THE ILIAD

Revision as of 15:51, 18 March 2024 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

‘એકત્ર' સંકલિત શ્રેણી

Granthsar-logo.jpg

વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ


The Iliad cover.jpg


THE ILIAD
The Greek Epic on the end of the Trojan War and Achilles’ wrath….

Homer

ઇલિયડ

ટ્રોજન યુદ્ધના અંત અને એકિલસના ક્રોધ ઉપરનું એક રોચક ગ્રીક મહાકાવ્ય.
હોમર


ગ્રંથસારાંશ : એકત્ર ફાઉન્ડેશન
અનુવાદ: કૈવલ્ય દવે


વિષયપ્રવેશ :

હોમર કૃત ઇલિયડ એક પ્રાચીન ગ્રીક મહાકાવ્ય છે, જેમાં એમણે, ગ્રીક સૈન્યના ગઠબંધને ટ્રોય શહેરનો દસ વર્ષનો ઘેરો ઘાલેલો તે ટ્રોજન યુદ્ધના મહત્ત્વપૂર્ણ સમયગાળાની રોચક વાત કહી છે. સાથે જ, મહાન ગ્રીક યોદ્ધા એકિલસનો ક્રોધ કેવો હતો અને તેનાં વિનાશકારી પરિણામો કેવાં આવ્યાં તેના ઉપર પણ વાચકનું ધ્યાન કેંદ્રિત કરાવ્યું છે. ઈશુ પૂર્વેની આઠમી સદીનું આ મહાકાવ્ય ‘ઇલિયડ’, પાશ્વાત્ય સાહિત્યનો એક અત્યંત મહત્ત્વપૂર્ણ આધારસ્તંભ છે. પ્રાચીન ગ્રીક કવિ હોમરને નામે લખાયેલું આ મહાકાવ્ય, ટ્રોયની ગ્રીક ઘેરાબંધીના પ્રલંબ અને સુરક્ષિત કાળનાં અંતિમ પ્રકરણનું વર્ણન કરે છે. એના હાર્દમાં, ભીષણ ગ્રીક યોદ્ધા એકિલસની આસપાસ વાર્તાજાળ ગૂંથાઈ છે. એને ટ્રોજન–વિરોધીઓને ભગાડવાની જવાબદારી સોંપાઈ હતી, અને એમાં દખલગીરી કરનારા દેવતાઓની તરંગી ધૂન સામે ઝગડો કરતો અને તેના દેશબંધુઓની પ્રશંસા માટે દલીલો કરતો એકિલસ બતાવાયો છે. આ મહાકાવ્યમાં વીરતા-સાહસ, સન્માન, ભાગ્ય અને માનવીની બાબતોમાં દેવતાઓની દખલગીરી જેવાં વિષયવસ્તુ વીણી લેવામાં આવ્યાં છે.

પ્રસ્તાવના :

પાશ્વાત્ય સાહિત્ય જગતની, કાલાતીત આકર્ષણ ધરાવતી એક ઉમદાકૃતિ એટલે ‘ઇલિયડ’ ! દંતકથારૂપ પ્રાચીન ગ્રીક કવિ હોમરની કલમે, લગભગ ૩૦૦૦ વર્ષ પૂર્વે, ઇશુની ૮મી સદી BC તરફ લખાયેલી આ કૃતિ પાશ્વાત્ય સાહિત્યનો એક અગ્રણી સીમાસ્તંભ છે. આટલી પ્રાચીન હોવા છતાં, એનું અનોખું આકર્ષણ વિશ્વભરના સાહિત્ય રસિકોને હજી આજે પણ એટલું જ છે. જો કે એમાં કાંઈ આશ્ચર્ય નથી કારણ કે આપણી સંસ્કૃતિનાં શાશ્વત મૂલ્યોને ઉજાગર કરતા લોકપ્રિય વીરનાયક-સુપર હીરો-એકિલસની વીરતા અને સાહસનો પાયો ‘ઇલિયડ’માં નંખાયો છે. ટ્રોયની ગ્રીક ઘેરાબંધીની પરાકાષ્ઠા ધરાવતાં એનાં વર્ણનોમાં ષડયંત્રો, કાવતરાં, યુદ્ધના પ્રપંચો, દગાબાજી, દૈવીયુદ્ધો અને શ્વાસ થંભાવી દેતી લડાઈઓ જેવાં વસ્તુબીજો સમાયેલાં છે. મહાન ગ્રીક વીર યોદ્ધો એકિલસ તો ખરો જ, પણ સાથોસાથ તેના સહયોગી પાત્રો, સન્માનપ્રાપ્ત યુદ્ધનાયકો, દૈવી પાત્રો અને પુરાણકથાનાં પાત્રો વગેરે પણ રસપ્રદ અને ધ્યાનયોગ્ય છે. યુદ્ધના અંતિમ દિવસોના વિવિધ એપિસોડ્સ દર્શાવતાં અલગ અલગ ૨૪ પ્રકરણો અને ૧૫, ૬૯૩ જેટલી અસરદાર પંક્તિઓમાં લખાયેલું ઇલિયડ શરૂમાં હોમરિક ગ્રીક પદ્યમાં અવતરેલું. તેમાં વિવિધ ગ્રીક બોલીઓનો શંભુમેળો છે. એટલે વાસ્તવમાં એના કર્તુત્વ અંગે, હજી આજે પણ વિદ્ધાનો ચર્ચારત છે કે ખરેખર એ હોમરની એકલાની મૌલિક કૃતિ છે કે પછી વ્યાપક ગ્રીક મૌખિક પરંપરામાંથી એ સર્જાયું છે. જે હોય તે, સાહિત્યના ઈતિહાસમાં એનાં વર્ણનોનું ધરોરૂપ સ્થાનમાન છે એ તો નિર્વિવાદ છે. તો વાચકો, તમે પણ આ ચિરસ્થાયી ક્લાસીકમાં ઊંડા ઊતરો અને એની જાદુઈ અસરનો અનુભવ કરો. વિશ્વની સેંકડો ભાષાઓમાં એનાં અનુવાદો થયા છે અને સદીઓમાં લાખો વાચકો દ્વારા એ વંચાયું છે. એટલું જ નહિ, અન્ય કલા સ્વરૂપો-મ્યૂઝીક, કળા અને સાહિત્યને માટે આ મહાકાવ્ય એક મોટું પ્રેરણાસ્ત્રોત બની રહ્યું છે. ‘ઇલિયડ’નો પ્રારંભ સાહિત્ય-કલાની દેવી (સરસ્વતી)ની સ્તુતિથી થાય છે, જેમાં એકિલસના ક્રોધની કથા કહેવાની પ્રેરણા માગતી અભ્યર્થના છે. ગ્રીક સૈન્ય ટ્રોયને ઘેરો ઘાલે છે તે અને અન્ય સંલગ્ન વસ્તુઓનાં વર્ણન સાથે મહાકાવ્યનો ઉઘાડ થાય છે. માયસીની (Mycenae)ના રાજા એગેમેમ્નોન, ગ્રીક સૈન્યની આગેવાની કરે છે અને ગ્રીક યોધ્ધાઓમાં સૌથી શ્રેષ્ઠ એવો એકિલસ તેમની પડખે છે. છેલ્લાં નવ વર્ષથી ટ્રોજન વૉર ચાલી રહ્યું છે, એનો સંક્ષિપ્ત પણ મહત્ત્વપૂર્ણ સંઘર્ષકાળ કવિતામાં વર્ણવાયો છે.

