વિદ્યાવિનાશને માર્ગે/૨

Revision as of 11:20, 5 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨| સુરેશ જોષી}} {{Poem2Open}} વિદ્યાપીઠોને નાબૂદ કરવાની વાત ઘણાને...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સુરેશ જોષી

વિદ્યાપીઠોને નાબૂદ કરવાની વાત ઘણાને અન્તિમવાદી લાગશે. સમાજમાં કોઈ ને કોઈ સ્વરૂપે વિદ્યા-સંસ્થાઓની આવશ્યકતા તો રહેવાની જ. અલબત્ત, હવે એવી માન્યતા પ્રસરતી જાય છે કે શાસક પક્ષ અથવા મૂડીવાદીઓ કે સમાજનો વગ ધરાવનારો વર્ગ પોતાને ઇષ્ટ એવી વિચારણાના પ્રચાર માટે વિદ્યાસંસ્થાઓનો ઉપયોગ કરે છે. જ્ઞાન પણ સાધન છે. એ એક વાર સાધ્ય હતું. હવે બીજાં પ્રયોજનો અનુસાર એનું સ્વરૂપ બદલી શકાય છે. શિક્ષણસંસ્થાઓ આથિર્ક રીતે સ્વાયત્ત બની શકતી નથી. આથી ધનિકોનાં કે સરકારનાં અનુદાન પર એ નભતી હોય છે. આથી જ શિક્ષણનાં સ્વરૂપ અને નીતિ ઘડવામાં એ વર્ગની દખલગીરી રહેતી જ હોય છે. આવાં વલણને કારણે જ વિદ્યાસંસ્થાનું કે શિક્ષકવર્ગનું સમાજમાં મહત્ત્વનું સ્થાન રહ્યું નથી. અધ્યાપકોના જેવી જ શૈક્ષણિક યોગ્યતાવાળાઓ ખાનગી પેઢીઓમાં કે સરકારી નોકરીઓમાં વધારે વેતન પામતા હોય છે. આથી સમાજમાં એવી છાપ પડે છે કે જે કશે ખપમાં આવે એવા નથી હોતા તેનો જ શિક્ષણસંસ્થામાં સમાવેશ થાય છે. શિક્ષકો જે સંસ્થામાં કામ કરતા હોય છે તેનું સંચાલન શિક્ષણના ક્ષેત્રની બહાર કેટલાંક તત્ત્વોના હાથમાં હોય છે. પરિસ્થિતિ આવી હોય ત્યાં અધ્યાપકો પોતાનું કે પોતાના વ્યવસાયનું ગૌરવ ભાગ્યે જ જાળવી શકે.

વિદ્યાપીઠો કાર્યક્ષમ નથી રહી, ઊલટાની કેટલાંક અનિષ્ટ તત્ત્વોના ઉછેરના સાધનરૂપ બની રહી છે, માટે એને નાબૂદ કરવી જોઈએ એવી દલીલ આન્દ્રે ગોર્ઝ જેવાઓેએ કરી તે આપણે જોઈ ગયા. બુર્ઝવા વર્ગ પોતાને દૃઢમૂળ કરવા માટે એનો ઉપયોગ કરે, ‘હાઇ કલ્ચર’ પ્રાપ્ત કર્યાનો સિક્કો મેળવવા માટે, સામાજિક ઉન્નતિને નામે, ભોળે ભાવે એમાં વિદ્યાર્થીઓ દર વર્ષે ઉત્તરોત્તર મોટી સંખ્યામાં પ્રવેશતા રહે, પછીથી નિર્ભ્રાન્ત બને, એમનામાં કડવાશ અને રોષ ઉપજે, એમાંથી હિંસાત્મક પ્રતિકારની પરિસ્થિતિ ઊભી થાય, આખરે જે મૂલ્યોનાં સંવર્ધન માટે વિદ્યાપીઠોની સ્થાપના કરીએ તે જ મૂલ્યોની વિડમ્બના થઈને ઊભી રહે.

