કંદમૂળ/પ્રારંભિક

Revision as of 01:07, 5 March 2024 by Meghdhanu (talk | contribs)






શ્રેણીનું ગ્રંથ-સૌજન્ય
વિદ્યાબહેન કોટક
જ્યોત્નાબહેન શેઠ
જ્યોત્નાબહેન તન્ના






કંદમૂળ






મનીષા જોષી







સુરેશ દલાલ ગ્રંથશ્રેણી — કાવ્ય
ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
મુંબઈ • અમદાવાદ



Kandmool : Gujarati Poems by Manisha Joshi


© Manisha Joshi


પ્રકાશક:
ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.

૧૯૯/૧, ગોપાલ ભુવન, પ્રિન્સેસ સ્ટ્રીટ,
મુંબઈ ૪૦૦ ૦૦૨
ફોન: ૨૦૦ ર૬૯૧, ૨૦૦ ૧૩૫૮
E-mail: imagepub@gmail.com

૧-૨, સેન્ચૂરી બજાર, આંબાવાડી સર્કલ,
આંબાવાડી, અમદાવાદ ૩૮૦ ૦૦૬
ફોનઃ ૨૬૫૬ ૦૫૦૪, ૨૬૪૪ ૨૮૩૬
E-mail: imageabad1@gmail.com


પ્રથમ આવૃત્તિ: ૨૦૧૩


મૂલ્ય: રૂ. ૧૫૦.૦૦


ISBN: 81-7997-422-3


આવરણ: અપૂર્વ આશર


લેઆઉટ/ ટાઇપસેટિંગ
બાલકૃષ્ણ સોલંકી, ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ. અમદાવાદ


મુદ્રક:
રિદ્ધિશ પ્રિન્ટર્સ
૯, અજય ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, રૂસ્તમ જહાંગીર મિલ પાસે
દૂધેશ્વર રોડ, અમદાવાદ—૩૮૦ ૦૦૪

અર્પણ






દીપકને,
જેની સાથે જીવન,
તેની તમામ શક્યતાઓમાં સુંદર લાગે છે.







થોડી વાતો, વાચકો સાથે

કંદરા, કંસારાબજાર અને હવે કંદમૂળ. સૌથી પહેલાં તો એક સ્પષ્ટતા કે મારા ત્રણેય કાવ્યસંગ્રહોના નામ ‘કં’થી જ શરૂ થાય એવી કોઈ અંધશ્રદ્ધા અહીં નથી. આ સંયોગ આકસ્મિક માત્ર છે. કંદમૂળ એક પ્રતીક તરીકે મને ગમે છે. આમ તો તમામ ઝાડ-પાન જમીન સાથે જોડાયેલાં જ હોય છે, પણ કંદમૂળ કંઈક વિશેષ રીતે જમીનમાં ખૂંપેલાં હોય છે. પોતાનાં મૂળ સાથે જકડાયેલાં રહેવાનો આ આગ્રહ મને અચરજ પમાડે છે. ઉપરાંત, કંદમૂળ Phallic Symbol (લૈંગિક પ્રતીક) તરીકે પણ રસપ્રદ છે. મારો જન્મ કચ્છમાં થયો, પણ હું દુનિયાનાં ઘણાં જુદાં જુદાં શહેરોમાં, દેશોમાં રહી છું અને હવે તો કચ્છથી ઘણે દૂર કૅલિફૉર્નિયામાં રહું છું. મને અંગત રીતે જીવનને તેના જુદા જુદા અંતરાલમાં, નવા પ્રદેશ અને પરિવેશમાં, નવેસરથી જીવવાનું ગમે છે. આમ છતાં, મારી અંદરનું કચ્છ હજી ઘણી વાર સાદ પાડે છે. ખુલ્લી, સૂકી જમીન પર છૂટાછવાયાં ઊગેલાં બાવળનાં ઝાડ જાણે માનસપટ પર કાયમને માટે સ્થિર થઈ ગયાં છે. નાનપણમાં સાંભળેલાં કચ્છી લોકગીતો અને ખાસ તો, કચ્છની રબારણ મહિલાઓ મને ખૂબ ગમે છે. કચ્છના રણમાં, પાણી અને જીવનની શોધમાં, સતત એકથી બીજે ગામ હિજરત કરતી એ માલધારી મહિલાઓ આખો હાથ ભરાય તેમ કોણીથીયે ઉપર સુધી મોટાં કડલાં પહેરે છે. રાત્રે જ્યાં રાતવાસો કરે ત્યાં તેઓ ખુલ્લી સીમમાં, તારાઓથી ઝળહળતા આકાશ નીચે, જમીન પર જ પોતાના હાથ પર પહેરેલાં કડલાંના ટેકે સૂઈ જાય. તેમની જમીન સાથેની આ સમીપતા મને અતિ પ્રિય છે. એક સીમાની અંદર રહીને સીમાહીન જીવન જીવતી એ રબારણો મારી આદર્શ છે. કોઈ વાર સવાલ થાય કે મારી જમીન ખરેખર કઈ? અમેરિકા એક એવો દેશ છે જ્યાં અનેક વૃક્ષો પણ સ્થળાંતર કરીને આવ્યાં છે. એટલે જ મને લાગે છે કે દૂરના સ્ત્રોતો સાથે બોલાયેલી ભાષા કદાચ વધુ આત્મીય હોય છે. પપ્પાના ગયા પછી જીવનથી મૃત્યુ તરફના, અજ્ઞાત તરફના સ્થળાંતર પ્રત્યેનું મારું આકર્ષણ વધ્યું છે તો બીજી તરફ ડૉ. દીપક સાહની સાથેની મુલાકાત અને તેની સાથેના સભર, આનંદિત લગ્નજીવનથી નિયતિ પ્રત્યે પણ આકર્ષણ થાય છે. વિશ્વના બે સાવ જુદા છેડે જન્મેલી, બે અજાણી વ્યક્તિઓ, કોઈ એક સાંજે મળે અને એકબીજા માટે જીવન બની જાય એ ઘટના જેટલી સામાન્ય છે એટલી જ અસામાન્ય પણ છે. મને એમ કહેવાનું ગમશે કે મારી જમીન, દીપક છે. મારાં મૂળ જ્યાં છે, એ જમીન, તે જ છે. આ કાવ્યોના પ્રકાશન માટે ઇમેજ પબ્લિકેશન્સનો આભાર. મને સ્નેહથી આવકારનાર ગુજરાતી સાહિત્યના અનેક આદરણીય કવિઓ, લેખકો, સંપાદકો, વિવેચકો અને અનુવાદકોની હું ખૂબ ખૂબ આભારી છું અને વિશેષ આભાર મારા વાચકોનો. અંતે તો, માત્ર વાંચવાની પ્રક્રિયા જ છે, જે જીવંત રાખે છે સાહિત્યને.

