ગોવાળિયો
ગોવાળિયો પાદરથી એક દે ટૌકો
ને અંગ મારે પીઠી ચડે જે!
માઝમ રાતોની ચાંદની ઊની કે
સોણલાં પાંપણ અડે જે!
પાણિયારે સૂરજની સાત સાત માંજી મેલેલ
કાંઈ ઝબકી ઊઠે રે મારી હેલ,
ઓઢણે ટાંકયાં તે આભલાં ભેળી ભરેલ
મારી ફાલી ઊઠે રે લીલી વેલ.
પિત્તળિયો વાગ્યે, ખોવાયલું ગાણું
તે કંઠને પાછું જડે જે!
ઘૂઘરીનો મીઠો રણકાર લઈ આવે ગાયોનું ધણ
કોઢમાં પડે છે ભલી ભાત,
શેડકઢી તાંસળે ચાંદની પીધી ને પોઢ્યાં તૈં
પાદરશું ઓરું પરભાત.
વરણાગિયો આવે ને ચીતરેલ ભીંતોની ઢેલને
લ્હેકો જડે જે!
૧૨-૩-૧૯૬૯