એ વ્યાકુળતા, વિમાસણ પર વિમાસણ યાદ આવે છે,
ગયાં જ્યારે તમે, રડતું એ આંગણ યાદ આવે છે;
વિખૂટાં પાડતું આપણને, કારણ યાદ આવે છે,
વિસારું છું હજારો વાર તો પણ યાદ આવે છે,
એ દિવસ, હાય એ રાતો, એ ક્ષણ ક્ષણ યાદ આવે છે.
જગત પોઠે છે ત્યારે આભના તારા ગણું છું હું,
મરણથીયે નકામી જિંદગી જીવી મરું છું હું;
તમારું નામ લઈ બસ અશ્રુઓ સાર્યા કરું છું હું,
વીતેલો એ સમય રડવાને કારણ યાદ આવે છે,
એ દિવસ, હાય એ રાતો, એ ક્ષણ ક્ષણ યાદ આવે છે.
ખુશી મુખ પર જણાયે શી રીતે જ્યાં આગ હો મનમાં,
વસંતોની વિરોધી પાનખર છે મારા જીવનમાં;
જે પ્રાઃતકાળ કોયલડી કદી ટહુકે છે ઉપવનમાં,
તમારી સાથમાં વીતેલ શ્રાવણ યાદ આવે છે,
એ દિવસ, હાય એ રાતો, એ ક્ષણ ક્ષણ યાદ આવે છે.
તમે બોલાવતાં, હું આવતો એક જ ઈશારે ત્યાં,
મને મિત્રોય કહેતાં : ‘મુખ સાંજે ત્યાં સવારે ત્યાં?’,
કદી મહેમાન થાતો આપનો હું, આપ મારે ત્યાં,
પરસ્પરનાં એ આમંત્રણ નિમંત્રણ યાદ આવે છે,
એ દિવસ, હાય એ રાતો, એ ક્ષણ ક્ષણ યાદ આવે છે.
વીતાવી કૈંક દિવાળી મિલનની આશ મેં સેવી,
અમીદૃષ્ટિ હંમેશાં રાખજો પહેલાં હતી તેવી,
લખું છું પત્રમાં શુભ નામ જ્યારે આ૫નું દેવી!
કલમને માનનાં સો સો વિશેષણ યાદ આવે છે,
એ દિવસ, હાય એ રાતો, એ ક્ષણ ક્ષણ યાદ આવે છે.
૧૩-૨-૧૯૪૫