વનાંચલ/પ્રકરણ ૭

Revision as of 14:52, 15 February 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} <center><big><big><big>'''(૭)'''</big></big></big></center> {{Poem2Open}} અમારે જમીન ખરી, પણ ખેતીનો ધંધો નહિ. દાદાએ જુવાનીમાં જાતે ખેતી કરેલી. પછી તો જમીન ભાગે કે સાંથે ખેડૂતોને ખેડવા આપીએ; પણ ઘેર ઢોર ખરાં. અમારાં બન્ને ઘરન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


(૭)

અમારે જમીન ખરી, પણ ખેતીનો ધંધો નહિ. દાદાએ જુવાનીમાં જાતે ખેતી કરેલી. પછી તો જમીન ભાગે કે સાંથે ખેડૂતોને ખેડવા આપીએ; પણ ઘેર ઢોર ખરાં. અમારાં બન્ને ઘરનો અર્ધો ભાગ ઢોર માટેની કોઢ રોકે. ઢોરને બાંધવા માટે દોરડાં વણવાનું, માંદાં પડે ત્યારે ઉપચાર કરવાનું, એમને માટે ઘાસચારો લાવવાનું કામ દાદાને માથે. અમારા ઘરની પાછળ દક્ષિણ દિશામાં નજીકમાં જ એક ખેતર; દાદાને નામે એટલે ‘દાદાનું ખેતર’ કહેવાય. બપોર પછી દાદા હાથમાં દાતરડું લઈ ખેતરમાં ચાર લેવા જાય. સાંજના અમે ત્રણ ભાઈબહેનો ભારા લેવા માટે જઈએ. મગફળી, બાજરી, તુવેર, મગ, મઠનું વાવેતર કર્યું હોય, એક બાજુ ઝાબમાં (પાણી ભરાઈ રહે એવા નીચાણવાળા ભાગમાં) ડાંગર કરી હોય. ખેતરની વચ્ચે એક આંબો, અમારો નહિ પણ ગામના નાથા ડોસાનો. અમે ખેતરના ખોડીબારામાં પેસીએ ને દાદાને બૂમ મારીએ, દાદા દૂરને શેઢેથી જવાબ વાળે. દાદા એમનું કામ પૂરું કરે ત્યાં સુધી અમે ખેતરમાં રમીએ. મગફળીમાં આળોટવાની મજા આવે; એની લીલી સુંવાળી વાસ બહુ ગમે. ક્યારેક ઘેરથી કહ્યું હોય તો તુવેરની સીંગ કે પાપડી ચૂંટીએ; વાડે વાડે ફરી વળીએ ને કેસરી રંગનાં ખટમીઠાં પીલુડાં કે કાળાંભમ્મર જેવાં કંથારાં વીણીએ; એકબીજાનાં કપડાંમાં ‘કૂતરી’ ચોંટાડીએ. ખેતરને એક ખૂણે જૂનો કૂવો, ચારે બાજુ જાળાં ને કોરે એક મોટું જાંબુડાનું ઝાડ. કૂવામાં સૂરજનું અજવાળું ન પડે. થાળામાં ઊંધા સૂઈ જઈને અમે કૂવામાં ડોકિયું કરીએ; પથ્થર મારીએ એટલે બખોલોમાં બેસી રહેલાં કબૂતર ફડફડ કરતાં ઊડે. એ અંધારો કૂવો અમારા મનના ઊંડાણને ભયથી ભરી દેતો. દાદાએ વાડમાંથી વેલ ખેંચી કાઢી ભારા બાંધીને તૈયાર કર્યા હોય તે અમારે માથે ચડાવે. કોઈ વાર ભારામાં મગફળીના છોડ પણ બાંધ્યા હોય. અમે ઘરને આખે રસ્તે એમાંથી મગફળીઓ તોડીને ખાતા ચાલીએ. વાડ ઉપરથી ભારો વાડામાં ફેંકવાનો – ‘ઉપરવાડે’.

