લે કાળ! તને સંતોષ થશે, હું તારે ઈશારે ચાલું છું,
જીવનની સફર પૂરી કરવા તલવારની ધારે ચાલું છું.
ચોમેરથી થપ્પડ મારે છે તોફાનનાં ધસમસતાં મોજાં,
લોકોની નજર તો નીરખે છે, હું શાંત કિનારે ચાલું છું.
ફૂટીને રડે છે મુજ હાલત પર મારા પગનાં છાલાંઓ,
કંટકથી ભર્યા પંથે આંખો મીંચીને જ્યારે ચાલું છું.
છે નામનો આ ગૃહસ્થાશ્રમ પણ કરવાનો વિસામો ક્યાંય નથી,
જ્યાં થાક જીવનને લાગે છે, હું તેમ વધારે ચાલું છું.
થાકીને ઢળી જ્યાં દેહ પડે, બસ ત્યાં જ હશે મંઝિલ મારી,
એથી જ હું નિજને થકવું છું, બસ એ જ વિચારે ચાલું છું.
સંકટ ને વિપદના સંજોગો! વંટોળ ને આંધીનાં દૃશ્યો !
સોગંદથી કહેજો, હું તમથી ગભરાઈને ક્યારે ચાલું છું?
ઓ સૂરજ, ચંદ્ર, સિતારાઓ ! ઓ આકાશે ફરનારાઓ !
આ ધરતી પર ચાલી તો જુઓ, જ્યાં સાંજ-સવારે ચાલું છું.
વ્હેતી આ સરિતા જીવનની, સુખ-દુખ એના બે કાંઠાઓ,
લઈ જાય છે મારું ભાગ્ય ‘ગની’, હું એક કિનારે ચાલું છું.
૩૦-૯-૧૯૪૯