વિદ્યાપીઠોથી જ્ઞાન વધે છે એવી ભ્રાન્તિ તો હવે આપણામાંના કોઈ પ્રામાણિકપણે સેવી શકે નહીં. કાગળ પર બધું મોટું મોટું બતાવવાની કુનેહ રીઢા થઈ ગયેલા તન્ત્રવાહકોમાં હોય છે ખરી, પણ વાસ્તવમાં એવું કશું હોતું નથી. અનેક સામયિકો, પુસ્તકપ્રકાશનની શ્રેણીઓ, સંવિવાદો, ફાઉન્ડેશનનાં વ્યાખ્યાનો આ બધું જ છે છતાં એમાંથી કશું સંગીન નીપજતું નથી જેનો પ્રભાવ વિદ્યાક્ષેત્ર પર અસરકારક રીતે પડ્યો હોય. ગરીબ દેશનાં નાણાંનો અક્ષમ્ય એવો અપવ્યય આવી બધી ઔપચારિક વિધિઓમાં થતો રહે છે. વિદ્યાર્થીઓને પણ પ્રાપ્ત થયેલું ‘જ્ઞાન’ કાર્યકર નીવડતું નથી. છતાં એ ‘જ્ઞાન’ પ્રાપ્ત કર્યાનો સિક્કો મેળવવા એની જિન્દગીનાં કેટલાંક મહત્ત્વનાં વર્ષો એ ખરચતો હોય છે. શિક્ષણના માધ્યમરૂપ ભાષા, પરીક્ષાપદ્ધતિ, જ્ઞાનવિતરણની પદ્ધતિ, આ બધાં પરત્વે ઘડાતી નીતિ હંમેશાં જ્ઞાનને જ ઉપકારક હોય એવું બનતું નથી, પરિવર્તન લાવવાની પ્રક્રિયા અમલદારશાહીને કારણે નાહકની જટિલ અને અસહ્ય રીતે મંદ હોય છે. આને કારણે ધીમે ધીમે નિષ્ક્રિયતાભરી ઉદાસીનતા જ વધતી રહે છે. એનો ગેરલાભ ઉઠાવનારાં બળો ટાંપીને જ બેઠાં હોય છે. હિંસાનો ઉદ્ગમ એમાં જ રહેલો છે. આ બધા સમય દરમિયાન વિદ્યાપીઠો સમાજની સ્વાયત્ત સંસ્થાઓ છે એવી ભ્રાન્તિને તો ટકાવી જ રાખવામાં આવે છે.

શિક્ષણનો લોકશાહી ઢબે પ્રચાર કરવો એ બુર્ઝવા વર્ગનું લાક્ષણિક પ્રયોજન છે. સમાજમાંના વર્ગભેદને એ પ્રચ્છન્નરૂપે ટકાવી રાખવામાં મદદ કરે છે. કોઈ શ્રમિક મેનેજર બને, કોઈ ખેડૂતનો દીકરો યુનિવર્સિટી પ્રોફેસર બને તો તે દૃષ્ટાન્તોને એ સમાજની નજર સમક્ષ ધર્યા કરે છે અને સામાજિક ઉન્નતિના ખ્યાલને દૃઢાવવા મથે છે.

આવો દામ્ભિક આચાર એનો ભોગ બનનાર શા માટે આટલી સહેલાઈથી સહી લે છે? કદાચ વિદ્યાપીઠ વૈજ્ઞાનિક સંશોધનનું કાર્ય આગળ ધપાવે છે એવી શ્રદ્ધાથી? જેમ નફાના પર આધાર રાખતો છતાં મૂડીવાદી સમાજ ઉત્પાદનને ઉત્તેજન આપે છે તેમ વિદ્યાપીઠો પ્રવર્તમાન સમાજવ્યવસ્થાને ટકાવી રાખવામાં મદદ કરતી છતાં જ્ઞાનના વિકાસ અને વિતરણનું કાર્ય તો કરતી રહે છે.

