એફ પુષ્પને જોયા પછી કોઈના વિચારો !
ઉપવનમહીં વીંટળાઈ વળી મુજને બહારો.
છે કોની ફળી-ફૂલી તમન્નાના પ્રતિકો ?
આકાશમાં ખીલી ઊઠયો પ્રત્યેક સિતારો.
સંધ્યાનો સમય, મત્ત સમીર, પુષ્પની ખુશ્બૂ;
ઈચ્છે છે સહુ એવે સમે આપ પધારો!
આવો કે હવે આંખમાં આવી ગયાં આંસુ,
કંઈ ઉગ્ર થતાં જાય છે ધીરજના પ્રકારો.
ઉપકાર કરો તો ય એ અપમાન ગણાશે,
કોઈને બિચારો કહી દેશો ન સહારો.
બાળીને તમે ભસ્મ કર્યું એમ હૃદયને,
જે રીતથી અકસીર બની જાય છે પારો.
દુનિયાથી વિશાળ, આપના પડખામાં હૃદય છે,
એ વિશ્વનો વિસ્તાર ‘ગની’, ખૂબ વધારો !
૧૮-૫-૧૯૪૯