ચાવીરૂપ ખ્યાલો :

૧. ઇલિયડમાં ક્રાયસીસ અને સંઘર્ષની શરૂઆત :

સમકાલીન એક્ષન મૂવીઝની યાદ અપાવે તે રીતે, ઇલિયડ વાચકોને સીધા અરાજકતા વચ્ચે ધકેલી દે છે. શરુઆતનાં પ્રકરણોમાં ઊંડા ઊતરીએ તે પહેલાં, ચાલો, પૂર્વભૂમિકા વિશેની આપણી સમજને જરા તાજી કરી લઈએ. આ વર્ણન એવા જટિલ સમયે શરૂ થાય છે, જ્યારે લગભગ એક દાયકાથી ગ્રીક અને ટ્રોજન દળો વચ્ચેનું યુદ્ધ અવિરતપણે ચાલી રહ્યું હોય છે. વિવિધ ગ્રીક દળોના ગઠબંધન એવા Achaean Army એ, હાલ ટર્કી નામે ઓળખાતા પ્રદેશમાં ટ્રોય શહેર ઉપર ઘેરો ઘાલ્યો છે. માયસીનનો રાજા એગેમેમ્નોન, ગ્રીકોને આદેશ કરે છે, જયારે ટ્રોજન તેના સાર્વભૌમ નેતા પ્રિયમનું અનુસરણ કરે છે. આ મહાકાવ્યના માસ્ટરમાઈન્ડ કર્તા હોમર, કલાની દેવીની સ્તુતિ સાથે આ વાર્તા શરૂ કરે છે. સૌથી શક્તિશાળી અને સૌથી વધુ આદરણીય એવા ગ્રીક યોદ્ધા એકિલસના ક્રોધની ગંગોત્રી જણાવવા દેવીને પાર્થે છે, એની સાથે જ, તે આપણને એકિલસ અને રાજા એગેમેમ્નોન વચ્ચેની પ્રલંબ વિવાદાસ્પદ સંઘર્ષની સમયશૃંખલામાં લઈ જાય છે. આ બાબતની જડ એ છે કે પડોશી શહેર પર ગ્રીકના દરોડા દરમ્યાન, એગેમેમ્નોન, ક્રાયસેઇસ નામની એક યુવતીનો તેના ઇનામ તરીકે દાવો કરે છે. સ્વાભાવિક રીતે જ, શક્તિશાળી દેવ એપોલોના પાદરી એવા ક્રાયસીસ (કાયસેઈસ યુવતીના પિતા) આ બાબતનો જોરદાર વિરોધ કરે છે. તે પોતાની પુત્રીની મુક્તિ માટે ગ્રીકોનો સમ્પર્ક કરે છે, પણ એગેમેમ્નોન તેની ઓફરની મજાક ઉડાવે છે. આખરે એગેમેમ્નોનના કમનસીબે, દેવ એપોલો, વચ્ચે પડે છે અને ગ્રીક લોકો ઉપર ભયંકર પ્લેગની છાયા લાવે છે. નવ દિવસની અવિરત વેદના પછી એકિલસ તેના બ્રેકીંગ પોઈન્ટ પર પહોંચે છે. તે એગેમેમ્નોનને, ક્રાયસેઈસ યુવતીને પાછી આપી દેવા વિનંતી કરતી સભા બોલાવે છે. પણ સભાની આ વિનંતી પછી ઉગ્ર સંદર્ભ ફાટી નીકળે છે. એગેમેમ્નોન આખરે ક્રાયસેઈસને છોડી દેવા સંમતતા થાય છે. પણ તેના બદલામાં એકિલસના બંદી બ્રીસેઇસની માગણી કરે છે; આ અપમાન મહાન યોદ્ધા એકિલસના હૃદયમાં ઊંડા ઘા સમાન લાગે છે, કારણ કે એણે તો આ માનવ યુદ્ધના ઈનામ માટે અપાર પ્રયત્નો અને હિંમત ખરર્યાં છે. ક્રોધિત એકિલસ, હવે રાજા એગેમેમ્નોનના પક્ષેથી ન લડવાની પ્રતિજ્ઞા કરે છે. ક્રાયસેઈસ, આખરે તેના પિતા પાસે પાછી ફરે છે અને પ્લેગનો અંત આવે છે. તેમ છતાં એગેમેમ્નોનનો દૂત બ્રિસેઈસનો દાવો કરવા આવે છે. આના ઝડપી ઉકેલ માટે તત્પર એવો એકિલસ તેની માતા થેટીસની મદદ માગે છે. થેટીસ, એ દેવોના રાજા Zeusઝીયસ સાથે જોડાણ ધરાવતી નાની દરિયાઈ અપ્સરા દેવી છે. તે દેવરાજ ઝીયસને ગ્રીકોની વહારે ધાવા વિનવે છે અને એગેમેમ્નોનને પોતાની માગણીનો પુનર્વિચાર કરવા અને એકિલસ સાથે સમાધાન કરવા ફરજ પાડે છે. ઝીયસ, એગેમેમ્નોનને સ્વપ્ન બતાવીને ટ્રોય ઉપર નવેસરથી હુમલો કરવાનું સૂચન કરે છે. નવ વર્ષના ખૂંખાર યુદ્ધ પછી, એગેમેમ્નોન, તેના સૈનિકોની બીજા યુદ્ધ માટેની તૈયારીનો ખોટો અંદાજ કાઢે છે. તેમ છતાં, વિચક્ષણ અને ચતુર ઓડિસીયસ, સેનાના જુસ્સાને જાગૃત કરે છે. ગ્રીક સેના ટ્રોયનાં મેદાનો તરફ આગળ વધી ત્યાં ટ્રોજન નેતા પ્રિયમના પુત્ર પેરિસે, સંઘર્ષનો અંત કરવા માટે, ગ્રીક નાયક મેનોલેયસને દ્વન્દ્વ યુદ્ધ માટેની દરખાસ્ત કરી. એનું મૂળ કારણ હતું પેરિસ અને મેલોનેયસ વચ્ચેનો વિખવાદ, મેલોનેયસની અત્યંત રૂપવતી-વિશ્વસુંદરી રમણી, પત્ની હેલન માટેનો સ્પર્ધાભાવ ! પેરિસ તેણીને ઊઠાવી ગયો હતો અથવા તે ચાહીને પેરિસ જોડે ભાગી ગઈ હતી...હવે આ બે પ્રતિસ્પર્ધીઓ વચ્ચે દ્વન્દ્વ યુદ્ધ શરૂ થાય છે, જેમાં શરૂઆતમાં હેલનપતિ મેનેલીયસનો હાથ ઉપર રહે છે. તોયે એફ્રોડાઈટ અગિયારમાં કલાકે(છેલ્લી ઘડીએ) દરમ્યાનગીરી કરીને પેરિસને બચાવીને, દેખીતી રીતે અનિચ્છા દર્શાવતી હેલનને તેની સાથે એકથવા ફરજ પાડે છે. સર્વોચ્ચ દેવરાજ ઝીયસ, આ માણસોના અવિરત ઝઘડાથી કંટાળી જાય છે. તે હેરા અને એથેના નામની દેવીઓને શાંતિ સ્થાપવા સમજાવે છે, પરંતુ દેવીઓનું વલણ-વળગણ ક્યાંક બીજે જ હોય છે. એથેના, ટ્રોજનના તીરંદાજની ચાલાકી કરી મેનોલેયસને નિશાન બનાવે છે. છેલ્લી ઘડીએ તીરને વિચલિત કરે છે. આ દાવપેચ નાજુક એવા ગ્રીક-ટ્રોજન યુદ્ધવિરામને તોડી નાખે છે અને બંને પક્ષો પૂરા કદના યુદ્ધમાં ધકેલાય છે.

