આરોહણ
‘પપ્પા, મહેતાકાકા.’ હું મારા વિચારોમાં ઘૂમતો હતો ને અચાનક કાને પડ્યું. જોયું તો બકુલભાઈ સહકુટુંબ થિયેટરમાંથી બહાર નીકળતા હતા. અમારી નજર મળી એટલે એમણે હાથ ઊંચો કરી ક્ષેમકુશળ પૂછવાનો અભિનય કર્યો. મોંમાં પાન ઠૂંસેલું હતું એટલે બોલાય તેમ ન હતું. એમણે એક પિચકારી બાજુ પર મારી. પાન તાજું મોંમાં નાખ્યું હશે કેમ કે મોં પર પિચકારી માર્યાની થોડી દિલગીરી પણ દેખાઈ, જરાક વાર. ‘કેમ સાહેબ, તમે તો ક્યારેય દેખાતા નથી ને? આવો ને ઘરે. વિમળાબેન ને અમારે આને તો ભારે બેનપણાં જામી ગયાં છે. આજે સવારે જ હલવો બનાવવાનો પ્રોગ્રામ એ લોકોએ ગોઠવ્યો’તો. ચાખ્યો કે નૈં સાહેબ?’ ‘ચાખ્યો ને.’ ‘ચાખ્યો ને? એમ ત્યારે! મુંબઈના બુઢ્ઢાકાકાના હલવાને આંટી દે એવો છે ને? આ તમારાં વિમળાબેન છે ને તો આનેયે ચાનક ચડી છે. બાકી આ ગામમાં તો લોકોને હળ, બેલ ને ગોબર વગર કંઈ સૂઝતું જ નથી. રવિવારે આખો દિ’ – તમારો દિવસ કેમ પસાર થાય છે સાહેબ? આવો સાહેબ, કેરમ, સોગઠાંબાજી, પત્તાં – આપણે બધ્ધું રાખ્યું છે. અમારો તો આખા ઘરનો એવો હાથ બેસી ગયો છે. કેરમમાં તો અમારો આ ટેણિયો અમને બેયને હરાવી જાય છે એકલે હાથે ને બેબી અમારી સોગઠાંમાં ધાર્યા દાણા પાડે છે. ટ્રિક છે સાહેબ, ટ્રિક. પણ પકડી પાડો તો લાગી શરત.’ ‘હમણાં...?’ ‘આ સિનેમા.’ ‘ને હવે ઘરે?’ ‘નૈં. આજે ઘરનું તાળું ખૂલશે ઠેઠ રાતે, સૂવાટાણે. અહીંથી સીધા હોટેલમાં. ગામમાં સારી હોટેલ નથી, સાહેબ! બહાર જમવામાં કંઈ મજા નથી. પણ આજે રવિવાર. આજે સાંજે રસોડું બંધ. હું મુંબઈ ભણ્યો છું ને આનું પિયર મુંબઈમાં જ એટલે અમને અહીંના જેવું ફાવે નૈં.’ ‘બકુલભાઈ, આ...’ ‘રવિવારે સાંજે પિક્ચર. પિક્ચર પછી જમવાનું બહાર પતાવી પિકનિક, નદીકાંઠે. ત્યાં અંતકડી રમીએ, રમી રમીએ. બોટિંગની સગવડ નથી. બાકી તો...’ ‘બકુલભાઈ...’ ‘બોલો, સાહેબ.’ ‘આ શું છે?’ – આ બાજુ પર મારે આજે જ આવવાનું થયું હતું ને મારું ધ્યાન ખેંચાયું. ‘ડુંગરી છે. કેમ?’ ‘ના, પણ જરા વિચિત્ર દેખાય છે. એકલા પથ્થર જ જાણે ગોઠવી મૂક્યા છે.’ ‘આ મુલક જ પથ્થરિયો, સાહેબ. પાણા વગર બીજું કંઈ તમને દેખાય છે? અમે તો જશું સીધા ફરસાણ માર્ટ પર. સ્પેશ્યલ ઑર્ડર ગઈ કાલનો મૂકી રાખેલો છે. ઘારી બાંધેલી તૈયાર હશે, તાજી, ખાતરીબંધ. એમ ગમે તેવી ચાલે નૈં. ને મારી પરીક્ષા પણ ભારે હોં, સાહેબ....