વનાંચલ/પ્રારંભિક

Revision as of 16:30, 15 February 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "<br> <center><poem> શિષ્ટ-પ્રશિષ્ટ સાહિત્યશ્રેણી <big><big>વનાંચલ</big></big> ગુજરાત સરકાર દ્વારા પુરસ્કૃત જયન્ત પાઠક પ્રસ્તાવના મનુભાઈ પંચોળી ‘દર્શક’ તથા ‘ડૉ. રમેશ એમ. ત્રિવેદી’, ‘ડૉ. દિનેશ પંડ્યા’ ‘...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


શિષ્ટ-પ્રશિષ્ટ સાહિત્યશ્રેણી



વનાંચલ
ગુજરાત સરકાર દ્વારા પુરસ્કૃત



જયન્ત પાઠક




પ્રસ્તાવના
મનુભાઈ પંચોળી ‘દર્શક’
તથા
‘ડૉ. રમેશ એમ. ત્રિવેદી’, ‘ડૉ. દિનેશ પંડ્યા’
‘ડૉ. દક્ષા વ્યાસ’ અને ‘ડૉ. તૃષિત પારેખ’નાં
અભ્યાસલેખ સાથે પ્રગટ થતી આવૃત્તિ






શબ્દલોક પ્રકાશન
‘સારસ્વત સદન’
૧૭૬૦/૧, ગાંધી માર્ગ, બાલા હનુમાન પાસે, અમદાવાદ ૩૮૦ ૦૦૧

Vananchal (Reminiscences)
By Jayant Pathak
Pub. by Shabdalok Prakashan, Ahmedabad 380 001
2006

ISBN : 81-89811-20-7



પ્રકાશક

એમ. કે. મદ્રાસી
શબ્દલોક પ્રકાશન
૧૭૬૦/૧, ગાંધીમાર્ગ, બાલાહનુમાન પાસે,
અમદાવાદ ૩૮૦ ૦૦૧


પ્રથમ આવૃત્તિ : ૧૯૬૭
પુનર્મુદ્રણ : ૧૯૭૪, ૧૯૭૭, ૧૯૭૮, ૧૯૮૫, ૧૯૯૨, ૧૯૯૪, ૧૯૯૭
અભ્યાસલેખ સાથે પ્રગટ થતી આવૃત્તિ : ૨૦૦૬


© પંકજ જયન્તભાઈ પાઠક


મૂલ્ય રૂ. ૬૦-૦૦


મુદ્રક
વિજય ઓફસેટ
અજય ઍસ્ટેટ, દૂધેશ્વર રોડ, અમદાવાદ ૩૮૦ ૦૦૪


ચિ. પંકજ તથા ચિ. કિન્નરીને
વતનવિખૂટાં સંતાનોને પિતાસ્મૃતિવારસો

-જયન્ત પાઠક

શિષ્ટ-પ્રશિષ્ટ સાહિત્યશ્રેણી

ટી. એસ. એલિયટે એના ‘What is a Classic?’ નિબંધમાં જણાવ્યું છે : “A classic can only occur when a civilization is mature, when a language and literature is mature, and it must be the work of mature mind.”

જ્યારે સભ્યતા-સંસ્કૃતિમાં, ભાષા અને સાહિત્યમાં પરિપક્વતા આવે ત્યારે પ્રશિષ્ટ કૃતિ સિદ્ધ થાય છે. અને એવી કૃતિ અનિવાર્યતયા પરિપક્વ માનસનું સર્જન બની રહે છે. આવી કૃતિઓમાં ચિરંતન સૌન્દર્યતત્ત્વ રહેલું હોય છે અને તેથી જ એ યુગે યુગે સાહિત્યરસિકોને આકર્ષતી રહેતી હોય છે તથા નવાં નવાં અર્થઘટનોને પ્રેરતી હોય છે. પોતાના સમયનાં યુગબળોને આવરી લઈને આવી કૃતિઓએ ઉચ્ચ જીવનમૂલ્યોની માવજત સહજતાથી જ કરી હોય છે.

