નારીસંપદાઃ વિવેચન/કિસન સોસાનાં કાવ્યોઃ દર્દીલી મધુરપ

Revision as of 01:23, 18 March 2024 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૪૪

કિસન સોસાનાં કાવ્યો : દર્દીલી મધુરપ
સંધ્યા ભટ્ટ

૧૯૭૭માં 'સહરા' નામે પ્રથમ કાવ્યસંગ્રહથી માંડીને ૨૦૨૧માં ‘સૂર્યને કર્ફ્યૂ શહેર સૂમસામ છે’ જેવા વિલક્ષણ શીર્ષકથી અઢારમો કાવ્યસંગ્રહ આપનાર કિસન સોસા આજે આયુષ્યના ચોર્યાસીમા વર્ષે પણ લખતા રહ્યા છે. ખૂબ જ ઓછું ભણતર, એકદમ સામાન્ય કહી શકાય તેવી નોકરી, અતિ નમ્ર સ્વભાવ સાથે પોતીકી કાવ્યપ્રતિભા લઈને જન્મેલા આ કવિએ ગઝલ, ગીત, અછાંદસ, તાન્કામાં અને સર્જનાત્મક ગદ્યમાં પણ કેટલુંક કામ કર્યું છે. એમની કવિતા એમના જેવી જ અમુખર છે એમ કોઈકે યોગ્ય રીતે કહ્યું છે. તેમના કેટલાક કાવ્યસંગ્રહો તો હવે અપ્રાપ્ય થઈ ગયા છે. આ નખશિખ કવિએ કાવ્યસંગ્રહો સચવાય તેની પરવા કરી નથી. કાવ્યનિમજ્જન એ તેમની એકમાત્ર મૂડી છે એવું એમને વ્યક્તિ તરીકે જોતાં અને એમના કાવ્યો માણતાં સમજાય. એવા વળાંક પર હવે ઊભો છે કાફલો અહીંથી જવાય રણ તરફ, અહીંથી નહી તરફ આ અનુભૂતિ માણસમાત્રને ક્યારેક ને ક્યારેક થાય છે જેની સચોટ અભિવ્યક્તિથી તેઓ સાહિત્યજગતમાં ખ્યાત છે. મૂળ સૌરાષ્ટ્રના, ગામ સથરા, જિ. ભાવનગરમાં ૪-૪-૧૯૩૯ના દિવસે જન્મેલા આ કવિ આજીવન સુરત રહ્યા અને સુરત મહાનગરપાલિકાની નોકરી કરી નિવૃત્ત થયા. સુરતના જાણીતા કવિ ભગવતીકુમાર શર્મા લખે છે. તેમની કૃતિઓમાં સતત એક વેદનાનો સૂર રહ્યો છે, જે ધીમે ધીમે આક્રોશમાં પલટાયો છે. ગુજરાતી ભાષામાં દલિત કવિતાનું આંદોલન પગભર નહોતું થયું તે પહેલાંથી કિસનભાઈની કવિતામાં દલિતોની વેદનાને અભિવ્યક્તિ મળતી રહી છે. (કિસન સોસાનાં શ્રેષ્ઠ કાવ્યો, પૂ.. ૧૨) તેમની શરૂઆતની ગઝલનો આ મત્લા ને શેર જુઓ...

છે એક સ્તંભ, એય વીત્યા કાળમાં જીવે,
ને મોભ, ‘શું થશે હવે’ ની ફાળમાં જીવે
ભરડે ભીંસાતું જાય સતત રંક ખોરડું,
હતપ્રભ બધાય કોણ કોની ભાળમાં જીવે!

ગરીબોની સ્થિતિનું હૃદયસ્પર્શી અને પ્રતીકાત્મક રૂપાંતર અને તે પણ ગઝલ જેવા લઘુસ્વરૂપમાં કરવાનો પડકાર સાવ સહજ જણાય છે અહીં! મનોજ ખંડેરિયાની ‘પીંછું' મુસલસલ ગઝલને આપણે માણી છે. કિસન સોસાએ પંખીઓ પર અગિયાર શેરની ગઝલ 'અનસ્ત સૂર્ય' સંગ્રહમાં આપી છે. એક-બે શેર જોઈએ...

