– અને ભૌમિતિકા/જોડા

Revision as of 14:21, 17 February 2024 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


જોડા

ઝાડની છાલ ચામડામાં વટલાઈ ગઈ
ને જોડાના ઘોડા જોટાજોટ આવી ઊભા.
પછી તો પર્વત-કેડીઓ, જંગલ, ખીણ
નાળાં, નદીઓ
વળોટતા છેક નગરમાં જઈ
કોઈ એક જિરાફી મકાનના દાદરની
ઠપ ઠપ ઠપ ઠપ ચડઊતરમાં રમમાણ થઈ ગયા.
ચડે ને ઊતરે ને
ચડે ને ઊતરે
ને એમ એક દિવસ જોડાને ફૂટી
આંગળીઓ!
પણ એમ
ટચલીથી અંગૂઠા લગી ઊગી આવતાં
હજારો વર્ષ નીકળી ગયાં.
હવે જોડા તે પગ ને પગ તે જોડા
ને જોડા તે ઘોડા ને ઘોડાને ખરીઓે,
ખરીઓ તે ખખડે ને નાળ્યો ખનકે
ને જોડાના ઘોડા છેક
કોઈ ચીમની, ઊંટડા કે ટાવરની ટોચે જઈને
અટકે... ને એમ કરતાં કરતાં
મિજાગરાંમાં જોટાઈ ગયા.
ધીમે ધીમે આંગળીઓને તો નખ
ફૂટતા ચાલ્યા.
તીણા તીણા, ગભરુ વાંકડા નખ
વધતા ચાલ્યા.
એક દિવસ એકને થયું તે
પાછો જંગલમાં જઈ ઝાડ કને જઈ ઊભો!
કીડી, જંતુ, જીવ-જનાવર હાજર!
–સૌ ચૂપ.
એવામાં એક ભીલ પાષાણી આવી ઊભો :
સ્તબ્ધ.
ના બોલે ના ચાલે
ઊલટું જોડો નિહાળે.

પછી તો એક કીડીએ જોડાના પેટાળમાં પેસીને
ભાળ કાઢી કે
અંદર ખીલીઓએ માથોડાં ઊંચક્યાં છે
ને એમ
એ ગંજાવર હાથી થવાની તૈયારીમાં છે.

ઝટપટ ભીલ ઘાસિયું પહેરણ કાઢી
જોડા પર નાખી પોતાના નખાળવા પગ લઈ
જંગલમાં ક્યાંય ’લોપ!

કહે છે :
હજીયે ત્યાં પેલા પહેરણ નીચે
જોડાના નખ વધતા જ જાય છે.

૨૭-૬-૧૯૭૬