અમારો વાડો ઠીક ઠીક મોટો. એમાં જામફળી, દાડમડી ને એક ખાટાં બોરની બોરડી; પાછળથી લીંબોઈ ને ગોરસ આંબલી પણ ઉમેરાયાં. નાહવાની શૉલ પાસે ફૂદીનો ને તુળસી ચંદનીના છોડ, વાડમાં બે-ત્રણ અનૂરીનાં ઝાડ. વાડામાં બે માંડવા; એના પર ઘિલોડી, દૂધી ને વાલોળના વેલા ચડાવેલા. છાપરા ઉપર ગલકી ને તૂરિયાના તેમ જ કોળાના અને કંટાળાના વેલા. જરૂર પડે ત્યારે અમને નીસરણી મૂકી કોળું કે કંટાળું લેવા છાપરે ચડાવે; મજા આવે. ચોમાસામાં જમીન ઉપર ચીભડાં ને કોઠમડાંના વેલા થાય, કંકોડાં તો વાડમાં હાથ નાંખી વીણી લેવાનાં. પહેલો વરસાદ પડે એટલે અમે થોડી જમીન કોદાળીથી ખોદી એમાં મકાઈના દાણા વાવીએ; રોજ અધીરાઈથી છોડને ઊગતા જોઈ રહીએ. આખરે એક દિવસ ડોડા વીણી લેવામાં આવે ને વાડામાં કરેલા ચૂલે દાદા શેકવા બેસે. ઉતાવળમાં અમે ઝાળમાં ડોડો ધરીએ તો દાદા તરત કહે : ‘એથી તો દાણાનો સ્વાદ બગડી જાય. કહેવતમાં કહ્યું છે કે ‘ઝાળિયો પાપડ ને લાળિયો ડોડો.’’ (પાપડ ઝાળમાં સારો શેકાય ને ડોડો લાળામાં, બળતા કોલસામાં, બરાબર શેકાય.) વાડાને એક ખૂણે, આંબલીના ઝાડ નીચે પરાળ ને બાજરી-જુવારના પૂળાનાં કૂંધવાં કરવામાં આવે. લીસા પરાળના ઢગલા ઉપર પેલા ‘કરતાં જાળ કરોળિયો’ની રીતે ચડવાની ને ટોચેથી નીચે લસરવાની મજા આવે. આ કૂંધવાંની બાજુમાં વાડને અડીને બળતણનાં લાકડાં ખડકાય. બાપુ સીમળિયેથી લાકડાંનાં ગાડાં મોકલાવે. લાકડાના આ માંચામાં ચીતળ રહે, કોઈ કોઈ વાર દેખાય. પણ સાપની, એરુ-ઝાંઝરની બીક શહેરીઓને તેટલી ગ્રામવાસીઓને નહિ. હાલતાં ચાલતાં સાપનો ભેટો થઈ જાય. એ એને રસ્તે ને આપણે આપણે રસ્તે, એવું સહ-અસ્તિત્વ પ્રવર્તે. એક વાર અમે લાકડાં ઉપર ચડીને રમતાં હતાં; મને કશુંક કરડી ગયું. પગ સૂજી ગયો ને કોહવા માંડ્યો. બધાંને ખાતરી કે ચીતળ જ કરડી છે. લોકો જે બતાવે તે ઓસડ–મુરાડિયાં(મૂળિયાં) ઘસીને ચોપડવાં, પાંદડાં વાટીને લેપ કરવો - થાય, પણ કશો ફેર ન પડે. પછી બાપુએ સાપ મંતરવાવાળાની ભાળ કાઢી. છ-સાત ગાઉ દૂર આવેલા ગુણશિયા ગામે એક જાણકાર રહે. બાપુ પાણીનો લોટો લઈને જાય ને પાણી મંતરાતી લાવે. છએક મહિને આરામ થયો.