ફેલાવો જાળ તોય નૈ પકડાય, પદમણી!
આકાશ થઈ આકાશમાં પથરાય પંખીઓ
પીંછાંઓ સાચવી રહેલું જીર્ણ વૃક્ષ છું
મારા પરણમાં પીળુંછમ પડઘાય પંખીઓ

પંખીઓ નિમિત્તે સમગ્ર જીવસૃષ્ટિની લીલાને અને નિયતિને તેના સમગ્ર પરિવેશમાં કાવ્યાત્મક રૂપ આપતા કવિ નવા શબ્દો પણ પ્રયોજે છે. જેમ કે, ‘પીળુંછમ'! પોતાને જે કહેવું છે તે માટે સૂર્ય એ તેમને અત્યંત યોગ્ય કલ્પન લાગ્યું હોય તેથી અને તેને વિવિધ રૂપે કવિતામાં પ્રગટાવવાની સિસૃક્ષાથી તેઓ કાવ્યસંગ્રહનાં નામ આપે છે. ‘અનસ્ત સૂર્ય' (૧૯૮૫), ‘અનૌરસ સૂર્ય’ (૧૯૯૨), ‘સૂર્ય જેમ ડૂબી ગયું હાર્મોનિયમ (૧૯૯૨), 'અનાશ્ચિત સૂર્ય' (૧૯૯૭), ‘અડધો સૂર્ય' (૧૯૯૯). ‘ક્ષુધિત સૂર્ય' (૨૦૦૫), 'તૃષિત સૂર્ય' (૨૦૦૫), 'સહરામાં સપ્ત સૂર્ય' (૨૦૦૮). 'ધુમ્મસમાં પ્રજળતો સૂર્ય' (૨૦૧૨), ‘વીંઝું છું સૂર્ય ગોફણે’ (૨૦૧૬), ‘સૂર્યને કર્ફ્યૂ શહેર સૂમસામ છે’ (૨૦૨૧) – સૂર્ય પરત્વેનો આ ઝુકાવ અને આ પ્રકારે અપાયેલાં શીર્ષકો - એ ગુજરાતી કાવ્યસાહિત્યમાં એકમેવ છે એ તો ખરું જ પણ તેમાં તેમનું મનોગત પામી શકાય. આ અંતર્મુખી કવિ માટે સૂર્ય ધવલોજજવલ નથી! સહૃદય ભાવક કવિના મનોભાવોનું પ્રક્ષેપણ આ શીર્ષકોમાં વાંચી શકે! સતત નેપથ્યમાં રહેતા, દીન-હીન પરિવેશથી ગ્રસ્ત સંવેદનશીલ કવિ સૂર્યને વિપરીત ભાવે જુએ છે. અને વારંવારનો આ વિપર્યાસ કવિની ભીતર, તળિયે બેઠેલા સ્થાયીભાવને વ્યક્ત કરી રહે છે! કવિના ઘેરા વિષાદને વ્યક્ત કરતાં આ કલ્પનોત્થ શીર્ષકો તેમની સર્જકતાના ઝળહળતા સૂર્યો છે એમ કહી શકાય! પ્રસિદ્ધ કવિ- વિવેચક રાધેશ્યામ શર્મા ‘સૂર્ય જેમ ડૂબી ગયું હાર્મોનિયમ' શીર્ષક માટે કહે છે, ‘આવું અદ્ભુત ક્યાંથી સૂઝયું હશે માત્ર સાત ચોપડી ફાડનાર શબ્દસેવકને?’ (કિસન સોસાનાં શ્રેષ્ઠ કાવ્યો, પૃ. ૧૧) તો જોસેફ મેકવાન આ શીર્ષક માટે લખે છે, ‘... જ્યારે એ શીર્ષકનો ભણકાર પહેલવહેલો મારાં આંખ-કાને પડ્યો ત્યારે કિસન મને ગળે હાર્મોનિયમ લટકાવીને સાયંકાળે સુરતની તાપી નદીમાં ભૂસકાવતો હોય એવો આભાસ ઊભરી આવેલો. છેક ડૂબતા સુધી સંવાદી સૂર છેડતા રહેલા એ વાસ્તવ-વાદ્યનો પડઘો કે ચીસ સમાનધર્માંઓને સંભળાયા અને લાયન્સ ક્લબ ઓફ લોટસ, પીપલોદ, સુરત, નર્મદના મહાનગરમાં અજ્ઞાતવાસ સેવતા આ કવિનાં 'શ્રેષ્ઠ કાવ્યો'નો સમુચ્ચય પ્રગટ કરવાનું પ્રશસ્ય કામ કરે છે. (‘અનાશ્રિત સૂર્ય'ની પ્રસ્તાવના પૃ. ૬) આ શીર્ષક જે શેરમાંથી લેવામાં આવ્યું તે શેર આમ છે.

