એ જડવત્ વૃદ્ધ
જાણે ફાટી પડવાની તૈયારીમાં બેઠો છે
એક વૃદ્ધ ડોસો
એક વૃદ્ધ ડોસો
ડગમગ પગે ઢસડાતો
રોજ સમયસર પોસ્ટ-ઑફિસ આવે છે
ખિસ્સામાંથી
મરિયમને લખેલો
સરનામા વગરનો કાગળ કાઢી
બે હથળીઓ વચ્ચે દબાવી
કાંપતા શરીરે
લાલ રંગની પેટી સામે ઊભો રહી
હળવેકથી કાગળ એમાં નાખી
લથડતા પગે ઘરે પાછો જાય છે
શરૂઆતમાં તો પોસ્ટ-માસ્ટરે કહેલું,
અલિ ડોસા
સરનામા વગરનો કાગળ તે કેમનો પહોંચે
ડોસાએ હસીને જવાબ વાળેલો
મરિયમને પહોંચે
અચાનક એક દિવસ માસ્ટર બોલાવે છે
અલિભાઈ, મરિયમનો કાગળ આવ્યો છે
ડોસો કાગળ હાથમાં લઈ
આગળપાછળ ચારે બાજુએ જોઈ
પાછો આપતાં કહે છે
મરિયમ પાસે મારું સરનામું નથી
એનો કાગળ કેમનો પહોંચે
બીજા દિવસે
રોજના સમયે વૃદ્ધ અલિ ડોસો
ટપાલપેટી સામે ઊભો રહી
ખિસ્સામાંથી
મરિયમને લખેલો કાગળ કાઢે છે
વૃદ્ધ થવું-ન થવું
વૃદ્ધ થવું-ન થવું
એ હાથની વાત નથી
એવું સમજાઈ જાય ત્યાં સુધીમાં તો
વૃદ્ધત્વ
શરીરમાં ઘર કરી જાય
ને ઘર એટલે વળી ઘર
નિરાંત... મોકળાશ
પોતાપણું અને
કાયમી વાસો
વૃદ્ધો
પહેલાં તો ઘરફોડુને તગેડી મૂકવા મથે
એમ લાગે શરીરમાં એકીસાથે બબ્બે જણા રહે છે
સતત શંકાની નજરે જોયા કરે
પણ છેવટે પડ્યું-પાનું નભાવી લેવાનું
સમાધાન કરી લઈ
ધીમે ધીમે
ઘડપણમાં પૂરેપૂરા સમાઈ જાય
હવે
વૃદ્ધો પાકેપાકા વૃદ્ધો
કોઈક ડાળ પર પીળું પડી ગયેલું પાંદડું ચીંધતાં
કે આથમતો સૂરજ દેખાડતાં
કહેતા ફરે
વૃદ્ધ થવું-ન થવું
એ કંઈ હાથની વાત નથી
એક ઇસમ
એક ઇસમ
અ-ક્ષરોમાં છુપાઈ ગયો
એને થયું
આ શબ્દો એની ઉંમ૨ને વધતી અટકાવશે
સમયની થપાટોને પાછી વાળી
શરીરનું રક્ષણ કરશે
કમનીય મરોડો લોહીને વેગવંતું રાખશે
ધ્વનિઆંદોલનો
શ્વાસનો લય જાળવશે
અર્થ
અજવાળું થઈ
પ્રાણમાં શક્તિ સીંચશે
નર્યો આહ્લાદ વરતાશે
એમ જ થાય અને
એમ જ થાત
પણ એક ગફલત રહી ગઈ
એમ થઈ રહ્યું હતું ત્યારે
અક્ષરો એની જ ભીતર ઊતરી જઈ
ક્યારે મૌન થઈ ગયા
એ તરફ ધ્યાન ગયું નહીં
અને એમ એ મૂંગો
અને વૃદ્ધ
થઈ ગયો
વૃદ્ધો
વૃદ્ધો
દોડી નથી શકતા
એટલે ચાલે છે
ચાલી નથી શકતા
એટલે બેસી રહે છે
બેસી નથી શકતા
એટલે લંબાવવા મથે છે
સૂઈ નથી શકતા
એટલે સપનાં જુએ છે
સપનાંમાં
ઝબકી જાય છે.
જાગીને જુએ તો
શરીર દીસે નહિ
દોડતા
ચાલતા, બેસી-સૂઈ રહેતા
સપનાં જોતા
શરીર વિનાના વૃદ્ધોને
વૃદ્ધો
જોઈ રહે છે
કેડેથી નમી ગયેલી ડોસીને દેખી
કેડેથી નમી ગયેલી ડોસીને દેખી
જુવાન નર માને છે કે
ડોસી હજુય એનું ખોવાયેલું બાળપણ શોધી રહી છે
એ તો બોખું મોં ખડખડ ફુલાવતાં
જવાબ વાળે છે :
ભોંયમાં છુપાયેલ પીટ્યા મરણને
લાકડીની આ ઠક... ઠકથી
હાકોટા દઉં છું
આવ... બહાર આવ
મોઢામોઢ થા
તેં ભલે મારી કેડ આગોતરી વાળી દીધી
લે, આ ઊભી તારી સામે ભાયડા જેવી
તને ચોટલીએ ન ઝાલું ન હંફાવું
એકાદ વાર ન ફંગોળું
તો હું બે બાપની
પછી તું મને ભોંયભેગી કરવી હોય તો કરજે
કેડેથી નમી ગયેલી ડોસીને દેખી
જુવાન નર
સહેજ ટટ્ટાર ઊભો રહેવા મથે છે
છોકરો
છોકરો
હસતાં હસતાં ક્યારેક પૂછી લેતો
ડોસા, ક્યારે જવું છે
ત્યારે એ મલકી પડતો
હું તો ક્યારનોય તૈયાર છું
પણ ઉપરવાળાનું વેમાન નથી આવતું
પછી હળવેથી
છોકરાના માથે હાથ મૂકતો
વાંસો પસવારતો
ઊંચે આકાશમાં ઊડતા પંખીને જોવાનો
પ્રયત્ન કરતો
ઘેરાયેલાં વાદળોને વરસવાનું કહેતો
અને મનોમન
વરસાદની એકાદ ધારને ઝાલી
લાંબી ફાળે
ચાલી નીકળવાની કલ્પના કરતો
બેસી રહેતો
છે...ને... એક વખત હતો ડોસો
છે... ને... એક વખત એક હતો ડોસો