વિદ્યાપીઠો નાબૂદ કરવાનું જોખમ ખેડીએ તો બાકીનું બધું આપણને પ્રાપ્ત થઈ જશે એવી આશા રાખી શકીએ? આમ્લેટ ખાવાની ઇચ્છા હોય તો ઈંડાં ભાંગવા જ પડે, પણ શરત એ કે ઈંડાં કચરાટોપલીમાં નહીં, પણ તવા પર ભાંગવાં જોઈએ. યન્ત્રોનો નાશ કરવાથી મૂડીવાદનો નાશ થવાનો નથી આ વાત શ્રમિકોને ઘણા વખતથી સમજાઈ ચૂકી છે. વિદ્યાપીઠ નાબૂદ કરવાથી જ સામાજિક વિષમતાને દૂર કરી દઈ શકશે એવું પણ કહી શકાય નહીં. ઉદ્દામ વલણ અખત્યાર કરીને કરેલી નાબૂદીથી વધુ સારો સામાજિક ન્યાય સુલભ બની રહેશે એવું પણ કહી શકાય નહીં. પણ એટલું તો નક્કી કે આપણે એવું પગલું ભરવાથી સાંસ્કૃતિક દૃષ્ટિએ ખતરનાક નીવડે એવી પીછેહઠ કરીશું. આપણે હંમેશાં આ હકીકત ધ્યાનમાં રાખવાની છે : આપણો દેશ વિકાસની દૃષ્ટિએ પછાત રહી ગયો હોવા છતાં આપણે સમાજવાદ તરફનો માર્ગ છોડી દીધો નથી. આવા સંજોગોમાં વિદ્યાપીઠોની નાબૂદી ઉત્તમ આશયથી કરવામાં આવે તો પણ, શંકાભર્યું અને ખતરનાક પગલું નીવડે એવો પૂરેપૂરો સમ્ભવ છે.

તો કરવું શું? આપણે જે સુધારાઓ કરવા માંગીએ છીએ તે પરત્વે અધ્યાપકો અને વિદ્યાર્થીઓ વચ્ચે મતૈક્ય સ્થાપી શકાશે? વિદ્યાર્થીઓને હવે થાબડી થાબડીને ‘ફોર્થ પાવર’રૂપે આગળ લાવવામાં આવ્યા છે. અનુકૂળ થઈ પડ્યું છે, ત્યારે ત્યારે અમુક રાજકીય પક્ષોએ વિદ્યાર્થીઓને આગળ કરીને પોતાનું કામ કઢાવી લીધું છે. આથી, સમ્ભવ છે કે સુધારાનો મુસદ્દો ઘડવાનો આવશે ત્યારે હિત ધરાવનારા વર્ગો તરફથી વિદ્યાર્થીઓ પર દબાણ આવશે. કેવળ તર્કસંગતિ કે બૌદ્ધિક પ્રતીતિનાં ધોરણે કશું નક્કી થાય એવી સમાજમાં ભૂમિકા પ્રવર્તે છે ખરી? એમ પણ બનવાનો સંભવ છે કે જે સુધારાઓ સૂચવવામાં આવે તે પ્રતિષ્ઠાન(એસ્ટાબ્લિશમૅન્ટ) તરફથી થયેલા હોઈ વિદ્યાર્થીઓએ અને ઉદ્દામવાદી અધ્યાપકોએ એનો, વિદ્રોહને વફાદાર રહેવા ખાતર પણ, વિરોધ કરવો જ જોઈએ એવું મન્તવ્ય પ્રવર્તે. આવાં પરિબળો વિદ્યાર્થી વર્ગમાં અસર કરતાં દેખાવા લાગ્યાં છે. એ જ કારણે અરાજકતા વધતી જાય છે. વિદ્યાપીઠોનું સંચાલન સન્તોષકારક રીતે થતું નથી. વિદ્યાર્થીઓ પોતાની ગેરવ્યાજબી માગણીઓને પણ ધાકધમકીથી સત્તાવાળાઓ પાસે કબૂલ કરાવતા થઈ ગયા છે. જે ક્ષેત્રમાં બુદ્ધિનું, વિચારસ્વાતન્ત્ર્યનું, ગૌરવ થવું જોઈએ તે ક્ષેત્રમાં વકરેલા પશુબળને છુટ્ટો દોર આપવામાં આવતો જોઈએ છીએ. ઉચ્ચ શિક્ષણ વિદ્યાર્થીઓને સાર્વત્રિક વિકાસ માટેની બૌદ્ધિક સજ્જતા સંપડાવી આપે એ મુખ્ય હેતુને જ વિસારે પાડવામાં આવ્યો છે. સૅનેટમાં કેટલી બેઠકો કોને મળે, સત્તાની વહેંચણી કેવી રીતે થાય આ પ્રશ્નો જ જાણે મહત્ત્વના હોય એવું માની લેવામાં આવ્યું છે. સમાજમાં શ્રમવિભાજન યોગ્ય રીતે થાય એ જ જો આપણો હેતુ હોય તો પણ એની યોગ્યતાની ભૂમિકા સમજવા આપણે વિદ્યાપીઠ પાસે જ જવું રહ્યું.