આંખમાં ઓઝલ થયો આખો અતીત
સૂર્ય જેમ ડૂબી ગયું હાર્મોનિયમ

આખી ગઝલમાં રદીફ છે. ‘ગયું હાર્મોનિયમ', અહીં હાર્મોનિયમ એ સંવાદ માટેનું કલ્પન બનીને આવે છે. જોસેફ મેકવાન કહે છે, 'અહીં હાર્મોનિયમ નથી ડૂબતું. ડૂબે છે ચિરઆકાંક્ષિત હાર્મની' ('અનાશ્રિત સૂર્ય'ની પ્રસ્તાવના) દલિત અવાજ અહીં કલાની કસોટી પર પણ ખરો ઊતરે છે! નવીનતા અને તાજપ એ કવિ કિસન સોસાની તાસીર છે. કવિની મુફલિસી કહો કે ફકીર મિજાજ પણ તેઓ બજારમાં જાય છે તો બેચેની અને ઉદાસી ખરીદીને આવે છે. તેમની એક ગઝલનો રદીફ ‘ખરીદી’ - ક્રિયાપદ છે. પરાકાષ્ઠા તો ત્યાં આવે છે જ્યારે એ ગઝલના છેલ્લા શેરમાં તેઓ લખે છે.

હતી ભૂખ એવી પ્રબળ કે ન પૂછો
અમે ગૃહ વેચીને રોટી ખરીદી (સૂર્ય જેમ.... પૂ.૧૧)

આ કવિએ જીવનમાં ઘણું વેઠ્યું છે. મજૂરી કરી છે. અને છતાં શબ્દનો પંથ છોડયો નથી. આ જ સંગ્રહની એક ગઝલ 'શબ્દોનો પંથ'નો અંતિમ શેર જુઓ :

લોહી વહ્યું ઘણું ને ઉઝરડા થયા ઘણા
શબ્દોનો પંથ આમ તો સોહામણો હતો

પ્રતિકૂળ પરિસ્થિતિ અને પારાવાર ઉપેક્ષાની સામે તેમની સર્જકતા ટક્કર ઝીલી શકી કારણ કે તેઓ કહે છે,

એ નદી જે અંદરોઅંદર વહે. વહેતી રહે
આંખમાં લાવી શકું, એ પી શકું, પાઈ શકું.
કેટલાક શેર નોંધ્યા બાદ આગળ જઈશું.
આકાશ જ્યાં દીવાલ છે. પાણી જ જાળ છે.
ઊભો રહે કે ભાગ કશો ફર્ક નહિ પડે
-
ધુળે ભરેલ મુઠ્ઠીની તે હોય શી મજાલ
રહેવા દે, સૂર્ય એમ કદી મહાન થાય છે?
-
તારી નવી ક્ષિતિજ મુસાફર, શરૂ થશે
જ્યાં રણ પૂરું થશે કે સમંદર શરૂ થશે.

શબ્દ સાથે કેદ કીધો કાગળે,
ખૂબ રઝળાવ્યો અહીં રક્ષી મને

એક અજવાળું સતત સાથે રહ્યું વાતોડિયું
આટલી કાપી નિશા એકેક દીવા સાંભળી

ભીષણ, પ્રલમ્બ રાતનું પ્રગટાવવા પ્રભાત
અણથક એ તાર તાર ઝઝૂમે છે વાયોલિન!

નાવીન્ય, તગઝ્ઝુલ, સમજદારી, સમસંવેદના, ખુમારી અને મિજાજ - આ તમામનું સાયુજય તેમની ગઝલોમાં જોવા મળશે. પણ માત્ર ગઝલ લખીને બેસી રહે એ કિસન સોસા નહીં. કાવ્યનાં વિવિધ સ્વરૂપોમાં થયેલ એમનું કામ એમની કાવ્યપ્રતિભાની નોંધ લેવી જ પડે એવું છે. જોસેફ મેકવાન તો એટલે સુધી કહે છે, ‘કિસનના કવિત્વને કરાવા પેલા જર્જર –રુગ્ણ- અશુદ્ધ ઓજારો નહીં ચાલે... પ્રતીક વિધાનથી માંડી ભાષાની ઇબારતમાંય નોખાં નિશાન તાગવાં ને તાકવાં છતાંય કોઈ ખોંખારીને એમ નથી કહી શક્તું કે કિસન ગઝલને એક આગવા અગોચર મુલકમાં લઈ ગયો છે ને એણે આ યુગ પર પણ આગવો પ્રભાવ પાડ્યો છે.’ (‘અનાશ્રિત સૂર્ય' પ્રસ્તાવના, પૃ.. ૯) એમની જે નઝમ પરથી તાજેતરમાં સંગ્રહ પ્રકાશિત થયો તે નઝમ ‘સૂર્યને કર્ફ્યૂ શહેર સૂમસામ છે.’ ૧૯૯૨માં પ્રકાશિત ‘સૂર્ય જેમ ડૂબી ગયું હાર્મોનિયમ’ સંગ્રહમાં સમાવાયેલી છે જેમાં ખાલીપાનો અહેસાસ પડઘાય છે. એક નઝમની શરૂઆત આમ હળવી રીતે થઈ છે. જુઓ....