૨. બે બળિયાઓની લડાઈ :

તકલાદી યુદ્ધવિરામ નિષ્ફળ જતાં, ગ્રીકો અને ટ્રોજનવાસીઓએ નવા ઉત્સાદ સાથે તેમના યુદ્ધનો પુનઃ આરંભ કર્યો. આગામી પ્રકરણોમાં, બંને સેનાઓના ધરીરૂપ યોદ્ધાઓનાં વીરતાભર્યાં પરાક્રમો વર્ણવાશે. તેમાંથી, એથેનાની દૈવી સલાહથી પ્રેરિત થનાર લોકોમાં ડીયોમેંડેસ નામનો એક ધ્યાનપાત્ર વ્યક્તિ છે, તેણે અસંખ્ય ટ્રોજન પ્રતિસ્પર્ધીઓને યુદ્ધના મેદાનમાં મોકલીને તરખાટ મચાવ્યો. ખાસ કરીને, પ્રિયમના પુત્રો પૈકીના એક એવા એનિયસ સામે તે જીતે છે. જો કે એફ્રોડાઈટ એનિયસને તેના નિશ્ચિત મૃત્યુથી બચાવવા વચ્ચે પડે છે. આ દૈવી દખલગીરીથી ગુસ્સે થઈને ડાયોમેંડેસ પોતાનો ગુસ્સો એફ્રોડાઈટ પાર ઠાલવે છે એનિયસના એક સાથીને મારી નાખે છે અને દેવીને ઘાયલ કરે છે. પરિણામે; એપોલો ટ્રોજનવાસીઓની સાથે મળીને ડાયોમેડેસનો મુકાબલો કરવા યુદ્ધના દેવતા એરીસને મોકલે છે. એરીસ, પ્રિંયમના બીજા પુત્ર હેક્ટર સાથે મેદાનમાં ઉતરે છે. જો કે આ વખતે, ડાયોમેડેસને દેવી એથેનાનું રક્ષણ અને માર્ગદર્શન મળવું ચાલુ હોય છે. તેઓ બંને સાથે મળીને એરીસને ઈજા પહોંચાડે છે. અને તેને અપંગ બનાવી દે છે. અહીંથી ગ્રીકો વિજયનો સ્વાદ ચાખવાની શરુઆત કરે છે, પરંતુ હજી સુધી તેઓએ અજેય હેકટરની હાજરી ધ્યાનમાં લીધી નથી, જે લડવાનું ચાલુ રાખી ટ્રોજન રેન્કનું સંપૂર્ણ પતન અટકાવી રહ્યો હોય છે. આ દરમ્યાન, ટ્રોજન પક્ષે, હેક્ટર તેના લોકોને લડત માટે પ્રોત્સાહિત કરે છે-પરંતુ તેનો પોતાનો આત્મવિશ્વાસ જ તૂટતો જતો હોવાનું તેને લાગે છે, અને જેવો એ સમરાંગણમાં પ્રસ્થાન કરે છે ત્યારે એને લાગે છે કે જાણે એ તેની પત્ની અને પુત્રને છેલ્લીવાર મળી રહ્યો છે. દેવતાઓ હેક્ટર અને ગ્રીક ચેમ્પિયન વચ્ચે દ્વન્દ્વ યુદ્ધનું આયોજન કરે છે, જેમાં એજેક્ષ ચિઠ્ઠી દ્વારા પસંદ કરાયેલો પ્રતિદ્વંન્દી છે. બંને યોદ્ધાઓ ભીષણ લડાઈમાં પ્રવૃત્ત થાય છે, પણ જેમ જેમ સાંજ ઢળતી જાય છે તેમ તેમ કોઈ સ્પષ્ટ વિજેતા દેખાતો નથી, જે બંને લડવૈયાઓને પાછા ખેંચવા માટે મજબૂર કરે છે. ફરી એકવાર હેલનના ભવિષ્યને લઈને ટ્રોજન્સ વચ્ચે વિખવાદ ઊભો થયો. પેરિસ, તમામ જપ્ત કરેલો ખજાનો ગ્રીકોને પરત કરી દેવાની ઉદાર દરખાસ્ત મૂકે છે. ગ્રીકો એ દરખાસ્ત ફગાવી દે છે. તેમ છતાં, બંને પક્ષો તેમના મૃત્યુ પામેલ સાથીઓને શોધીને તેમનું સન્માન કરવાના હેતુ માટે, કામચલાઉ યુદ્ધ વિરામ માટે સંમત થવાની સામાન્ય ભૂમિકા શોધે છે. તો પણ, તેમના શિબિર અને જહાજોની સુરક્ષા માટે રક્ષણાત્મક કિલ્લેબંધી રચવા, રક્ષણાત્મક દિવાલ અને ખાઈ ઊભી કરવાનું શરૂ કરે છે.

૩. ગ્રીકોની પીછેહઠ :

