નીરખ ને/‘પ્રત્યક્ષ’ના સંપાદકો સાથેની પ્રશ્નોત્તરી

Revision as of 02:48, 11 February 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


‘પ્રત્યક્ષ’ના સંપાદકો સાથેની પ્રશ્નોત્તરી

* સાહિત્યવિવેચનના સામયિક લેખે ‘ફાર્બસ ત્રૈમાસિક’ની કોઈ ખાસ નીતિ (પૉલિસી) ખરી? એમાં, સંસ્થાએ નિશ્ચિત કરી આપેલી નીતિ ઉપરાંત સંપાદક તરીકે તમારી પોતાની કોઈ નીતિ ખરી? ‘ફાર્બસ ત્રૈમાસિક’ને માત્ર સાહિત્યવિવેચનના સામયિક તરીકે ન ઓળખાવવું જોઈએ. ૧૯૩૬માં અંબાલાલ બુલાખીરામ જાનીના સંપાદન હેઠળ ‘ત્રૈમાસિક’ શરૂ થયું ત્યારથી અત્યારસુધી ગુજરાતી મધ્યકાલીન સાહિત્ય ઉપરાંત ગુજરાતી ભાષા, ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન, કલા, પ્રવર્તમાન ગુજરાતી સાહિત્ય, લોકસાહિત્ય વગેરે ઘણા વિષયો ઉપરના લેખો ‘ત્રૈમાસિક’માં પ્રગટ થતા રહ્યા છે. હા, જેમ સંપાદકો બદલાતા ગયા એમ એમની રુચિ પ્રમાણે આ કે તે વિષયને વધતું-ઓછું મહત્ત્વ મળતું ગયું. સંસ્થાએ સ્પષ્ટ શબ્દોમાં કોઈ નીતિ નક્કી કરી આપી નથી. મારી નીતિ ગુણાત્મક લેખો મેળવવા એ તો છે જ, પણ એ સાથે જુદાં જુદાં વિચારજૂથો પોતાનાં મંતવ્યો ‘ફાર્બસ ત્રૈમાસિક’ જેવા મંચ ઉપરથી મોકળે મને રજૂ કરે એવો મારો યત્ન રહ્યો છે. It cuts across all groups. * તમારી સંપાદન-પદ્ધતિ કેવી છે? આવેલાં લખાણોમાંથી સ્વીકાર-પસંદગી કેવી રીતે કરો છો? જાણીતા લેખકોનાં લખાણો પણ પાછાં મોકલ્યાં હોય એવું બન્યું છે? કયા સંજોગોમાં? લખાણો એડિટ કરો છો? લેખોનાં શીર્ષક બદલવાની કે એવી કશી જરૂર પડી છે? તમારા આ પ્રશ્નનો ઉત્તર આપું એ પહેલા થોડીક અંગત કહેવાય એવી વાત કરવી જરૂરી લાગે છે. ૧૯૭૩ના જુલાઈમાં ‘ફાર્બસ ત્રૈમાસિક’નું સંપાદન કરવાનું મારા હાથમાં આકસ્મિક જ આવી પડ્યું હતું. હું જ્યારે ફાર્બસમાં જોડાઈ ત્યારે પ્રો. ભૂપેન્દ્ર ત્રિવેદી એનું સંપાદન કરતા હતા. મને સંપાદન કરવાનો ન તો પહેલાં કોઈ અનુભવ હતો કે ન તો એ કરીશ એવો ખ્યાલ હતો. મારો હોદ્દો સંસ્થામાં સહાયક મંત્રીનો હતો અને પ્રથા તો એવી જ હતી કે સહાયક મંત્રી ‘ત્રૈમાસિક’નું સંપાદન કરતા આવ્યા હતા, છતાં હું જ્યારે ફાર્બસ ગુજરાતી સભામાં જોડાઈ ત્યારે પરિસ્થિતિ જુદી