ગુજરાતી સાહિત્યની આ પ્રકારની કૃતિઓને પુનઃપ્રકાશિત કરવાની યોજનાના ભાગરૂપે ‘શિષ્ટ-પ્રશિષ્ટ સાહિત્યશ્રેણી’ અમે શરૂ કરી છે. સાહિત્યરસિકો સમયે સમયે આવી કૃતિઓની માંગ કરતા હોય છે અને યુનિવર્સિટીઓની અભ્યાસસમિતિઓ પણ આવી કૃતિઓની ખોજમાં હોય છે. આ આવશ્યકતાને ધ્યાનમાં રાખીને આવી કૃતિઓ ગુજરાતી વાચકોને માટે સુલભ બનાવી આપવાનો અમારો ઉપક્રમ છે. અમારી આ શ્રેણીમાં ‘વનાંચલ’ પુસ્તક પ્રગટ કરવા માટે સૂચન કરવા બદલ અમે શ્રી રમણ પાઠકના અને પુસ્તક પ્રગટ કરવા પરવાનગી આપવા બદલ અમે શ્રી પંકજભાઈ જયન્તભાઈ પાઠકના આભારી છીએ.

આ શ્રેણી આપના હાથમાં મૂકતાં આનંદની લાગણી અનુભવીએ છીએ.

-પ્રકાશક


નિવેદન

‘રુચિ’માં ઈ.સ. ૧૯૬૫ના જૂનથી ૧૯૬૬ના જૂન સુધી પ્રગટ થતી રહેલી સ્મૃતિકથા ‘વનાંચલ’ ગ્રંથરૂપે પ્રગટ થાય છે ત્યારે એ સામયિકના તંત્રીમિત્ર શ્રી ચૂનીલાલ મડિયાનો સૌ પ્રથમ આભાર માનું છું. એમણે ‘વનાંચલ’નાં પ્રકરણો પ્રગટ કરવાની તત્પરતા ન બતાવી હોત તો અંગત લખાણ તરીકે એ અપ્રગટ જ રહ્યું હોત.

‘વનાંચલ’ ‘રુચિ’માં પ્રગટ થતું હતું ત્યારે કેટલાક મિત્રોના એ ગમતું હોવાના પત્રો મળેલા. એમાં એક મુરબ્બી પણ હતા - શ્રી મનુભાઈ પંચોળી - ‘દર્શક’. એમણે ઉત્સાહથી પુસ્તકની પ્રસ્તાવના લખવાનું સ્વીકારી મને આભારી કર્યો છે.

‘સાહિત્ય સંગમ’ના સંચાલક શ્રી નાનુભાઈ નાયકે કશી આનાકાની વગર આ પુસ્તકનું પ્રકાશન કરવાનો ઉત્સાહ બતાવ્યો તેથી તેમનો હું ઋણી છું.

ગ્રંથના મુખપૃષ્ઠ માટેનું ચિત્ર મમતાથી તૈયાર કરી આપનાર મારા અધ્યાપક મિત્ર પ્રો. ઈશ્વરભાઈ જરીવાળાને તો કદાચ હું આભાર માનું તેય ન ગમે એટલી અમારી આત્મીયતા છે.

છેલ્લે મારું એ વતન, એનાં પ્રકૃતિ અને લોક તથા મારાં સ્વજનો જેમણે આ કથાના વસ્તુરૂપે મને સાથ આપ્યો છે તેમનું સાભાર સ્મરણ કરું છું.

૨૩, કદમ્બપલ્લી,
નાનપુરા, સુરત – ૧
૨૫-૯-૧૯૬૭
જયન્ત પાઠક
 


બીજી આવૃત્તિનું નિવેદન

‘વનાંચલ’ની પ્રથમ આવૃત્તિની નકલો ખપી ગઈ હોવાથી એને ફરી છાપવાનો વિચાર ચાલતો હતો. તેવામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ બી.એ.ના અભ્યાસક્રમમાં એને પાઠ્યપુસ્તક તરીકે નિયત કરીને એ કાર્ય વહેલું કરવાનો અવસર આપ્યો તે બદલ યુનિવર્સિટીનો હું આભારી છું.

૨૩-૩-૧૯૭૪
જયન્ત પાઠક
 

જનમભોમને જલાંજલિ

બાળપણ કોને ગમતું નથી? રઘુપતિ જેવા ધીર અને અલ્પ ભાષી અવતારી પુરુષથી પણ સંસારનો તાપ અનુભવીને કહી નંખાયું :

जीवत्सु तातपादेषु नूतने दारसंग्रहे ।
मातृभिश्चिन्त्यमानानां ते हि नो दिवसा गताः ॥

બાળપણમાં આપણને પાછું જવાનું મન થાય છે, કારણ કે એ નચિંતતા અર્પતા સ્નેહની ભૂમિ છે. સ્નેહે અર્પેલી આવી નચિંતતા માણસ ફરી અનુભવી શકતો નથી. આથી જ તે ફરી ફરીને તેને વાગોળે છે. ‘વનાંચલ’ના લેખકે એક જ શબ્દમાં એને ‘આનન્દપર્વ’ કહીને વર્ણવ્યો છે.

