ટ્રેન આગળ વધતી રહી,
હું બારી બહાર જોતી વિચારતી રહી.
ઠંડીમાં સૂસવાતા પાટાઓ પડ્યા રહેશે પાછળ.
ડાયનોસોરની આખીયે જાતિ હવે લુપ્ત થઈ ગઈ છે.
મેં આંખો બંધ કરી અને અંધારામાં
ઉત્ક્રાંતિની જ એક કડીરૂપ, મને સૂઝે તેવા
આકારના પ્રાણીની કલ્પના કરી.
એને માથું ન હોય? ના, તો તો ખવીસ કહેવાય.
પગ ઊંધા હોય? ના, તો તો ડાકણ કહેવાય.
તો પછી પેલી ડોશી જેવું કંઈક,
જે પોતાનું જ માથું ખોળામાં લઈને જૂ શોધતી હોય?
એ પ્રાણી નર હોવું જોઈએ કે માદા?
માત્ર માદા.
એની ચામડી જ એવી જાડી હોય
કે કોઈ નર એની નજીક જ ન આવી શકે.
એ સ્વયં પ્રજનનશીલ હોય.
મને બકરી ગમે છે એટલે એનું કદ એટલું હોય.
પગ ત્રણ અને એક ટૂંકો હાથ આગળ લટકતો હોય.
જેથી એ જરા જુદી દેખાય.
પગના તળિયે ગાદી હોય.
એ ગમે તેટલે ઊંચેથી પડે, મરે નહીં.
એની ડોક જિરાફ જેમ લાંબી હોય એવું કંઈ નહીં.
ભલે એ નાનાં પ્રાણીઓનો શિકાર કરી લે.
એને સ્તનો તો હશે જ.
બચ્ચીઓ જંગલ જેવા રંગની જન્મશે.
એની આંખો તો આગળ જ હશે.
માથા પાછળ આંખ તો બહુ એકલી અટૂલી લાગે.
એક શીંગડું પાછળ હોવું જોઈએ, પ્રતિકાર માટે.
અને આયુષ્ય?
એ પોતે જ એને સંતોષ થાય એટલી પ્રસૂતિઓ
પછી મરી જશે.
એની જણેલી દીકરીઓ એના વતી જીવતી રહેશે.
મનુષ્ય એમને મારવા ઇચ્છશે.
પણ અંતિમ મનુષ્યનાં હાડકાં તો એ જ ચાવશે.
આ માદાને નામ શું આપવું?
ટ્રેનની ગતિમાં મને એક
લાંબા આવર્તનનો તાલ સંભળાય છે.
જાણે એના ત્રણ પગોની જ એ ગતિ!
❏