પાસેના જંગલમાં સીતાફળીઓ. પાકે એટલે દાદા સાથે અમારી ટોળી ઊપડે. દાદાએ લાંબા વાંસને છેડે લાકડાનો એક નાનકડો ટુકડો બાંધી ઊંધા Vના આકારવાળી અંકોડી બનાવી હોય. આંખો ઊઘડી હોય(પાકવાને માટે તૈયાર હોય) એવાં અનૂરાંને દાદા અંકોડીમાં ભેરવી નીચે ખેંચી પાડે. અમે બધાં એક પોતડીમાં ભેગાં કરી ઘેર લાવીએ. વાડામાં પરાળમાં કે પછી ઘરમાં માટલામાં ને કોઠીમાં એને પકવવા નાંખીએ. રોજ સવારે વહેલા ઊઠીને અનૂરાં જોવાનાં, પાકાં પાકાં કાઢી વહેંચી લેવાનાં. દાદા સારાં સારાં જોઈને એક માટલામાં એમને માટે અલગ દાટે. સવારે ચાર વાગ્યે ઊઠીને ખાય. કોઈ વાર અમને ઊંઘમાંથી જગાડી, કોગળા કરાવી, ચાના બે ચમચા ને અનૂરાની ચીરી આપે. મહાદેવ પાસેના જંગલમાં એક કોઠીનું ઝાડ, એનાં કોઠાં ગળ્યાં મધ જેવાં. ક્યારેક કોઠીએ પહોંચીએ ને નીચે પડેલાં કોઠાં લઈ આવીએ. ઘણાં ખાઈ જઈએ, થોડાંની ચટણી બને.

ગોઠથી દોઢેક ગાઉ દૂર વાલોળિયે કૂવે ને પાંણકિયે કૂવે શેરડીના કોલું ચાલતા હોય ત્યારે દાદા અમને રસ પીવા લઈ જાય. કોલુંવાળા અમારા યજમાન, દાદાનું પગે લાગીને સ્વાગત કરે, ખાટલો ઢળાય ને જાતજાતની વાતો ચાલે. અમે છોકરાં કૂવે ચાલતો કોસ જોઈએ, મોટી કઢાઈમાં ઊકળતો શેરડીનો રસ જોઈએ, આજુબાજુ ખેતરમાં લટાર મારીએ. યજમાન એક કોરા ઘડામાં અમારે માટે રસ કાઢે ને માંજેલાં પવાલાં ભરી ભરીને પાય. કોલું ચાલે છે એવી ભાળ જેમને હોય તેવાં માગણ પણ આવે. બધાંને શેરડીનો સાંઠો ને તાજો તાજો ગોળ ખાવા આપે. અમે બેઠાં હોઈએ તે દરમિયાન ખેડૂતની સ્ત્રી ખેતરમાં ફરી વળી હોય ને મૂળા, મોગરી, રીંગણાં, મરચાંનો ખોળો ભરી લાવી હોય. દાદા ખભે નાંખેલી પોતડી આપે ને એમાં બધું બંધાય. શેરડીના સાંઠા, તાજા ગોળનો પડિયો ને રસનો ઘડો લઈ ખેડૂત અમારી સાથે ઘર સુધી મૂકવા આવે.

ઉનાળામાં આંબે સાખ પડી કે નહિ તેની તપાસ કરવા ને પછી આંબો વેડાય ત્યારે કોઈ વાર દાદા સાથે અમે જઈએ. સવારની શીળી ધૂળમાં પડેલાં પક્ષીઓનાં વેલ જેવાં પગલાં જોઈ દાદાને પૂછીએ. દાદા તેતરનાં, હોલાનાં ને લાબડીનાં પગલાં બરાબર ઓળખાવે. ક્યારેક નેળમાં બે વાડને જોડતો સુંવાળો પટો પડ્યો હોય. દાદા તરત કહે : ‘એ તો હમણાં જ અહીંથી સાપ ગયો હશે.’ પાંણકિયે કૂવે અમારો એક આંબો, નામે પાંણકિયો. ત્યાં જતાં રસ્તામાં મોરડિયો ડુંગર આવે. કોઈ વાર અમે એના ઉપર ચડીએ. અમારી નાની આંખોને ટોચેથી દેખાતાં નાનાં નાનાં રૂપાળાં ખેતરો ને ચાલતાં માણસો જોવાની મજા આવે. ડુંગરની પાછળ ઉત્તર દિશામાં એક તળાવડી; એને કાંઠે ઊગેલાં જાળાંને લીધે પાણી કાળાંભમ્મર દેખાય. એ તળાવડી ડુંગર ઉપરથી જ જોયેલી, કદી ત્યાં ગયાનું યાદ નથી, પણ મનમાં એક દૃશ્ય જડાઈ ગયું છે : કાળાંભમ્મર પાણીને કાંઠે ઢોરનું પાંસળીઓવાળું મોટું હાડપિંજર! ત્યારનું એ સ્થાન મારે માટે ગૂઢ ને ભયંકર સ્થાન બની ગયું છે. આ તળાવડીઓને પણ પોતાનું વ્યક્તિત્વ હોય છે. આવો જ ભય એક બીજી તળાવડીને જોતાં પણ અનુભવતો. થાણાની પાછળ આવેલાં જંગલમાં એક ગોળ ઘાટીલી નાનકડી તળાવડી છે – નામ ‘લટિયાં તલાવડી.’ ચારે બાજુ મોટાં મોટાં ઝાડ એવાં તો ઝૂકેલાં કે એને જોઈને કાળી ગાઢી ભમ્મરોવાળી રાક્ષસની ગોળ આંખની જ કલ્પના આવે. ‘લટિયાં’ શબ્દનો પણ કદાચ આ ભયની લાગણી પ્રેરવામાં ભાગ હશે.