ને એક હતી ડોસી
એક સાંજે
ડોસીડોસી ઘરઘર રમવા બેઠાં
ડોસી કહે
હું થાઉં ખુરશી તું ટેબલ
મૂંગેમૂંગાં તોય પાસપાસે રહીશું
ટગરટગર એકમેકને જોયા કરીશું
ડોસો કહે
હું થઈશ વાટકો તું થાજે થાળી
તને દઈશ તાળી
ડોસી કહે
તું કારેલાનું શાક હું ઊની રોટલી
મારી છૂંછી ચોટલી
રમતાં રમતાં રાત પડી,
રાત પડી ને લાગી ભૂખ
ખાલી ગરવું ખાલી ઠામ ખાલી કૂખ
તે ખાંખાંખોળાં કરી કરીને
ડોસો લાવ્યો ચોખાનો દાણો
ડોસી લાવી મગનો દાણો
ચૂલે મૂકી હાંડલી
પણ ખીચડી કેમેય ચડે નહીં
આંખથી આંસુ દડે નહીં
ડોસી કહે આડોશમાં પાડોશમાં જાઓ
પા-પોણો કળશો પાણી લાવો
ડોસાના પગ ધ્રૂજે ડગલું ભરતાં ઝૂજે
ડોસી ઊભી થવા જાવ
કેડ ન કેમે સીધી થાય
કાચી ખીચડી ખાવા
ખાટલો ખેંચી બેઠાં
બેઠાં... બેઠાં... ત્યાં તો ખાટલો ગયો ખસી
ડોસીબેન પડ્યાં હસી
ને ડોસાભાઈ પડ્યા હસી
સામટાં પડ્યાં હેઠાં
વેરાઈ ગયા દાણાદાણ અડધા કાચા અડધા એઠા
એક ચકો આવ્યો
આવ્યો ને લઈ ગયો ચોખાનો દાણો
એક ચકી આવી
આવી ને લઈ ગઈ મગનો દાણો
રમતાં રમત પૂરી થઈ
ડોસાએ ન ખાધું
ડોસીએ ન પીધું
કીધું, બસ આટલુંક અમથું રાજ કીધું
એક હતો ડોસો એને બે ડોસી
એક હતો ડોસો એને બે ડોસી
એક માનીતી
બીજી અણમાનીતી
પણ ઉંમર વધતી ગઈ એમ
માનીતી કઈ અને
અણમાનીતી કોણ
એમાં ભૂલ થવા માંડી
માનીતીને કહેવાની વાત
અણમાનીતીને કહેવાવા લાગી
અને અણમાનીતીથી છુપાવવાની વાત
છતી થતી ગઈ
મૂંઝવણનો કોઈ ઉકેલ નહોતો અને
વરસોનું ટેવાયેલું મન
કેમેય કરી બદલાય એમ નહોતું
તોડ કાઢવા
ડોસાએ મરી જવાનો ઢોંગ કર્યો અને
મોંફાટ રડશે તે માનીતી એવું નક્કી કર્યું
પણ થયું એનાથી ઊલટું
ડોસીઓ
આંખો મીંચકારતી એકમેકને તાળી દેતી
બોખાં મોંએ ખડખડાટ હસવા લાગી
મરી જવાનો ઢોંગ કરતો ડોસો
પારખું કરવા જતાં
ખરેખરનો ઊકલી ગયો
એક વૃદ્ધ
એક વૃદ્ધ
ખિસ્સામાં મુઠ્ઠીભર આગિયા સંઘરી રાખે છે
અંધારુંં ઊતરે
ઘેરાય
ત્યારે એમાંથી બે-ચાર કાઢી
મુઠ્ઠીમાં પકડી રાખે છે
પછી આંગળી-અંગૂઠાથી કાણું કરી
ઝગઝગતા આગિયાને
ઝાંખુંપાંખું જોઈ રહે છે
આકાશનું દર્શન થઈ જાય એટલે
હળવેકથી આંગળીઓ ઉઘાડી
એકેક તારાને
અંધારામાં ઉડાડી દે છે
ખખડધજ*
ખખડધજ
લગભગ અંધ, બહેરા અને મૂંગા ડોસાને
ખડતલ ખભે ઊંચકી
જુવાન
આઘે આઘેના ડુંગર તરફ
સૂરજ ઊગે તે અગાઉ
લાંબી ડાંફો ભરતો નીકળી પડ્યો છે
બપોર થતાં સુધીમાં
નાનીમોટી ખીણો વળોટીને
એને ટેકરીઓમાં ઊંડે સુધી પહોંચી જવું છે
ડોસાને
અડધે રસ્તે જ
જંગલ વહેરતી કિલકારીઓ સંભળાવા લાગેલી
સમડી-ગીધોના ચકરાવાના પડછાયા દેખાવા લાગેલા
પણ એનું મન
જુવાનની પિંડીઓમાં અમળાતું રહ્યું
ટોચે પહોંચતાં સુધીમાં
ઢગલો થઈ ફસડાઈ પડે તે પહેલાં
ડોસો એક અવાવરું ખડક પર ઊતરી
બિહામણા સૂનકારને શ્વાસમાં ભરી
હાંફ બેસાડવા મથી રહ્યો
ખરી ગયેલાં પાંદડાંની ઘૂમરીએ ચડેલા ડુંગરમાં
ગીચ ઝાડી પાછળથી સાવ અચાનક ત્રાટકનાર
કોઈ ભુખાળવા હિંસ્ર જનાવરનો કે
છેવટે ડુંગરને રહેંસી નાખનાર અંધારાનો
અત્યારે ડોસાને લગરીકે ભય નથી
ચિંતા છે વળાવી જનારની,
દિવસ આથમી જાય તે અગાઉ
એ હેમખેમ ડુંગર ઊતરી જાય તેની
- આ કાવ્યનો સંદર્ભ : જાપાની ફિલ્મ ધ બૅલેડ ઑફ નારાયામા’ – જેમાં એક એવા ગામની કથા છે જ્યાં કારમી ગરીબીને કારણે ઘરડી વ્યક્તિઓને કુટુંબીઓ દ્વારા જ દૂરના નારાયામા પહાડ પર જીવતાં તજી આવવાની પ્રથા હતી જેથી ઘરમાં એક ઓછી વ્યક્તિનું પેટ ભરવાનું રહે. આવી પ્રથા દક્ષિણ ભારતના કોઈ ગામમાં પણ હતી એવું સાંભળ્યું છે.
જમ ઘર ભાળતો નહીં અને
જમ ઘર ભાળતો નહીં અને
ડોસી મરતી નહીં
અને ડોસી મરતી નહીં એટલે જીવતી
ખાટલામાં ટૂંટિયું વાળીને પડી રહેતી
ચાદરની બહાર પગ ન ફેલાવતી
જરઠ કાયા ચીંથરે વીંટાળેલી રાખતી
ક્યારેક મોં સહેજ બહાર કાઢી
આજુબાજુનું જોવાનો પ્રયત્ન કરતી
પણ ઝાઝું વરતી ન શકતી
ઊંહકારો કર્યા વિના
ડોકી અંદર સેરવી લઈ
સાવ ખાલીખમ્મ ખાટલો હોય એમ પડી રહેતી
પડ્યાં પડ્યાં
ક્યારે જાગતી અને ક્યારે ઊંઘતી
એની એનેય ખબર ન રહેતી
એક તરફ
આખું આયખું ભુલાઈ ગયેલું અને
આ તરફ ઘર આખું ડોસીને વીસરી ગયેલું
ખાંસી ખાતી ત્યારે
જીવતી હોય એમ લાગતું
પણ જમ ઘર ન ભાળી જાય એટલે
ડોસી મરતી નહીં
એ ખુરશી પર બેઠો હોય અને
એ ખુરશી પર બેઠો હોય અને
બાજુમાંથી પસાર થઈ જનારની
નજરે સુધ્ધાં ન ચડે એ તો એને સમજાતું
પણ એ બેઠો હોય એની એનેય ખબર ન પડે
એ વાતે એ અકળાતો
કશુંક બોલવું હોય
ત્યારે એકેય શબ્દ ન જડે
કે જડે તો રૂંધાતા ગળામાંથી બહાર ન નીકળે
તે બાબત પણ હવે લગભગ કોઠે પડી ગયેલી
તણાઈને જોવા મથતી આંખો
અવરજવર કરતાં ધાબાંથી ટેવાઈ ગયેલી
મોં પર હથેળી ફેરવતાં
કઈ ચામડીમાં અડવું નહોતું રહ્યું
એય કળી ન શકાતું
પણ વૃદ્ધને ઘણા વખતથી ખાતરી થઈ ગઈ હતી
એ ગેરહાજરીમાં જીવી રહ્યો હતો
હાજર અને ગેરહાજર એકીવેળાએ
ક્યારેક તો ગેરહાજરી એટલી નક્કર લાગતી
કે એ ક્યારેય હતો કે કેમ એની શંકા થતી
ઘરડા થવા અગાઉ એણે કલ્પના કરી રાખેલી કે
ઘડપણથી બૂરું કંઈ નહીં હોય
પણ હવે એ ધારણા બદલાઈ ગયેલી
આ હોઈને ન હોવું તો ઘડપણથીય બદતર
હોઈને ન હોવું તો
ન હોવા કરતાંય ભૂંડું
રસ્તો ઓળંગી જવા માટે
રસ્તો ઓળંગી જવા માટે
એ દંપતી
એકમેકના હાથ ઝાલીને
ડાબેજમણે જોયા કરતું ક્યારનુંય ઊભું છે
ડગલું માંડવું કે ઊભા રહેવું
એ નક્કી જ થઈ શકતું નથી
સપાટાબંધ દોડ્યે જતાં વાહનો વચ્ચેથી
સામે પાર પહોંચાશે કે કેમ
તેની ભારે મૂંઝવણ છે
પગ ઉપાડવા જાય ત્યાં તો
હથેળીઓ સજ્જડ ભિડાઈ જઈ
એમને પાછળ ખેંચી લે છે
આમ ને આમ ઊભાં ઊભાં
એમનાં ગાત્રો ઢીલાં થઈ રહ્યાં છે
મોઢાં સુકાઈ રહ્યાં છે
શરી૨ આખામાં ધ્રુજારી થઈ રહી છે
રુવાંટાં ઊભાં થઈ ગયાં છે
હાથમાંથી હાથ હળવેથી સરી રહ્યા છે
ચામડી બળી રહી છે
મન ભમી રહ્યું છે અને
એમનાથી હવે ઊભા રહેવાય એમ નથી
રસ્તો પાર કરવાનું માંડી વાળી
એ બન્ને
ક્યાંક એક તરફ આઘે
બેસી જવા માટે
થોડી અમથી જગા શોધતાં
ભીડમાં અટવાઈ ગયાં છે
એને ખબર પડતી નહોતી
એને ખબર પડતી નહોતી
એ ઘરડો થઈ ગયો હતો
એટલે એકલો પડી ગયો હતો
કે એકલો પડી રહ્યો હતો
એટલે ઘરડો થઈ રહ્યો હતો
એને ખબર પડતી નહોતી
આમ ને આમ ક્યાં સુધી એ ઘરડો થશે
આમ ને આમ એકલો
એને ખબર પડતી નહોતી
એ ઘરડો વધારે હતો
કે વધારે એકલો
એને ખબર પડતી નહોતી
ઘડપણ સારું
કે એકલતા
એને ખબર પડતી નહોતી
અને હતો-ન હતો ઘડપણે કરી દીધો હતો
કે એકલતાએ
બીજમાં વૃક્ષ કે વૃક્ષમાં બીજની જેમ
એને ખબર પડતી નહોતી
એને ખબર પડી નહોતી
એને ખબર પડવાની નહોતી
પણ એને ખબર પડતી હતી
એ ઘરડો થઈ ગયો હતો
અને
એ એકલો પડી ગયો હતો.
નવ્વાણુ વૃદ્ધો
નવ્વાણુ વૃદ્ધો
વનમાં ઊંડે સુધી
એની પૂંઠે પૂંઠે પહોંચી આવ્યા છે
એકસો અઠ્ઠાણું ધ્રૂજતા, લબડતા હાથ
ઊંચા થઈ એની તરફ લં. બા... ય... છે
એકમેકમાં ગૂંચવાઈ જાય છે
હેઠા પડી જાય છે
એમની આંખો જરાક વાર ખૂલી રહે ત્યારે
ઝાંખા અંધારામાંય
એને એમનાં અલપઝલપ બિંબ દેખાઈ જાય છે
ઢળી પડતાં પોપચાં વચ્ચેથી
એ પણ સામટો વેરાઈ જઈ
અંધારાને વધુ ઘેરું કરી નાખે છે
એમનો નકરો ગણગણાટ
એના બહેરા કાન પર પડે છે
પણ પાછી પાની કરવા માટે
એનાં ગાત્રોમાં લગીરે સંચાર નથી
લથડતી પણ મક્કમ ચાલે
આગળ વધી રહેલા
થાકી ગયેલા વૃદ્ધોને એની ભીતર ઊતરી જતા
એ અટકાવી શકતો નથી
છેવટે
એય ફસડાઈને બેસી પડે છે
ઘૂંટણ ૫૨ કોણી
હથેળીમાં હડપચી ટેકવી બેઠો રહે છે
નર્યા અંધારામાં અંધારું થઈને
ચૂપચાપ
એકલો
એકલો બેઠો વિચારે છે
શત શરદનું આ વન, વિશાળ છે
શત વળે ચડેલું અંધારું અહીંનું, અપાર છે
છાતીના થડકારથી શતગણી ચુપકીદી,
અતાગ છે
ને એ થાકી ગયો છે
અનેકએક
૧
અનેક એક
અન્-એક એક
અનેક અને એક
અનેક કે એક
અનેકમાં એક
અનેકથી એક
અનેકનું એક
અનેકક
કે એકાનેક
એકમાં અનેક
અનેકમાં અનેક
એકમાં એક
એક અનેક
હોઈ શકે છે.
પણ
અનેકએક
હોય છે.
૨
વિશેષણ વિશેષ્ય વચ્ચે
અંતર ન રહેતાં
વિશેષતા ન રહી
ઉપમાન-ઉપમેય
સમાન થઈ જતાં
ઉપમા અનન્ય થઈ
ધ્વનિ શબ્દમાં
શબ્દ ધ્વનિમાં અનુસ્યૂત થતાં
વ્યક્ત રસમય થયું
અનેક એક...
વચ્ચે અંતર ન રહેતાં
સમાન થઈ જતાં
અનુસ્યૂત થતાં
અનેકએક અવિશ્લેષ્ય થયું
લખતાં લખતાં
કાગળને
ઝીણું કાતરું છું
કોરાપણું શોધું છું
લખતાં લખતાં
મારી ક્ષરતાનાં
એક પછી એક પડળ
ઊંચકાતાં જાય છે
અક્ષરઝાંખી થઈ જાય..