આ અવિરત લડાઈની વચ્ચે ગ્રીકોનું નસીબ દુઃખદ વળાંક લે છે. સર્વોચ્ચ દેવતા ઝીયસ આગાહી કરે છે કે જ્યાં સુધી એકિલસ સમરાંગણમાં પાછો આવશે નહિ, ત્યાં સુધી ગ્રીકોનુંહાર સહન કરવાનું ચાલુ રહેશે. જોકે ગ્રીકો પ્રત્યે પ્રેમ રાખનારી દેવીઓ હેરા અને એથેનાને તેમની દખલગીરી સામે સખત ચેતવણી આપે છે. સદ્ભાગ્યે, ગ્રીકો માટે આ દેવીઓનો સંકલ્પ અડગ છે અને તેઓ ઝીયસની ચેતવણીને ગણકારતી નથી. જેમ જેમ રાત વધતી જાય છે, તેમ તેમ યુદ્ધના બીજા દિવસાંતે ટ્રોજન લીડર હેક્ટરનો આત્મવિશ્વાસ પણ વધતો જાય છે. તેના સૈનિકો મેદાન ઉપર છાવણી ઊભી કરે છે અને હિંમતભેર ગ્રીકની ડીફેન્સ લાઈનનો સામનો કરે છે. દેખીતી રીતે જ, ગ્રીક રેન્કને હતાશા ઘેરી લે છે. એગેમેમ્નોનનો વિશ્વાસુ સલાહકાર નેસ્ટર, ગ્રીક નેતાને એકિલસ માટે ઓલિવની શાખા વિસ્તારવાની ઓફર ઘડે છે કે બ્રેસિસની સોંપણી અને એકિલસના મેદાનમાં પાછા ફરવા માટે દૂત મોકલવો. એકિલસ, જેને તેના સાથી પેટ્રોક્લસ સહિત યુદ્ધમોરચેથી અલગ કરવામાં આવ્યો હતો, તે અડગ રહે છે. પ્રતિષ્ઠિત યોદ્ધો ઓડીસિયસ, દૂતને પ્રતિભાવ આપતાં, ગ્રીક જહાજો ઉપર ટ્રોજન હુમલો ન કરે તેવી મક્કમ શરત મૂકે છે. ગ્રીક છાવણી પર પાછા ફરતાં ઓડીસિયસ આ હતાશાજનક પરિણામ જણાવે છે. ડાયોમેંડેસ પાછીપાની કરવાની ના પાડે છે અને કહે છે કે આપણે લડતા જ રહેવું જોઈએ. જો કે એગેમોમ્નોનની ભીતિ આશંકા વધતી જાય છે, તેને રાત્રે ઊંઘ પણ નથી આવતી. પોતાના સાથીઓ સાથે ચર્ચા કરવા તે અડધી રાત્રે મીટીંગ બોલાવે છે. તેમાં નેસ્ટરે ટ્રોજન શિબિરોમાં છૂપા જાસૂસ મોકલવાની દરખાસ્ત કરી, અને તે ડાયોમેડેસ અને ઓડિસિયસ બંનેએ સ્વીકારી. સાથોસાથ, ટ્રોજન લીડર હેક્ટર પણ એવી જ યોજના અમલમાં મૂકે છે. અને તેના એક માણસને ગ્રીકોની જાસૂસી કરવાનું કામ સોંપે છે. હવે નાટકીય વળાંકમાં, ડાયોમેડેસ અને ઓડીસિયસ, ટ્રોજન જાસૂસને પકડી પાડે છે અને તેને મારી નાખતાં પહેલાં, તેની પાસેથી મૂલ્યવાન ગુપ્ત માહિતી મેળવી લે છે. ત્યારબાદ તેઓ ટ્રોજન સાથે જોડાયેલા બાલ્કન આદિજાતિ –થ્રેસિયન્સના નિદ્રાધીન જૂથ ઉપર હુમલો કરે છે...તેમની જીત ક્ષણિક નીવડી. કારણ કે પરોઢિયે હેક્ટર યુદ્ધમાં ફરી જોડાય છે. આગામી ક્રૂર લડાઈમાં, એગેમેમ્નોન, ઓડિસીયસ, ડાયોમીડસ બધા ઘાયલ હોવા છતાં લડત ટકાવી રાખે છે. અને ગ્રીકો પીછેહઠ કરવા પોતાને મજબૂર જુએ છે. એકિલસનો વિશ્વાસુ સાથી પેટ્રોક્લસ, ગ્રીક છાવણીની મુલાકાત લે છે. એકવાર ફરીથી નેસ્ટર, એકિલસને ફરીથી યુદ્ધમાં જોડાવા વિનંતી કરે છે. ટ્રોજન્સ, ગ્રીક છાવણીની નજીક પહોંચીને તેમની લાભદાયી સ્થિતિને એટલી હદે દબાવી દે છે કે તેઓ માત્ર પગપાળા હુમલો જ ચાલુ રાખી શકે. તેઓ ગ્રીકોની સંરક્ષાત્મક દિવાલને તોડી નાખે છે, અને તેને નોંધપાત્ર નુકસાન પહોંચાડે છે. અને હેક્ટર આખરે મુખ્ય દરવાજો નીચે લાવવામાં સફળ થાય છે. જેથી ગ્રીકોને તેમના વહાણો તરફ ભાગી જવું પડે છે. સમુદ્રદેવ પોસેઈડનને તેમની ભયાનક દુર્દશા ઉપર દયા આવે છે. ઝીયસ જ્યારે ક્ષણભર માટે વિચલિત થાય છે ત્યારે તક જોઈને પોસેઈડન ગ્રીક યોદ્ધાઓને બદલો લેવા પ્રોત્સાહિત કરે છે, તેને હેરાનો પણ વધારામાં ટેકો મળે છે. હેરા, ઝીયસને નિદ્રામાં લાવે છે, જેથી પોસેઈડન ગ્રીકોને મદદ કરવાનું ચાલુ રાખી શકે. તેમ છતાં હેક્ટર મક્કમ રહે છે, તેની આગેકૂચ રોકવાનો ઈન્કાર કરે છે. આગામી રક્તપાતમાં, સેંકડો ગ્રીક અને ટ્રોજનો મૃત્યુ પામે છે. હેક્ટર પોતે ગ્રીક યોદ્ધા એજેક્સના વીર પરાક્રમનો ભોગ બને છે અને તેને ઘાયલ અવસ્થામાં ટ્રોય પાછો લઈ જવામાં આવે છે. ઊંઘમાંથી જાગ્યા પછી, પોસેઈડનના વિશ્વાસઘાતથી ક્રોધિત થયેલ ઝીયસ, તેને વિના વિલંબે પાછો બોલાવે છે. યુદ્ધનું સંતુલન પુનઃસ્થાપિત કરવા માટે, ઝીયસ, એપોલોને ટ્રોજનના પક્ષને પ્રોત્સાહન આપવા મોકલે છે. આ દૈવી હસ્તક્ષેપ દ્વારા સશક્ત થઈને, ટ્રોજન ફરી એકવાર ગ્રીક રક્ષણાત્મક દિવાલનો ભંગ કરે છે અને યુદ્ધ ગ્રીક જહાજોના દરવાજા સુધી આગળ વધે છે.

૪. પેટ્રોક્લસનું દુઃખદ અવસાન :