હતી. ૧૯૭૩માં ફાર્બસ સભાની વ્યવસ્થાપક સમિતિએ પોતાના કોઈક કારણસર મને ત્રૈમાસિકનું સંપાદન સોંપવાનું નક્કી કર્યું. પણ સમિતિના એક-બે સભ્યોએ સંપાદક તરીકેના મારા નામ સાથે એમનું નામ ન જોડાય એવો ઠરાવ કરાવ્યો. બે-ત્રણ અંકો બહાર પડ્યા અને સમિતિને લાગ્યું કે આ તો સારું ચાલે છે ત્યારે સંપાદનસમિતિ રચવાની વાત મારી સમક્ષ મંત્રીશ્રીએ મૂકી. મેં વિરોધ કર્યો. મારી સાથે નામ મૂકવામાં પણ એમને વાંધો હતો તો હવે સંપાદનસમિતિ કેવી? મંત્રીશ્રી સમભાવપૂર્વક હસી પડ્યા. કહેવાનું તાત્પર્ય એ કે આમ આકસ્મિક રીતે સંપાદન કરવાની મને પૂરી સ્વતંત્રતા મળી ગઈ. મુક્ત પરિવેશ વગર મને નથી લાગતું કે દૃષ્ટિપૂર્વકનું સામયિક કાઢવું સહેલું છે. ભૂલો ન થાય એમ નહીં, પણ સંપાદકનો એક Individual Stamp હોય છે. એક પ્રકારનું focusing આવે છે. હવે આપણે તમારા પ્રશ્ન ઉપર આવીએ. તમે પૂછો છો કે મારી સંપાદન-પદ્ધતિ કેવી છે. લેખકો સાથેનો મારો વ્યવહાર મૈત્રીપૂર્ણ રહ્યો છે – લગભગ અવિધિસરનો. લેખો માંગતા મારા પત્રોનો મને સાધારણ રીતે સુંદર પ્રતિસાદ મળ્યો છે. જ્યારે મેં લેખો પાછા પણ મોકલ્યા છે ત્યારે કડવાશ નથી ઊભી થઈ. જોકે પત્રચર્ચાઓની ટીકાઓને કારણે અલ્પસંખ્ય મૂળ લેખકો સાથે મને થોડા અવરોધો ઊભા થયા છે. મેં કામ સોંપ્યું હોય અને કેટલાક એ ન પૂરું કરી શક્યા હોય તો મને ગુસ્સો નથી આવ્યો. દૃષ્ટાંત આપવું હોય તો જશવંત શેખડીવાળાનું આપી શકાય. મેં એમને કરસનદાસ માણેકની અગ્રન્થસ્થ પદ્યનાટિકાઓ વિશે લખવાનું કહ્યું હતું, એમણે સ્વીકાર્યું હતું. એ મને અવારનવાર જણાવે જરૂર કે આ કે તે કારણે લખવાનું નથી બનતું. છેવટે લગભગ બે વર્ષે લેખ વગર એ પદ્યનાટિકાઓ પાછી આવી. ગમે તે કારણ હોય. કદાચ એમને એ પદ્યનાટિકાઓમાં રસ ન પડ્યો હોય કે પછી ક્યાંક બીજે રોકાઈ ગયા હોય. હું સમજી શકી છું. રોષ નથી આવ્યો. જો કે તમારું સામયિક ચાલે તો છે જે એમાં નિયમિત લખી શકે છે એના ઉપર – અને એમના લેખો નિયમિત આવે એવો પ્રબંધ કરવો પડે છે. આવેલાં લખાણોની પસંદગી ગુણાત્મક સ્તરે થતી હોય છે. ક્યારેક ત્રૈમાસિકના વિષયને અનુરૂપ ન હોય તો એવા લેખો પાછા પણ કરાયા છે. જાણીતા લેખકોના, પ્રમાણમાં સારા નહીં એવા લેખો નથી જ લીધા