સીધી સટ્ટાક કાંઈ એ સેંથી નથી, સખી!
જીવનની શેરી એટલી સીધી નથી. સખી!
સાડી ખરીદ, ફિલ્મ નીરખ, રેડિયો વગાડ
જા, પાનખર હજી તને સ્પર્શી નથી, સખી!

પાનખરને પણ આ કવિ સહી શક્યા છે કારણ કે તેઓ જાણે છે,

ખબર છે અહીંથી જવાનું છે, મિત્રો
રહું છે જે ઘર એ હવાનું છે. મિત્રો

દેશમાં પ્રવર્તેલી અસમાનતાના વાસ્તવને ગીતો દ્વારા વ્યક્ત કરી શકે છે,

માની લીધું કે આ પીળાપચ વગડામાં
ક્યાંક લીલા પાંદડાની લીલી એક ડાળ છે
પણ તેથી હેં ભાઈ, કાંઈ વિસરી શકાય છે
કે દેશ માથે કાળઝાળ સુક્કો દુકાળ છે?


કાવ્યની શરતે વ્યંગ કરતા આ કવિની કલમે સુંદર પ્રેમગીત પણ મળે. ‘ગુલમહોર જેવી છોકરીનું ગીત', 'વૈશાખી રાત', 'પ્રિયને', 'સત્તર વર્ષે', 'તારું નામ લઈને', 'રાધાની છાતી પર’, 'કંકુનાં પગલાં', 'ફોરમની ડમરી', 'બારી ખોલ', 'મારા વરસાદને' - આ ગીતો પ્રેમ અને કાવ્યત્વથી સભર છે. બે-ત્રણ ગીતોમાં તેઓ પ્રેયસીને 'સોન' કહી સંબોધ છે. એક પ્રેમગીતનું મુખડું જોઈએ....

સત્તર વર્ષે સરલા આવી સપનામાં!
ખટ્ટાક કરતી બારી ખૂલી.
સિક્ત સાંવરી સૂરત ઝૂલી તડકામાં...!

કવિ પરકાયા પ્રવેશ દ્વારા કુમારિકાની વેદનાનું ગીત પણ લખે છે. જુઓ...

અડખેપડખેથી બધા નીસરી જાય તીર
મને કેમ નથી તીર કોઈ વાગતું?
આવો તે સ્વયંવર કોણે રચ્યો છે.
મન માછલીનું દિનરાત જાગતું

માછલીના પ્રતીકને સાદ્યંત જાળવતાં આ ગીતને આગળ તેઓ કેવી ઊંચાઈએ પહોંચાડે છે તે જુઓ....

છદ્મવેશે ક્યાંક બેઠા હો અર્જુન,
તો આવો ને ભાર આ ઉતારો
માછલીને આરપાર દેખાતું થાય એવું
સોંસરવું તીર એક મારો

કાવ્યમાં તત્ત્વદર્શન કરાવતા કવિનું આ સ્વયંભૂ તેજ એ કિસન સોસાનો કાવ્યવિશેષ છે. લયહિલ્લોળ આ કવિની બાનીમાં સહજ રીતે વણાયેલો છે, તેથી તેમનાં ગીતોમાં લવવૈવિધ્ય માણી શકાય છે. લય ઉપરની આ પકંડ અછાંદસમાં પણ ખપમાં આવી છે. 'બે સ્વપ્ન વચ્ચે એક સત્ય’ ની શરૂઆત જોઈએ :

તારા
ગોળમટોળ ચહેરામાંથી ચંદ્ર
ટપકે
ટીપે...ટીપે....

