યજ્ઞેશ દવેનાં કાવ્યો/વના જેતાની વાતું
સ્થળ : મધ્યમ શહેરનો સોસાયટી વિસ્તાર.
જૈફ વયે પહોંચેલા સફાઈ કામદાર વના જેતા અને તેના મુકાદમ વચ્ચેની વાતચીત.
વના જેતા
– હાજર સાયેબ, પાય લાગણ મા’બાપ.
કેમ સાવ છેવાડે રઈ ગ્યો?
– આપડે જ સેવાડે રઈ પસે કોઈ સેવાડાવાળાની ચંત્યા તો નંઈ. સાચુ ને સાઈબ?
વના જેતા
સર્વોદય સોસાયટી શેરી નંબર-૪નો રોડ બરોબર વાઈળો છે’ને? ડેપુટી કાલે રાઉન્ડ મારવાના છે, ફરિયાદ નો આવવી જોઈ સઈમજો?
– વાળીઝૂડીને સોખ્કો સણાક -ચાચર ચોક જેવો મા’બાપ
અંબામાને પગલાં પાડવાનું મન થાવું જોવે.
એલા તારાં છોકરાંવ કેટલા?
ઈ ભણશે કે ઈ’યે ઢૈડો કરશે તારી જેમ?
– તણ છોકરાંવ. બે દેવે દીધા દીકરા ને એક માતાજીએ દીધી દીકરી.
ભણવાનું તો સાઈબ...
ભણે નરસી મે’તો, ભણે શિવાણંદ ને ભાણે મારો દાસી જીવણ.
અમે તે શું ભણી સાઈબ.
બે-ચાર સોપડી વાંસી છોરાં રોજી રળશે ધરમની.
ને હુંય ક્યાં દાડા, વૈતરાં કે ઢૈડાં કરું છું સાઈબ.
રાજીનો રોટલો રળું છું રામે દીધો.
વના જેતા, તારે કાંઈ ટુકડો જમીન ખેતર ખોઈડા ખરા?
– અલખનો ઓટલો સેને સાઈબ, ને રાતે ઉપર નવલખ સંદરવો.
ઈ આખેઆખો મારો જને બાપ.
એલા તારી કાંઈ બાપકમાઈ ખરી કે નંઈ?
– આ દખ જ બાપીકું ક્યો’તો બાપીકું
ને પોતીકું ક્યો’તો બાપીકું.
આ દખનું જ અમને ભારી સખ ઈના ભારી હેવા
ઈના વગર સોરવે જ નંઈ, ઈના વન્યા ટુકડો હેઠ નો ઊતરે.
વના જેતા અનામતની તને કાંઈ ખબર્ય?
– દર બે-પાંસ વરહે મતે ય લઈ’ગ્યા પોટલી મોઢે
ને અનામતે ય ક્યારના ઢઈડી ગ્યા પોટલા મોઢે
અમે ઈની રમત મમતમાં ક્યાં પડિયે સાઈબ.
તું પરમાટી ખાશ વના જેતા?
– પરમાટી તો સુ સાઈબ અળસિયાની જેમ
માટી ય ખાવી પડે.
જલમ-જલમના પુન કે જેવા તેવા તોય જીવતર મઈળા મનેખના.
ઈને કાંઈ રોળી નખાય? જતન તો કરવું પડેને બાપ.
ગમે તેવું તો ય મનેખનું ખોળિયું સાઈબ.
અંદરનો રામ રાજી રે’વો જોવે.
ને પરમાટી સાઈબ.
ખોટું નંઈ બોલું મા’બાપ, ઉપરવાળે પુગે મને;
ગામને પાદર ઢોરાં ઠોલતાં ગીધડાંવ ઉડાડી-ઉડાડી
ચામડાં ચીઈરાં છ લાલપીળાં લાબરાં લીરાં જેવાં.
પણ, હવે પેધેલાં લોઠકાં આ ગીધડાંવ હારે અમે હામ નો ભીડી હકી.
અમારું ગજું નંઈ સાઈબ.
વના જેતા, તું ભજન તો કરતો હઈસ, ખરું કે નઈ?
– અમારે તો બાપ, ભોજન ઓછા ને ભજન વધારે.
ઇ’નાથી કાંઈ વધારે છે સાઈબ?
ગામમાં બોલાવી જાય સંધાય.
ભોજન તો અમે ક્યાં દંઈ, કિમ દંઈ?
પણ ભજનની ના નંઈ.
લોક ક’યે ‘ભગત જાતે હલકા પણ હલક ભારી’
સુંદડીના, પિયાલાના નોખાંનોખાં ભજન ગાંઉ અસલના.
પણ સા’નો (ચાનો) પિયાલો તો ભેગો જ રાખું સાઈબ.
સા કાંઈ થોડી ખોબામાં પિવાય સ?