મનીષા જોષી
 



આ ઈ-પ્રકાશન નિમિત્તે

“કંદરા”, “કંસારા બજાર” અને “કંદમૂળ” - મારા આ ત્રણે કાવ્યસંગ્રહો એક નેજા હેઠળ, ઈ-બુક સ્વરૂપે ઓનલાઈન ઉપલબ્ધ કરાવવા બદલ એકત્ર ફાઉન્ડેશનનો ખૂબ આભાર. આ સાથે આ પુસ્તકોના મૂળ પ્રકાશકો - ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ (કંદરા, ૧૯૯૬) અને ઈમેજ પબ્લિકેશન, મુંબઈ (કંસારા બજાર, ૨૦૦૧ તથા કંદમૂળ, ૨૦૧૩) નો પણ વિશેષ આભાર. આશા છે કે હવે આ કવિતાઓ ઈન્ટરનેટ પર સરળતાથી પ્રાપ્ય થતાં વાચકો માટે વધુ અનુકૂળતા રહેશે.

આ પ્રસંગ જોકે મારા માટે તો દરેક પ્રકાશન વેળાએ થતા એક પરિચિત આશ્ચર્ય સમાન છે કે, “શું આ કવિતાઓ મારી છે?” મને ક્યારેય મારી કવિતાઓ પ્રત્યે આધિપત્યની લાગણી નથી અનુભવાઈ કારણકે આ કવિતાઓ હજી પૂરી થઈ હોય એમ મને નથી લાગતું. કવિતાઓ કદાચ ક્યારેય પૂરી થતી પણ નથી. કવિતાનું સમાપન એક છળ છે. મને હંમેશ એમ લાગ્યું છે કે મેં મારી કવિતાઓ પૂરી કરવાને બદલે મેં તેમને અડધે જ ત્યજી દીધી છે. મને તો હજી એ સવાલનો પણ પૂરેપૂરો જવાબ નથી મળ્યો કે, હું લખું શા માટે છું? સમયના એક અતિ વિશાળ આયામ પર હું, ક્યાં અને કોની સામે વ્યક્ત થઈ રહી છું?