એવું નથી. જો કે ક્યારેક ચેતવણી આપી છે કે તમારે ટીકાઓનો સામનો કરવો પડશે. આવી આગાહી સાચી પણ પડી છે. ઠીકઠીક લેખકોના લેખો પાછા મોકલવા પડ્યા છે. લેખ નબળો હોય ત્યારે એવું કર્યું છે અથવા તો વિષય મુશ્કેલ હોય અને વિશદ રીતે અભિવ્યક્ત ન થયો હોય ત્યારે પણ લેખો પાછા ઠેલવાનું બન્યું છે. લખાણો ક્યારેક એડિટ કર્યા છે, પણ લેખકને પૂછીને. એમાંથી અત્યારે બે યાદ આવે છે – એક રમણલાલ જોશીએ પ્રબોધ પંડિત ઉપર લખેલો લેખ હતો એમાં ઘણી વાતો એવી આવતી હતી કે એ પ્રબોધ પંડિતના વ્યક્તિત્વ ઉપર કે વિચાર ઉપર ખાસ પ્રકાશ પાડતી નહોતી. લેખ એડિટ કરીને મેં રમણલાલભાઈને જોવા મોકલ્યો હતો અને એમણે હર્ષપૂર્વક એ એડિટિંગ સ્વીકાર્યું હતું. બીજો લેખ અભિજિત વ્યાસનો અશ્લીલતા ઉપરનો હતો; એ પણ એડિટ કર્યો હતો. એવા બીજા કેટલાક હોઈ શકે. લેખોમાં ફેરફાર-ઉમેરા સાધારણ રીતે હું કરતી નથી – માત્ર જોડણી વગેરે, ન વંચાતા અક્ષરો વગેરે સુધારવું પડે એટલું જ. લેખોનાં શીર્ષક ક્યારેક બદલ્યાં છે કે ન આપેલાં શીર્ષકો આપ્યાં છે. લેખકે આપેલા મથાળા કરતાં બીજું શીર્ષક વધારે અનુરૂપ લાગ્યું હોય અથવા તો ખમતીધર પુસ્તક માટે સમીક્ષકનું શીર્ષક વધારે પડતું ઉતારી પાડતું લાગ્યું હોય ત્યારે શીર્ષકોમાં ફેરફાર કર્યા છે. * તમે લેખો નિમંત્રીને પણ મંગાવો છે – ખાસ કરીને સમીક્ષા માટે. ત્યારે પુસ્તક ને સમીક્ષકની પસંદગી કયા આધારે કરો છો? આવાં લખાણો કોઈ રીતે એડિટ કરી લેવાં પડ્યાં છે? હા, ઘણા લેખો નિમંત્રીને મંગાવવામાં આવે છે. કોઈકોઈ વિષય તો મારા મનનો એવો કબજો લઈ લે છે કે એ વિષય ઉપર કોણ લખી આપે એની શોધ ચાલે છે. હમણાં એવા ત્રણ વિષયો યાદ આવે છે – અષ્ટાવક્રગીતા, લાઓત્સે અને આનંદ કુમારસ્વામી. હમણાં એક ભૂત સવાર થયું છે એ અમૃતા શેરગિલ છે. હા, પુસ્તકોની સમીક્ષા માટે પણ નિમંત્રણ મોકલું છું. પસંદગી તો એ વિષયના જાણકારની જ સાધારણ રીતે કરવાની હોય. ક્યારેક નવાં નામો અજમાવવાનું પણ ગમે છે. સમીક્ષાનું એડિટિંગ કર્યું હોય એવું યાદ નથી આવતું. એકાદબે વખત એવું બન્યું છે કે નિમંત્રીને કરાયેલી સમીક્ષા કાં તો લીધી નથી કે પાછી કરી છે. * ફાર્બસના પહેલે પાને તમે કોઈ ચિંતક-વિચારકનું અવતરણ ટાંકો