૦
લખતાં લખતાં
લખાઈ જાય
અક્ષરો ઘૂંટાઈ જાય
આકૃતિ રચાઈ જાય
લખતાં લખતાં
શબ્દો સુધી પહોંચ્યા તંત
અણધાર્યા
નિર્મમપણે કપાઈ જાય
અને વધુ એક આરંભ
હાથમાંથી સરી જાય
૦
લખતાં લખતાં
લખાતું નથી
ડુંગર ખૂંદવા છતાં
શિખર પર પહોંચાતું નથી
સામે ઊભો થતો હોય અન્ય ડુંગર અને
હાથની ધજા
હાથમાં જ રહી જાય એમ
લખતાં લખતાં
ગબડી પડાય
અતળ કોરાપણામાં
૦
લખતાં લખતાં
અક્ષરોના મરોડોમાં વહ્યા કરું છું
કાગળની સપાટી પર પથરાયેલું
ઊંડાણ જોઉં છું
તાકું છું તાગું છું
સપાટી પર રહી ઊંડાણેથી
ઊંડાણે ઊતરી સપાટી પરથી
અક્ષરોને
બેઉ તરફથી ઉકેલવા મથું છું
૦
લખતાં લખતાં
થાકી જાઉં હારી જાઉં છું
દાવ દેવાઈ જાય
બાજી સંકેલાઈ જાય
લખતાં લખતાં
તડકો ડૂબી જાય
દરિયો ઊડી જાય
આકાશ ઓસરી જાય
લખતાં લખતાં
આંગળીઓ અકડાઈ જાય
શ્વાસ લડથડી જાય
કોરો કાગળ જીતી જાય
૦
લખતાં લખતાં
ક્યારેક કાગળ ઊઘડી જાય
ભીતર લઈ જાય
અક્ષરોને ખોલી ઝગમગ
ઝગમગમાં ઊઘડતાં આકાશ
આકાશમાં ઊછળતા સમુદ્ર
સમુદ્રોમાં ઝબૂકતાં પંખી
દેખાડે
પંખી સમુદ્ર આકાશ ઝગમગને
અક્ષરોમાં ગોઠવતાં ગોઠવતાં કોઈવાર
પાછા ફરવાની દિશા ખોવાઈ જાય
૦
લખતાં લખતાં
શબ્દનો અર્થ અર્થનું અજવાળું
અજવાળાનો આહ્લાદ
મળતાં જાય
મેળવેલું ઘણું બધું
લખતાં લખતાં ખોવાતું જાય
૦
લખતાં લખતાં
લખવું અઘરું છે
લખતાં લખતાં અટકવું કપરું છે
લખતાં લખતાં
ભૂંસવું સરળ છે
હાથવગું છે
૦
લખતાં લખતાં વિચારું છું
આ હાથ
આ કલમ
કે આ કાગળ લખે છે?
કે આ હાથ કલમ પકડી
કાગળ પર લખે છે?
કે કલમ અને કાગળ લખે છે?
કે હું લખું છું?
લખતાં લખતાં વિસર્જિત થાઉં છું
કે લખતાં લખતાં હું રચાતો આવું છું?
૦
લખતાં લખતાં
અક્ષરોનાં નિરંતર કંપનોમાં
નિષ્કંપ થતો જાઉં છું
વાગીશ્વરીને
પવનમાંથી
સરી રહ્યો છે વેગ
તરંગ જળમાંથી
ન અગ્નિ અગ્નિમાં
ન ધરા ધરી પર
બુંદ...બુંદ.. આકાશ
ન નેત્રમાં તેજ ન બળ ગાત્રમાં
ન લય રક્તમાં
ન કંપ કર્ણવિવરમાં
જિહ્વા પર મૂર્છિત વાણી
શ્વાસ નિષ્પ્રાણવાયુ
અંગુલિઓ અચેત
હે વાગીશ્વરી!
કરકમળ ખંડિત વિશ્વો લઈ આવ્યો છું
આમ તો
પવન અગ્નિને આકુળ કરે
જળ ઠારે
આકાશ જળ થઈ
વીંટળાઈ વળે પૃથ્વીને
ધરા
ધારે અગ્નિ જળ પવનને
આકાશ
અગ્નિ જળ પવન વરસે
આમ તો
અગ્નિ જ તેજ
જળ રક્ત
છતાં વાગીશ્વરી
તેં દીધાં વારિ અને વાણીને
કદરૂપાં કર્યાં છે
અગ્નિને રાખ
શ્વાસને અંગારવાયુ
પ્રાણને અશબ્દ કર્યો છે
લે પવન
લે જળ
લે અગ્નિ આકાશ લે ધરા
દે
વરદે
વર દે... દે શાપ
અશક્ત છું
છું અવાક્
વર્તુળ
૧
કેન્દ્ર ભણી
ધસધસ વહી આવતી
પ્રચંડ
નિર્બંધ રિક્તતા
પરિઘે
ખાળી લીધી છે
આંતર્-બહિર કેન્દ્રીયતા
સામસામે
૨
નર્યા ખાલીપાપૂર્વક
સમગ્ર વર્તુળ
કેન્દ્રને
આશ્લેષે છે
પ્રપૂર્ણ એકાગ્રતા
એને
ભુજા આઘે
ગ્રહી રાખે છે
૩
વર્તુળ વગરનું કેન્દ્ર એક અમથું ટપકું
રઘવાયું નિરાકાર
કેન્દ્રબિંદુ વગરનું વર્તુળ
અમસ્તો
અન્-અર્થ
ચકરાવો
શૂન્યાકારનો
૪
ત્રિજ્યા સિવાયના તમામ સંપર્ક
કેન્દ્રને
અવગણે છે
ત્રિજ્યા,
શક્ય અનંત ત્રિજ્યાઓને
અનંત ત્રિજ્યાઓ
કેન્દ્ર પરિઘ વચ્ચેના
અવકાશને
૫
અનેકાનેક વર્તુળ
એકમેકને
છેદી વિચ્છેદી રહ્યાં છે
પરિઘ પરનાં બિંદુ કેન્દ્ર
કેન્દ્ર પરિઘનો બિંદુ થઈ
એક
નિર્લય આકૃતિ
ઉપસાવી રહ્યાં છે.
૬
પરિઘને નથી આદિ ન અંત
ન કેન્દ્રને.
રિક્તતા
સમેટાઈ ઘનઘટ્ટ થઈ
બિંદુમાં રમમાણ રહે
કે
પ્રસ્તારે
અનવરત પરિભ્રમણમાં
રિક્તતાના આકારભેદ
કેન્દ્ર-વર્તુળ
અદ્વૈત છે.
૭
સામસામા
બરોબર અડધોઅડધ હિસ્સા
ગોઠવી દઈ
કેન્દ્રે
અથ-ઇતિનું છદ્મચક્ર
ધારણ કર્યું છે.
વ્યાસજી
વચ્ચોવચ્ચ રહી
પૂર્ણતાને અવરોધી રહ્યા છે.
