પહાડોના ઢોળાવો પર ઊગેલા
તેજાનાની સુગંધ વચ્ચે
મોટી થઈ છે એ સ્ત્રી.
પહાડો પર જિવાતા જીવનની જેમ
એને પણ નથી કોઈ ઉંમર.
સમયાતીત એ સ્ત્રી,
જાણે છે,
પર્વતોની તળેટી વચ્ચે આવેલા તળાવમાં
હાથીઓનો પાણી પીવા આવવાનો સમય.
તેમ, અહીં આવતાં પ્રવાસીઓનાં જીવન પણ
અજાણ્યાં નથી તેનાથી.
પહાડના ઢાળ પરથી વહી જતા પાણી જેવી
સ્વચ્છ એ સ્ત્રી,
વરસાદમાં ભીજાતી ને તડકામાં કોરી થતી
પહાડની નિઃસ્પૃહ માટીના પોચા, ઢેફા જેવી,
ગભરુ એ સ્ત્રી
સાંજના દીવાબત્તી ટાણે
અચૂક ઘરમાં આવી જાય.
એ દિવસે થયું એવું કે,
પર્વતની પાછળથી વહેતી નદીએ
પોતાનું વહેણ બદલ્યું
અને વહેવા માંડી
એ સ્ત્રીની નસોમાં થઈને.
એક તો ગાંડોતૂર વરસાદ
અને પાણી પીવા ઊભેલા હાથીઓનું ઝુંડ.
ઉન્માદી બની એ નદી
અને વેરવિખેર થઈ ગઈ એ સ્ત્રી.
એ નદીનું શું થયું તે વિશે તો
સૌએ જાણે મોં સીવી લીધાં છે.
પણ એ સ્ત્રી છે હજી અહીં.
ક્યારેક ગામના જ્યોતિષીને પોતાનો હાથ બતાવતી દેખાય છે.
પહાડોની સુરેખ કેડીઓ વચ્ચેથી પસાર થતી વેળા
ઊભી રહી જાય છે એ
કોઈ પરિચિત ઢાળ પર.
પાછળ રહી જાય છે
તેજાનાની સુગંધનું એક વિશ્વ
અંતકાળે સાવ અજાણ્યું.