છો, જેમ કે અરવિંદ ઘોષ કે દાદા ધર્માધિકારી કે મિખેઈલ નૈમીનું. ક્યારેક ટાગોર જેવા સર્જકનું હોય ત્યારે પણ સાહિત્યનું કે સાહિત્યવિચારનું નથી હોતું -- જીવનવિચારનું હોય છે. તો, ફાર્બસ જ્યારે સાહિત્ય કળા-વિવેચનનું સામયિક છે ત્યારે મુખપૃષ્ઠ ઉપર આવું જીવનતત્ત્વવિચારનું અવતરણ શા માટે? તમારાં સંપાદકીય લખાણો પણ આવાં ચિંતન-ચર્ચાનાં જ હોય છે મોટે ભાગે, જેમ કે, મૈત્રેયીદેવીના ‘સ્વર્ગની લગોલગ’ નિમિત્તે ટાગોરના મનોજગત વિષે કે અમિતવ ઘોષના અનુભવવૃત્તાંત નિમિત્તે સંસ્કારબદ્ધતાની અભેદ્ય દીવાલો વિશે કે સ્ટ્રાઉસની વાત કરતાં કળાકારની આધ્યાત્મિક-વૈજ્ઞાનિક સમજ વિશે તમે લખ્યું છે. સમકાલીન સાહિત્ય-ચર્ચા વિશે વાત કરી હોય ત્યારે પણ સામાન્ય રીતે તમે આવા કોઈ વિચારને કેન્દ્રમાં રાખ્યો હોય, જેમકે શબ્દોની કરકસર વિશે વાત કરતાં છેવટે મિખેઈલ નૈમીને તમે ક્વોટ કરો છો. તો – તમારાં પોતાનાં રસરુચિનું આ વલણ સાહિત્યવિવેચનના સામયિક સાથે કેવી રીતે સીધેસીધું જોડાય? આની પાછળ તમારું કોઈ વિશેષ પ્રયોજન છે? અવતરણો અને સંપાદકીય વિશે જવાબ આપું એ પહેલાં મારા વાચનની આદતની થોડી વાત કરવી જરૂરી લાગે છે. મારું વાચન પહેલેથી જ અરાજકતાભર્યું રહ્યું છે. કોઈ એક વિષયનો પદ્ધતિસરનો અભ્યાસ કર્યો હોય એવું બન્યું નથી. કૉલેજમાં હતી ત્યારે ટ્રૉટ્સ્કીના History of The Russian Revolutionના ચાર ગ્રંથો, સમરસેટ મોમ, દોસ્તોએવ્સ્કીની Crime and Punishment, એ. એસ.નીલ, ફ્રોઇડના ચાર પુસ્તકો વગેરે વંચાયું. આ પછી શૉમાં રસ પડી ગયો ત્યારે એમનાં નાટકો તો વાંચ્યાં જ, પણ એમણે ૨૨-૨૩ વર્ષની ઉંમરે લખેલી બે નવલકથાઓ Unsocial Socialist અને Irrational Knot – એ પણ વાચી કાઢી. સાર્ત્રની Iron in the Soul વગેરેની triology પણ વાંચી, અને સામ્યવાદથી જેમનું ભ્રમનિરસન થયું હતું એ લેખકોના લેખોનું પુસ્તક ‘God that failed’ પુસ્તક પણ વાંચ્યું. સાથે ઈગ્નેઝિયોં સિલોન, આર્થર કેસ્લરની નવલકથાઓ પણ વાંચી. આ બધું હું એટલા માટે કહું છું કે આ જાતના મારા વાચનનું, આ જાતના મારા મનોવલણનું વધતેઓછે અંશે પ્રતિબિંબ મારા સંપાદકીયમાં પડે છે. પહેલા જ પ્રશ્નમાં મેં સ્પષ્ટ કર્યું છે કે ‘ફાર્બસ ત્રૈમાસિક’ એ માત્ર સાહિત્યવિવેચનનું સામયિક નથી. ઇતિહાસ અને બીજા વિષયો પરના સુંદર લેખો ઠીક પ્રમાણમાં પ્રગટ થયા છે. છતાં લેખો બાબતે પલ્લું, અલબત્ત, સાહિત્ય તરફ જ વધારે નમતું રહ્યું છે. સાહિત્યને લગતાં અવતરણો પણ ખાસ્સાં લેવાયાં છે જેમ કે ઉમાશંકર જોશી, સુરેશ જોષી, મનુભાઈ પંચોળી, કૃષ્ણલાલ શ્રીધરાણી, સંજાણા, રિલ્કે, જીવનાનંદદાસ, હરિવલ્લભ ભાયાણી વગેરેનાં. ફ્રેડરિક એંગલ્સ, ટ્રૉટ્સ્કી કે નોર્મન બ્રાઉન જેવાનાં અવતરણો પણ સાહિત્યને લગતાં જ છે. ટાગોરમાં શું આપણને માત્ર એમના સાહિત્ય પૂરતો રસ છે? સંપાદકીય લખવાની શરૂઆત જ મેં દલિત કવિતા અને તુલનાત્મક સાહિત્યના નિર્દેશથી કરી છે. મિલાન કુન્દેરા, જ્યોતીન્દ્ર દવે, સુરેશ જોષી, સીમોં દ બુવા, સાર્ત્ર, ‘આંગળિયાત’, ‘શેષ પ્રશ્ન’, ‘Crime and Punishment’, પ્રતિબદ્ધતા ઉપર લખાયેલા ત્રણ-ચાર લેખો, અર્ન્સ્ટ ફિશર, ‘સાત પગલાં આકાશમાં’ – વગેરે સાહિત્યને લગતાં સંપાદકીય લખાયા છે. ગાંધીજી ઉપર લખાયેલા પુસ્તકને તમે શેમાં ગણો? એ ગુજરાતી સાહિત્યમાં આવે કે ન આવે? આપણે Inter-Disiplinary આંતરવિદ્યાકીયની વાત કરતા આવ્યા છીએ – ત્યારે બૃહદ પરિપ્રેક્ષ્યમાં સાહિત્યને મૂકવામાં આવે છે ત્યાં ધક્કો કેમ પહોંચે છે? મનોવિજ્ઞાન, અસ્તિત્વના પ્રશ્નો, નૃવંશશાસ્ત્ર, ઇતિહાસ – આ બધા સાથે શું આપણા સર્જકને નિસ્બત નથી? હા, આ બધાની સર્જન કરવા માટે બિલકુલ જરૂર નથી એ હું સ્વીકારું છું – એ પછી એની અભિરુચિ ઉપર આધાર રાખે છે. પણ સાહિત્ય-રસિકને તો જરૂર આ આંતરવિદ્યાઓ સાથે કન્સર્ન છે. * તો, સાહિત્ય વિશેની તમારી વિભાવના શું છે? વિભાવના શબ્દ મારે માટે જરા ભારે છે. વિવેચક તો હું છું નહીં. છતાં સાહિત્ય અંગે જે કંઈ હું માનું છું એ કહું. સાહિત્યનું જો કોઈ પણ પ્રયોજન હોય તો એ રસકીય આનંદ આપવાનું છે; એ એક અનોખું વિશ્વ સર્જે છે. ઉત્કૃષ્ટ સર્જનમાં બુદ્ધિથી પર ઉદ્ઘાટિત થતું કલાકીય – સહજસ્ફૂર્ત સત્ય અને વિચલિત કરી મૂકે. સાહિત્ય પ્રતિબદ્ધ હોય કે અપ્રતિબદ્ધ, એને રૂપબદ્ધ તો થવું જ રહ્યું, કારણ કે રૂપ આપણને આનંદ આપે છે – આ કારણે જ તમે સાહિત્ય પાસે જાઓ છો. પ્રતિબદ્ધતા જો સાચા સર્જનનું રૂપ ધરતી હોય તો પ્રતિબદ્ધતાનો