૮
આ
એકધારું
એક અંતર
કેન્દ્રનું પરિઘથી
પરિઘનું કેન્દ્રથી
શબ્દકાળાતીત
એનું એ... નિરંતર
અંતરો
ક. ભૌમિતિક
૧
રેખા
તમામ
અંતર માપ્યાં
તમામ
અંતર
રાખ્યાં
૨
છેદતી રેખાઓ
એકમાત્ર
શૂન્યાંતર
પૂર્વે પશ્ચાદ્
ઘટતાં વધતાં
અનિરુદ્ધ અંતરો
એક ફલક પર
એકમાત્ર શૂન્યાંતર
૩
સમાંતર રેખાઓ
ક્યારેય
કોઈપણ બિંદુએ
એ જ એ
સાંત સમાંતર
અનંતતા જ
નિર્ભ્રાન્ત સત્ય છે
કદાચ
૪
વર્તુળ
એક ક્ષણ
કેન્દ્ર પરિઘ વચ્ચેનું
અંતર
વિલીન થઈ ગયું
પરિમિત અને અપરિમેય
એક ક્ષણ
એકરૂપ
હતાં
૫
બિંદુ
અન્અન્યતાને
ન કોઈ અંતર
ન અંત
ન ઉત્પત્તિ ન વૃદ્ધિ
ન લય
ન સમય
ખ. સામયિક
૧
સ્તુતિ
સમયઅંતર
વક્રતુંડ
મહાકાય
સૂર્યકોટિસમપ્રભઃ હોય છે
સીધાં સરળ હોય છે
આડાં આછાં
હળવાં ભારેખમ્મ
પારદર્શી ધારદાર
ખરબચડાં
ઝીણાં ઝાંખાં હોય છે
અદૃશ્ય અશ્રાવ્ય
અસ્પૃશ્ય હોય છે
સ્થૂળ સૂક્ષ્મ હોય છે
સાકાર હોય છે
નિરાકાર હોય છે
એકસામટાં સર્વત્ર
ને સનાતન હોય છે
૨
જૂજવે રૂપે
વારિમાં
અગ્નિ આકાશમાં
રંગ ઋતુ ગંધમાં
સ્વાદમાં
શબ્દમાં અર્થમાં નાદમાં
બ્રહ્મમાં
સત્યમાં જગતમાં જૂઠમાં
જડ અને ચેતને
સમયનાં અંતરો
જૂજવાં રૂપમાં
૩
સાપેક્ષતા
ન હોય કેવળ ગતિ
ન
કેવળ સ્થિતિ
હોય
આરંભ અને અંતની
અપેક્ષાએ જ,
ન હોય કેવળ સમય
૪
મૂકમ્ કરોતિ
સમયનું અંતર
વાચા શોષી લે છે
દૃષ્ટિ હરી લે છે
થળને જળ
જળને અગ્નિ
અગ્નિને શાંત કરે છે
રાઈને પર્વત
પર્વતને રાઈ
રાઈને રજકણ કરે છેે
સમયનું અંતર
મૂકને વાચાળ કરે,
પંગુને સાગર પાર કરાવે છે
૫
ક્ષણ
ક્ષણને
શસ્ત્રો છેદતાં નથી
અગ્નિ બાળતો નથી
જળ ભીંજવતું નથી
પવન સૂકવતો નથી
ગ. દૈહિક
૧
જન્મ
નાળ છેદાતાં જ
અન્ય શરીર
રુધિરનો અન્ય લય
હૃદયનો ભિન્ન થડકાર
શરીરો વચ્ચે
અવિનાશી
અશરીરી અંતરો
૨
દાંપત્ય
દેહસરસા દેહ
વચ્ચે
તસુ, જોજન પણ
પ્રસ્વેદ, અશ્રુ પણ
પ્રસન્નતા, ખિન્નતા પણ
સહશયન, સહદમન પણ
ભવોભવ, વિપ્રયોગ પણ
૩
અપ્રત્યાયન
અડ્યું
અડાતું નથી
પેખ્યું પેખાતું નથી
ચાખ્યું ચખાતું નથી
સૂંધ્યું સૂંઘાતું નથી
સાંભળ્યું
સંભળાતું નથી
૪
વાર્ધક્ય
અહો....
સુદીર્ઘ કેવું...
કેવું કુટિલ... અંતર આ
શરીરમાં શરીરનું
૫
સિદ્ધાન્ત
બધાં જ શરીરો વચ્ચે
જેટલું આકર્ષણ હોય
સામું
બરોબર એટલું જ
અપાકર્ષણ
હોય છે
ઘ. અન્ય
૧
અન્યતા
પ્રકાશવર્ષોની દૂરતા
સૂક્ષ્માતિસૂક્ષ્મ નિકટતા
એક જ છે
અન્યતા
અન્યતા જ છે
૨
ભાષા
માણસે માણસની જુદી ભાષા
માણસે માણસનાં જુદાં જગ
વક્તાવ્યક્ત વચ્ચે
ભાષા અંતરાય
અવ્યક્ત, વ્યક્ત ભાષાથી જ
અંતર ઓછાં કરે
એ જ અંતર રાખે
૩
ભ્રાંતિ
હતાં.
તે દેખ્યાં નહિ
નહોતોને જાણ્યાં
ઘટાડ્યાં, વધ્યાં વકર્યાં વીફર્યાં
રાખ્યાં રહ્યાં નહિ
ભ્રાંતિનો અંતર
શ્વર્યા ઉચ્છ્વસ્યાં જીરવ્યાં જીવ્યાં
૪
બ્રહ્માંડ
ઉત્પત્તિ સ્થિતિ લયનાં
આકર્ષણ-અપાકર્ષણનાં
ગતિ-ઊર્જાનાં
પ્રચંડ અંતરોમાં
અનેકકોટિબ્રહ્માંડો
સમતુલિત
યત્ બહ્માણ્ડ તત્ પિણ્ડે
૫
અંતર્લીનતા પછી
શબ્દમાં શબ્દાતીત
અર્થમાં અર્થાતીત
સ્થળમાં સ્થળાતીત
કાળમાં કાળાતીત
દેહમાં દેહાતીત
ક / ખ / ગ / ઘ
એવું ન હોય,
બધું
બધું જ
એકરૂપ
એકાકાર
એક જ હોય
ને કોઈ અંતર
હોય જ નહિ?
બજારમાં
બોરાં લઈ બેઠો છું બજારમાં
ગામ નાનું માણસ ઝાઝું
તે બોરીઓ ભરી ભરીને
ઠલવાયું છે બોર ખચોખચ સૂંડલાઓમાં
બોલે છે તે બોર વેચે છે
બૂમો પાડે તે વધુ બોર વેચે છે
ગાઈ-વજાડી ગાજે તે ટપોટપ બોર વેચે છે
કોઈ પેટીવાજું વગાડી દોડાદોડ કરે
કોઈ જોડકણાંનો શોર મચાવે
કોઈ ટુચકાઓ વેરે છે
કોઈ તો વળી તાળીઓ પાડી ઠૂમકા દેતો
નાચી લે છે
રંગબેરંગી ચળકતાં પડીકાંમાં વીંટાળેલાં
બોર વચ્ચે ઠળિયા
ને પાકાં હેઠળ અધકાચાં સડી ગયેલાં
ક્યાંક ક્યાંક તો
શરમ મૂકી
ભેળાભેળા કાંકરા પણ વેચાય છે
ભોળિયું લોક હોંશે-હોંશે
મુઠ્ઠેમુઠ્ઠા બોર ખરીદી હરખાતું જાય છે
તોલ તાજગીમાં ગોલમાલથી
બજાર ઊભરાય છે.