આપણાં એ લક્ષ્યને સિદ્ધ કરવા માટે આપણે શું કરવું જોઈએ? વિદ્યાપીઠો અમુક વર્ગના અધ્યાપકો કે વિદ્યાર્થીઓનો અડ્ડો બની રહેવી ન જોઈએ. સામાજિક વાસ્તવિકતા શી છે તેને જાણ્યા વિના, વિરોધ કરનારાઓમાં હોય છે તેવા જુસ્સા માત્રથી, તો એમનો સામાજિક પરિવર્તનનો હેતુ ભાગ્યે જ સિદ્ધ થઈ શકશે. વિદ્રોહ પર આધારિત એમનો સંસ્કૃતિ વિશેનો ખ્યાલ સામાજિક વાસ્તવિકતાથી ઘણો છેટે રહી જાય છે. આવી આ પરિવર્તનસિદ્ધિ કરવા માટેની અસરકારક ક્રિયાશીલતા એમનામાં આવતી નથી. માધ્યમિક શાળામાં વિદ્યાર્થીને ગાળવો પડતો સમયનો લાંબો ગાળો અને વિદ્યાર્થીઓની ઉત્તરોત્તર વધતી જતી સંખ્યા – આ કારણે એક જાદુઈ વર્તુળમાં વિદ્યાર્થીઓેને પૂરી રાખીને એમને દીર્ઘકાળ સુધી સગીર અવસ્થામાં રાખી મૂકવામાં આવે છે. એમને માથે કશી જવાબદારી લાંબા સમય સુધી નહીં હોવાથી એઓ બિનજવાબદાર સ્વભાવના થઈ જાય છે.

આવી એક કૃત્રિમ સ્વપ્નાવસ્થા, કૃતક સ્વરૂપની ચેતનામાંથી એમને ઢંઢોળીને બહાર કાઢવા જોઈએ. એમની સાચી સ્વતન્ત્રતા તે વૈચારિક સ્વતન્ત્રતા છે, એને અખત્યાર કરવા માટેની જરૂરી બૌદ્ધિક સજ્જતા એણે વિદ્યાપીઠમાંથી પ્રાપ્ત કરવાની છે. એને બદલે કૃતક સ્વતન્ત્રતા કે વિદ્રોહનાં પ્રલોભનો આપી આગળ ધરીને પ્રચ્છન્ન નિયન્ત્રણ હેઠળ રાખવાથી જ એનો સાચો વિકાસ રૂંધાઈ જાય છે તે સમજી લેવું જરૂરી છે.

હવે રામરાજ, કલ્યાણરાજ કે આદર્શરાજની કલ્પના જુવાન પેઢી પર ઝાઝો પ્રભાવ પાડતી નથી. પ્રવર્તમાન ધોરણોથી ઉફરા જઈને, તત્સમવૃત્તિ(કન્ફોમિર્ઝમ)ને ત્યજી દઈને, જાણી કરીને લોકાપવાદનો વંટોળ ઊભો કરી એમાંથી આનન્દ લેવાનું વલણ પણ ઓસરતું જાય છે. હવે તો સૌથી કઠિન કાર્ય કરવાનું રહ્યું છે અને તે છે સાચા સંઘર્ષમાં સક્રિય બનીને ભાગ લેવાનું. સમાજના સંઘર્ષમાં બહાર રહીને કેવળ ગોખેલી વિદ્યાને આધારે ક્રાન્તિના કાર્યક્રમો આપવાનું હવે મુનાસિબ રહ્યું નથી. તમે સમાજમાં ઓતપ્રોત થઈને જીવતા હો તો જ સમાજની ગતિવિધિની આલોચના અસરકારક રીતે કરી શકો. આથી વિદ્યાપીઠ વિસ્તાર એ સમાજમાં પ્રવર્તતાં દૂષણોથી બચવાને ઊભાં કરેલાં ક્વોરેન્ટાઇનો નથી.