ઇન્દ્રિયવ્યત્યયની ટેક્નિકનો આ સહજ અને સુચારુ પ્રયોગ હૃદયંગમ છે. ‘વરસાદનો અવાજ'માં કવિ કહે છે.

આ અવાજને હું ઓળખું છું:
નિદ્રાની પહાડીઓમાં
દુઃખના ખરબચડા ખડકો વચ્ચે
ઊગી નીકળેલું સુકુમાર સ્વપ્નનું સફેદ ફૂલ
શ્વસતો ઊભો હોઉ
અથવા
બેઠો હોઉં એમ જ ચિત્તના છેક છેલ્લા ઓરડે
તોપણ
મધપૂડા જેવી શોર ઊઠે અને
પાંપણ પાસે પહોંચ્યા વિના
બારી ખોલ્યા વિના નિઃશંક કહી શકું કે
બહાર જે અવાજ વરસી રહ્યો છે તે વરસાદનો છે.

ભગવતીકુમાર શમાં આ કવિના દીર્ઘકાવ્ય 'અવાજ આગળ વધે છે’ માટે લખે છે. ‘આપણી ભાષાનાં દીર્ઘકાવ્યોની વાત થશે ત્યારે 'અવાજ આગળ વધે છે’ ની જિકર અનિવાર્ય બનશે. એમાં કવિનું વક્તવ્ય તો મહત્ત્વનું છે જ, કવિની ઇતિહાસદૃષ્ટિ પણ એમાં પ્રગટ થાય છે. (કાર્લ માર્ક્સની જન્મજયંતી પ્રસંગે આ કાવ્ય રચાયું છે.) તદુપરાંત, તેનું ભાષાકર્મ અને લયરિદ્ધિ પણ ધીંગા છે.' (અનૌરસ સૂર્ય, પ્રસ્તાવના, પૃ. ૯) સાત ખંડોમાં વહેંચાયેલા આ દીર્ઘકાવ્યની શરૂઆત આમ થાય છે....

અવાજ આગળ વધે છે
ભૂગર્ભમાં ખળભળતા
સદીઓમાં રૂંધાયેલા લાવાનો
હજારો વર્ષની કાળી મજૂરીએ
થાકેલી જમીનના ઉઘાડા બરડા ઉપર
ઝમેલા પ્રસ્વેદબિંદુ વડે
સિંચાઈ
ફણગાવેલા બીજનો
પૃથ્વી કૂખે પ્રથમ વાર પાંગરેલા
નવતર સુવાસના
પુષ્પનો....

કવિ એ સમગ્ર માનવજાતનો પ્રતિનિધિ હોય છે એટલું જ નહીં, થઈ ગયેલી પેઢીઓની વેદનાને પણ તે શ્વસી શકે છે, કવિ કિસન સોસા લુપ્ત પેઢીનાં દબાયેલાં ડૂસકાં પણ સાંભળી શક્યા છે. તેમના તાન્કાસંગ્રહ 'અવનિતનયા' માટે મૂર્ધન્ય વિવેચક વિષ્ણુપ્રસાદ ત્રિવેદી લખે છે. તેમાં આકાર અને સત્ત્વની દૃષ્ટિએ અપૂર્વતા છે, તાજગી છે. ‘(કિસન સોસાની શ્રેષ્ઠ કાવ્યો’, પૃ. ૮૫) જુઓ...

મંદિર સૂનું
ઈશ્વર સૂતા, સૂનાં સુનું
સાવ બ્રહ્માંડ!
કોટિ તારલા જાગે
તોય એકલું લાગે
----
એક તરફ
આગ, બીજી તરફ
નર્યો બરફ
બળતા હોઠ પર
થીજી ગયો હરફ

કવિના સંગ્રહોને વખતોવખત જુદી જુદી સંસ્થાઓએ પુરસ્કૃત કર્યા છે. અને તાજેતરમાં જ ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાન દ્વારા 'કેસરબા દલિત સાહિત્ય પ્રતિષ્ઠાન અવૉર્ડ' પણ આપવામાં આવ્યો. પરંતુ તેમની સમગ્ર કાવ્યસૃષ્ટિનો ઊંડો અભ્યાસ થવો બાકી છે. વંચિતો અને શોષિતોની વ્યથાની કાવ્ય દ્વારા તપાસ કરવાની થશે ત્યારે કિસન સોસાનો કાવ્યો વગર ચાલવાનું નથી.


એતદ ઑક્ટોબર-ડિસેમ્બર, ૨૦૨૨, પૃ.૮૮થી ૯૩