હું વિરોધ નથી કરતી – બલ્કે ત્યાં પ્રતિબદ્ધતા પણ આપણને સ્પર્શતું એક પરિમાણ બની જાય. તૉલ્સ્તૉય પ્રતિબદ્ધ હતા છતાં મારે મન એ ઉત્તમ સર્જક હતા. મેં એમની ‘વૉર ઍન્ડ પીસ’ અને ‘એના કેરેનિના’ ખૂબ જ માણી છે. ભાષાકર્મના આજના મહિમાને હું સ્વીકારું છું. પણ સંપૂર્ણ સ્વાયત્તતા – બહારના કોઈ references વગરની ભાષાકીય લીલા – સાહિત્યને કેટલી ઉપકારક છે એ હું કહી શકતી નથી. સર્જક-પ્રતિભા તો બહારના સંદર્ભોને પણ આગવું સૌન્દર્ય બક્ષી શકે છે. કાફકાને કારકુનનું રૂટિન કામ પણ ફેન્ટેસ્ટિક નહોતું લાગતું? તો દોસ્તોએવ્સ્કીને જુઓ – એને ઈશ્વરના અસ્તિત્વનો પ્રશ્ન હમેશાં સતાવતો હતો. જો ભગવાન છે તો બધી એની ઇચ્છા છે. એ ઇચ્છામાંથી છટકી ન શકાય. પણ ભગવાન જો મિથ હોય તો ગમે તે કરો, બધું કાયદેસર છે. આમાંથી એણે મહાન નવલકથાઓ આપી. ભાષાકર્મ ખરું પણ એની સાથે સર્જકનું આખું મનોજગત જકડાયેલું છે. * પ્રવર્તમાન સાહિત્યસર્જન-વિવેચન, સાહિત્યની આખી પ્રવૃત્તિ, - એને વિશે તમારો આ લાંબા સંપાદનકાળ દરમ્યાન કેવો ખ્યાલ બંધાવા પામ્યો છે? ગુજરાતીમાં આજે લખતા સાહિત્યકારો વિશે તમારાં કોઈ વિશેષ નિરીક્ષણો આપશો? હું માનું છું કે આજનું ગુજરાતી સાહિત્ય આપણા દેશમાંના બીજા કોઈ પ્રાદેશિક સાહિત્ય કરતાં ઊતરતું નથી – ખાસ કરીને કવિતા અને વિવેચનક્ષેત્રમાં, મને સારા પ્રમાણમાં વિવેચનલેખો અને સુંદર સાહિત્ય-લેખો તથા કવિતાના આસ્વાદો મળ્યા છે. ઠીકઠીક સુંદર ટૂંકી વાર્તાઓ લખાઈ છે. થોડીઘણી નીવડેલી નવલકથાઓ પણ આપણી પાસે છે જ. એવી યાદગાર નવલકથાઓ આ કાળમાં કદાચ લખાઈ નથી કે જેમની પાસે વારંવાર જવાનું મન થાય. કેટલીક આધુનિક ભાષાભિમુખતાવાળી કે involved ટેક્નિકવાળી વાર્તાઓ પામવામાં મને મુશ્કેલી જ પડી છે, અને જ્યારે એમને આસ્વાદવામાં પણ આવી છે ત્યારે પણ એ મારે માટે બુદ્ધિને સ્તરે જ રહી ગઈ હોય છે. આને સજ્જતાના અભાવ તરીકે પણ લેખી શકાય, અથવા તો વાર્તા-રીતિની અસમર્થતા કે ખામી પણ હોઈ શકે. જીવનકથા – આત્મકથાના ક્ષેત્રે આપણે પાછળ રહી ગયા છીએ. નિબંધોનું ક્ષેત્ર પણ જોઈએ એવું ખેડાયું નથી. જે કઠે છે એ છે સર્વત્ર કુતૂહલનો અભાવ. એવું લાગે છે કે આજના આપણા મોટા ભાગના લેખકોને નથી