આવી બાલ્યસ્મૃતિ કાકાસાહેબે ‘સ્મરણયાત્રા’ દ્વારા ગુજરાત પાસે ધરી. ‘સ્મરણયાત્રા’ની લોકપ્રિયતા ને અસરકારકતાનું કારણ મને એવું લાગ્યું છે કે એ બધાં બાળકોની સ્મરણપોથી છે. અજીંક્યતારાનો ગઢ પોતે ઊંધે માથે જોતા ત્યારે કેવો લાગતો તે, (ભાઈ જયન્ત પાઠકે પણ વડવાગોળની જેમ ખીંટીએ ટિંગાઈ ઊંધે માથેથી સૃષ્ટિ કેવી લાગતી તે લખ્યું છે.) ‘મરચાં બહાદર’, ‘કાંકરા બહાદર’, ‘બિલાડી વહુ’, ‘આક્કા’ – આ બધાં પ્રકરણો સૌ બાળકોની શૈશવસ્મૃતિનાં છે. ‘વનાંચલ’ પણ આવી જ બાલ્યકાળની સ્નેહસ્મૃતિ છે, પણ ‘વનાંચલ’નું વૈશિષ્ટય આ બાલસ્મૃતિ સમગ્ર જન્મભોમની સ્મૃતિરૂપે પ્રગટી છે તેમાં છે. ‘વનાંચલ’માં લેખક કે તેનો પરિવાર મધ્યમાં નથી. મિત્રો છે, પરિવાર છે પણ તે પરિઘ ૫૨; કેન્દ્રમાં તો છે વનાંચલનું ગોઠ ગામ, તેની નદી, જંગલ, ખેતરો, આદિવાસી લોક. બાળકના સંવેદનશીલ અને ગ્રહણશીલ મનથી તેમણે જે જોયું અને અનુભવ્યું છે તે તેમણે અકૃત્રિમ અને અનાયાસ શૈલીમાં વર્ણવ્યું છે.

રામકૃષ્ણદેવે ક્યાંક પરમહંસને બાળક સાથે સરખાવેલ છે. બન્નેને પોતાનો દૃઢ અહંભાવ હોતો નથી. આથી તો સૌનું યથાર્થ સ્વાગત કરી શકે છે. બાળકને પોતાનો દૃઢ અહંભાવ નથી હોતો તેથી તેને પોતાની આજુબાજુની સજીવ-નિર્જીવ સૃષ્ટિ સાથે સહજ તાદાત્મ્ય હોય છે. વસ્તુતઃ તેને મન તે વખતે સૃષ્ટિ નિર્જીવ હોતી નથી. નાના પાંચીકા, કચૂકા, નદીની રેતી એ સઘળું તેને રસાર્દ્ર કરે છે. આ રસાર્દ્રતા ‘વનાંચલ’ના લેખકમાં ભરપૂર, પડી છે તેનો અનુભવ હરેક પાને થઈ શકે એમ છે.