ઉનાળામાં કોઈ વાર બપોરે ગામડેથી ઘેર આવવાનું થાય કે બપોર પછી ઘેરથી નીકળવાનું થાય ત્યારે અમારી ઉઘાડપગાંની માઠી દશા થાય. દાદા તો નવાગામના ચામડિયા પાસે કરાવેલા ચંપલ પહેરીને આગળ આગળ ચાલતા હોય. અમે છોકરાં ધખેલી ધૂળમાં ચાલીએ. તરસ લાગી હોય, થાક ચડ્યો હોય ને પગ દાઝતા હોય. ન રહેવાય ત્યારે કહીએ : ‘દાદા, બહુ દઝાય છે.’ દાદા છાંયડે ચાલવાનું કહે, ધૂળિયો ચીલો મૂકીને કાઠી જમીન પર ચાલવાનું કહે, પણ બધે એવું ક્યાંથી હોય? આખરે તેઓ આજુબાજુ ઊગેલા ખાખરાનાં પાન ચૂંટી લે, વાડમાંથી વેલો શોધી કાઢે ને બબ્બે પાન અમારા પગને તળિયે બાંધી આપે – અમારા ચંપલ!

અમારા ઘરમાં ભક્તિનું વાતાવરણ ખરું. બાપુ રામભક્ત. પાંચ વાગ્યે ઊઠી નાહી-ધોઈ દેવપૂજામાં બેસે. સંધ્યા ઉપરાંત રામરક્ષા ને હનુમાન ચાલીસા બોલે, જ્ઞાનેશ્વરી ગીતા વાંચે. ચોમાસામાં ઘેર રોજ રામાયણ ને ક્યારેક ‘વચનામૃત’ વાંચે. બાપુ સાધારણ રીતે સવારના બહાર જાય તે બારેક વાગ્યે આવે. બા રાંધીને જ્ઞાનેશ્વરી ગીતા વાંચતાં બેસે. દાદા તો સવારે ને સાંજે ભાગવતમાં જ લીન હોય. કોઈ શ્રોતા ન હોય તોપણ એમને રસ પડતો હોય તે ભાગ મોટેથી વાંચે ને કૃષ્ણનાં પરાક્રમો ને તેની લીલા વિશે એકલા એકલા બોલ્યા કરે, સ્વગતોક્તિ કરે. અહોભાવથી, ભક્તિભાવથી એમનું હૃદય દ્રવી જાય ને આંખે ઝળઝળિયાં આવે.