આથી આકળા થઈને વિદ્યાપીઠોને નાબૂદ કરવાને બદલે વિદ્યાપીઠનો એકહથ્થુ કબજો લઈ બેઠેલાં બે તત્ત્વોની પકડમાંથી એને મુક્ત કરવી જોઈએ. એ બે તત્ત્વો છે વિદ્યાર્થીઓે અને અધ્યાપકો. વિદ્યાર્થીજીવન અને સક્રિય સમાજજીવન વચ્ચેના ક્રમિક વિચ્છેદને દૂર કરવો જોઈએ. તો જ સમાજજીવનનો અનુભવ અભ્યાસનાં સર્વ ક્ષેત્રોમાં વ્યાપી જશે, તો જ સમાજજીવનની આલોચના જીવનના ક્ષેત્રમાં અસરકારક બનશે.

આ દૃષ્ટિએ અભ્યાસક્રમનું જે માળખું અત્યારે પ્રવર્તે છે તેમાં કેટલાક ધરમૂળના ફેરફારો કરવા પડશે. નવી રીતે વિચારાતા આ અભ્યાસક્રમમાં ભાષા તથા અન્ય અનિવાર્ય વિષયો(વિજ્ઞાન, ગણિત, લલિત કળાઓ) પરનો કાબૂ પ્રાપ્ત કરવાને માટેના જરૂરી ગાળા પછીના સમયમાં સક્રિય સમાજજીવન અને અભ્યાસ સમાન્તર ચાલે એવી યોજના થવી જોઈએ. આ બંને ભેગા ચાલે એવો ગાળો એવી રીતનો હોવો જોઈએ કે એના પ્રારમ્ભમાં જ્ઞાનપ્રાપ્તિનો સમય વધુ હોય, પછી ક્રમિક રીતે એ ઘટતો જાય. પણ એનો સમૂળો લોપ તો થાય જ નહીં. પણ પછીથી શાળા કે મહાશાળામાં મેળવાતી કેળવણી તે જીવન જીવવા માટેની કાયમી કેળવણીના એક વિશિષ્ટ અંશરૂપે જ લેખાવી જોઈએ.

વિદ્યાપીઠોને વ્યવસાયલક્ષી બનાવી દેવાનો આ પ્રયત્ન નથી. એથી ઊલટું જ કરવાનો આ અભિગમ છે. શિક્ષણને કેવળ અમુક વ્યવસાયો સાથે જોડીને એને વધુ વહેવારુ, ઉપયોગી અને ઉત્પાદક સ્વરૂપનું બનાવવાનો આગ્રહ શાસક વર્ગ કે વગ ધરાવનારા વર્ગ તરફથી અનેક બહાનાં હેઠળ થતો રહે છે. પણ જે વિકલ્પો આપણી આગળ રજૂ થાય તેમાંથી આપણે મોડીવહેલી પસંદગી તો કરવાની જ રહેશે, અને આજના સંજોગોને વાસ્તવિક દૃષ્ટિએ જોઈએ તો થોડાંક સમાધાનો સ્વીકારવામાં આપણી હાર નથી, પણ એ તત્કાળ પૂરતી સ્ટ્રેટેજી છે. જ્યાં સુધી ભણતરને અમુક ઉંમર સુધીનાંને માટે જ મર્યાદિત રાખવામાં આવશે ત્યાં સુધી એ સમાજના અમુક વર્ગ પૂરતું જ મર્યાદિત રહેશે એ પણ સ્વીકારવું જ રહ્યું.

