ઇતરા/શહેરની ગલીઓમાં
Revision as of 04:55, 5 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|શહેરની ગલીઓમાં| સુરેશ જોષી}} <poem> શહેરની ગલીઓમાં હલાલ થયેલા...")
શહેરની ગલીઓમાં
સુરેશ જોષી
શહેરની ગલીઓમાં હલાલ થયેલાં પ્રકાશનાં ખોખાં,
ગટરની નાભિમાંથી ઘૂમરાતો અન્ધકાર,
વાસી ઉચ્છ્વાસના ઉકરડા નીચે હાંફતો મુમૂર્ષુ પવન,
આંગણે આંગણે ભટકીને ઠોકરાતો રગતપીતિયો સૂરજ,
દુ:સ્વપ્નમાં નાચતી ભૂતાવળ જેવાં વૃક્ષો,
અવકાશને કોરી ખાતા નિયોનકીડાઓ,
રંગલપેડા કરીને બેઠેલી આકાશવેશ્યા,
એની દૃષ્ટિની છાયામાં આપણે
– તૂટેલી કલાકશીશીમાંથી ફેંકાઈ ગયેલી રેતીના બે કણ
જેમાં ઝિલાઈને ઊગરી જઈએ તે ક્યાં છે ઈશ્વરની હથેળી?
એ ય ભીખ માગવા ઊભી છે ઠાકુરદ્વાર?
ઓગસ્ટ: 1962