એ ખારવાના ગયા પછી
શૂન્યમનસ્ક, મૂંગી થઈ ગઈ છે એની વહુ.
એક વાર મેં એને જોઈ,
દરિયાની સાવ નજીક ઊભેલી.
ધારીને જોયું તો
એના માંથી કરચલા ખરી રહ્યા હતા.
એ કરચલા જમીન પર પડતાંવેંત
દોડી જઈ રહ્યા હતા દરિયા તરફ.
એ ખારવાની વહુ પણ
ધીમેથી આગળ વધી રહી હતી
દરિયા ભણી.
પણ એ પેલા કરચલા જેમ
દરિયામાં ભળી ન શકી.
પાછી વળી ગઈ એ પોતાની વસાહત તરફ.
હવે હું ક્યારેક જોઉં છું એને.
એ પોતાના ઘર આગળ
સતત પથ્થરોની પાળ બાંધવામાં વ્યસ્ત હોય છે.
એને ભય છે કે દરિયો
ભાળી ગયો છે એનું ઘર
અને આગળ વધી રહ્યો છે એના તરફ.
એને ભય છે કે એની કૂખમાં છે હવે
નર્યું ખારું પાણી.
એના મોંમાંથી ખરી રહેલા કરચલાની વાત પણ
ફેલાઈ ગઈ છે આસપાસની વસાહતોમાં.
દરિયાના નામનો
વાસો લઈને ધૂણતી એ સ્ત્રી
જ્યારે દરિયો એના ઘટમાં આવે ત્યારે
કોઈ જબરી તાકાતથી ધૂણવા માંડે છે.
નવી ખેપ પર જઈ રહેલા ખારવાઓ
આવી રહ્યા છે એના દર્શને.
એ આપી રહી છે જાતજાતના આશીર્વાદ
અને બાંધી રહી છે એક પાળ પોતાના ઘર આગળ.