ગ્રીક લોકોએ પોતાને ભયંકર મુશ્કેલીમાં ફસાયેલા જાણ્યા પછી, એકિલસનો વફાદાર સાથી પેટ્રોકિલસ, એકિલસને વિનંતી કરે છે કે એકિલસને સ્થાને પોતાને યુદ્ધમાં ફરીથી જોડાવા સંમતિ આપે. તે મુજબ એકિલસ સંમતિ આપે છે. અને પેટ્રોક્લસને પણ તેનું બખ્તર પહેરવાની મંજૂરી આપે છે. પેટ્રોક્લસ સમયસર પહોંચે છે : એજેક્ષને પીછેહઠ કરવાની ફરજ પડાઈ હતી અને ટ્રોજન દળોએ ગ્રીક જહાજોનો વિનાશ શરુ કર્યો હતો, તેણે ઉલ્લંઘીને પેટ્રોક્લસ ત્રોજનને ફરીથી ઝપાઝપીમાં ખેંચી જાય છે, અને ખૂબ ઉત્તેજના લાવે છે. એક અદ્ભુત પરાક્રમમાં તેણે ઝીયસના પુત્ર અને ટ્રોજન સાથી સર્પેડોનને પણ હરાવ્યો. ટ્રોજનનો ખૂબ દૂર સુધી પીછો કરવા સામે અકિલસની કડક ચેતવણી હોવા છતાં, પેટ્રોક્લસ તેમને ટ્રોયના દરવાજા સુધી લઈ જાય છે. ત્યાં તે એપોલોના અને યુફ્રોરોબ્સના આક્રમણનો સામનો કરે છે. યુફ્રોરોબ્સ, પેટ્રોક્લસએક ભવિષ્યવાણી ઉચ્ચારે છે જેમાં એકિલસના હાથે હેક્ટરના નિકટવર્તી મૃત્યુની આગાહી કરી હતી. પેટ્રોક્લસના નિર્જીવ શરીરને ટ્રોજન્સ દીવાલોની અંદર લઈ જવાનો પ્રયાસ કરતા હતા, જોકે ગ્રીકો એનો સખત વિરોધ કરે છે જેથી એ બે વચ્ચે ભયંકર અથડામણ થાય છે, તે દરમ્યાન ગ્રીક યોદ્ધાઓ મેનોલેયસ, યુફ્રોરોબ્સને મારી નાખવામાં સફળ થાય છે. એથેનાની સહાયથી તે પેટ્રોક્લસના મૃતશરીરને પુનઃ પ્રાપ્ત કરે છે. એક અભેદ્ય ઝાકળને લીધે યુદ્ધ થંભી જાય છે, ત્યારે ઝીયસ ઝાકળને વિખેરી નાખે છે અને ગ્રીકો યુદ્ધમાં વ્યૂહાત્મક પીછેહઠનો વિકલ્પ પસંદ કરે છે. એન્ટીલોક્સ નામના દૂત(હેરલ્ડ)ને, એકિલસને ગંભીર સમાચાર આપવા મોકલવામાં આવે છે. તો પેટ્રોક્લસના અવસાનની જાણ થતાં એકિલસ શોકમાં ડૂબી ગયો. તેના શોકપૂર્ણ વિલાપ એટલા સબળ રીતે ગુંજી ઊઠ્યા કે તે અવાજ સમુદ્રના ઊંડાણ સુધી પહોંચે છે, ત્યાં તેની માતા થેટીસ તેની સાથી દરિયાઈ અપ્સરાઓ જોડે રહેતી હતી. થોટીસ હસ્તક્ષેપ કરે છે. તેના પુત્રને વિલાપમાં સાથ આપે છે, અને તે અકિલસને હેકટરનો પીછો કરવા સામે ચેતવણી આપે છે. કારણ કે તે પૂર્વાનુમાન કરે છે કે તે તેના પોતાના મૃત્યુની આગાહી કરે છે. તેમ છતાં, એકિલસ યુદ્ધમાં પાછા ફરવાના તેના નિશ્ચયમાં મક્કમ રહે છે, તેણે પેટ્રોક્લસનાં અવશેષ પાછાં મેળવવાં છે, અને બોનસમાં હેક્ટર ઉપર બદલો લેવો છે. એકિલસ એક દ્વિધાનો સામનો કરે છે: તેની પાસે જરૂરી બખ્તરનો અભાવ છે. જોકે એથેના, તેને પ્રકાશતા રક્ષણાત્મક તેજમાં સ્નાન કરાવે છે. અનિયંત્રિત પ્રકોપની આભાને બહાર કાઢતાં, એકિલસ પોતે ગ્રીક રક્ષણાત્મક દીવાલની બાજુમાં ઊભો રહે છે, અને યુદ્ધની ગર્જના કરે છે. ટ્રોજન્સ એટલા આતંકગ્રસ્ત છે કે ક્ષણભરમાં પેટ્રોક્લસનું શબ એક બાજુએ ફેંકી દેવામાં આવે છે. જેથી ગ્રીકો તેના નિર્જીવ સ્વરૂપને યુદ્ધના મેદાનમાંથી બચાવી શકે. જોકે હેક્ટર તેની માન્યતામાં અડગ રહે છે કે ઝીયસ ટ્રોજનની તરફેણ કરે છે અને આગલી સવારે, તેના સાથીઓને ફરીથી આક્રમણ શરુ કરવાની વિનંતી કરે છે. ગ્રીક છાવણીમાં, પેટ્રોક્લસના દફનની તૈયારીરૂપ તેના શરીરને શુદ્ધ કરવા, અભિષેક કરી વસ્ત્રો પહેરાવવા-વગેરે વિધિની તૈયારી કરવામાં આવે છે. પોતાના ઉપર તોળાઈ રહેલા ખતરા અંગે એકિલસ તેના પ્રિય મિત્ર જોડે શોક અને ચિંતા કરે છે. તેના પુત્રને બચાવવા માટે, થેટીસ લુહારના દેવ હેફેસ્ટસને એકિલસ માટેના નવાં બખ્તર બનાવવાની વિનંતી કરે છે.

૫. એકિલસનું ભયંકર આક્રમણ :