પ્રજાના માનસને સમજવાનું કુતૂહલ કે નથી આપણી આસપાસ બનતી ઘટનાઓ કે વહેતા પ્રવાહો માટેની પૂરી સજગતા. ખબર નથી કે આ જ કારણે આપણા સર્જનમાં જે વ્યાપ આવવો જોઈએ તે આવતો નથી કે કેમ. એક બીજો દ્વન્દ્વ પણ ઠીકઠીક દેખાય છે – જોવા જેવો છે : જેટલો શુદ્ધ સાહિત્યનો આગ્રહ એટલી જ વકરતી જતી સાહિત્યેતર મહેચ્છાઓ-ઉદ્ઘાટન-વિમોચનના કાર્યક્રમો, પાઠ્યપુસ્તકોમાં પોતાની કૃતિઓ લેવાય એની પેરવીઓ, છાપાંઓમાં યોજાવવામાં આવતી પ્રસિદ્ધિઓ, ઍવૉર્ડો માટેની ઝંખનાઓ વગેરે. આશા છે કે આ કાળ ટૂંકજીવી હશે. વળી પાછા આપણે સ્વસ્થ સંશ્લેષણ તરફ વળીશું. * સમકાલીન સાહિત્યજગતમાં ‘ફાર્બસ’ની કોઈ વિશેષ ભૂમિકા? બધી જ વિચારધારાઓને – પછી એ સાહિત્યને લગતી હોય કે ‘ત્રૈમાસિક’ના બીજા વિષયોને લગતી હોય – મંચ પૂરો પાડવાનો અને એમને બૃહદ્ પરિપ્રેક્ષ્યમાં મૂકવાનો ‘ફાર્બસ ત્રૈમાસિક’નો યત્ન છે. * વ્યાપકપણે, સાહિત્યસામયિકોની શી ભૂમિકા રહેતી હોય છે? સર્જન-વિવેચનનાં વલણો નક્કી કરવામાં કે કોઈ આંદોલન જગવવામાં કે કોઈ નવી દિશા ચીંધવામાં કે નવો ચીલો રચવામાં સામયિકોનો ફાળો રહ્યો છે? કે એ સાક્ષીભાવે, જે કંઈ લખાય છે, જે કંઈ ચાલે છે એને પ્રગટ કરે છે? ગુજરાતી સિવાય અન્ય પ્રાદેશિક ભાષાનું કે પશ્ચિમનું કોઈ સામયિક તમને આ રીતે આદર્શ જણાયું છે? વ્યાપકપણે સાહિત્યસામયિકોની ભૂમિકા સાહિત્યસંવર્ધનની અને નવા ઊગતા આશાસ્પદ લેખકોને તક પૂરી પાડવાની રહેતી હોવી જોઈએ. બાકી તો સંપાદકની નિસ્બત અને દૃષ્ટિ ઉપર નિર્ભર છે. હા, સર્જન-વિવેચનનાં વલણો અને આંદોલનો જગવવામાં સામયિકોનો મોટો ફાળો હોઈ શકે. ઉદાહરણરૂપે ‘ક્ષિતિજ’. એવાં સામયિકો પણ નીકળતાં જ હોય છે કે જેમાં discrimination વગર, જે લેખો આવ્યા કરે એ લેવાતા હોય અને એમ સામયિક ચાલ્યા કરતું હોય. હું પહેલાં ‘Encounter’ વાંચતી. ઊંચા ધોરણે સામ્યવાદી વિચારધારાવિરોધી વલણ ઊભું કરવા એ યત્ન કરતું. હમણાંહમણાં ‘Granta’ વાંચું છું. ખૂબખૂબ સમકાલીન સામાજિક સજગતા ધરાવતું અને સાહિત્યનું એ સામયિક છે. અમિતવ ઘોષનો અનુભવવૃત્તાંત અને મિલાન કુન્દેરાના લેખો મને ‘ગ્રાન્ટા’માંથી મળ્યા હતા. ખૂબ રસપ્રદ લાગ્યું છે – આદર્શ શબ્દ નહીં વાપરું. * સાહિત્યિક