ગાતાં ઝરણાં/હિમગિરિ ખસી ગયો
ક્રૂર જગતના ત્રાસથી ત્રાસીને એ ખસી ગયો,
કોઈની આંખમાં જઈ આજ ‘ગની’ વસી ગયો.
મારી ખુશીનાં સાધનો ઝૂંટવી લઈ ગયું જગત,
તોય પ્રસંગોપાત હું જીવન ઉપર હસી ગયો.
ભાગ્યની ભીંસ, તું સદા તારી ફરજ બજાવજે,
હું જો ડગું તો જાણજે; હિમગિરિ ખસી ગયો.
હાય સુવર્ણ-જિંદગી! ભાગ્યમાં પથ્થરો હતા,
લાખ વખત કસોટીએ પ્રેમ મને કસી ગયો.
વાતાવરણને કાવ્યનું કોણ સ્વરૂ૫ દઈ ગયું?
કેમ પ્રવાહ ઊર્મિનો ધોધ બની ધસી ગયો?
નિત્ય ઊઠીને જિંદગી એને હરાવતી રહી,
શત્રુ બની દિવસ સદા આવ્યો અને ખસી ગયો
જ્યારે સભામહીં ‘ગની’, તેમનું આગમન થયું,
એક ૫તંગ દોડીને દી૫ ઉપર ધસી ગયો.
૨૩-૬-૧૯૪૮