પણ આ શક્તિ તેમણે વનાંચલની આખી સૃષ્ટિને પ્રગટ કરવામાં વાપરી છે તે તેમનું આગવું પ્રયાણ છે. નવા યુગનાં ઈષ્ટ કે અનિષ્ટ પરિબળો નીચે આ વનાંચલ સૃષ્ટિનો લોપ થતો જાય છે; સઘન અરણ્યો અને તેને છેવાડે રહેનારને રેલગાડી ને રેડિયો, ટેરેલિન અને સોશિયો બદલી રહ્યાં છે. તે બદલાઈ જાય, ને આપણે બધાં એકરંગી, વૈવિધ્યશૂન્ય સમૂહમાં માત્ર આંકડાઓ સમા બની જઈએ તે પહેલાં પેલી દુઃખ ને અગવડવાળી છતાં રંગમયી, જીવંત અને પ્રકૃતિના મૈત્રીપ્રભાવે પ્રોત્સાહિત, જીવતરની છબી કોઈક દોરી કાઢે, સુંદર રીતે દોરી આપે તે બહુ જ જરૂરી છે; કારણ કે સગવડને સુખ માની તેના ગજે જ સાંસ્કૃતિક વિકાસ માપનારા પરસંચાલિત સમૂહસમાજથી સૌ એક વખત થાકવાના છે. એનો આંશિક અનુભવ અમેરિકા-સ્વિડન જેવા દેશોમાં થવા લાગ્યો છે. આને જ અનુલક્ષીને ઇતિહાસવિદ્ ટૉયન્બીએ ક્યાંક કહ્યું છે કે હવે પછીનાં પચાસ વર્ષ જગતપ્રભુત્વ અમેરિકાનું હશે - અમેરિકાનું એટલે અમેરિકન જીવનપદ્ધતિનું - પણ તે પછીનાં પચાસ વર્ષે પ્રભુત્વ ભારતનું હશે. ટૉયન્બીના મનમાં જે ભારત છે તે સગવડોને બદલે આંતરિક શાંતિને વધારે મહત્ત્વ આપનારું ભારત. આવા ભારતની ખોજ કરવા માટે વનાંચલમાં નષ્ટ થઈ જતા સમાજનાં સતત્ત્વોને વીણવાં પડશે. ‘વનાંચલ’ જેવી શૈશવસ્મૃતિનું સામાજિક મૂલ્ય અહીં પડેલું છે. પણ આ મૂલ્ય જ્યાં સુધી શોધનાર પોતાના વ્યક્તિત્વને વીસરી પોતાના ઘટકને ન નિહાળે ત્યાં સુધી હાથમાં આવવું મુશ્કેલ છે.

સામાન્ય સ્મૃતિકથા, મારા પિતા કે મારા દાદા આમ આમ હતા; અમારું કુટુંબ આવું હતું – એવી ઉક્તિઓથી શરૂ થતી હોય છે. ‘વનાંચલ’ શરૂ થાય છે : ‘પૂર્વ પંચમહાલના વનાંચલનો એક વિસ્તાર... વસતિ મોટે ભાગે કોળી, ધારાળા, બારૈયા, આદિવાસીની...’ પ્રદેશની ખાસિયતો, ગામની નદી, ગામનું વર્ણન, થાણું – થાણાના અમલદારો – આવું વર્ણન ચાલે છે. પોતાના કુટુંબની વાત તો છેક ૨૪મા પાને શરૂ થાય છે. પોતાની સ્મૃતિમાં પોતાના સમાજની આવી અભિન્નતા વણાઈ જાય તેવું ભાગ્યે જ જોવા મળ્યું છે.

