ટ્રેનના પાટા પીઠ પર ઊંચકીને ચાલી નીકળી છું.
અંધકારમાં ઓગળી જતા પર્વતોના
ગેબી ચડાવનો થાક હવે વર્તાય છે મને.
આમ તો જાણીતાં છે આ બધાં જ વૃક્ષો.
મેં નહીં તો મારાં પહેલાં કોઈએ
અહીં ખાધો હશે વિસામો.
સ્થળ અને આશ્રય,
આશ્રય અને મુક્તિ વચ્ચેનો સંબંધ -
જેટલો સરળ તેટલો જ જટિલ.
કોઈક અજાણ્યા સિગ્નલ પર
કોઈક અજાણ્યા મોટરમૅનની એક ભૂલ
મને આપી શકે મુક્તિ.
દરેક વખતે ટ્રેનની મુસાફરી વેળા
હું જોઈ લઉં છું,
મોટરમેનનો ચહેરો.
કોણ હશે
મને મોક્ષ આપનાર એ?
ધસમસતી જતી એ ટ્રેનની સાક્ષી હું હોઈશ.
હોનારત સ્થળે
કાટમાળમાંથી
ટ્રેનના પાટા શોધતી
એ હું જ છું.