શિક્ષણના વ્યવસાયને વ્યવસાય લેખી નાબૂદ કરવો જોઈએ. ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં તો આ થવું જ જોઈએ. સમાજની ગતિવિધિનો આલોચક સમાજથી અમુક અંશે દૂર રહેનારો હોય તો તે પોતાનું આલોચનનું કાર્ય દક્ષતાથી ન કરી શકે. બધું જ્ઞાન વિજ્ઞાન કે અનુભવમાંથી પ્રાપ્ત થવું જોઈએ, પુરોહિતો કે પંડાઓ પાસેથી જ એ પ્રાપ્ત થાય એવી કોઈ મિથ્યા રહસ્યમય ભ્રમણા ઊભી ન કરવી જોઈએ. જે મેં જાણ્યું છે અને અપરોક્ષપણે અનુભવ્યું છે તે જ હું શીખવી શકું. અમુક માળખામાં રહીને, એસ્કેલેટરની સીડી પર પગ મૂકી દેવાથી જ આખરે હું અમુક ઉપાધિ પ્રાપ્ત કરીને નીકળું એટલે સમાજ મારી પંડાગીરી માન્ય કરે. પછી હું બધાંને શિક્ષણ આપવાને આપોઆપ પાત્ર ગણાઈ જાઉં તો મને જે પઢાવ્યું છે તેનું હું પુનરાવર્તન માત્ર કરું. અને શિક્ષણ જો કેવલ આવું પુનરાવર્તન માત્ર બની રહે તો એનાં પરિણામો કેવાં ખતરનાક નીવડે તે આજે આપણે જોઈ રહ્યા છીએ. આથી જ તો માર્ગદશિર્નીઓનો રાફડો ફાટે છે. વિદ્યાર્થીપ્રિય થવા ઇચ્છનારા અધ્યાપક અહીંતહીંથી એકઠી કરેલી ઉછીની સામગ્રીને આધારે ‘નોટ્સ’ લખાવે છે. આ પ્રક્રિયા જો જ્ઞાનની નથી તો એને પરિણામે જ્ઞાન ઉપલબ્ધ થાય જ ક્યાંથી? અધ્યાપક તૈયાર એવી સામગ્રીની વહેંચણી કરનારો આડતિયો કે દલાલ જ માત્ર બની રહે છે. અધ્યાપકની ‘નોટ્સ’માંથી એ વિદ્યાર્થીની ‘નોટ્સ’માં એ જાય તે દરમિયાન બંનેના ચિત્તમાં કશું બનતું નથી. આથી જ તો કશે નહીં ચાલી શકનારા, મૌલિક વિચારશક્તિ વિનાના વૈતરું કૂટી જાણનારા કે ઓછી મૂડીએ બહોળો વહેપાર કરવાની વ્યવહારુ કુનેહવાળા શિક્ષણને પણ અનેક વ્યવસાયો પૈકીનો એક વ્યવસાય ગણીને પ્રવેશે છે. આવા અધ્યાપકો માટે પુસ્તકાલયો નિરર્થક છે, વેકેશનો ટોળટપ્પાં કરવાનો કે બીજી ‘સાઇડ ઇન્કમ’ ઊભી કરી લેવાનો ગાળો છે, અથવા તો અન્યોન્યને ફાયદો કરાવી આપનારા સહકારના બળે પરીક્ષક થવું, દૂરના હવા ખાવાનાં સ્થળોમાં ભરાતી પરિષદોમાં જવું, મહત્ત્વની સરકારી કમિટિઓેમાં સ્થાન મેળવી મોભો જ નહીં માન પણ સુધ્ધાં વધારવું. આવી બધી પ્રવૃત્તિઓ વેકેશનમાં થતી હોય છે. અધ્યાપકો બૌદ્ધિક શ્રમ કરતા નથી, છતાં બૌદ્ધિક તરીકેનો આદર વિદ્યાર્થીઓ તરફથી અને સમાજ તરફથી મેળવવા ઇચ્છે છે.

આમ અધ્યાપકોના ‘મોનોપોલી કોર્પોરેશન’ને શિક્ષણના ક્ષેત્રમાંથી નાબૂદ કરવું જોઈએ. પોતે સમગ્ર જ્ઞાન ધરાવે છે અને એનું વિતરણ કરી શકે છે એવો જે એનો દાવો છે તેને આપણા રોજ-બ-રોજના અનુભવના આધારે આપણે પડકારી શકીએ છીએ. આથી દરેક શિક્ષકે નવા નવા જ્ઞાનની પ્રાપ્તિ માટે, પોતે જે માળખામાં ગોઠવાઈ ગયો છે તેની બહાર પણ જોવું જોઈએ અને પોતે અધ્યાપનને નામે જે આત્મપ્રવંચના કરી રહ્યો હોય છે તે સિવાયની પ્રવૃત્તિ પ્રામાણિકપણે કરવાનું પણ વિચારવું જોઈએ.

