નીતિન મહેતાનાં કાવ્યો/ભાવ-પ્રતિભાવ

Revision as of 02:56, 8 February 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ભાવ-પ્રતિભાવ

ચળકતી હવામાં ધ્રૂજતી બપોરને
ગૂંથતા હોઈએ
મન તો ઊડાઊડ કરે
પ્રશ્નો તો ઘણા થાય
સાલ્લું આપણાં ફલાણાં-ઢીંકણાંનું શું થશે?
કાલે ૯.૩૫ની ફાસ્ટ ટ્રેનમાં જગ્યા મળશે કે નહીં?
આ વખતે રૅશનિંગમાં કેવા ચોખા મળશે?
બાજુવાળા મનુભાઈની દીકરીના
લગ્નમાં શું આપીશું?
આવા ને તેવા સાલ્લા ઘણા પ્રશ્નો થાય
કવિતામાં તેની કંઈ વાત થાય?
પણ બેઠા છીંએ
ને જોઈએ છીંએ બધું
કોઈ આવે છે ને જાય છે
કોઈ ઊભે છે ને બેસે છે
કોઈને જે કૈં કરવું હોય તે
કરે છે
પણ આપણે તો બેઠા છીંએ
ને કૉફી પીએ છીંએ
ને જોયા કરીએ છીંએ અરીસાની જેમ બધું

દીવો મનમાં ટમટમે છે.
શું થશે જગતનું કે આપણું?
શી ખબર?
ફરવા આવ્યા છીંએ
ને ફરીએ છીંએ અહીં ત્યાં
આપણે તો બેઠા છીંએ
કૉફી પીતા ને માથું ખંજવાળતા ફોગટના.
મન તો બંધાય પણ ખરું
મન તો રહેંસાય પણ ખરું
મન તો વળી મૂંઝાય પણ
ને રઘવાયું થાય ને રાજી પણ થાય
તેનું જે થવાનું હોય તે
થવા દઈએ
વારંવાર મને આમ થાય છે
મારા મનમાં તેમ થાય છે
તેમ લવલવાટ કરી
ભાષાની પત્તર શું ખાંડાખાંડ કરવાની?
વળી કોઈ વિવેચક પાછા
ભાષાપ્રજ્ઞ કહે તો?
તેથી તો એમ જ કૉફી પીતા
બેઠા છીંએ ને
જોઈએ છીંએ સાંજના આકાશને

કોઈ આવે તેને આવવા દઈએ
જાય તેને જવા દઈએ
આપણે શું કરવાના?
આપણે તો ઠાલા ઠોકાયા છીંએ
અહીંયાં અત્યારે આ ક્ષણે
ભંગુરતાને હાથમાં રમાડતા
છીંએ તે છીંએ
અને નથી તો થોડા હોવાના?
તેથી તો કૉફી પીતા ખોડાયા છીંએ
અહીંયાં અકસ્માતભરી હયાતીને
પાંપણમાં પટપટાવતા.
જગત ભલે ને જખ માર્યા કરે
આપણે તો એમ જ
અમથા બેઠા છીંએ
કોલ્ડ કૉફી વિથ આઈસક્રીમ હાથમાં લઈને.