પત્રકારત્વ જેવી કોઈ સ્થિતિ (position)ને તમે સ્વીકારો છો? એટલે કે, કોઈ વિશેષ સંદર્ભે, સામયિકના તંત્રી-સંપાદકને સાહિત્યિક પત્રકાર તરીકે તમે સ્વીકારો? તો એની ભૂમિકા? એનું કર્તવ્ય? સાહિત્યિક પત્રકારત્વ એટલે સાહિત્યને લગતી કટારો વર્તમાનપત્રોમાં આવે તે – એવો અર્થ થતો હોય તો અખબારોમાંની એમની અગત્ય હું સ્વીકારું છું. બહોળા ભાવકવર્ગને પહોંચવાનો એ ઉત્તમ માર્ગ છે. ઊંચું ધોરણ જાળવીને પણ એ લોકપ્રિય બને એ રીતે લખાવાવી જોઈએ. આજે તો કદાચ જૂજ આવી કટારો લખાતી હશે. મોટા ભાગે તો કોઈ જાતના નિબંધો લખાય છે જેમાં ભારોભાર શબ્દાળુતા હોય છે, અને એ છીછરા હોય છે. બાકી ગંભીર સાહિત્યસામયિકોના તંત્રીઓને સાહિત્યિક પત્રકારો તરીકે મારા મતે ન જ ગણી શકાય. પત્રકારત્વ એટલે જ topical પ્રાસંગિક-છાપાળવું. મિલાન કુન્દેરા તો એને છાપાળવી વિચારણા કહે છે. એનું વિશ્વદર્શન સાદું હોય છે. જ્યારે સારાં સાહિત્ય-સામયિકો વધુ સંકુલતાને, શાશ્વતીને પકડતાં હોય છે. * આપણાં સાહિત્યસામયિકોની પ્રસ્તુતતા? એનું ભાવિ? જ્યાં સુધી વિશ્વમાં સામૂહિક માધ્યમોના હુમલા ગમે એટલા હોવા છતાં પણ એક નાનો પ્રાણવાન – પ્રભાવી - રસિક વાચકવર્ગ રહેશે ત્યાં સુધી સાહિત્યસામયિકોની પ્રસ્તુતા છે. હું માનું છું કે આવો વાચકવર્ગ ભલે ઘણો મોટો નહીં પણ હંમેશાં રહેશે. દૃશ્ય-visual અને વાંચનમાં ઘણો ફેર છે. મેં કેટલીક અંગ્રેજી નવલકથાઓ ઉપરથી બનેલી સારી કહેવાય એવી અંગ્રેજી ફિલ્મો જોઈ છે. પણ હમેશાં થોડીક નિરાશ થઈ છું. વાંચતાંવાંચતાં જે કલ્પનાચિત્ર તમારી સમક્ષ ઊભું થાય છે એને ફિલ્મ સીમિત કરી નાખે છે. એટલે એ રીતે મને આવાં સામયિકોના ભાવિની ચિંતા નથી. પણ એક ચિંતા જરૂર છે – અંગ્રેજી માધ્યમને કારણે શિક્ષિતોમાંથી કેટલા ગુજરાતી વાંચતા હશે? ગુજરાતી ભાષાનું શું? * કેવળ અવલોકન-સમીક્ષાના સામયિક તરીકે ‘પ્રત્યક્ષ’ની કોઈ આવશ્યકતા તમે પ્રમાણો છો? તમારો તત્કાળ પ્રતિભાવ શો છે? હા, આજે ‘પ્રત્યક્ષ’ની એક અવલોકન-સમીક્ષાના સામયિક લેખે આવશ્યકતા એકદમ હું જોઈ શકું છું – ખાસ કરીને આજે કોઈ એવું exculsive સામયિક નથી ત્યારે. એ એકાંગી ન બની જાય એ જોજો. મારી ખૂબખૂબ શુભેચ્છાઓ. આભાર.

[નવેમ્બર, ૧૯૮૭