ને સહુને બોર વેચવા છે
હુંય મારાં બોર લઈ આવ્યો છું ને
ચાખી ચાખી
એકેક બોર અલગ કરતો જતો
બેઠો છું બજારમાં ચૂપચાપ
કશું ખોવાતું નથી
કશું ખોવાતું નથી
કશું
જડતું નથી
ખોવાતું નથી તે હોતું નથી
ખોવાય છે
તે ખોવાતું નથી
ખોવાતું નથી તે જડતું નથી
જડતું નથી તે જડતું નથી
ખોવાય કશું જડે કશું
જડે કશું જડે જડે
જડતું નથી
જડતું નથી તે હોતું નથી
હોય છે
તે હોતું નથી
હોતું નથી તે ખોવાતું નથી
હોય છે તે જડતું નથી
ખોવાયું ખોવાતું નથી
જડ્યું જડતું નથી
હોય છે હોતું નથી
હોતું નથી તે હોતું નથી
જાદુગર
એક
જાદુગરે
હૅટમાંથી સસલું કાઢ્યું
કોટમાંથી કબૂતર
ડાબા હાથે સંતરું
સંતરામાંથી ખોવાયેલી વીંટી
આંખો મીંચી
કશું ગણગણી
ઇલમની લકડી ફેરવી
મુઠ્ઠીમાં
માગ્યું તે દીધું
આંગળી અડકાડી
ટુકડા કરેલું જોયું
એકને બમણું
બમણાને ઘણું
ઘણાનું એક કર્યું
સાવ સામે જ હતું
તે અલોપ કરી દીધું.
પછી જાદુગરે ખડખડાટ હસ્યા કર્યું
ટોળામાંથી
એક છોકરો કહે :
જાદુગર
તારા જાદુની
મને બીક લાગે છે.
તું
મને પતંગિયું બનાવી
ઉડાડી દે તો?
જાદુગરે
ખડખડાટ હસ્યા કર્યું
હાથની પાંખો કરી
જાદુગર
છોકરાની આંખોમાં ઊડી ગયો.
બે
કોઈપણ ફૂલનું નામ બોલો
જાદુગર
એની સુગંધ ઉડાડે
મનના છાના ખૂણે
ધરબી રાખેલી વાત
પટ્
પકડી પાડે
જાદુગરની આંખે પાટા વીંટો
હાથપગને મુશ્કેટાટ સાંકળો બાંધો
તાળાકૂંચી લગાવો
અહીંથી ગાયબ થઈ
ત્યાં નીકળે
આંખોના અણસારે
કાગળ પર શબ્દો વેરે
ફૂંકથી અક્ષરો ભૂંસી નાખે
ઝડપમાં
દૃશ્યાદૃશ્યની જાળ
ગૂંથે
વિખેરી નાખે
ઘૂમરાતી લાકડી પર
સમયના
ત્રણે ખંડ ટેકવી દે
ઉન્માદની કોઈ પળે
પડદો ઊંચકતાં
કહી દે :
વાત સાવ સાદીસીધી છે
દેખાય છે તે હોય જ
ન દેખાતું ન જ હોય
એવું નથી
ત્રણ
યે ડંડૂકા તોડુંગા... તેરા જાદુ પકડુંગા
ચપટી ખંખેરી હાથ ઉછાળી
લાકડી ફેરવતો જાદુગર કહેઃ
લે તાળી...
ત્યાં તો છોકરાની હથેળીમાં
એક ઊંચું ઊંચું ઝાડ ઊગી આવે
ભરચ્ચક ડાળોમાં ઝૂલતું
એ ઝાડ પર
છોકરો સર્...સર્... ચડતો જાય
એકેક ડાળ
ફૂલોથી ફળોથી લચી પડેલી
કલબલતી
ઠેકઠેક પંખીના ઝૂંડ
ડાળથી ડાળ
છેક છેલ્લી ડાળે
જાદુગર
વાંસળી વગાડે
ફરતે
પાંખો ફરફરાવતી પરીઓ ઊડે
ગંધ ઢોળે
જાદુગર
વાંસળી અળગી કરી કહેઃ
દે તાળી
ને છોકરો
મુઠ્ઠી ભીડી સડસડાટ દોડે
જુએ તો
પાંદડે પાંદડે ખડખડાટ હસતો જાદુગર
ને ખળભળતું આખું ઝાડ
સાવ હેઠે ઊતરે ત્યારે
હથેળીમાં
વીખરાઈ રહેલું ધુમ્મસ
સામે
આંખો ઉલાળતો જાદુગર
કહેઃ
લે... આ લાકડી
છોકરાના લંબાયેલા હાથમાં
પીંછું
ઘેટાળાં ઘોડાં*
ઘેટાંના ટોળામાં
થોડા
ઘોડા છે
દરેક ઘેટું
દરેક ઘોડાને ઘેટું સમજે છે
દરેક ઘેટુ
દરેક ઘેટાને ઘોડો સમજે છે
દરેક ઘોડો
દરેક ઘોડાને ઘોડું સમજે છે
દરેક ઘોડો
દરેક ઘેટાને ઘેટો સમજે છે
ઘોડાંના ટોળામાં
થોડા
ઘેટા છે
(* આ કાવ્યમાં અનુસ્વારયોજના સપ્રયોજન છે.)
પતંગિયા પાછળ દોડતો છોકરો
પતંગિયા પાછળ દોડતો છોકરો
દોડતાં દોડતાં ઊડવા લાગ્યો
પવને
એને તેડી લીધો
ઝાડવાં મેદાન મકાન રસ્તા
નદી ઝરણાં ડુંગરા...આઘે આઘે વહેતાં ગયાં
આકાશ ઓરું ને ઓરું આવતું ગયું
છોકરાએ હાથ પસાર્યા... ઉગમણાં અજવાળાં ઊંચકાયાં
આથમણાં અંધારાં ઢોળાયાં
વીંઝ્યા... હેઠળ વનોનાં વન... રણ થયાં ફૂંકાયાં
રણ દરિયા...દરિયા સપાટાબંધ પાર
આરો ઓવારો નહિ
વીંટાળ્યા તો બથમાંથી સૂરજ સરી ગયો
મુઠ્ઠી ભીડી મુઠ્ઠીમાં ચાંદો
ખોલી કે હથેળીમાંથી નક્ષત્રો વેરાયાં
ઊડતો છોકરો
ઊડતાં ઊડતાં વાદળમાં પેસી ગયો
ઢગના ઢગમાં ન દોડવું ન ઊડવું
સરકવું લસરવું હળવા હળવા થતા જવું
ભીનીભીની વાછંટમાં ફરફર ફોરાં થવું
ઘડીકમાં આખું અંગ ધોળુંધફ્ફ
ઘડીકમાં કાળું રાતું ગુલાબી પીળું
ઝીણાં ટીપાંમાં બંધાવું-વેરાવું
વીજળીને રણઝણાવી આખેઆખું આકાશ ગજવવું
એકાદ સૂર્યકિરણને ઝાલી ઝૂલવું
ઝૂલતો છોકરો
ઝૂલતાં ઝૂલતાં મેઘધનુષ પર કૂદી ગયો
લસરી ગયો એક છેડેથી બીજે
બીજેથી પહેલે
સાતરંગી ધુમ્મસ ઓઢી જોઈ રહ્યો ઝરમર પૃથ્વી
જોઈ રહ્યો ઝબૂક ઝબૂક તારા
જોતાં જોતાં છોકરો ગબડી પડો પવનની ખાઈઓમાં
ગબડતો ગબડતો છેક ડુંગરની ટોચે ઊતરી આવ્યો
ડુંગરના ઢાળ પર દોડતા છોકરા પાછળ ઊડતાં પતંગિયાં
ઊડતાં ઊડતાં...