બાલ્યાવસ્થાના સુખનું એક કારણ એ હોય છે કે તેની પાસે જગતનાં કાટલાં નથી હોતાં. પૈસા, પદવી, રંગ કે રાગનાં કાટલાંને બાળક અડતું નથી. તેનું કાટલું તો માત્ર આનંદ જ છે. આ આનંદ ભાઈ જયન્ત પાઠકે નિર્ભેળ રીતે ખેતર, કોતર, હોળી, દિવાળી, લગ્ન, મરણ, તાપ, વરસાદ, સારા-નબળા બધા પ્રસંગો પર માણ્યો છે. સાત્ત્વિક આનંદનું ઝરણું આમાંથી ફૂટી નીકળ્યું છે. ભાઈ જયન્ત પાઠકને કટાક્ષ, નર્મ, વિનોદ કરતાં સરસ આવડે છે; પણ તેય તેણે વાપરેલ છે પોતાની વીતી ગયેલી સૃષ્ટિને વધારે સજીવ કરવા. પોતાનું ગામઠી ભણતર વખાણવા જેવી રીતે નથી ચાલ્યું; દમલા માસ્તરે આંક કરતાં આંકણી દ્વારા જ વધારે શીખવેલ છે; પણ તે ભાંગ્યું-તૂટ્યું શિક્ષણ પણ જીવન સાથે કાંઈક અનુબંધિત હતું; એમણે કેમ નથી લખ્યું પણ મને યાદ છે ત્યાં સુધી તે જમાનાની ગુજરાતી ચોપડીઓમાં જુવાર-બાજરી એકદળ-દ્વિદળના પાઠો હતા અને નામું, મુખગણિત, સુલેખન, ફાઈલનું વાચન મહત્ત્વનું સ્થાન ભોગવતાં. ગમે તે હોય, પણ પોતાનું એ ભણતર યાદ કરી શ્રી પાઠક કહ્યા વિના રહી શકતા નથી કે ‘બાળકો ઉપર આજે ડહાપણની દુનિયાનો જે બોજ લાદવામાં આવે છે તેનાથી મુક્ત રહેવાતું. પણ આજે તો આપણે ઇજનેરો, ડૉક્ટરો, પ્રધાનો ને નેતાઓ પેદા કરવા છે ને! કેળવાયેલા હૃદયના કલ્પનાશીલ માણસો ક્યાં પેદા કરવા છે!’ (પૃ.૧૨) વીસરાઈ ગયેલા આ ખૂણામાં પડેલ વૈજનાથ મંદિરનું વર્ણન કરતાં પણ તેમનાથી કહ્યા વિના રહેવાતું નથી : ‘એ આખો પ્રદેશ પછાત ગણાય એટલે આપણા સંશોધકો ને પુરાતત્ત્વવિદો ત્યાં સુધી પહોંચી શક્યા નથી; પહોંચશે ત્યારે કદાચ મંદિરના કોઈ ઉત્સાહી પૂજારીએ જીર્ણોદ્ધાર કરી નાખ્યો હશે’... ‘ગામના તળાવે કે નદીએ કેટકેટલા પાળિયાઓને, ઈતિહાસની નાનકડી વીરમૂર્તિઓને નાહવાધોવાની શિલા બનાવી આપણે ઈતિહાસને ઘસીભાંગી નાંખ્યો હશે!’... ‘નવી પેઢી તો શાળામાં ઈતિહાસ ગોખતાં પરવારે તો આ રોજ રોજ ઠોકરે ચડતા ઇતિહાસને ઉકેલવા બેસે ને!’ (પૃ.૧૯) આદિવાસીઓનાં ગીત-નૃત્યનું વર્ણન કરતાં તે કહી નાંખે છે : ‘એમનાં સહજોત્થ ગીતને કોઈ સરકારી સર્ટિફિકેટની કે નૃત્યને કોઈ આચાર્યના ઉત્તેજનની પડી નથી.’ (પૃ.૨૧)

જંગલનાં ટૂંકાં વર્ણન કરતાં કોઈક સારા કવિને જ જડે તેવી ઉપમા પણ અપાઈ જાય છે : ‘ગોઠ ગામની પૂર્વ દિશામાં, પસાયતું મૂકીએ એટલે તરત જંગલ આવે. સાગ, ખાખરા, બાવળ, આમલી, અનૂરીઓ, કૉઠી, આંકોલ ને કડાનાં, નાનાંમોટાં ઝાડ. એમાં એક-બે કઢાઈનાં તોતિંગ સફેદ રંગનાં વૃક્ષો, કાળીપરજની વચ્ચે આર્યજનની જેમ ઊભેલાં’. (પૃ.૧૮) પોતાની જન્મભૂમિ કે બાળપણનું વર્ણન કરતાં ઘણી વાર સ્મરણ કરનાર તે વયમાં થયેલા બેચેની ઉપજાવનાર અનુભવો આલેખતા નથી હોતા. બાળપણમાં અદમ્ય જીવનરસ હોય છે એટલે આવા બેચેનીભર્યા અનુભવો તે જલદીથી ટપી જાય છે. પણ થતા નથી તેવું તો હોય જ નહિ. ભાઈ પાઠકે પોતાની બાલ્યાવસ્થામાં ભય ઉપજાવનારા, ખેદ, જુગુપ્સા, ક્લેશ ઉપજાવનારા પ્રસંગો ચીતર્યા છે; ખાસ કરીને દેશી રાજ્યના અમલદારોનો ત્રાસ અને લોકની ગરીબાઈમાંથી જન્મતાં કષ્ટો પર તેમણે શૈશવના માધુર્યની બિછાત બિછાવી નથી. ચોરીના ખોટા આરોપ માટે કુટાઈ-પિટાઈને શહીદી વહોરતા નાનિયા ને રામલાને સજીવ કરીને ભારે સેવા કરી છે. તેવી જ રીતે રોટલાની મૂંઝવણે અપંગ પતિને રસ્તા ઉપર હડસેલી દેનાર ધૂળીમાશી, બાપનું સરવણું કરવા બેસતી વખતે ગોરની ‘છેટી’(પોતડી) પહેરનાર બાળકની નિરાધારી; ઢાલની આ બીજી બાજુ એમણે ચીતરી છે તેમાં જ તેમણે ઉઠાવેલા પ્રશ્નનો અરધો જવાબ વાંચનારને મળી જવાનો; વાચક કહેવાનો કે ભલે જંગલો કપાયાં હોય; ને વનાંચલની ઝાકળભરી શોભા નષ્ટ થઈ હોય, પણ પાછા તે જમાનામાં જવા જેવું નથી. વરસતી લૂમાં દાઝતા પગે ખાખરાનાં પાનના જ ચંપલ બાંધવા પડે, બે આનાનું અફીણ લેવા દાણીની ગાળો ખાવી પડે કે ઉપલો વરણ નીચલા વરણ માટે કહે, ‘એમને તો ના દઝાય, ખરહાંણીની જાત.’ એ જો ‘વનાંચલ’ની સૃષ્ટિનો અનિવાર્ય ભાગ હોય તો તેનું આકર્ષણ ભાગ્યે જ થવાનું. ઢાલની આ બીજી બાજુ નાનકડી સ્મરણપોથીની વિશેષતા છે.