આજના શિક્ષકો ખરેખર તો અધ્યાપકો નથી પણ ‘ટ્યૂટરો’ છે. ફ્રેન્ચ ભાષામાં ટ્યૂટર માટેનો જે શબ્દ છે તેનો અર્થ ‘પુનરાવર્તન કરનાર’ એવો થાય છે. વિજ્ઞાનનો કોઈ અધ્યાપક દર વર્ષે નવી શોધ કરીને આપણને અચરજમાં મૂકી દે એવી અપેક્ષા આપણે રાખતા નથી પણ બધી કારકિર્દી દરમિયાન એણે પોતાના વિષયમાં મહત્ત્વનું સંગીન અર્પણ કર્યું હોય તે પણ જરૂરી છે. પણ આપણે ત્યાં તો પરિસ્થિતિ સાવ જુદી છે. નીચલી કક્ષાએ હોય ત્યાં સુધી ઉપલી પાયરીએ પહોંચવા માટેની તરકીબ લેખે આપણો અધ્યાપક કશુંક લખે છે, છપાવે છે. એની ગુણવત્તાની આલોચના કરનારું વિદ્વદ્મંડળ પણ નથી એટલે એવા ‘લેખો’ની સંખ્યા જ માત્ર મહત્ત્વની બની રહે છે. એને જોરે એ જેવો ઉપલી પાયરીએ પહોંચે છે તેવો આપ્તકામ બની જાય છે. પછી સાચા અર્થમાં એ ક્ષેત્રસંન્યાસ લઈ લે છે. જ્ઞાનોપાર્જનની કશી પણ જંજાળથી નિલિર્પ્ત રહીને અર્થોપાર્જન કર્યે જાય છે. આથી ‘પ્રોફેસર’ તો આપણા જ્ઞાનજગતનો સાચો સંન્યાસી છે. એય ‘લેક્ચરર’ હતો ત્યારે કશુંક લખવાના ઉધામા હતા. ‘રીડર’ થયા પછી થોડો જ્ઞાનપ્રવૃત્તિ કરવાનો દેખાડો ચાલુ રહ્યો, પણ પ્રોફેસર થયા પછી તો મહત્ત્વની કમિટિઓમાં ‘સેવા’ આપવી, પોતાના બહોળા અનુભવમાંથી માર્ગદર્શન આપવું બસ, એથી વિશેષ પ્રકારની રાજસિક વૃત્તિનો એ ભોગ બનતો નથી!

શિક્ષણ એ આખા સમાજની જવાબદારી છે, એ જવાબદારી આવા અપ્રામાણિક નિરુદ્યમી અને નિષ્ક્રિય વર્ગને જે સમાજ સોંપીને નિશ્ચંતિ બને તેની શી દશા થાય તે આપણે પ્રત્યક્ષ અનુભવથી આજે જાણતા થયા છીએ. પણ પ્રામાણિકતા એ એક વિરલ એવો ગુણ છે. જે પોતાનામાં હોવાનો દાવો આપણામાંના સૌ કોઈ, અપ્રામાણિક બન્યા વિના ન કરી શકે. શિક્ષકોને ‘કોન્ટ્રેક્ટ’ પદ્ધતિએ જ નિમવા જોઈએ. એ કોન્ટ્રેક્ટની શરતમાંની મુખ્ય તે વિદ્યાક્ષેત્રમાં અસરકારક રીતે સક્રિય રહેવાની. જો એ શરત સન્તોષી ન શકે તો કોન્ટ્રેક્ટ પૂરો, પણ નોકરી વિશેની અનિશ્ચિતતાનો ભય દુર્ભાગ્યે, કઈ નહીં તો જ્ઞાનવિતરણના કાર્યમાં પ્રમાણમાં વધુ ક્રિયાશીલ એવા, લેક્ચરરોને જ વિશેષ હોય છે. પ્રોફેસરો તો અસ્પૃશ્ય જ છે. એક વાર પ્રોફેસર થયા પછી કોઈ એમને છેડી શકે નહીં.

જો વિદ્યાપીઠોને હજી બચાવી લેવી હોય તો પ્રામાણિકપણે આત્મશોધન કરવું પડશે, ક્રાન્તિકારી પરિવર્તનો કરવાં પડશે.