અવિરત યુદ્ધનો ચોથો દિવસ, થેટીસ દ્વારા બનાવડાવેલા, એકિલસના નવા બખ્તરની ડીલીવરી સાથે શરુ થાય છે. જોકે મિત્રના મૃત્યુ-શોકમાં ડૂબેલા એકિલસને નવું બખ્તર પણ યુદ્ધમાં નવું પરાક્રમ પ્રદર્શિત કરવા ઝાઝું સહાયક થતું નથી. જ્યારે એગેમેમ્નોન તેને બ્રેસિસ પરત કરે છે. એટલું જ નહિ, તે તેના ઘોડા ઝેન્થસ દ્વારા ઉચ્ચારવામાં આવેલા, તેના તોળાઈ રહેલા મૃત્યુની વિચિત્ર ભવિષ્યવાણી પર પણ તે ધ્યાન દેતો નથી. ઘોડો પણ ભવિષ્યવાણી ઉચ્ચારે એ ગ્રીક પુરાણકથાની વિચિત્ર કે વિશિષ્ટ વાત ગણાય. એકિલસનું એકમાર્ગીય ધ્યાન, તરત જ યુદ્ધમાં જોડાવા પર જ અટક્યું છે, છતાં ઓડિસીયસ તેને પહેલાં ભોજન લેવા આગ્રહ કરે છે, જેનો તે ઇન્કાર કરે છે. તેની હત્યાની તોળાઈ રહેલી શક્યતા એથેના જાણતી હોવાથી, તેને હવે ઉત્સાહિત કરવા એથેના તેને ગુપ્ત રીતે અમૃત અને સંજીવની આપે છે. એકિલસ ગ્રીકદળોને ફરીથી યુદ્ધમાં દોરી જાય છે. તેનું નવું બખ્તર સૂર્યપ્રકાશમાં ચમકે છે, અને તેનો મંદ આત્મવિશ્વાસ પુનઃ જાગૃત થઈ જાય છે. ઝીયસ, દૈવી હસ્તક્ષેપ, દેવતાઓને બોલાવવા પરના પ્રતિબંધને રદ કરે છે. ટ્રોજનના વારસદાર એનિયાસને એકિલસનો દ્વંદ્વ યુદ્ધમાં મુકાબલો કરવા એપોલો સમજાવે છે, જેનું પરિણામ એનિયાસની હારમાં જણાઈ આવે છે. જોકે પોસાઈડન હવે ટ્રોજનને સાથ આપી યુદ્ધમાં ઝંપલાવે છે અને એનિયાસને બચાવે છે. આથી ભયંકર ક્રોધમાં આવી એકિલસ ટ્રોજન ઉપર આક્રમણ કરે છે —જેને ‘અમાનવીય ફાયર રેજીંગ’ કહી શકાય. વિરોધીઓના લોહીમાં ખરડાયેલા રથના પૈડાંવાળા હેક્ટરને, વિકરાળ એકિલસ જોડે સીધી અથડામણ ટાળવાનું એપોલો તેને સમજાવે છે. એકિલસે ટ્રોજનોનો નોંધપાત્ર સંહાર કરતાં, તેમની પાસે ટ્રોયની સલામતી માટે પીછેહઠ કરવા સિવાય બીજો વિકલ્પ નથી. તેથી કેટલાક સ્કેમન્ડર નદીને પાર કરી છટકી જવાનો પ્રયાસ કરે છે, ત્યારે એકિલસ તેમનો પીછો કરે છે, જેમાં પ્રિયમનો નાનો પુત્ર પણ ભાગતો હોય છે. દૈવી ગુણોવાળી સ્કેમન્ડર નદી ટ્રોજનને બચાવવા એકિલસને વિનવે છે. પણ ક્રોધિત એકિલસ ગણકારતો નથી. આથી ગુસ્સે થઈને નદી પોતાનામાં પુર લાવીને બદલો લે છે. પ્રચંડ પુરમાં હેરા, બદલો લેવા હેફેસ્ટસ પર પ્રબળ હુમલો કરે છે, જે નદીને શાંત થવા મજબૂર કરે છે. ખુદ દેવતાઓ પણ વિખવાદમાં ફસાઈ જાય છે. એરેસ તેના દ્વારા ફેંકાયેલા પથ્થરનો સામો બદલો લેવા એથેના પર હુમલો કરે છે, પછી એફ્રોડાઈટનો સામનો કરે છે. તેને પીછેહઠ કરાવવા એ પ્રેમની દેવી પર દબાણ કરે છે. પોસાઈડન એપોલોને પડકારે છે, પણ તે યુદ્ધમાં જોડાવાની ના પાડે છે, કે હું માણસોના ઝઘડામાં પડતો નથી. આથી દેવી આર્ટિમસને ટોણો મારી ઉશ્કેરે છે. હેરા તેને થપ્પડ મારે છે. આર્ટિમસ આંખમાં આંસુ સાથે ઝીયસ તરફ દોડે છે. આવા ઝઘડાઓથી કંટાળીને દેવતાઓ આખરે ઓલિમ્પસમાં પાછા ફર્યા, પણ એપોલો ન ગયો, તેણે છૂપાવેશે, ટ્રોયથી દૂર રહીને પણ એકિલસને દોરવણી આપ્યા કરી. જ્યારે રાજા પ્રિયમે દરવાજા ખોલી નાખવાની તક ઝડપી લીધી અને સૈનિકોને શહેરમાં પાછા બોલાવી લીધા. ટ્રોજન યોદ્ધાઓ શહેરની દીવાલોની અંદરની બાજુએ શરણું શોધી લીધું, પણ હેક્ટર તો મેદાન ઉપર જ રહ્યો. તેના માતાપિતાની વિનંતી છતાં, તેણે એકિલસનો મુકાબલો કરવાનું નક્કી કર્યું. એકિલસે, એપોલોની ગુપ્તવેશ વાળી કામગીરી શોધી કાઢી છે અને તે ટ્રોય તરફ પાછો દોડી રહ્યો છે. હેક્ટર શરૂઆતમાં એકિલસથી ભાગી જાય છે. તેઓ શહેરની દિવાલોની આસપાસ ત્રણ પરિક્રમા કરે છે, પરંતુ એથેના એ હેક્ટરને અટકાવવા માટે છેતરે છે, અને એકિલસને તેની હત્યા કરવાની તક પૂરી પાડે છે, જ્યારે તે અંતિમ શ્વાસ લે છે, ત્યારે હેક્ટર એકિલસના માથા પર તોળાઈ રહેલા વિનાશની ભવિષ્યવાણી કરે છે. એકિલસ તેના બખ્તર પર ફરીથી દાવો કરે છે. ગ્રીક રિવાજની વિરુદ્ધ, તે હેક્ટરના નિર્જીવ શરીરનો દુરુપયોગ કરે છે, તેને તેના રથની પાછળ ખેંચીને કેમ્પમાં લઈ જાય છે. ગ્રીક લોકો, હજુ પણ પેટ્રોક્લસ માટે શોકમાં છે, તેઓ તેમના વહાણોમાં પાછા ફરે છે. પેટ્રોક્લસની અંતિમવિધિની રમતો, જેમાં રથની દોડ, બોક્સિંગ, કુસ્તી અને સશસ્ત્ર લડાઇનો સમાવેશ થાય છે, તે શરૂ થાય છે. જોકે, તેઓ એકિલસને થોડું આશ્વાસન આપે છે, જે અપરાધ, વેદના અને પસ્તાવાથી પીડાય છે. તે ઊંઘવામાં અસમર્થ છે, તે, હેક્ટરના નિર્જીવ સ્વરૂપને પેટ્રોક્લસની કબરની આસપાસ ખેંચીને લઈ જાય છે. એકિલસે અગિયાર દિવસ સુધી હેક્ટરના શરીર સાથે દુર્વ્યવહાર કર્યો અને આખરે એપોલોએ દરમિયાનગીરી કરી, અને ઝીયસને દરમિયાનગીરી કરવા વિનંતી કરી. ઝીયસ થેટીસને એકિલસને શરીરનો ત્યાગ કરવાનો સંદેશ આપવા સૂચના આપે છે. એકિલસ તેના સૂચનનો સ્વીકાર કરે છે, અને ભગવાન હર્મેસ કિંગપ્રિયમને તેના પુત્રના અવશેષો મેળવવા માટે ગ્રીક શિબિરમાં માર્ગદર્શન આપે છે, બદલામાં ભેટો આપે છે. એકિલસ અને પ્રિયમ વચ્ચેનો મુકાબલો અણધાર્યા આદર સાથે પ્રગટ થાય છે, જેથી તે બંને વહેંચીને ભોજન કરે છે. ટ્રોયમાં, હેક્ટરના મૃતદેહનો ભવ્ય અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો, રાજ્ય પ્રિયમના મહેલમાં ભવ્ય ભોજન સમારંભ થયો. આ રીતે અહીં 'ઈલિયડ'નું સમાપન થયું.

