ઇતરા/હું તને આપું છું એકાન્ત –

Revision as of 05:00, 5 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|હું તને આપું છું એકાન્ત –| સુરેશ જોષી}} <poem> હું તને આપું છું...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


હું તને આપું છું એકાન્ત –

સુરેશ જોષી

હું તને આપું છું એકાન્ત –
હાસ્યની ભીડ વચ્ચે એકાદ અટૂલું આંસુ,
શબ્દના કોલાહલ વચ્ચે એકાદ બિન્દુ મૌન,
જો તારે સંભરી રાખવું હોય તો
આ રહ્યું મારું એકાન્ત –
વિરહ જેવું વિશાળ
અન્ધકાર જેવું નીરન્ધ્ર
તારી ઉપેક્ષા જેવું ઊંડું
જેનો સાક્ષી નહીં સૂરજ,
નહીં ચાંદો;
એવું નર્યું એકાન્તનું ય એકાન્ત.
ના, ભડકીશ નહીં.
નથી સ્પર્શી એને મારી છાયા,
નથી એમાં સંગોપ્યું મેં મારું શૂન્ય,
જેટલું મારું એ એકાન્ત
તેટલું જ બે વૃક્ષોનું
તેટલું જ સમુદ્રનું
ને ઈશ્વરનું
આ એકાન્ત,
આપણા પ્રણયતણી નથી એ રમણભૂમિ,
વિરહની નથી એ વિહારભૂમિ,
નર્યું ભર્યું ભર્યું એકાન્ત,
હું તને આપું છું એકાન્ત.

એપ્રિલ: 1963