કોઈ કવિ માટે પોતાની કવિતા સુધી પહોંચવાની યાત્રા જેટલી જટિલ હોય છે તેટલી જ મુશ્કેલ યાત્રા કોઈ વાચકની, એ કવિતા સુધી પહોંચવાની હોય છે, જેને એ પોતાની કહી શકે. આ બંને સદંતર અંગત છતાં સમાંતર યાત્રાઓ છે. મારી સ્મૃતિઓના રઝળતા પ્રતીકો કોઈ વાચકના માનસપટ પર પોતાની થોડીક જગ્યા કરી શકશે તો મને ગમશે.

મનીષા જોષી
 




Manisha Joshi.jpg


મનીષા જોષી

મનીષા જોષીનો જન્મ 6 એપ્રિલ, 1971, ગુજરાતમાં કચ્છ જીલ્લાના માંડવી ખાતે થયો. કચ્છમાં પ્રાથમિક શિક્ષણ લીધા બાદ કોલેજનો અભ્યાસ વડોદરાથી કર્યો. 1995માં વડોદરાની એમ.એસ. યુનિવર્સીટીથી માસ્ટર્સ ઓફ આર્ટસની ડિગ્રી મેળવી. કારકિર્દી માટે મુંબઇ અને લંડનમાં તેમણે ઘણા વર્ષો પ્રિન્ટ તેમજ ટેલીવીઝન મીડીયામાં પત્રકાર તરીકે કામ કર્યું. હાલ તેઓ અમેરિકામાં કેલિફોર્નિયામાં સ્થાયી થયા છે.

તેમના અત્યાર સુધીમાં ચાર કાવ્યસંગ્રહો પ્રકાશિત થયા છે. પ્રથમ સંગ્રહ “કંદરા” 1996માં ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ દ્વારા પ્રકાશિત થયો. એ પછી ઇમેજ પબ્લીકેશન્સ, મુંબઇ દ્વારા 2001માં બીજો સંગ્રહ “કંસારા બજાર” અને 2013માં ત્રીજો સંગ્રહ “કંદમૂળ” પ્રકાશિત થયો. ત્યાર બાદ 2020માં આર. આર. શેઠ એન્ડ કંપની પ્રા. લિ., અમદાવાદ દ્વારા ચોથા કાવ્ય સંગ્રહ “થાક”નું પ્રકાશન અને 2020માં જ ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા તેમના પ્રથમ ત્રણ કાવ્ય સંગ્રહોમાંથી ચૂંટેલી કવિતાઓનો સંપાદિત સંગ્રહ પણ પ્રકાશિત થયો.

“કંદમૂળ” કાવ્યસંગ્રહને ગુજરાત સાહિત્ય અકાદમીનું વર્ષ 2013નું પ્રથમ પારિતોષિક એનાયત કરાયું છે. ગુજરાતી લીટરરી એકેડમી ઓફ નોર્થ અમેરિકાએ તેમને વર્ષ 2018ના શ્રી રમેશ પારેખ એવોર્ડથી સન્માનિત કર્યા છે.

તેમના કાવ્યોની પસંદગી અનેક અંગ્રેજી પોએટ્રી એન્થોલોજી માટે થઇ છે જેમાં “બીયોન્ડ ધી બીટન ટ્રેક: ઓફબીટ પોએમ્સ ફ્રોમ ગુજરાત”, “બ્રેથ બીકમીંગ અ વર્ડ”, “જસ્ટ બીટવીન અસ”, “ઇન્ટીરીઅર ડેકોરેશન”, “ધી ગાર્ડેડ ટન્ગ: વીમેન્સ રાઇટીંગ એન્ડ સેન્સરશીપ ઇન ઇંડિયા”, “વીમેન, વીટ એન્ડ વીઝડમ : ઇન્ટરનેશનલ મલ્ટીલીન્ગ્યુઅલ પોએટ્રી એન્થોલોજી ઓફ વીમેન પોએટસ”, “અમરાવતી પોએટીક પ્રીઝમ” વગેરેનો સમાવેશ થાય છે. તેમની સાથેની મુલાકાત-વાતચીત ઇંડિયન લીટરેચર, નવનીત સમર્પણ, સદાનીરા જેવા સામયિકો તેમજ “જસ્ટ બીટવીન અસ”, “પ્રવાસિની” જેવા પુસ્તકોમાં પ્રકાશિત થઇ છે. તેમની કવિતાઓના અંગ્રેજી તથા હિન્દી અનુવાદ “ઇંડિયન લીટરેટર”, “ધ વૂલ્ફ”, “ન્યૂ ક્વેસ્ટ”, “પોએટ્રી ઇંડિયા”, “ધ મ્યૂઝ ઇંડિયા”, “સદાનીરા” વગેરે પ્રતિષ્ઠિત સામયિકો/વેબસાઇટસ પર ઉપલબ્ધ છે.