સારાંશ :

“ધ ઇલિયડ" એ ગ્રીક-ટ્રોજન સંઘર્ષની પરાકાષ્ઠાની ક્ષણોને વિગતવાર વર્ણન કરતું એક મહાકાવ્ય છે. તેનું કેન્દ્રબિંદુ એકિલસ છે, જે ગ્રીક યોદ્ધાઓમાં અગ્રણી છે, જેમના ગ્રીક નેતા એગેમેમ્નોન સાથે મતભેદ થવાથી તે તેને યુદ્ધના મેદાનમાંથી ખસી જવાની ફરજ પાડે છે. અન્ય હીરો જેમ કે ડાયોમેડીસ, ઓડીસિયસ અને એજેક્સના બહાદુર પ્રયાસો છતાં, અને પ્રચંડ દેવતાઓ પોસાઇડન, એથેના અને હેરાના સમર્થન છતાં, ગ્રીક દળો પાછીપાની કરે છે. ટ્રોજન રાજા પ્રિયમનો પુત્ર હેક્ટર, ટ્રોજનના વિજયને માટે ખૂબ આત્મવિશ્વાસુ છે, તે આગળ વધવા અને ગ્રીક જહાજો પર હુમલો કરવા માટે ઉશ્કેરે છે, આથી એકિલસનો નજીકનો મિત્ર, પેટ્રોક્લસને એકિલસના વતી મેદાનમાં ઉતરવા માટે પ્રેરણા થાય છે. પેટ્રોક્લસને ટ્રોજન આક્રમણ સામે પ્રારંભિક સફળતા હાંસલ થાયછે. પરંતુ ટ્રોજન આક્રમણને ભગાડવા તે પોતે દુ:ખદ રીતે હેક્ટરના પરાક્રમનો ભોગ બને છે. પસ્તાવાથી પ્રેરાઇને, એકિલસ યુદ્ધના મેદાનમાં પાછો ફરી ટ્રોજન સેના પર પ્રચંડ આક્રમણ કરે છે, .પરંતુ તેનો ઉત્સાહ હેક્ટર સાથેના ઘાતક મુકાબલામાં પરિણમે છે, જે બાદમાં હેક્ટરના મૃત્યુમાં પરિણમે છે. પરિણામે, એકિલસ હેક્ટરના નિર્જીવ શરીરને અપવિત્ર કરે છે, એક ઉલ્લંઘન જે તેની દૈવી માતાને ઉત્તેજિત કરે છે, જે દેવોના સામૂહિક અવાજનું પ્રતિનિધિત્વ કરે છે. આખરે, હેક્ટરના અવશેષો ટ્રોજન દ્વારા પુનઃપ્રાપ્ત કરવામાં આવે છે, જે ગ્રીકોની જીતને દર્શાવે છે. “ધ ઇલિયડ" એ એક મહાકાવ્ય છે જે ટ્રોજન યુદ્ધ દરમિયાન વીરતા, સન્માન અને માનવ બાબતોમાં દેવોના હસ્તક્ષેપ જેવાં વિષયવસ્તુ તપાસે છે. એકિલસ, દુઃખદ હીરો, કથાના કેન્દ્રમાં છે, તેનો ગુસ્સો અને યુદ્ધમાંથી તેની પીછેહઠ ગ્રીક અને ટ્રોજન બંને માટે ગંભીર પરિણામો આવે છે. આ કવિતા તેના પાત્રો દ્વારા અનુભવાતી માનવીય લાગણીઓની જટિલતાઓ, અને તેમનાં કાર્યોના પરિણામોનો અભ્યાસ કરે છે. અને મહાકાવ્ય સમાપ્તિની ભાવના સારો પૂરું થાય છે. "ધ ઇલિયડના કેટલાક મુખ્ય મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે છે:

1. એકિલસનો ક્રોધ

"ધ ઇલિયડ" વાર્તામાં સંઘર્ષનું કેન્દ્રબિંદુ એકિલસનો ગુસ્સો અને ગ્રીક સૈન્યમાંથી તેનું ખસી જવું તે છે. મુશ્કેલી ત્યારે શરૂ થાય છે જ્યારે ગ્રીક કમાન્ડર ઍગામેમ્નોન, એકિલસના યુદ્ધ પુરસ્કાર, બ્રિસીસને વળતર તરીકે લે છે. જે તેના પિતાને તેના પોતાના યુદ્ધ પુરસ્કાર, કાઇસીસને પરત કરેલું હોય છે. આ ક્રિયાથી એકિલસના સન્માનને ઊંડે ઠેસ પહોંચે છે અને તે ગ્રીક માટે લડવાનો ઇનકાર કરીને યુદ્ધમાંથી ખસી જાય છે. આ ઘટનાઓની શ્રુંખલા ગ્રીક અને ટ્રોજન બંને માટે નોંધપાત્ર પરિણામો તરફ દોરી જાય છે.

2. દેવતાઓની ભૂમિકા

"ધ ઇલિયડ" માં દેવતાઓ નોંધપાત્ર ભૂમિકા ભજવે છે. તેઓ આ સંઘર્ષમાં બંનેનો પક્ષ લે છે, કેટલાક ગ્રીકોને ટેકો આપે છે અને બીજા કેટલાક ટ્રોજનની તરફેણ કરે છે. દેવતાઓના રાજા ઝીયસ, દેવતાઓ વચ્ચે શક્તિનું સંતુલન જાળવવાનો પ્રયાસ કરે છે, પરંતુ માનવીય બાબતોમાં તેમની દખલગીરી ઘણીવાર સંઘર્ષમાં વધારો કરે છે. ઉદાહરણ તરીકે, એફ્રોડાઇટ, પ્રેમની દેવી, ગ્રીક રાજા મેનેલોસ સાથેના દ્વંદ્વયુદ્ધ દરમિયાન પેરિસ, એક ટ્રોજન રાજકુમારનું રક્ષણ કરવા દરમિયાનગીરી કરે છે.

3. “ધ ઇલિયડ"નો સર્વોત્તમ ટ્રેજિક હોરો એકિલસ

એકિલસ "ધ ઇલિયડ" નો સર્વોત્તમ ટ્રેજિક હીરો છે. તે યોધ્ધો છે તેની પાસે અજોડ કૌશલ્ય અને હિંમત છે, પરંતુ તેનું અભિમાન અને ગુસ્સો તેને તેના પતન તરફ દોરી જાય છે. એકિલસનું પતન અને તેનો આંતરિક સંઘર્ષ એ કવિતાનું કેન્દ્ર બિંદુ છે. તેનું સન્માન, તેનું મૃત્યુ અને તેની કીર્તિ . આ બધા પ્રશ્નો સાથે તે ઝઝૂમી રહ્યો છે. તેના નજીકના મિત્ર પેટ્રોક્લસની હત્યા થયા પછી તે આખરે યુદ્ધમાં પાછો ફરે છે.

4. હેક્ટરનું મૃત્યુ

હેક્ટર, આ મહાન ટ્રોજન યોદ્ધાને, "ધ ઇલિયડ"માં માનનીય વ્યક્તિ, એક ઉમદા અને આદરણીય પાત્ર તરીકે દર્શાવવામાં આવ્યું છે. તે ટ્રોયનો ડિફેન્ડર છે, એન્ડ્રોમીકીનો પ્રેમાળ પતિ છે. અને પુત્ર એસ્ટ્યાનાક્સનો પ્રેમાળ પિતા છે. જોકે, હેક્ટરનું ભાગ્ય સીલ થઈ ગયેલું છે. તે લડાઈમાં એકિલસનો સામનો કરે છે. તેનામાં હિંમત હોવા છતાં, હેક્ટર ગુસ્સે થયેલા ગ્રીક હીરો સામે મુકાબલામાં નથી ચાલતો. તેનું મૃત્યુ યુદ્ધમાં એક વળાંક તરીકે ઓળખાય છે તે ટ્રોયના અંતિમ પતનનું પૂર્વદર્શન આપે છે.

