હરીશ મીનાશ્રુની કવિતા/ગૃહિણી : ૫
આસ્તે આસ્તે
અસ્તાચળે જઈ રહ્યો છે સંસાર.
નથી કોઈ ભાષા, નથી કોઈ ભંગિ :
અમે બેઠાં છીએ સામસામે.
વચ્ચે ડાઇનિંગ ટેબલ પર તાસકમાં
તાજા કાપેલા પપૈયાની ચીર,
વિખરાયેલી કીડિયાસેર કાળાં મોતીની.
કેસરમાં ઝબોળેલા દ્વિજચન્દ્રમાંથી
દદડે છે રસ.
ગૃહિણીને એ જ વાતની તો ચિંતા છે :
આ પાક્કા પીળા રંગના ડાઘા
હવે કેમ કરીને જશે ?