શું સાહેબ, ડુંગરી જુઓ છો?’ બકુલભાઈએ મારું ધ્યાન તોડ્યું. ‘હેં? હા, હા...’ મને જરા ક્ષોભ થયો પણ એ નિરાશ નહોતા થયા. ‘ચાલો સાહેબ, આજે પિકનિક જમાવીએ. પપ્પુ, મુન્નુ, બેન બધાંને લઈને આવો. જરા મેળો જામશે. તમારા પપ્પુ-મુન્ના ને અમારા આ ટેણકા – બધાને ‘કેસિયસ’ સાથે માયા બંધાઈ ગઈ છે.’ ‘કેસિયસ’ એમનો કૂતરો હતો. ‘મારે જરા આ તરફ જવું છે.’ ગામ તરફ જતા રસ્તાથી હું ફંટાયો. ‘ડુંગરી તરફ આંટો મારવો છે?’ ‘હા, જરા...’ ‘ઉપર નથી જવાતું સાહેબ, રસ્તો જ નથી. અવાવરુ કૂવા જેવી પડી છે. હેં હેં...’ બકુલભાઈ પોતાની ઉપમા પર આફરીન પોકારી ગયા. ટેકરી જોતાં ચડવામાં સરળ લાગી. ક્યાંય માટીનું નામોનિશાન જ જાણે નથી એવું જ દેખાય. ઉપર કેમ કોઈ જતું નહીં હોય? નર્યો પથ્થર. ઉપર મંદિર જેવુંયે નહીં. કોઈએ બાંધવું હોય તોયે ક્યાં બાંધે? પાયો જ ક્યાં નાંખવો? થોડું ઘણુંયે ઘાસફૂસ હોય તો આવા સૂકા મુલકમાં કોઈ ભરવાડ કે કોઈ રડીખડી બકરીનેયે ઉપર જવાની ચાનક ચડે. પણ એવુંયે હોય એવો કશો સંભવ નહોતો. તો ઉપર કોઈ ચડતું જ નહીં હોય? એકાંત સ્થાનો બધાં શૌચકર્મને માટે વાપરવામાં આવતાં હોય છે. પણ આ ગામમાં એવાં અન્ય સ્થાનોનો તોટો ન હતો. સીધીસટ જગ્યા મૂકી આમ ઊંચે તે કોણ ચડે! પછી કોણ જાણે! તોયે કોઈ એવું સ્થાન પણ હોઈ શકે – ને તેયે આવું સરળ, મામૂલી સ્થાન – જ્યાં માણસનાં પગલાં જ નહીં પડ્યાં હોય એ વાત જ ગળે નહીં ઊતરી. કોઈનેયે કશું એવું કામ તો આવ્યું જ હશે કે આ ટેકરી પર એણે જવું પડ્યું હોય. શું કામ તે કંઈ સૂઝ્યું નહીં. કામ વગર કેવળ કુતૂહલ ખાતર – પણ એમાં હું બકુલભાઈ સાથે સંમત હતો. આ ગામનું લોક કેવળ કુતૂહલ ખાતર જ આમ ઉપર ચડે એ શક્ય ન હતું. ક્યાંથી ચડે બિચારાં? રોજિંદા જીવનવ્યવહાર માટે જ જ્યાં કાળી મજૂરી કરવી પડતી હોય ને બધો સમય આપી દેવો પડતો હોય ત્યાં આવો વધારાનો સમય ક્યાંથી લાવે એ લોકો? ઘરનું નાનું છોકરું પણ નવરું બેસી રહે એવું ક્યાં? બાકી રહી વાણિયા-બ્રાહ્મણની સુખી વસ્તી. પણ એને આ તરફ ફરકવામાં રસ નહોતો લાગતો. આ ભાગ જ નિર્જન લાગતો હતો. ગામની હદ જ જાણે આને અડીને આવેલા હાઈવે સાથે પૂરી થઈ જતી હતી. એ પછી જાણે કોઈએ કંપાઉંડ ન કર્યો હોય! કોણ જાણે કોઈ ભૂલું પડ્યું હોય તો! કોઈ સરકારી માણસ, મારા જેવો, એને જે પાણામાં કંઈ દૈવત દેખાયું હોય તો – હા, એ શક્યતા ખરી. પણ માણસની ઉપર ચડવાની ફક્ત આટલી અમસ્તી શક્યતાથી જ મને સંતોષ ન થયો. ટેકરી મને કેમ ખેંચતી હતી તે હવે સમજાયું. નાના નાના પથ્થરો ઠેકાતા જતા હતા. સીસમિયા પથ્થરો. ક્યાંક છેતરામણા પથ્થરો આવતા. તમે પગ ટેકવો ને એ નીચે ફસકી પડે. હાથ ટેકવવા માટે તમે પથ્થર પકડો તોયે ધ્યાન આપવું પડે. હાથનો ટેકો લેવો પડ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે પથ્થરો સખત તપી ગયા હતા. હાથ ચમચમી જતા હતા. આ વાતનો મને પહેલાં કેમ ખ્યાલ ન આવ્યો તે સમજાયું નહિ. પવન સાથમાં હતો. લગભગ અડધે આવી ગયો હતો. પાછળ ફરીને નજર કરી. ગામનો અડધોઅડધ ભાગ દેખાતો હતો. ગામની બજાર આખી દેખાતી હતી. એનો કોલાહલ ઝીણા કલરવ જેવો આવતો હતો. ને નજીકનું થિયેટર ફિલ્મના ગીતની રૅકર્ડ ઓકતું હતું તેની પંક્તિઓ સ્પષ્ટ રીતે ઉપર ધસી આવતી હતી. સૂરજ ક્ષિતિજથી હજુ ઠીક ઠીક ઊંચે હતો. સૂરજ જોઈને મને મારા પર જ હસવું આવ્યું. સાથે ઘડિયાળ નહોતું, ભૂલી જવાયું હતું. ઉપર જોઈને આંખથી જરા માપી લીધું. ચડવા-ઊતરવા માટે સમય પૂરતો હતો. આજુબાજુ ક્યાંકથી આ ટેકરી પાછળ પણ સૂરજ આથમતો દેખાતો હશે. ડૂબતા સૂરજની પાર્શ્વભૂમાં હું ટેકરીની ટોચે... – મેં કલ્પના કરી જોઈ. એક અણિયાળો, મોટો ત્રિકોણાકાર ખડક રસ્તા વચ્ચે ઊભો હતો. જરા થોભ્યો. એના પર થઈને ગયા સિવાય છૂટકો ન હતો. કેમ જવું? એની વચ્ચે નાના નાના ખાડા હતા. મેં બૂટ કાઢી નાખ્યા. પણ એને હવે રાખવા ક્યાં? આખરે ત્યાં જ મૂકી દીધા. જરા ખ્યાલ રાખવો પડશે. ખાડામાં પગ ટેકવી, જરા ખડકના છેડા પર હાથ ભેરવી ઉપર સરક્યો. ઉપરથી ખડક સમથળ હતો. ઊભો થયો. પણ આગળ કોઈ રસ્તો નહોતો દેખાતો. ઉપર બીજો એનાથીયે મોટો ખડક, લંબગોળ ઈંડાના જેવો રેતિયો કરકરો પણ એક સરખી સપાટીવાળો. વાંકા વળી એની નીચેથી સરકી આજુબાજુ રસ્તો છે કે કેમ તે તપાસ્યું. સહેજ જરાક તિરાડ રાખીને બીજો ખડક ઊભો હતો. દીવાલના જેવો સીધો સપાટ. એનાથી આગળ તપાસ કરવા જવાય તેમ ન હતું. વચ્ચે મોટો અવકાશ હતો. ત્યાં ત્રાંસા ઢોળાવ પર કપચી જેવા પથ્થરોનો ઢગલો પડ્યો હતો. જેના પર પગ રાખવાથી નિઃસંદેહ કપચી સહિત નીચે સરકીને માથું ફોડવાનો વખત આવે તેમ હતું. ચાલો બીજી તરફ. બીજી તરફ એમ જ ગોળાકાર પ્રદક્ષિણા. ત્યાં પણ એક બીજો સપાટ ખડક. હવે માટી દેખાતી હતી. પથ્થરો એમાં પોતાને ખોડીને ઊભા