પ્રત્યંચા/હું સાંભળું છું –

Revision as of 06:30, 5 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|હું સાંભળું છું –| સુરેશ જોષી}} <poem> હું સાંભળું છું શબ્દ: વસૂ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


હું સાંભળું છું –

સુરેશ જોષી

હું સાંભળું છું
શબ્દ:
વસૂકી ગયેલી ગાયનાં ચિમળાયેલાં આંચળ,
કીટથી કોરાયેલું બોદું બહેરું ફળ;
ડૂબી ચૂકેલા વ્હાણના છેદાયેલા લંગરતણો
જલગર્ભમાં નિ:શ્વાસ;
નિ:સંગ શિલાસોડમાં પડખું ઘસીને
પવન કરતો લવલવાટ;
પણ્યાંગનાની આંખમાં
સુરમો કકરતો આખી રાત;
અંગે નપુંસકના બળે
ભડભડ સદા યે વાસનાની આગ;
લાખ્ખો અદીઠ દાઢે ચવાતા
ચૂર્ણ આ અન્ધારકેરો આર્તનાદ;
સૂર્યઘુવડના અવાજે ચોંકતી
મધરાતનાં રે થરકતાં ગાત.