આઠ પતંગિયાં
રાતું પતંગિયું
પતંગિયાની
રંગબેરંગી ઊડાઊડમાં
પવનના
એક પછી એક
દરવાજા
ઊઘડતા જાય છે.
સોનેરી પતંગિયું
સકળ સૃષ્ટિના રંગ
ખરી રહ્યા હતા
એ પળે
એક સોનેરી પતંગિયું
ક્યાંયથી આવી
મારા હાથ પર બેઠું
ને મને ઉગારી ગયું
જાંબલી પતંગિયું
અહીંથી
કાગળ પરથી ઊડી
જુઓ
આ જાંબલી પતંગિયું
તમારી આંખો સામે
ઊડવા લાગ્યું...
ગુલાબી પતંગિયું
હું
પતંગિયું પકડું
ને
મારા હાથમાં આવે છે
તારી આંગળીઓ
પીળું પતંગિયું
અસંખ્ય પતંગિયાં
મારો હાથ
ઢાંકી દે છે
બાજુમાં જ પડેલો
કોરો કાગળ
પવન
હાથ લંબાવી
ઊંચકી લે છે
સફેદ પતંગિયું
કોઈ
પતંગિયું પકડી લે
તો પતંગિયું
ખોવાઈ જાય
એના હાથની ત્વચામાં
અને નહીં તો
કાગળ જેવી કોરી આંખોમાં
રંગ વગરનું પતંગિયું
હમણાં જ
મારી સોંસરવું
એક પતંગિયું
ઊડી ગયું
હમણાં જ
હું
હવાથી યે હળવો
ને
પારદર્શક હતો
આ પતંગિયું નથી
ભીંત
- (ગુચ્છ : ૧)
૧
ભીંતોમાંથી
અચાનક રેતી ફૂંકાય
સનનન સનનન વીંઝાતાં
ઘૂમરી ખાતાં
રેતીનાં પ્રચંડ મોજાં
ચ્હેરા પર અફળાય
શરીરની જાણે
આરપાર નીકળી જાય
સામસામેની ભીંતોને અથડાય
પાછા ફેંકાય
ને
પળમાં હું રેતીમાં ગળાડૂબ
ચારે બાજુ રેતીનો દરિયો ઊછળે
ભરડો લેતી
રેતીની સપાટી
ગળું ભીંસતી ઊંચી વધે
ચારે બાજુ રેતીનો દરિયો ઊછળે
ખુલ્લા મોંમાં
રેતીનો ધસમસ પ્રવાહ
ઊતરી જાય
ફેફસાં નસો શરીર સમગ્રમાં
ફરી વળે
આ આંખોય
અર્ધી રેતી હેઠળ ગરકે
અધખુલ્લી આંખો પર
રેતી ફરી વળે
તે પહેલાં જોઉં
તો
ભીંતો ગાયબ
૨
એકમેકમાં
ઓગળી ગયેલ
સામસામી
ભીંતોના પડછાયા
હવા
ક્યારની અલગ કરવા
મથે છે.
૩
આ ભીંતો
બેવડ વળી વળીને
ખડખડાટ હસે છે
ભીંતોનો ટેકો લઈ
ઊભી રહેવા મથતી હવા
આમતેમ
ફંગોળાયા કરે છે.
ભીંત
- (ગુચ્છ :૨)
૧
આ ભીંતને અહીં સ્પર્શો
અહીંથી ડાબી બાજુ તરફ
બે હાથ આગળ વધો
પછી ત્રણ વેંત નીચે ઊતરો
ત્યાં
તમને એક સોંસરું છિદ્ર મળશે
એ છિદ્રમાંથી
ભૂરું આકાશ જોઈ શકાશે
૨
દૂરની ક્ષિતિજે
આથમી જતા
સૂર્યને
ભીંત
ઊંચી થઈ થઈને
જુએ છે
૩
ક્યારેક
આ ભીંત
કાગળની માફક
ધ્રૂજે છે.
૪
પર્ણોના પડછાયા
ભીંતની ત્વચા પર તરે
ત્યારે
ઊંડે ઊતરી ગયેલ
ભીંતના પગને બાઝેલી
રાતી માટી
સળવળે છે
૫
તિરાડોથી ભરાયેલ
આ ભીંતને
બારણું નથી
૬
શું કરું
તો
ભીંત જાગે?
ભીંત
- (ગુચ્છ : ૩)
૧
ભીંતને કાન હોય છે.
ભીંતને
મોં
પણ હોય છે
હાથ પગ છાતી ત્વચા
નસો પણ
નસોમાં ધબક ધબક વહેતું
લોહી પણ
ને શ્વાસોચ્છ્વાસ પણ
૨
કાળો ડિબાંગ અંધકાર
પથરાય
કોઈ
બુઝાતી શગની માફક
ભીંત
ઓલવાઈ જાય
૩
કોઈ કોઈ વાર
આ ભીંતની
આરપાર
જોઈ શકાય છે
૪
ભોંય પર પડેલ
એક પીંછું ઉપાડવા
ભીંત
વાંકી વળે છે
પ
વેગીલો પવન
ફૂંકાયો
ભીંતે
હાથ વીંઝ્યા
હાથ
તૂટી ગયા
૬
કાન દઈ સાંભળું તો
આ ભીંતોમાં
અસંખ્ય પંખીઓની
પાંખોનો ફફડાટ
સંભળાય છે.
કાગળ
૧
ભૂરું આકાશ જોઈ
ધોળાં કબૂતર
ઊડ્યાં
ને
કાગળની જાળમાં
ફસાઈ ગયાં
૨
આ
કાગળની ત્વચા
ઉઝરડાઈ ગઈ છે
ને
લોહી
ગંઠાઈને કાળું થઈ ગયું છે
૩
ચારેબાજુથી
ઊડું ઊડું થાય છે
કાગળ
પણ વચ્ચે
બરોબર વચ્ચે
છાતી પર
મૂકેલું પેપરવેઇટ
એને
ટેબલ સાથે
જડી રાખે છે
૪
ઊછળતા દરિયામાં
અંઘારાનું જંગલ પસાર કરતા
હાલકડોલક ફાનસ જેવં
અસંખ્ય વ્હાણો ઊતરી પડ્યાં છે
ઘૂઘવતાં પાણીમાં સ્થિર થઈને
ગતિ પકડતાં વ્હાણો
હજુ તો સઢ ફેલાવે
ત્યાં પવન પડી ગયો
પાણી ઓસરી ગયાં
વ્હાણો વેરવિખેર ફસડાઈ ગયાં ને
ધીમેધીમે
એક સફેદ કાગળ
સપાટી પર ઊપસી આવ્યો
૫
આ અક્ષરો હેઠળથી
કાગળ
ખસી જાય તો?
૨
કાગળમાં
ઈંટ પર ઈંટ પર ઈંટ મૂકી. મુકાઈ.
વચ્ચે બરોબર સિમેન્ટ ભર્યો. ભરાયો.
પછી એક ખીલી ઠોકી. ઠોકાઈ.
ખીલી પર ખમીસ ટીંગાડ્યું. ટીંગાયું.
