નીતિન મહેતાનાં કાવ્યો/શબ્દ-નિર્વાણ
૧
રાત્રે
પુસ્તકમાંથી થોડાં પંખી ઊડ્યાં
મકાનની અગાસી પર બેઠાં
એમાંનું એક બારીમાંથી
ઘરમાં પ્રવેશ્યું
ને મારા બળતા નાઇટલૅમ્પ પર
આવી બેઠું
ઘરનો ફ્યૂઝ ઊડી ગયો
૨
હું ગુમાયો છું એવી
જાહેરખબર મેં સવારે
છાપામાં વાંચી
દસ પૈસાના ચણા ફાકતો
ઘરે આવ્યો
બારણામાં જ મને મળી ગયો
પણ આડું જોઈ ઘરમાં ગયો
ટેબલ પરના પુસ્તકને ઉઘાડ્યું
તો મરેલાં પંખીઓ
ચારેબાજુ ઢગલો થઈ
પડ્યાં
મને લોહીની ઊલટી થઈ