લોક ભલે બોલે
પણ મરઘાંથી નંઈ, નરઘાંથી પેટ ભરાય સાઈબ.
નરઘું બોલે ને પેટમાં ટાઢક વળી જાય.
સાતે’ય કોઠે દીવા બાપ.
વના જેતા,
સચરાચર મૅ વઈર્હો’તો ઓણુકો
બારે મેઘ ખાંગા થ્યા’તા, સીમ ખેતર લે’રાણા’તા યાદ છે?
– કિમ ભુલાય સાઈબ
લથબથ ભીંજાણો’તો સાઈબ, બારે બાર મે’માં ભીંજાણો તો ભરપૂર.
ખેતરમાં મોતીડા જેવી બાજરી ધરપીને ધાવી’તી દૂધમલ ડૂંડાને
– જોયું’તું સીમમાં.
પસે તો મે’ભેગો મોલ ક્યાં ઊડી ગ્યો ઈ ખબર નંઈ.
પસે તો રાડા જોયા’તા રાડા-સુક્કાભઠ્ઠ
તો ય અમે રાડારોળ નો’કરી કે નો પાડી રાડું,
વના જેતા, આ તારા માથે ધોળા ભાળું તો ગાંધીબાપુનું કાંઈ ઓહાણ ખરું?
– ધોળા તો બાપ આ તડકાના. સાંયો નંઈ ને ઈમાં.
હા, બાપુ થઈ ગ્યા કો’ક મા’તમા – પોતડી પેરતા ખાલી.
ઓલા સોકમાં ઈમનું પૂતળું - લાગે’કે લાકડી લઈ મંડશે હાલવા.
લાકડી તો જોયે સાઈબ.
મા’તમાનો સોક સોખ્ખો રાખું
વે’લી સવારે સાનામાના નવરાવી યે દઉં
મારી ડ્યુટીમાં નંઈને તોય.
ખોટું નંઈ કંઉ સાઈબ
સૂતરની આંટી જોઈ ઈમ થાય કે દોરી એક ખેંચી
મારું પે’રણ સાંધી લઉં
પણ પસે મા’તમાને પોતડીમાં જોઉં ને થાય
‘ફટ ભૂંડા.’
ને બાબાસાહેબને ઓળખે ને?
– સાઈબ, ઈ યે કો’ક બાબા થઈ ગ્યા.
કયે છે કે બાપુની જીમ ઈ યે અમારું બઉ રાખતા
આ બાબા તે અત્તારના બાબા જેવા નંઈ સાઈબ
તંયે તો બધા કે’તા હઈશે ને બાબાસાયબ! બાબાસાયબ!
વના જેતા
ખબર છે આ નવખંડ ધરતીમાં માછલાથી માંડી બુદ્ધ સુધી
એણે અવતાર ધઈરો સે ખાલી આ ભરતખંડમાં?
– મને તો ઈની કાંઈ ખબર્ય નંઈ સાઈબ.
એટલી ખબર્ય કે
ઉપરવાળો હાજરાહજૂર છે સંધેય, ને અજવાળે છે સંધુય.
વના જેતા
બઉ મજા આવી તારી હારે વાતું કરવાની.
– વાતુંનું તો એવું ને માબાપ કે મજો જ આવે
કરવાવાળું જોવે.
હું તો વાતું કરું સકલા હારે, ઝાડવા હારે
આભલા હારે કે માયલા હારે.
વાતું તો ખૂટે જ નંઈ સાઈબ.
સખદખના સિમાડા હોય સાઈબ, સાચું ક નંઈ?
વાતુંના તે હોય?
ઈ તો મે’રામણ, લેરાય!
વના જેતા
મોડું થાય છે મને. તારી વાતું તો સાંજ પાડી દેસે.
કાલ પાછા ડેપુટી...
લે સરખો બોળી આંયાં દઈ દે અંગૂઠો ને ગણી લે બરોબર.
પાછો આવીસ નિરાંતે. અત્તાર મોડું થાય છે.
લે, દઈ દે અંગૂઠો.
– લો દઇ દઉં સાઈબ
તમે ઈવડા ઈ મા’તમા થોડા સો કે સંચોડો માગી લેહો.
આ આંગળિયું ભેળો અંગૂઠો સે તાં લગણ
વાંધો નથ સાઈબ.
ને, ગણવાની તો વાત જ નો’ કરો સાઈબ.
તમે ય ઉપરવાળાની સાખે જ ગઈણા હશે ને સાઈબ.
લો, તારે રામેરામ સાઈબ, રામેરામ.
નોંધ :
મુકાદમનો સંવાદ
– વના જેતાનો સંવાદ
પરમાટી એટલે માંસ-આમિષ આહાર
સંચોડો એટલે આખેઆખો કે પૂરેપૂરો
ઓહાણ એટલે સ્મૃતિ-યાદ.