નિરાંતનો શ્વાસ લઈને
હું તો ઘસઘસાટ ઊંઘી ગયો
ને ફૂંકાતા પવનમાં
કડડડભૂસ
આખું આકાશ તૂટી પડ્યું મારી પર
કાટમાળ હેઠળ દટાઈ ગયેલો હું
બહાર નીકળી આવ્યો
ત્યારે
કાગળ પર એક પ્રશ્ન લખેલો હતો
ભાઈ, તમારું ખમીસ ક્યાં?
૩
હવે
નક્કી નથી થઈ શકતું
આ ભીંત છે
કે
કાગળ
ટોળું
ટોળું
બારીનો કાચ તોડી
સૂસવતું
ઘરમાં પ્રવેશ્યું
દીવાલો છત પર ફરી વળ્યું વેગે
ઊભરાતું
એકધારું
આગળ વધતું
પગ અંગૂઠે અટક્યું ન અટક્યું
નખ ઉતરડી
ઊતર્યું નસોમાં
લોહીમાં લબકારા લેતું ઊછળતું
છાતીમાં ઘૂઘવવા લાગ્યું
ત્વચાના રંધ્રોમાંથી ડોકિયાં કરતું
કોષકોષને કચડતું
મસ્તિષ્કમાં
કૂચ કરી ગયું
ઉગામેલા
મારા હાથ પર
ત્રાટક્યું
કોટિક કીટ થઈને
બાઝ્યું
ફોલી રહ્યું
એકધારું
ટ્રેન
ઘન ઘેરાં...
વનોનાં વન
નિઃસીમ
ખડક જળ અંધાર તળે
પ્રસુપ્ત નિબિડ વન
નિઃસ્તબ્ધ
નિષ્કંપ તિમિર વન
ને વનમાં
ક્યાંક
...મણિધર...
સરે નક્ષત્રો ને અવ અખિલ બહ્માંડ સરકે
સરે તારા સંગે સકલ નભ પ્ડાડો હલબલે
હવા કંપે વૃક્ષો ખડગ ચમકારે સળવળે
સરે ત્યાં તો સામા તુમુલ ચકરાવે ઝબકતાં
ધસે ઝંઝાવાતે વન વિકલ ગાજે હચમચે
અને ભીંસ્યાં એના ગુપિત ઉઘડ્યે જાય હળવે
વિખેરાતાં પર્ણો સતપત પ્રવેગે ખડખડે
ખડડ ખડ ખડાટ
અથડાતાં અંધારામાં ફફડી ઊઠતાં પંખી પ્રકાશોમાં
અલપ ઝબકી ઝલપ પ્રલંબતો સળવળ સ્નિગ્ધ આકાર
ને ફૂંફ ફૂંફ ફૂંફાડે જાય ટ્રેન
ગુફાપર ઝળહળ ફણા પછાડે મણિધર...
ભીતર અગનબળે ઊડે
તેજતણખતા ભાલા
સામા ટકરાતા ઊતરી જાય સોંસરા વીજ વીંઝતા પાટા
વેરાય વેગભેર વહી જતાં વૃક્ષોમાં ચમકારા
ઊંડે
કાળમીંઢ પાષાણો તળે
ચકમક વરાળ સરકે કોરે પ્રસરે ઝમે
ઝરમર ઝીણાં બુંદ ઝરે
પવન પથ્થર જળ જંગલ ઘૂમે વમળવળે વીંટળાઈ
ને ફૂંફાડે જાય ટ્રેન
ક્યાંક ભૂરું ધુમ્મસ અજવાળું છટકતું
પડછાય ફંગોળાતું ફેંકાતું જાય
ને કાળા ડાંસ તપ્ત તીણા વિષન્હોર
ઘૂરકતા ભૂરાંટે પીંખે કચડી નાખે
સમુદ્રજળના વળ પર વળ વીંટળાતા જાય
ખડક સમુદ્રના થર પર થર વિખરાતા જાય
ઝોલે ચડ્યો શ્વાસોચ્છ્વાસ
ખડડ ખડ ખડાટ ખડડ ખડ ખટાડ ખડડ ખડ ખડાટ
ને
સરે ઘેરાં ઘેરાં તિમિર ઘનમાં ટ્રેન સરકે
...
અને એકાએક ગતિ લથડતી
જાય સધળી
બત્તીઓ પૈડાંઓ અરવ કિચુડાટો
મ્યાન ખડગ બુઝાતા છેલ્લેરા ઝબકારા પર્ણ
પડી પાટાઓને સજ્જડ વળગી ટ્રે
ન અટકી
ધસે પાષાણો
ધસે પાષાણો તૂટે
ધસે પાષાણો તૂટ અવિરત તાં
તિમિર દરિયા વાંભ ઊછળે
જિહ્વા જ્વાળા કે શતસહસ્ર
અચેત
અચેત પડી
અચેત પડ્યું રહે ગહન તળિયે
અચેત પડ્યું રહે ગહન તળિયે એક તણખું
નીરવ ઘન સમુદ્ર તળિયે એક તણખું
કાગડો
પૂર્વની બારી પર
કાગડો
પાંખો પસારી બેસે
કે
કાચ પર બેઠો સૂર્ય
અલોપ...
કર્કશ કાળો અવાજ કરતો
ચાંચ પછાડે
ત્યાં તો
ટુક્ડા થઈને કાચ તૂટે
ભીંતો ધ્રૂજે
મજાગરાં હચમચી જાય
ઉષ્ણ બાફની
તીણી સેરો છૂટે
ઘૂરકતી ચાંચમાંથી
રક્તનીતરતા ભાલા ઊડે
વીંઝાતા સોંસરવા વીંધી નાખે
ચારે બાજુ
કિકિયારી કરતા ઓળા લપકે
ભીંતને છતને લપેટાઈને ઊભા
ખૂણેખાંચરે લપાઈ ગયેલા
તડકાને
ભીંસી રહેંસી પીંખી નાખે
હવા ગૂંગળાતી ફરે
ક્રોં ક્રોં કરતો
ચાંચ વીંઝતો પાંખ વીંઝતો
કાગડો ઊડે
ને
એક પીંછું ખરે
અડધું સોનેરી અડધું કાળું
કાગડાનું પીંછું
અડધું સોનેરી અડધું
કાળું
એક કાગડાનું પીછું
અડધું સોનેરી
અડધું
કાળું
સાતતાળી રમતાં
સાતતાળી રમતાં
કોઈ
સાતમી તાળી આપ્યા વિના
દોડી જાય
એમ તમે
આ કઈ દ્વિધામાં મૂકી ગયા મને?
કોઈ પંખીનો વેરાયેલો સ્વર
તમે આંગળીઓને અડકી
લોહીમાં વહેતો મૂકી દીધો
એમાંથી પડઘાતાં ગીતોના ટહુકાઓ હવે
દિશાહીન પવનની જેમ રખડ્યા કરે છે
પીંછાંના હૂંફાળા જંગલની શોધમાં
પર્ણો જેમ ખરી ન શકતા વૃક્ષ જેવો હું
હજુ પણ વિચારું છું
સાવ એક જ તાળીનું અંતર આપણી વચ્ચે...
કમલ વોરાના કાવ્યસંગ્રહ :
અરવ (૧૯૯૧), સાહચર્ય પ્રકાશન, મુંબઈ, મે ૧૯૯૧
અનેકએક (૨૦૧૨), ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર, મુંબઈ, ૨૦૧૨
વૃદ્ધશતક (૨૦૧૫), ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર, મુંબઈ, ૨૦૧૫