દલપત પઢિયારની કવિતા/અજવાળાનો અવસર

Revision as of 00:42, 1 March 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
અજવાળાનો અવસર

દીપ ધર્યા ને ઊમટી તેજસવારી,
ભીતર ગગન ઊઘડે બારી!

ઝળહળ ઝળહળ ગોખ મેડીઓ, ઝળહળ ઝળહળ કેડી;
ખેતર, પાદર, ચોક, શેરીઓ ઝળહળ ઝળહળ તેડી;
અંધારાં ઓગળતાં અંદર,
ઝળહળ આભ-અટારી....... ભીતર....
તારલિયાનાં તેજ ઘૂંટીને ઊઘલ્યાં પારિજાત,
દીપ મઢેલી રાત અને કંઈ કંકુનાં પરભાત,
કમળ આળખ્યાં કમાડ ફરતે
મબલખ ફૂલડાં ક્યારી...ભીતર...

અજવાળાનો અવસર લઈને આવી ઊજળી વેળા;
અંતર છોડી આંખો જેવું, પાંખો જેવું અનહદ ભળવું ભેળાં;
ક્ષણમાં ક્ષણની સંધિ બાંધી
સમય લિયો શણગારી...ભીતર...