હતા. સહેજ કૂદકો મારી આગળ તપાસ કરી જોઈ. બે ખડક વચ્ચે પગ ટેકવવાની જરા જગ્યા હતી. જેમતેમ ઉપરના ખડકનો ટેકો મળ્યો ને એમ એક ડગ વધારે ઉપર. હું ટેકરીની બીજી બાજુએ ઊભો હતો. દૂર સુધી ઝાડી જ ઝાડી ને વચ્ચેથી હાઈવે સરક્યે જતો હતો. જમીન બધી ઊંચી-નીચી હતી ને વચ્ચે ક્યાંક નાનાં નાનાં ખેતરો હતાં. હાઈવે પરથી બટકી ભીલી છોકરીઓની એક ટોળી લાલચટક પોશાકમાં વહી જતી હતી. તપેલા પથ્થરો હાથમાં ચટકા થઈને પડ્યાં હતા. પગ પણ હવે ખુલ્લા જ હતા. પણ પથ્થરોની ગરમી ઘણી ઘટી ગઈ હતી. પવન જોરદાર હતો. ટોચ નજીકમાં જ દેખાતી હતી, પણ ચડવાનું આકરું હતું. એકાદ લાકડી-બાકડી જો ક્યાંક મળે – આજુબાજુ નજર કરી. કાંકરા ને પથ્થર સિવાય કશું ન હતું. બીજી તરફ તપાસ કરી જોવાનું કંઈ મન ન થયું. ત્યાં પણ એમ જ. હવે ઉપર કેમ જવું? હાથ વતી ખડકોનો ભાગ લઈ જોયો. ક્યાંક ધસી પડે એમ તો નથી? ને પછી સીધું Pull–up જેવું જ કરવું પડ્યું. શ્વાસ ઊંચો. હાથ ખડક પર સજ્જડ. ને ફાંસીને દોરડે જકડાયું હોય તેમ શરીર મારે તરફડિયાં. વળી એક ડગ ઉપર. જાતજાતના ખડકો – કોઈ ત્રાંસા, કોઈ પહેલ પાડ્યા હોય તેવા ખૂણા-ખૂણાવાળા, કોઈ કાળા ડિબાંગ તો વચ્ચે કોઈ કોઈ કાળા પર સફેદ ટપકીવાળા, કોઈ ઘોડેસવાર સેનાપતિની જેમ બહાર ધસી આવેલા તો કોઈ બેસી ગયેલી છાતીની જેમ સાવ માટીની અંદર ધરબાઈ ગયેલા. શાંતિ. નીચેનાં દૃશ્યો મૂંગી ફિલ્મના જેવાં હતાં. કોઈ અવાજ અહીં સુધી આવતો ન હતો. થિયેટરની રૅકર્ડ પણ બંધ થઈ ગયેલી લાગતી હતી. પવનનો સૂસવાટો એક ચાલુ હતો. ચોમેર ઝાડી ડોલ્યે જતી હતી. પંખી સુધ્ધાં અહીં ફરકતું ન હતું. ઉપર તરફ નજર કરી. પ્રશ્ન પછી ઉત્તર. વળી પાછો પ્રશ્ન એક ત્રાંસા સપાટ ખડક પરથી લગભગ ચોપગાંની જેમ ઉપર તરફ સરક્યો. ટોચ મલ્લની જેમ ઊભેલી પડકારતી હતી. એ હવે સ્પષ્ટ દેખાતી હતી. ત્રણ દિશામાં પથ્થરો મૂકીને ત્યાં કોઈએ ચૂલા જેવું પણ બનાવેલું હતું. કદાચ વચ્ચે રાખ પણ હશે, કદાચ પવનમાં ઊડી ગઈ હશે. આમ અહીં ઉપર ચડે તોપણ માણસ ચૂલો શા માટે સળગાવે? કે પછી અકસ્માત, કુદરતી રીતે જ પથ્થર આમ પડ્યા હશે? પગ ટેકવી, હાથ વતી ફંફોસી, ટેકવી, ઉપરનીચે કરતાં અર્ધપ્રદક્ષિણા કરી જોઈ. એક ખડક લાંબી ડોક ખેંચીને ઊભો હતો. ને નીચે સપાટ બેઠક હતી. ઓછું હોય તેમ બે બાજુએ સહેજ અવ્યવસ્થિત રીતે ખડક પોતાનાં માથાં સહેજસાજ કાઢીને ખુરશીની આસપાસના