શાળામાં જતાં પહેલાં જ, બાળબોધ લિપિ શીખતાં પહેલાં જ દાદાએ અમને ગાયત્રી મંત્ર ને સંધ્યા શિખવાડી દીધેલાં. રામરક્ષા ને હનુમાન ચાલીસાનો પાઠ તો બાપુ હંમેશાં કરે એટલે અમને મોંઢે. દાદાએ મહિમ્નઃસ્તોત્રની એક નાનકડી ચોપડી આપેલી. અમે શ્લોક મોઢે કરીએ. ‘શ્રીપુષ્પદંતમુખપંકજનિર્ગત’ એ સ્તોત્ર આજેય મોઢે છે. એના શ્લોકોનો માધુર્ય ને ઓજસનો ગુણ આજેય એ ‘કુસુમદશનનામા’ કવિ પ્રત્યે આદર પ્રેરે છે; એની મજબૂત શિખરિણીની સઘન પંક્તિઓમાં જે ભાષાવૈભવ ને કલ્પનાવૈભવ છે તે આ કૃતિને અનેક સામાન્ય સ્તોત્રોથી જુદી ને ઊંચી સર્જનાત્મક અંશોવાળી કૃતિ તરીકે સ્થાપે છે. દેવનાગરી લિપિથી અજાણ ત્યારે આ સ્તોત્ર મોઢે કરેલું એટલે કોઈ કોઈ સ્થળે મને ગુજરાતી ‘મ’ તરીકે ગોખેલો તે આજે પણ એના શ્લોક બોલતાં ક્યાંક છે ને સ્થાને ‘મ’ બોલાઈ જાય છે.

ઘરમાં સાંજે નિયમિત પ્રાર્થના થાય. બાપુ હતા ત્યારે તેઓ, ને પછી મોટા ભાઈ, બા તથા ભાઈભાંડુઓ બધા દેવસ્થાન આગળ ઊભાં રહી જાય. ઘીનો દીવો બળતો હોય, અગરબત્તી મઘમઘ થતી હોય ને અમારી પ્રાર્થના ચાલે. તુલસીદાસના ‘શ્રીરામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવભયદારુણં’થી આરંભ થાય. રામરક્ષા, નર્મદાષ્ટક ને બીજા શ્લોકોનું સહગાન થાય. ન્હાનાલાલનું ‘પ્રભો અંતર્યામી જીવનજીવના દીનશરણા’ પણ બોલાય. હજી શાળાએ નથી જતાં એવાં નાનાં બાળકોને સંસ્કૃતની કે ગુજરાતી કવિતાની ગતાગમ ક્યાંથી હોય! અઘરા શ્લોકો આવડે તેવા બોલે ને એના ગમે તેવા અર્થ કરે. આને લીધે ભક્તિ ભેગી ક્યારેક રમૂજની લહરી પણ ફેલાય. ‘પિતા પેલો આઘે જગત વીંટતો સાગર રહે, અને વેગે પાણી સકલ નદીનાં તે ગામમાં પેહે’ એમ બોલે! ‘કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા’ને બદલે ‘કાયેન વાચા મંછી ને સોમો’ કહે! ચાલુ પ્રાર્થનાએ પણ મોટેરાં હસી પડે.

ભગવાન હશે કે નહિ તે તો જે જાણે તે જાણે. પણ સંધ્યાના ઊતરતા અંધકારમાં ભક્તિના મઘમઘાટથી પરસાળને ભરી દેતો આ પ્રાર્થનાકાર્યક્રમ તો જાણે આજેય ચાલે છે. સાંજ પડે છે ને ઘરમાં દેવસ્થાન આગળ ઘીનો દીવો થાય છે, અગરબત્તી સળગે છે ને એ નાનકડા ઘરમાં વડીલો વચ્ચે હું મને હાથ જોડીને ઊભેલો જોઉં છું. મારી પ્રાર્થનાથી ભગવાનને પ્રસન્ન થતા ને મધુર સ્મિત કરતાં જોઉં છું. ક્યારેક ઊંઘમાં વિમાનસ્થ રામની મૂર્તિ જોઉં છું ને સ્વર્ગમાં જવાની મધુર કલ્પનાનું સુખ અનુભવું છું. સવારે ઊઠીને ભાઈબહેનને ભગવાન મળ્યાની વાત કરું છું. ઝીણી ધૂપસળી બળે છે ને એની ઊંચે પથરાતી સેર મને એ નાનકડા ગામના નાનકડા ઘરના ખૂણામાં દેવના ગોખલા આગળ લઈ જાય છે, શૈશવની સાંજના એ ભક્તિઉમંગમાં તરબોળ કરી દે છે.