છેલ્લું પ્રકરણ તો શિરમોર છે.

સાડા ત્રણ દાયકા પછી લેખક પોતાના વતનમાં જાય છે, એસ.ટી.માં જ્યાં આગગાડીની વાત કોઈ માનવા તૈયાર નહોતું; આદિવાસી કહેતો, ‘બળદ વગર ગાડી ચાલી જ ન શકે’ – ત્યાં ધમધોકાર એસ.ટી. ચાલે છે. આદિવાસીઓનાં અંગ પર લંગોટીને બદલે થેપાડાં ને ઘુઘરિયાળાં બટનવાળાં લીલાં ખમીસ ને માથે ફાળિયાં જોવા મળે છે. કરડ નદીનો બંધ બંધાયો તેમાં આ લોકને સારી રોજી મળી છે. પણ લેખક કહે છે : ‘પણ જે જંગલમાં દિવસે ચાલતાં ભય લાગતો ત્યાં ગણ્યાંગાઠયાં ઝાડવાં ઊભાં છે...કેડીઓ તો બિચારી વગડામાં સંતાતી સંકોચાતી ફરે, રખેને ઘાસ કે છોડ ધસી આવીને રંજાડે એવો ભય. પણ આ રસ્તા! એમની તો જાણે શાહી સવારી! સંકોચ તો એ શીખ્યા જ નથી! સંકોચવાનું તે વગડાને... ક્યાં માણસને આશ્રય આપતો પેલો વનાંચલ ને ક્યાં આ માણસને આશ્રયે, એની દયા ઉપર જીવતાં ઝાડવાં! હવે તો જાણે પ્રકૃતિને સંસ્કૃતિની મહેરબાની ઉપર જ જીવવાનું!’ (પૃ.૬૬) વિભૂતિભૂષણના ‘આરણ્યક’નો જ જાણે કોઈ ફકરો! પણ અનુભૂતિ એક હોય ત્યાં વાણી એક જ નીકળે ને! પોતાના વતનનું ગામ ઉજ્જડ થઈ ગયું છે. પોતાનું ઘર તો છે જ નહિ; વડ ઊખડી ગયો છે; ઈંટો લોકો ઉપાડી ગયા છે; ઉપર બંધ બંધાતાં નદી પાતળી સેર જેવી બની ગઈ છે; કાળા ખડકો હાડપિંજર સમા પડયા છે; વૈજનાથ મહાદેવ પણ ‘સુધરી’ ગયા છે; ઝરખના છીંકોટા, ફાલુડીનું રુદન, શાહુડીનાં પીછાં કે વાઘનાં પગલાં કશું નથી; વૃક્ષોની આડશ દૂર થઈ છે ને સાથે ભયનો, ગૂઢતાનો રોમાંચ પણ નષ્ટ થયો છે. પાસેના ઘોઘંબા ગામમાં કાકાના ઘરની સામે જ બસ ઊભી રહે છે; ઘોઘંબા તો નાના કસબા જેવું બની ગયું છે : હોટેલ છે, થાળીવાજાં વાગે છે, ખાસ્સું બજાર થઈ ગયું છે, રંગબેરંગી તેલની બાટલીઓ શોભે છે. પહેલાં લીસા સપાટ પથ્થરથી કપડાં ઘસતાં - તે સાબુ - પણ હવે તો ધોવાના જ નહિ, નાહવાના જાતજાતના સાબુ મળે છે. ત્રણ–ચાર જણને ત્યાં રેડિયો છે; દુકાન પર પાન ખાનારની ઠઠ જામે છે; બધાનાં મોં પર ‘સુધરેલા’ જીવનનો રંગ ચળકે છે.