5. અંતિમવિધિની રમત

હેક્ટરના મૃત્યુ પછી, તેના અંતિમ સંસ્કાર માટે કામચલાઉ યુદ્ધવિરામ જાહેર થાય છે. આ સમય દરમિયાન, ગ્રીક લોકો તેમના માનમાં અંતિમ સંસ્કારની રમતો રાખે છે, જે ચાલુ સંઘર્ષમાંથી થોડી રાહત આપે છે. આ રમતો પ્રાચીન ગ્રીક સમાજમાં પતન પામેલા લોકો માટે સન્માન અને આદરનું મહત્વ દર્શાવે છે. તેઓ લડતા પક્ષો વચ્ચે એકતાની ટૂંકી ક્ષણ પણ પૂરી પાડે છે.

6. એકિલસનું સમાધાન અને કવિતાનો અંત

"ધ ઇલિયડ" એકિલસ એગેમેમ્નોન સાથે સમાધાન કરીને અને યોગ્ય દફનવિધિ માટે હેક્ટરના મૃતદેહને ટ્રોજનને પરત કરવા સંમત થાય છે. કવિતા ટ્રોયના પતનનું વર્ણન કરતી નથી; તે વાર્તા વર્જિલ અને અન્ય પ્રાચીન ગ્રંથો દ્વારા "Aeneid" માં આવરી લેવામાં આવી છે. તેના બદલે, "ધ ઇલિયડ" પૂર્ણાહુતીની ભાવના સાથે સમાપ્ત થાય છે. કારણ કે પાત્રો તેમની ક્રિયાઓના પરિણામો અને ભાગ્યની અનિવાર્યતા સાથે સંઘર્ષ કરે છે.

ચાલો મુખ્ય મુદ્દાઓની ફરી સમીક્ષા કરીએ:

૧. એકિલસનો ક્રોધ :

ક્રોધની તાકાત અને તેના વિનાશક પરિણામો દર્શાવતી આ એક વાર્તા છે. એકિલસ આ વાર્તાનું એક જટિલ અને કરૂણ પાત્ર છે જે હીરો અને વિલન આમ બંને છે. ખલનાયક તરિકે એનો ગુસ્સો વાજબી છે, પરંતુ તે તેને ભયંકર ભૂલો તરફ પણ દોરી જાય છે

૨. દેવો અને દેવીઓ :

દેવી-દેવતાઓ “ધ ઇલિયડ”માં મહત્વની ભૂમિકા ભજવે છે. તેઓ યુદ્ધમાં બંને પક્ષે દખલે કરે છે, અને તેઓ ઘણીવાર લડાઇના પરિણામોને પ્રભાવિત કરે છે. મતલબ કે દેવી-દેવતાઓને પણ માણસના જેવી જ લાગણી અને ગુણો હોય છે.

૩. યુદ્ધ અને હિંસાની ભૂમિકા :

ઇલિયડ એક ક્રૂર છે અને વાસ્તવિક યુદ્ધનું ચિત્રણ છે.. હોમર હિંસા અને રક્તપાતથી ભરપુર યુદ્ધનું વર્ણન કરતાં શરમાતો નથી. કવિતા મૃત્યુ, દુઃખ અને નુકસાનની આજુબાજુ રમે છે.

૪. પરાક્રમી પાત્રો.

ઇલિયડ એ શૌર્યની ઉજવણી વાળું વીરતાપૂજક કાવ્ય છે. ફ્રોક એકિલસ અને અન્ય ગ્રીક નાયકોનું, તેમની હિંમત શક્તિ અને સન્માન દ્વારા ઓળખાય છે. જોકે,આ કવિતા શૌર્ય સંહિતાની મર્યાદાઓ અને યુદ્ધની માનવજાતે ચૂકવવી પડતો કિંમતો પણ દર્શાવે છે.

અવતરણક્ષમ વિધાનો :

૧. “હે સૂરમયી, સંગીતની દેવી ! પુલેયસ પુત્ર એકિલસના ક્રોધની કવિતાનું ગાન કરો, જેણે અમ આર્કીયનવાસીઓ ઉપર અસંખ્ય અનિષ્ટોની વૃષ્ટિ કરી છે !” (પ્રકરણ ૧, પંક્તિ-૧)
૨. “એકિલસ, અમારો ઉમદા આર્કીયન, તેજ-તર્રાર અને તાકાતવર, એના જ નગરજનોની યાતનાનું કમનસીબ કારણ બન્યો છે...” (પ્ર.૧ – પં.૬ )
૩. “એકિલસનું મૃત્યુ થાય, એ જો વિધાતાની ઈચ્છા હોય, તો ભલે એમ થાય; પરંતુ એના જવા પહેલાં એને એકાદ કીર્તિવંત કાર્ય કરી જવાની તક આપો, પ્રભુ, કે જેથી એનું નામ અમારા દિલમાં અમર રહે !” (પ્ર.૧-પં.૯૭-૯૮)
૪. “એકિલસને એના મૃત્યુની જાણ હતી, પરંતુ તે એ પણ જાણતો હતો કે તે પૂર્વે એ ચિરસ્થાયી કીર્તિને વરશે. (૧-૧૦૪)
૫. “દેવતાઓ કેવા નિર્દય છે. તેઓ અમ માનવીઓને થોડીક ખુશી-સુખ તો આપે છે, પણ તે તરત પરત ખેંચી લેવાય તેવી દોરી તેઓના હાથમાં રાખે છે.” (૬-૧૪૫, ૧૪૬)
૬. “આ અવની ઉપર (માનવ)જીવન જેટલી મૂલ્યવાન વસ્તુ બીજી કોઈ નથી.” (પ્ર. ૧૨-૧૪૬) પુટીનને આ સમજાવો.
૭. “હે દેવી ! પુલેયસનાં પાપી પુત્ર એકિલસનો ગુસ્સો તો જુઓ, એણે આમ ગ્રીકવાસીઓ ઉપર અકથનીય અત્યાચાર કર્યા અને કેટલાયે વીર યોદ્ધાઓનાં ઢીમ ઢાળી દઈ તેમનાં શરીર ને માથાં કાગડા-કૂતરાને ખાવા નાંખી દીધાં, રે ક્રૂરતા !” .
૮. “ઝીયસની ઈચ્છા, માનવીઓની ઈચ્છા કરતાં બળવાન છે !” (ઈશ્વરેચ્છા બલિયસી)
૯. “શાણામાં શાણા અને પ્રજ્ઞાવાન પુરુષને પણ પાગલ કરી દે એવો જાદુ પ્રેમમાં છે—પ્રેમમાં ઉષ્મા છે, પ્રેમમાં મનોકામનાનો ધબકતો ધોધ છે, પ્રેમીના કાનમાં અપરિહાર્ય એવી પ્રેમની ગૂંજ છે !”
૧૦. “હે દેવતાઓ, તમે તો દુઃખ-દર્દોથી મુક્ત છો...હે અવિનાશી ઈશ્વર ! અમારું જીવનવસ્ત્ર એવી રીતે ગૂંથજો કે અમે દીન-દુઃખી મનેખડાં (માણસો) આવી યાતનાપૂર્ણ ઘડીઓને સહન કરી જઈએ..”