હાથાની જેમ ઊભા હતા. અહીંથી આખું ગામ વનરાજીની ગોદમાં દેખાતું હતું. ઊંચી-નીચી જમીન. ખેતરોના ટુકડા. ભીલનાં ઝૂંપડાંના નાના-મોટા સમૂહ. એમાં ક્યાંક પતરાંવાળાં કે પછી નળિયાંવાળાં કોઈ કોઈ ઘરો. ખેતરોમાં ક્યાંક ક્યાંક ઊગેલું લીલું, પીળું, રાતું, ઝીણું ઝીણું ધાન્ય. વચ્ચે કોઈ કોઈ જગ્યાએ માટલાના કે ફેંટાળા ચાડિયા. ક્યાંક ઝૂંપડાંમાંથી નીકળતો ધુમાડો. વચ્ચે વચ્ચે છૂટી-છવાઈ માણસોની હરફર. પોશાકના વિવિધ રંગ. ગામની બજારને અડીને ઊભેલાં ઊજળીયાતોનાં પાકાં ખોરડાં. સૌથી ઊંચાં વાણિયાનાં પાંચ મકાનો. ઘર એ મકાનોની પાછળ ઢબૂરાઈ ગયું હતું. બીજે છેડે એક સૂકી પાતળી દરાર. એ નદી હતી. ઝાડીની વચ્ચે લગભગ ખબર પણ ન પડે એમ પડી રહેલી. બોટિંગની વ્યવસ્થા તો ખુદ ભગવાન પણ એમાં ક્યાંથી કરવાનો હતો? ટોચ તરફ જોઈ જરા હસ્યો. વાંકો વળી ખડકની છત્રી નીચે બેઠો. બે બાજુએ હાથ ટેકવ્યા. પગ નિરાંતે લાંબા કરાય તેમ હતું. જોકે એમ કરતાં એ થોડાક હવામાં અધ્ધર લટકતા રહેતા. પાછળ અઢેલાય તેમ ન હતું. બે ખડક મળીને ખૂણો કરતા હતા ત્યાં માથું ટેકવાય તેમ હતું. પવન એકધારો વાતો હતો, ફાટમાંથી સિસોટીની જેમ સરકીને કાન પર આવતો હતો. અંગેઅંગ અંદર-બહાર રોમાંચથી ભરાઈ ગયું. આકાશને છેડે હતાશા છંટાવા માંડી હતી. પથ્થરો હવે દાઝતા ન હતા. હાથ, પગ, ખભા બધે આછો મીઠો થાક રમવા માંડ્યો હતો. મગજ સાવ ખાલી-ખાલી થતું જતું હતું. કંઈ યાદ આવતું ન હતું. પવન એકધારો હતો – બસ એકધારો. જરાયે ઊંચોનીચો નહીં, જરાયે નહીં. અચાનક ઝબકી જવાયું. આંખ ખૂલી. ક્યાં છું? અંધારાથી જરા ટેવાવું પડ્યું. પૂનમ હતી. બીજી બાજુએથી ચંદ્ર ઊગી ચૂક્યો હતો. માથું જરા આમતેમ વીંઝ્યું. ચહેરા પર, વાળ પર હાથ ફેરવ્યા. ગામ અને ઝાડી ફીકી ચાંદનીમાં આછાં છાયા-ચિત્રની જેમ ઊભાં હતાં. કેટલા વાગી ગયા, કોણ જાણે? મને ફરી મારા પર હસવું આવ્યું. હવે અંધારામાં ઊતરવાનું હતું. પગ ક્યાંક સરકે નહીં. પવન પણ બરાબર ચગ્યો હતો ને ઊતરવામાં પ્રચંડ મદદ કરીને સીધો પળમાં નીચે પહોંચાડે તેમ હતું. ઘરે વિમુ ને છોકરાંઓ રાહ જોતાં હશે. શોધાશોધ આવા ખોબાશા ગામમાં. બકુલભાઈએ કદાચ ખબર કરી હોય. તો તો પછી...ઊઠ્યો. અને બૂટ? ક્યાં કાઢ્યાં હતાં? ફરી માથું વીંઝી જોયું. એયે શોધવાનાં છે. બેઠકની બહાર આવી હાથ-પગથી ફંફોસતો ટેકરીની પેલી તરફ આગળ વધ્યો.