પણ પોતાનું ગામ ક્યાં? જે ગામ જોવાની હોંશે આવેલ છે. તે ગામ ક્યાં છે? તે સગવડો વિનાનું–હજામતની પણ જ્યાં સગવડ નહોતી, કપડાં સિવડાવવાની પણ સગવડ નહોતી–આવી પ્રાથમિક સગવડો વિનાનું, પણ અભંગ પ્રકૃતિની સગવડ જ્યાં હતી–તેને મળવાની ઝંખના હતી; ભૌગોલિક રીતે સ્થળ-ગામ રહ્યાં છે પણ તેની જોડે જાણે પોતાને સંબંધ નથી રહ્યો, ને પોતાના જે ગામને હૈયામાં સંઘરી રાખ્યું છે તે તો છે જ નહિ; કોઈ, અરે કૂતરું સુધ્ધાં જાણે એને ઓળખતું નથી! ‘રહ્યાંસહ્યાં ઝાડવાંને પૂછું છું ‘ઓળખો છો?’ જવાબમાં જાણે માથું ધુણાવી કહે છે : ‘ના, ના.’ આ ભૂમિપૂરતો જાણે હું કોઈ જીવતો માનવી નથી, પ્રેત છું, વાસનાદેહે વિચરું છું.’ (પૃ.૭૧) ગામના વૃદ્ધ મળવા આવે છે; તેને થાય છે ઘોઘંબાની પ્રગતિ જોઈ જયન્તભાઈ રાજી રાજી થયા હશે. સૌને શહેર થવું કેમ ન ગમે ? પણ શહેર થવા જતાં જે ખોયું છે તેનું શું? ‘એક આખું જગત મારા ચિત્તમાં બરાબર વસી ગયું છે. વર્તમાનના સંદર્ભમાં હું આ ભૂમિનો નથી. થાય છે કે સવારે જ અહીંથી નીકળી જાઉં : વધારે રહેવાથી રખેને ચિત્તમાં અંકાયેલું પેલું ચિત્ર ચેરાઈ જાય. સવારે મોટરમાં વિદાય થાઉં છું. ઊંચાનીચા રસ્તા ઉપર આંચકા આપતી મોટર એકધારો અવાજ કરતી ચાલી જાય છે. વધતા જતા અંતર સાથે હું ચિત્તમાં ઊગેલા મારા વનાંચલમાં વધુ ને વધુ ઊંડે પ્રવેશતો જાઉં છું. નાની નાની કેડીઓ જેવી કાવ્યપંક્તિઓ મનમાં ઊઘડી રહે છે :

અહીં હું જન્મ્યો’તો વનની વચમાં તે વન નથી;
નથી એ માટીનું ઘર, નિજ લહ્યાં તે જન નથી;
અજાણ્યાં તાકી રહે વદન મુજને સૌ સદનમાં;
વળું પાછો મારે વનઘર હું : મારા જ મનમાં.

*

કોઈ એક જરૂર પૂછી શકે કે ભૂતકાળ પાછો આવી શકે તેમ નથી તો તેને માટે આવાં વલખાં મારનારું સાહિત્ય નિર્માણ કરવાનો શો અર્થ? પ્રગતિના રથને અવરોધવા જેવું તો આ નથી? માર્ક્સમાં જે નિયતિવાદી વસતો હતો તેણે કોક જગાએ એવું કહી નાંખ્યું છે કે પ્રગતિની પ્રક્રિયા પેલા હિંદુ દેવતા જેવી છે જે માણસની ખોપરીનું પ્યાલું કરી અમૃત પીએ છે. પ્રગતિની, વિકાસની કેડી પર વિનાશ પણ વેરાયેલો અવશ્ય દેખાય છે પણ માણસની ખોપરીમાં જે અમૃતકુંભ ભર્યો છે તે આ વિનાશની યોગ્યતા અને યાત્રા તપાસતો આવ્યો છે; ને હર સૈકે આ વિશ્લેષણને પ્રતાપે વિનાશની યાત્રા ઘટતી આવી છે.

બે પ્રસિદ્ધ ઉદાહરણો આના સમર્થન માટે પૂરતાં ગણાશે. એક કાળે ઉદ્યોગવાદના વિકાસ માટે બાળમજૂરી અને પરદેશોનું શોષણ અનિવાર્ય મનાયું. હવે તેને અનિવાર્ય કહેવા અર્થશાસ્ત્રીઓ તૈયાર નહિ થાય. એક કાળે ભયાનક મંદીનો અવારનવાર ઉપદ્રવ તે મૂડીવાદનો અનિવાર્ય ભાગ મનાયો; આજે અર્થશાસ્ત્રીઓ તેને અનિવાર્ય નહીં ગણાવે. મજૂરીના લોખંડી કાયદાને તો હવે કોઈ સંભારતુંય નથી. તેવી જ રીતે પ્રગતિ એ પ્રકૃતિનો વિનાશ કરવાથી થાય, બન્ને વચ્ચે આડવેર છે તેવી વાત પણ અર્ધદગ્ધ જ્ઞાનની નિશાની છે. માણસની પ્રજ્ઞામાં જે અમૃતકળશ ભર્યો છે તે ઇતિહાસનું પુનરાવર્તન થવા નથી દેતો, ઇતિહાસનું આવર્તન કરે છે.

સગવડો પાછળની ઘેલછા, મોટાં મોટાં શહેરો અને કેન્દ્રિત અર્થ તથા રાજ્યવ્યવહારનું નિર્માણ, પ્રકૃતિથી વિરોધી સંસ્કૃતિની પ્રશંસા-આ યુરોપની મહેચ્છાઓ કે સિદ્ધિઓ રહ્યાં. કવિવર ઠાકુરે આને જ ‘ઈંટ ચૂનાની સંસ્કૃતિ’ એવું નામ ‘સાધના’માં આપ્યું. પણ આજે ત્યાંના જ મનીષીઓ, સમાજવિદો મનુષ્યે ગુમાવેલ પ્રકૃતિસંપર્ક તેને કેમ મળે તે વિચારવા લાગ્યા છે.

માતાના ઉદર વિના જેમ ગર્ભ વિકસી શકતો નથી તેમ પ્રકૃતિના કંઈ ને કંઈ અનુસંધાન વિના સ્વસ્થ માનવના વિકાસનો સંભવ નથી. પ્રકૃતિનો સંપર્ક શામક, તાપહરણ મનાવા માંડ્યો છે, અને તેથી નવાં મહાનગરોની રચના કરનારા શાસ્ત્રજ્ઞો થોડે થોડે અંતરે Green Belt – વૃક્ષ-વનસ્પતિનાં વલયો શહેરની આજુબાજુ હોય તેવો આગ્રહ સેવતા થયા છે.

સાહિત્યકાર ઉદ્ગાતા છે, વિજ્ઞાની નથી. તેની પાસે ઉપાય માગવાની વાત વ્યર્થ છે. તે તો આવતી કાલના સમ્યગ્ માનવી ને તેની અનુકૂલ જગતની ઝંખનાનું ચંડોળગાન કરશે. આ ગાને વિજ્ઞાનને દિશા સાંપડશે. ‘વનાંચલ’નો અલ્પ પ્રયાસ આ દિશામાં છે; તેને તે દૃષ્ટિએ વધાવીએ.

લોકભારતી
સણોસરા (સૌરાષ્ટ્ર)
દર્શક
 

‘વતન સાથેના મુગ્ધતાના તન્તુઓ’નું આ નિબંધન કથા, વર્ણન અને કવિત્વથી રસમય બન્યું છે. એની સામગ્રીની નવીનતા ને શૈલીની ઋજુતા વાચકના શૈશવને જાગ્રત કરે છે અને એના હૃદયમાં મધુર વિષાદનો સંચાર કરે છે. લેખકની કલ્પના, વિદ્યા કે વિદગ્ધતાએ ગ્રામજીવનની ભાવનાને આસમાની રંગે રંગી નથી, પરંતુ એના ક્ષુદ્ર જણાતા વાસ્તવમાં પણ શૈશવની નિર્વ્યાજ આંખે સંપત્તિ અને કૌતુક નિહાળ્યાં છે. ગુજરાતના પૂર્વ સીમાડાના જાનપદી જીવનના ચિત્ર લેખે પણ ‘વનાંચલે’ ગુજરાતી સાહિત્યમાં ભાત પાડી છે.

વિષ્ણુપ્રસાદ ૨. ત્રિવેદી